હું જીવું છું કે જીવાઇ રહ્યો છું ?
Am I living or being lived?
જાગીને ખુદને હું જાગ્યો છું એવું માનવાની ભુલ કરી બેઠો છું.
એક એવો ભ્રમ જે હું બેહોશીમાં જાતે જ પાળી બેઠો છું
એક એવું જુઠ જે હું વર્ષોથી સત્ય સમજીને ખુદને કહી બેઠો છું.
કે....હું જીવું છું ......
ખરેખર હું જીવું છું ? કે જન્મથી ફક્ત જીવાઇ રહ્યો છું ?
હા સત્ય છે કે હું જીવતો નથી પણ જીવાઇ રહ્યો છું.
જન્મતાની સાથે જ હું સાચા ધર્મથી દુર થયો.
બોલતાની સાથે જ હું જીવતાં ભુલી ગયો.
હિંદુમાં જન્મ્યો એટલે મારો ધર્મ હિંદું ?
મુસ્લિમમાં જન્મ્યો એટલે મારો ધર્મ મુસ્લિમ ?
શીખમાં જન્મ્યો એટલે મારો ધર્મ શીખ ?
અને જૈનમાં જન્મ્યો તો મારો ધર્મ જૈન ????
ધર્મ પાછળ વગર માગે લાગાડી દીધેલા લેબલો અને દરેક લેબલના અસત્ય પર રચાયેલા નિયમોને વર્ષો થી સત્ય કહી કહી ને સત્ય બનાવી દિધેલા
આ તમારા પાયા વગરનાં માળખા નીચે હું ફક્ત જીવાઇ રહ્યો છું, અને ધીરે ધીરે હવે તો અકળાઇ પણ રહ્યો છું.
હા સત્ય છે કે હું જીવતો નથી પણ જીવાઇ રહ્યો છું......
જન્મતાં જ મારા ખરા સ્વરુપ(અસ્તિત્વ) પર ધર્મનું મુખોટું તમે એવું તો મારા પર જડી દિધું કે હું મારા ખરા સ્વરુપને જ ભુલ્યો
અને આ મુખોટાને જ આખી જીંદગી મારુ સાચું સ્વરુપ(અસ્તિત્વ) સમજ્યો.
જો આ જ મુખોટાનાં અસ્તીત્વને સત્ય સમજીને મર્યો..?????...
તો તેનું પરીણામ એ જ હશે કે હું જીંદગી જીવ્યો જ નથી, ફક્ત બેહોશીમાં જીવાયો !!
જીવનનાં અંત સમયે પણ ખુદ પોતે જ શાંતિ માટે વલખા મારતાં કોઇ વૃદ્ધને પોતાના જ પુત્ર કે પુત્રીને
તેમના જીવનનાં દરેક પડાવ પર આ લેબલો સાથે જોડાયેલા ધર્મના નિયમો માનવાની ફરજ પાડતો જોઉ ત્યારે થાય છે કે
આ તે કેવી બેહોશી છે , આ તે કેવો ડર છે કે જીવાઇ ગયેલા જીવન પરથી પણ સત્યને જોઇ નથી શકાતું ???
નથી પોતે જીવ્યા કે નથી તેમના પુત્રો જીવી રહ્યા, બધા જ બસ અર્થવિહોણા નિયમો પ્રમાણે જીવાઇ રહ્યા છે
અને મરી રહ્યા છે. જીવી તો કોઇ રહ્યું જ નથી.
મળી ગયા પછી શોધવાની પ્રવૃતિનો અંત આવે છે એ સત્ય છે.
જીંદગી આખી તેને મંદિર, મસ્જીદ,ચર્ચ, ગુરુધ્વારામાં શોધવા છતાં જો એ નથી મળતો ? તો તેનું એક જ કારણ હોઇ શકે,
"આપણે મળી ગયા પછી પણ શોધવાની પ્રવૃતિનો અંત નથી કર્યો"
સ્વાર્થ અને અભીમાનના સહારે ટકી રહેલા આ જડ અને વાસી થઇ ગયેલા વર્ષોનાં રીતરીવાજો ને તોડવા છે મારે.
સવાલો રુપી તલવારનાં સહારે વર્ષોની આ બેહોશીને હવે જડમુળમાંથી કાપવી છે મારે.
ધર્મ પાછળ લગાવેલા આ બધા જ લેબલોને હટાવીને વધતાં ફક્ત ધર્મને સમજવો છે મારે.
અજ્ઞાનતાના મુખોટા પાછળ રહેલા મારા સાચા સ્વરુપને અનુભવવું છે મારે,
બસ, જીવાવું નથી પણ હવે જીવવું છે મારે.
શક્ય હશે એટલો પ્રયત્ન કરીશ તમારા બનાવેલા આ વર્ષોનાં ચીલાઓને ભુસવાની.
નહી કરુ હવે તમારા બનાવેલા આ નિયમોની પરવા.
જાણું છું મારા કહેવાથી વર્ષોની આ બેહોશી એમ જ દૂર નહીં થાય, પણ ....
રોજે પ્રાર્થના કરી શકુ સૃષ્ટિનાં કણ કણમાં વસતા એ જીવનને કે મને પણ જીવવાંનો
અનુભવ આપે અને આ લેબલોના નિયમો નિચે જીવાય રહેલા જીવન ને નષ્ટ કરે.
જીવનનો જે અનુભવ કૃષ્ણ,પયગંબર, ઇશુ, મહાવીર, બુદ્ધ, નાનક,રામ, જેવા અનેક લોકોએ એક સમાન અનુભવ્યો
એ જીવનનો અનુભવ ઝંખું છું.
હું બસ જીવવાં ઇચ્છું છું નહી કે જીવાવાં.
અઘરું તો છે જ વર્ષોનાં તમારા આ એક તરફી જડત્વને તોડવું પણ શરુઆત તો કરવી જ રહી...
સોરી, હૈપી ન્યુ યર કહીને ફરી એકવાર આ બેહોશીનું પ્રમાણ નહી આપું,
કેમ કે હવે હું જીવવાં ઇચ્છું છું નહી કે જીવાવાં.
-ચિરાગ કાકડિયા