Punjanm - 48 books and stories free download online pdf in Gujarati

પુનર્જન્મ - 48

વાચક મિત્રો ઘણી વાર્તા અને ધારાવાહિક લખ્યા. ધારાવાહિકના ઘણા હપ્તા લખ્યા. પણ આ વખતે પુનર્જન્મ 48, 49, 50 ખૂબ જ કષ્ટદાયક રહ્યા. લખતા સમયે હદયમાં એક વ્યથા જન્મતી હતી. ક્યારેક આંખ ધુંધળી થઈ જતી હતી. શાંતિ અને પ્રેમનો કોઈ વિકલ્પ નથી. આ એક સંદેશ જ મારી કથાનું હાર્દ હોય છે. છતાં આ ત્રણ પ્રકરણમાં કોઈ ખામી રહી ગઈ હોય તો દરગુજર કરજો. કેમકે ફરી ફરી વાંચી એને સુધારવાની મારી ક્ષમતા નથી. કેમકે મારા કેટલાક પાત્રો મારા દિલમાં સર્જાય છે. અને એમને વેદનામાં જોવું સહજ નથી...
આભાર... જય શ્રીકૃષ્ણ

*** *** *** *** *** *** ***

પુનર્જન્મ 48

આખો દિવસ અનિકેત અજયસિંહ સાથે ચૂંટણીના પ્રચારમાં રહ્યો. આજનો દિવસ સરસ રહ્યો. બળવંતરાયનો પ્રચાર ઠપ્પ થઈ ગયો હતો. સાંજે અનિકેત ઘરે આવ્યો. આજે મોનિકા ફોન કરશે. કદાચ વૃંદાએ મોનિકાને વાત કરી હશે તો એને સમજાવવી અઘરી પડશે. એ સાંજનું જમવાનું બનાવવામાં પરોવાયો.
*** *** *** *** *** *** ***
સાંજ સુધીમાં મોનિકાને અણસાર આવી ગયો કે કંઈક ખોટું થયું છે.. વૃંદા પણ વધુ સમય વાત છુપાવી ના શકી.. મોનિકા વૃંદા પર પર ગુસ્સે થઈ
" તારે મને સવારે વાત કરવી જોઈતી હતી. "
મોનિકાને ખબર હતી. અનિકેત સાચું નહિ બોલે. એણે રોયને ફોન લગાવ્યો. આ જાહેર કિસ્સો હતો. એટલે એ વિશે જાણવું આસાન હતું. સવાર સુધીમાં રિપોર્ટ આપવાનું કહી રોયે ફોન કાપ્યો.
મોનિકાએ અનિકેત ને ફોન કર્યો. તદ્દન ઔપચારિક વાતો કરી મોનિકાએ ફોન કાપ્યો. અનિકેતને આશ્ચર્ય થયું. એને એવું લાગ્યું કે વાત રસ વગરની હતી. કંઇક ખૂટતું હતું એમાં. વાતનો આત્મા ગાયબ હતો.
મોનિકાને રોયની વાત યાદ આવી. સ્નેહા વિશે એના પિતા કંઇક કહી શકે એમ હતા. મોનિકાને આ સમય યોગ્ય લાગ્યો. મોનિકાએ બળવંતરાયને ફોન કર્યો. એમના કુશળમંગલ પૂછી વાતચીતનો પાયો નાંખ્યો. એમની સાથે પણ ઔપચારિક વાત થઈ. એમણે પણ ડિટેઇલમાં કોઈ વાત ન કરી.

*** *** *** *** *** *** ***

અનિકેત આંગણામાં ખાટલામાં સૂતો સૂતો તારા ગણવાની નિશ્ફળ કોશિશ કરી રહ્યો હતો. દિવાળી વીતી ગઈ હતી. વાતાવરણમાં ઠંડક હતી. પણ ઘરમાં સુવામાં એકલતા લાગતી હતી એટલે અનિકેત બહાર જ સૂતો હતો. માણસ ક્યારેય અચાનક વિચારશુન્ય નથી થઈ શકતો. ધીમે ધીમે મગજ વિચારોની પકડમાંથી મુક્ત થાય છે. અનિકેત પણ ના ચાહીને એમાં ઘસડાઇ રહ્યો હતો. બળવંતરાયને સજા આપવાનો સારો મોકો હતો. શું પોતે એમને બચાવીને ભૂલ કરી હતી..
આ એ જ વ્યક્તિ હતો જેને કારણે એના ઘરમાં પહેલી વાર પોલીસ આવી હતી. માતા અને બહેનની હાજરીમાં એને ખેંચીને બહાર લઈ ગયા હતા. પોતાના મહોલ્લામાં જ એને પોલીસની અડબોથ ખાવી પડી હતી. માતા અને બહેન કરગરતા રહ્યા અને પોલીસ પોતાને ખેંચી ને લઈ ગઈ હતી.
જેલમુક્ત થયા પછી પોતે ભોગવેલી અને જમનામાસી એ કહેલી ખૂટતી વિગતોને અનિકેત વાગોળતો રહ્યો.
પોલીસ કોન્સ્ટેબલે કોઈ ગાંસડી ટ્રકમાં નાખે એમ એને ધક્કો મારી જીપમાં બેસાડ્યો હતો. જીપમાં એ એક મડદાની જેમ પડ્યો હતો. શું કરવું એ એને સમજ આવતું ન હતું. એ ચૂપચાપ પડી રહ્યો. પોલીસ સ્ટેશનમાં પોલીસ એને ઢસડીને લઈ ગયા.. પોલીસ સ્ટેશનમાં બળવંતરાય બેઠા હતા. એ ઉભા થઇને આવ્યા. અને અનિકેત પર અંધાધૂંધ તૂટી પડ્યા. પોતે શારીરિક રીતે સામનો કરી શકે એમ હતો. પણ મન હારી ચૂક્યું હતું..
એ જ દિવસે કોર્ટમાં એને રજૂ કરવામાં આવ્યો. પોલીસને ત્રણ દિવસના રિમાન્ડ મળ્યા. ત્રણ દિવસ.... એ ત્રણ દાયકા સમાન હતા. અનિકેત પડખું ફર્યો.
પોલીસને નવું કાંઈ ના મળ્યું. બસ બળવંતરાયે મુકેલા આક્ષેપો સાચા છે એટલું જ કબુલાયું. પણ મન કહેતું હતું સ્નેહા મને બચાવશે. એ મને દુઃખી ના કરી શકે. મામા એ વકીલ રોક્યો હતો. પણ જામીન ના મળ્યા. અનિકેત ફરિયાદીને હેરાન કરી શકે એમ છે એ દલીલ કોર્ટે સ્વીકારી અને એ કાચા કામના કેદી તરીકે જેલમાં ગયો.
હજારો દોષિત કે નિર્દોષોની વેદના, વિરહ, યાતનાની સાક્ષી એવી કાળમીંઢ દિવાલોની પાછળ એ ગયો. પોતાની સ્વતંત્રતા, આઝાદી ગુમાવીને એક ગંદા આક્ષેપની સજા ભોગવવા. પણ એને વિશ્વાસ હતો કે એક દિવસ સ્નેહા કોર્ટમાં આવશે અને પોતે જેલમાંથી છૂટશે.
અને રક્ષાબંધન આવી. સુરભિ રાખડી લઈ જેલમાં આવી. સાથે માતા અને મામા હતા. બધાની આંખમાં એક વિશ્વાસ હતો. અનિકેત આવો ગુનો કરે જ નહિ. પણ જીવન આપણા માનવા પ્રમાણે નથી ચાલતું. દોઢ વર્ષ વીતી ગયું. ફરિયાદી પક્ષની અરજી કોર્ટે માન્ય રાખી. પીડિતા આરોપીથી ડરે છે અને એ આરોપી સામે પોતાનું નિવેદન આપતા ડરે છે. અનિકેતના વકીલની હાજરીમાં એણે કોર્ટને નિવેદન આપ્યું. એ અનિકેતની બહેનની બહેનપણી હતી. જેથી અવારનવાર એ અનિકેતના ઘરે જતી. અનિકેતે ધાકધમકી આપી એનું શારીરિક શોષણ કર્યું. આ સિલસિલો કોલેજમાં આવ્યા પછી પણ ચાલુ રહ્યો. વગેરે... વગેરે...
કોર્ટે અનિકેતને એના પરના સ્નેહાના આક્ષેપો બતાવ્યા. અનિકેત મૌન હતો. એના માન્યામાં નહોતું આવતું કે સ્નેહા આવું સ્ટેટમેન્ટ આપે. સાત વર્ષ માટે જેલની તોતીંગ દિવાલોની પાછળ એ ધકેલાઈ ગયો.
એ એક સજાની પાછળ બીજી સજા રાહ જોઇને ઉભી હતી. પડે છે ત્યારે સઘળું પડે છે. મહિના પછી રક્ષાબંધન હતી. સવારથી અનિકેત રાહ જોઇને બેઠો હતો. સુરભિ આવશે. રાખડી લઈને આવશે. પણ કોઈના આવ્યું. સુરભિ અને માતાએ સ્નેહાના આક્ષેપો સાચા માન્યા હતા. એ અનિકેત માટે સૌથી મોટી સજા હતી. એ દિવસ પછી ક્યારેય ઘરેથી કોઈ ના આવ્યું. ના એ પેરોલ પર ગયો. ના કોઈએ ઉપલી કોર્ટમાં જવાની કાર્યવાહી કરી.

*** *** *** *** *** *** ***

પોતાનો દીકરો આવું કરે. માન્યામાં નહોતું આવતું. અનિકેતની માતા ઘરે આવીને એ ખાટલામાં ઢગલો થઈ ગયા. શરીર હતું, પણ મન ન હતું. દિવસે દિવસે શરીર લેવાતું ગયું. કોઈ અકળ રોગ ઘર કરી ગયો. ઘરે આવતા લોકો બંધ થઈ ગયા હતા. ખેતરનું કામ રખડી પડ્યું હતું. બધું સુરભિના માથે આવી પડ્યું હતું. અને એ છોકરી આ જવાબદારી ઉઠાવવા સક્ષમ ન હતી. આખરે મામા આવ્યા. બધું બંધ કરી બહેન અને ભાણીને મોસાળ લઈ ગયા.
દિવસે દિવસે માતાની તબિયત લથડતી જ ગઈ. આખરે એમણે ભાઈ પાસે વચન લીધું.
" મારી સુરભિને ઠેકાણે પાડજો અને મારી લાશ પર એ કમજાતનો પડછાયો ના પડવો જોઈએ. "
કમજાત.. હા... એ કમજાત હતો. માતાના અંતિમદર્શન પણ ના કરી શક્યો. અગ્નિદાહ તો દૂરની વાત હતી. અરે કોઈ ન્હાવા પૂરતા સમાચાર આપવા પણ તૈયાર ના થયું કે તારી મા મૃત્યુ પામી છે. અને એનો જવાબદાર હતો, બળવંતરાય.... હા બળવંતરાય.... સુરભિ એકલી પડી.. ખૂબ રડી. ખૂબ રડી...
અને વર્ષો સુધીની એકલતા પછી મામા એ એનું સગપણ કર્યું. એક એન.આર.આઈ. સાથે. સુરભિએ તો કંઇ ના પાડવા જેવું હતું જ નહિ. અને ઘડિયા લગ્ન લેવાયા. જે કમજાત માતાના અંતિમ દર્શન ના કરી શક્યો એને લગ્નનું આમંત્રણ ક્યાંથી હોય. સુરભિ માતા અને ભાઈ વિહોણી પરણી ગઈ....
અને એ કમજાતને કોઈએ આ સમાચાર આપવાની ઔપચારિકતા પણ ના દાખવી. અને એનો જવાબદાર હતો બળવંતરાય.....
જેલમાં અનેક અગવડો હતી. તકલીફો હતી. પણ અનિકેતનું મન ક્યારેય એ તકલીફો તરફ જતું ન હતું. યંત્રવત જીવન એ જીવી રહ્યો હતો. જીવતી લાશ બની ગયો હતો એ. કેટલા વર્ષો વિત્યા એ પણ એને ભાન ન રહ્યું.
અને એક દિવસ એને બોલાવવામાં આવ્યો.. એની બહેન સુરભિ એને મળવા આવી છે.

(ક્રમશ:)

25 ઓક્ટોબર 2020


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED