ખાટીમીઠી અમેરિકન લાઇફ Bhupendrasinh Raol દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખાટીમીઠી અમેરિકન લાઇફ

ખાટીમીઠી અમેરિકન લાઇફ

અમેરિકા એક ફ્રી કન્ટ્રી છે. મુક્ત વિચારસરણી અને મુક્ત આચારસંહિતામાં માનતો આ દેશ છે. જો કે એનાથી ઘણા બધા પ્રશ્નો પણ ઊભા થઈ શકે. બધું અહીં ખરાબ છે એવું પણ નથી. બધું અહીં સારું છે એવું પણ નથી. આમ તો લગભગ અમેરિકા વિષે બધા જાણતા જ હોય છે, આપણા કદી અમેરિકા આવ્યા ના હોય, કશું અહિ જોયું ના હોય એવા ગપોડી લેખકો દ્વારા લખાયેલા અમેરિકા વિશેના લખાણો દ્વારા આમ તો ભારતમાં લગભગ બધા જ અમેરિકા વિષે અમેરિકનો કરતા પણ વિશેષ જાણતા હોય છે. હું પણ એમાંનો એક જ હતો, છતાં અહીં આવ્યે દસ વરસ થયા તો મારા અનુભવે લખવાનું મન થયું છે.

અહીં ૨૫ કે ૩૦ વર્ષ પહેલા આવેલા અમુક ભારતીયો હજુ એજ જૂની મનોદશામાં જીવે છે. પૈસે ટકે ભલે સુખી થયા હોય પણ માનસિકતા એની એજ છે. ધર્મની બાબતમાં તો લોકો રોજ બરોજ વધારે ગાંડા થતા જતા હોય તેમ લાગે. ઘરમાં ટેપ ઉપર કેસેટ મૂકીને પણ સત્યનારાયણની કથા સાંભળ્યા વગર ના ચાલે. ભારતીયો ધંધા પાણીમાં ખુબજ આગળ વધેલા છે. એવરેજ ગુજરાતી અને પંજાબી ધંધામાં આગળ વધેલા છે તો એવરેજ દક્ષિણ ભારતીયો સારી સારી નોકરીઓમાં આગળ વધેલા છે. જોકે પૈસો વધવાથી વૈજ્ઞાનિક અભિગમ આવી જાય તેવું નથી.

દેશમાંથી નવા આવેલાને તેમના પહેલેથી અમેરિકા વસતા ખુદના સંબંધીઓ પણ લગભગ મૂરખ જ માનતા હોય છે. દરેક વાતે ટોક્યા કરે. આમ બેસવાનું, આમ ચાલવાનું, આવી રીતે ખવાય, આમ નહિ ખાવાનું, નહાવાનું કઈ રીતે થી માંડીને નાહી ને ટબમાંથી બહાર કઈ રીતે આવવાનું, ને શરીર કઈ રીતે લૂછવાનું સુદ્ધાં શિખવાડે જ રાખે. હશે ગામડેથી સીધા કે ખેતરમાંથી સીધા અમેરિકા આવી ગયા હોય તેમને શિખવાડે તો બરોબર. શરૂઆતમાં આપણે અહીંની ભૂગોળથી અજાણ્યા હોઈએ. અને કામ ધંધો કે નોકરી ના હોય, ગાડી પણ ન હોય. એટલે સંબંધીઓ ઉપર પુરેપુરા આધારિત હોઈએ એટલે એનો લાભ પણ લેવાઈ જાય. બે જાતના સંબંધીઓ હોય છે. એક તો નવા આવેલા દેશીને પૂરી મદદ કરી વર્ષ બે વર્ષ પોતાને ઘેર રાખી, પોતાને પડી હોય તેવી તકલીફ ના પાડવા દઈને સેટ કરી દે અને એનાથી ઊલટા પણ હોય છે. અમને પડી હતી તેવી તકલીફ તમે પણ વેઠો. ‘તમારે તો બહુ સારું છે, અમે અહિ છીએ બાકી અમને તો ખૂબ તકલીફ પડેલી’, એવા વાક્યો વારંવાર રોજ સાંભળવાની તૈયારી રાખવી પડે.

મારા એક મિત્ર અડધી રાતે એમના સાઢુભાઈના ઘેર થી નીકળી ગયેલા. દરેક વાતે સલાહ આપતા એક સંબંધીને મેં સખ્ત શબ્દોમાં જણાવી દીધેલું કે મેં ખાલી અહીંના રસ્તા જોયા નથી એટલું જ બાકી મને મૂર્ખ સમજવાની કોશિશ ના કરશો. આજે કશું કામ હોય તો ૨૫ વર્ષથી અહીં રહેતા એ મને અને મારા ફક્ત ત્રણ વર્ષથી આવેલા દીકરાને પૂછવા આવે છે.

શરૂમાં તમને અહીંના ઉચ્ચારણમાં સમજ ના પડે. તમે ભલે અંગ્રેજી જાણતા હો, પણ અહીંના ઝડપથી બોલાતા અંગ્રેજીને સમજતા વાર લાગે છે. સ્ટોરમાં શરૂમાં મેં જૉબ કરેલી એમાં ઘણીવાર હસવાનું થાય. મને અહીં બોલાતું અંગ્રેજી જલદી સમજાય નહિ. એક માણસને મેં ગોઠવી ગોઠવીને અંગ્રેજીમાં કહ્યું કે મને અહીંનું તમારા લોકોનું ઉચ્ચારણ સમજાતું નથી કારણ અમે બ્રિટીશ ઈંગ્લીશ ભણેલા છીએ. એ માણસ તો સાંભળી જ રહેલો. કોઈ પ્રતિભાવ એના મોઢા પર જણાય નહિ. મારા સ્ટોર માલિક દૂર ખુરશીમાં બેઠાં બેઠાં મારી વાતે હસ્યાં કરે. પછી મને કહે એ પણ તમારા જેવો જ છે, એને તો તમારા જેટલું પણ અંગ્રેજી આવડતું નથી. મને પણ ખૂબ હસવું આવ્યું. એ ભાઈલો સ્પેનિશ હતો. એને અંગ્રેજી આવડતું જ નહોતું. મેક્સિકન ને લેટીન અમેરિકાના દેશોમાંથી ગેરકાયદેસર આવેલા લોકો ભાષાની બાબતમાં સાવ ગયેલા હોય છે. આ લોકો અહીં ખુબજ મજૂરી કરે. ભારતીય લોકોને પણ આ લોકો બ્રેનવાળા ગણે. જોકે અહીંની સેકંડ લૅન્ગ્વેજ સ્પેનિશ હોવાથી આ લોકોનું અંગ્રેજી ના આવડે તો પણ ગાડુગબડી જાય.

મારી જોડે એક મિઘેલ કરીને મેક્સિકન કામ કરતો હતો. માઈકલનું સ્પેનિશમાં મિઘેલ થઈ જાય. અમારા સ્ટોર માલિક પટેલ હતા તેમને વાતે વાતે ‘ગાડેમી'(ગોડ ડેમ ઈટ) બોલવાની આદત. પેલો સ્પેનિશ એને મા સમાન ગાળ સમજે. એને એની માતાએ મોટો કરેલો. એના પિતા બીજું લગ્ન કરી છોડી ને જતા રહેલા. એની માતા માટે એને ખૂબ માન. એટલે મને ખાનગીમાં પૂછે કે બોસ મને ગાળ તો નથી દેતો ને? મેં એને કહ્યું કે ના આ તો ગોડને યાદ કરે છે. એક વાર બોસ ‘ગાડે મી’ બોલ્યા તો પેલો સામે કહે ‘બોસ યુ ગાડેમી , મી નો ગાડેમી. અમે બધા ખૂબ હસ્યા. પછી બોસે એને સમજાવ્યો કે તને ગાળ નથી દેતો. શરૂમાં લોકો ‘ગેટાર્ડે હિયર’ એવું બોલે તો સમજાય નહિ પછી ખબર પડી કે ગેટ આઉટ ફ્રોમ હિયર કહે છે. પણ આ વાક્ય તો ખાસ ‘જા જા હવે’ અથવા ‘ભાગ અહીંથી’ એવા સંદર્ભમાં વપરાય છે.

એક ડેની કરીને ભાઈલો આવે સાથે એના જેટલી ઊંચાઈના ચાર છોકરાં પણ આવે. એક દિવસ એની પત્ની સાથે આવ્યો ને કહે હવે અમે લગ્ન કરવાના છીએ. મેં પૂછ્યું હજુ લગ્ન નથી કર્યા? મને નવાઈ લાગેલી કે ચાર ચાર છોકરાં થયા ને હજુ હવે લગ્ન? જો કે મને લાગેલી એટલી જ નવાઈ એને મારા સવાલ થી લાગેલી. અહીં આવા સવાલ પૂછવાની જરૂર ના લાગે. એક યંગ કપલ આવે બંને પોત પોતાના પૈસે વસ્તુઓ લે. અહીં લગ્ન વ્યવસ્થા લગભગ તૂટી ચૂકી છે. બધા લિવ ઇન રિલેશનશીપ થકી સમજીને રહેતા હોય છે.

અહીં એક ચવાઈ ગયેલી જોક દેશી લોકો ખૂબ કહે. ત્રણ ડબલ્યુ www નો અહીં જરાય ભરોસો નહિ. Work, weather અને women ત્રણની પીન ગમે ત્યારે છટકે. ગમે ત્યારે કામ પરથી આપણી ભાષામાં કહીએ તો કાઢી મૂકે. છેક કામ પરથી છૂટવાના સમયે કહે કે કાલ થી આવતા નહિ, ભલે ૨૫ વર્ષ થી કામ કરતા હોવ. અહીં હવામાનની પીન પણ ગમે ત્યારે છટકે. મનફાવે ત્યારે વરસાદ આવી જાય. એકાદ વાવાઝોડું એવું આવી જાય કે ઝાડ વગેરે ઘડીમાં ગબડાવી નાખે. શિયાળો પણ લાંબો ને બરફ વર્ષા થાય ત્યારે ખલાસ. સવારે ઊઠીને ખેતરમાં પાણી વાળવા જવાનું હોય તેમ પાવડા પકડવા પડે બરફ ઉસેટવા. અને વુમન એટલે સ્ત્રીઓનું પણ એવું. ગમે ત્યારે ડિવોર્સ માંગી લે. ને ભાયડાને રસ્તા પર લાવી દે. જોકે હવે આવી અમેરિકન સ્ત્રીઓની વાદે હવે દેશી સ્ત્રીઓ પણ ચડી છે. જોકે એવા દાખલા ઓછા જોવા મળે. એક સંબંધી બહેન ઇંગ્લૅન્ડથી આવેલા. તો અમેરિકન દેશી લોકોની મજાક કરતા કહે તમારા અમેરિકન દેશી લોકો એ.બી.સી.ડી હોય. હું તો કશું બોલ્યો નહિ. એટલે એમની જાતે ફોડ પડ્યો કે અમેરિકન બોર્ન કન્ફ્યુઝ્ડ દેશી. મેં તરત જવાબ આપ્યો કે અમે તમારા ઇંગ્લૅન્ડના લોકોને bbcd માનીએ છીએ. બ્રિટન બોર્ન કન્ફ્યુઝ્ડ દેશી. પેલાં પછી ચુપ થઈ ગયા.

ભારતીય લોકોમાં પણ અહીં બે જાતના લોકો હાય છે. એક તો હંમેશા ભારતને વખોડ્યા કરશે ને અમેરિકાના ગુણગાન ગયા કરશે. એવા લોકો મળે તો હું એમને કહું છું કે ઘરમાં ભારતીય બૈરી શું કામ રાખી છે? અમેરિકન બૈરી રાખી જો તો ખબર પડે. અહીં ભારતીય સ્ત્રીઓ ખૂબ મહેનત કરે છે. સાથે સાથે ઘરકામ ને નોકરીનો સમય સાચવવાનો, બાળકોનું ને ઘરડા માબાપનું પણ ધ્યાન રાખતી હોય છે. જ્યારે અમેરિકન સ્ત્રી હોય તો ખર્ચ પણ અડધો ને કામ પણ અડધું એમ વહેંચી ને જ બધું થાય. બીજા એવા મળે કે આખો દિવસ અમેરિકાને વગોવ્યા કરે. કેવો દેશ છે આ તો? વેધરના ઠેકાણા નહિ. જૉબની કોઈ સલામતી નહિ. થોડી પણ ભૂલ થાય તો પોલીસ ટીકીટ આપી દે. આવા લોકોને હું કહું કે ભાઈ અહીં કોણ તને બુશ કે ક્લીન્ટન આમંત્રણ આપવા આવેલા? જાઓ ને પાછાં ચાલ્યા જાવ કોણે તમને રોકી રાખ્યા છે? જે દેશ તમને પાળે પોષે છે તેને ગાળો શા માટે દેવી? ભારતમાં કોઈ જૂતા સાફ કરવા પણ ના રાખે તેવા લોકો જેવી તેવી પણ જૉબ કરીને સારું કમાતા જોયા છે. છતાં ગાળો તો દેવાની જ. દરેક દેશને સંસ્કૃતિમાં સારું ને ખોટું બંને રહેવાનું. આપણે શું રાખવું, માનવું ને ઉપયોગ કરવો તે આપણે જોવાનું છે. સારું સારું વીણવાનું ને કાંકરા ફેંકી દેતા કોણ રોકે છે?

લગભગ ૧૯૮૩ પછી મેં પોતે મારા ગામ કે વડોદરામાં લગ્નપ્રસંગે જમણવારમાં લાડુ કે ફૂલવડી કે મોહનથાળ ખાસ જોયા નથી. ૧૯૯૦ પછી તો હું વડોદરા પાછો રહેવા આવી ગયેલો. એટલે અહીં જમણવારમાં ફૂલવડી જોઇને મને નવાઈ લાગેલી. ભારતમાં હવે જમણવારમાં લાડુ ભુલાઈ ગયા છે. પણ અહિ લોકો નાના નાના પ્રસંગોએ લાડુ ભૂલ્યા નથી. એક મિત્રના પ્રસંગમાં મને દાળ-ભાત, બટેટા રીંગણનું રસાવાળું શાક, લાડુ, ફૂલવાડી, વાલની છૂટી દાળ વગેરે જમવા મળેલું તો મને ખૂબ મજા આવેલી ભૂલી બિસરી યાદે જેવું ફિલ થયેલું.

અમેરિકા એવો દેશ છે જ્યાં આખી દુનિયામાંથી લોકો આવે છે. મૂળ અમેરિકનો પણ અહીંના નથી. યુરોપથી વિવિધ જાતની પ્રજા અહીં આવીને વસેલી છે. પણ કાયદા કાનૂન અને વહીવટ બ્રિટનથી ચાલતો હતો. એટલે બોસ્ટન ટી પ્રકરણ થી બળવો શરુ થયો. ચાની પેટીઓ દરિયામાં ઉંધી પાડીને શ્રી ગણેશ શરુ થયા. એટલે આજે પણ અમેરિકનો ચા નથી પીતાં કોફી ખૂબ પીવે. દરેક ઓફીસ કે કંપનીમાં કોફી મફતમાં પીવા મળે. જાતે બનાવી લેવાની, ઉકાળેલી કાળી કોફીના જગ ભરેલા જ હોય.

અમે પહેલી વાર બે મિત્રો ન્યુયોર્ક એક સગાં સાથે ગયેલા. એ ભાઈ બાકી બચેલી વર્લ્ડ ટ્રેડ સેન્ટરની એક બિલ્ડીંગમાં કામ કરતા હતા. મારા મિત્રને કોફી પીવાનું મન થયું. નવા નવી એટલે કોફી માંગી તો સ્ટોર વાળાએ કાગળના બનેલા કપમાં કાળો કાવો ભરી આપ્યો. પેલાં તો આવીને બગડેલા મોઢે દવા પીતાં હોય તેમ લીમીટેડ ચૂસકી ભરે ને ખાસી વાર આરામ કરે. હું આજુબાજુ આંટા મારતો હતો. થોડી વાર નોટિસ કર્યા પછી લાગ્યું કે કૈંક ગરબડ છે. નજીક આવી ને જોયું તો કાળો કોફીનો કાવો, ગળે શીદને ઊતરે? મેં કહ્યું ચાલો સ્ટોર પર. પાછાં ગયા. એક બાજુ મોટા મગમાં દૂધ હતું તે રેડ્યું ને ખાંડના નાના નાના પડીકા ખાસા દસબાર નાખી આપ્યા, ત્યારે પીવા જેવી થઈ.

પેલાં સગાની રાહ જોવામાં ખાસી વાર બેસી રહ્યા એટલે પોલીસ વાળો આવ્યો ને પૂછપરછ કરવા લાગ્યો. જો કે અમારી પાસે ડ્રાયવીંગ લાઈસન્સ હતું એ આપ્યું. અમને ભારતીય જાણી, કૈસે હો એમ બોલ્યો. પછી ખબર પડી એનું નામ ગણેશ હતું. જો કે ભારત કદી જોયેલું નહિ. એ હતો ગયાનીઝ. વર્ષો પહેલા યુ.પી. ને બિહારથી ગયાના ગયેલા લોકો હજુ નામ વગેરે ભારતીય રાખે છે. એટલામાં પેલાં સગાં આવી ગયા એટલે એમણે મામલો સાંભળી લીધો.

બ્રિટનથી અહીં બધું ઊંધું ચાલે. ડ્રાઇવિંગ ડાબી બાજુ કરવાનું. એટલે ગાડીઓ પણ એવી રીતે જ બને. કિલોમીટર નહીં પણ માઈલ ચાલે. નાની ગલીઓમાં રહેણાક વિસ્તારમાં ૨૫ માઈલની લીમીટ હોય એટલે ૪૦ કિ.મી. થાય ને, ૪૦ માઈલની લીમીટ હોય એટલે ૬૫ કિ.મી. થાય. અહીં ઝડપ વધારે હોય છે. તાપમાન પણ સેલ્શીયસ ને બદલે ફેરનહીટમાં ને વજન પણ કિલો નહિ પણ પાઉન્ડમાં વપરાય. અહીં ગાડીઓ મોટી ને લાંબી આરામથી પુરા પગ લંબાવીને ચલાવી શકો. છતાં ઘણા સંબંધીઓ ને છેક સ્ટીયરીંગ ને અડીને બેસીને ચલાવતા જોએલા છે. જાણે નાની બટુકડી મારુતિની યાદો ભૂલવા જ માંગતા નાં હોય તેવું લાગે. હું કહું પણ ખરો કે આરામથી ચલાવો. તો કહેશે ના મને એવું ના ફાવે. આગળ દેખાતું નથી. આગળનું બૅયોનેટ જોઈ જોઈ ચલાવે. હું ઘણી વાર કહું કે જુઓ સૂચના લખેલી છે કે સ્ટીયરીંગથી અંતર રાખી ગાડી ચલાવો જેથી અકસ્માત થાય તો બચાવ માટેની હવા કોથળી(એર બેગ)પુરા ઝનૂનથી ત્રાટકતી હોય છે તે વાગે નહિ. પણ પડી આદત એકદમ છૂટે નહિ.

દસબાર વખત કમ્પુટરમાં નૉલેજ ટેસ્ટ આપ્યો હોય ત્યારે માંડ લેખિત પરીક્ષામાં પાસ થયા હોય. વળી પાછાં ડ્રાઇવિંગ લેસન લીધા હોય છતાં બે ચાર વાર પ્રૅક્ટિકલ ડ્રાઇવિંગ ટેસ્ટમાં પણ ફેઇલ થયા પછી માંડ લાઈસન્સ મળ્યું હોય, છતાં આપણી ભારતીય બહેનો જ્યારે મોટી ટોયોટા કે હોન્ડાની વેન લઈને નીકળે ત્યારે એમનો રોફ જોવા જેવો હોય. કાળા ગોગલ્સ પહેરેલા હોય ને ગાડીમાં પણ વેત ઊંચી થઈ ગઈ હોય. આજુબાજુ તો એવી રીતે જુએ કે જાણે બધા મચ્છરો હોય! મોલમાં જાય તો પાર્કિંગ કરતા નાં આવડે, તો ઠોકીને નવી ને નવી ગાડીઓને ગોબા પાડી આવે. હું મજાકમાં પૂછું તો કહેશે હું તો મોલમાં અંદર હતી, આતો કોઈ ઠોકી ગયું હશે. બે ચાર વાર ૮૦ ડોલર એટલે ત્રણચાર હજાર રૂપિયાની ટીકીટ મળી જાય, ને પોઇન્ટ લેવા નાં હોય તો કોર્ટમાં ચારસો ડોલર એટલે આશરે ૨૪,૦૦૦ રૂપિયા ભરવા પડે એટલે બધો રોફ ઊતરી જાય, ને વધારામાં ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પણ વધી જાય. નાનામાં નાની ભૂલ માટે પણ મોટો દંડ ભરવો પડે. અડધી રાતે કોઈ ના આવતું હોય તો પણ ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઈટ હોય તો ઉભા રહી જવાનું. અહીં રાતે પણ સિગ્નલો ચાલુ જ હોય છે.

એકવાર હું નવા નવી ફિલાડેલ્ફીયા ગયેલો. પાછાં ફરતા ટોલટેકસ ભર્યા વગર ઇઝી પાસ વાળા રસ્તે નીકળી ગયો. ઘેર ટપાલમાં ગાડીના ફોટા સાથે ટીકીટ આવી ગઈ. ઇઝી પાસનું સ્ટીકર રોજ જવા વાળા કાર આગળ લગાવી રાખે તે સ્કેન થઈ જાય. એટલે કેબીન આગળ રોકાઈને પૈસા ભરવા ના પડે. અમારા એક મિત્ર સવાર સવારમાં ભારતની જમણી બાજુ ગાડી ચલાવવાની આદતથી અચેતન રૂપે મજબૂર થઈ ગયા, ને ઊંધા રસ્તે ગાડી ચલાવવા લાગેલા. સારું થયું કે સામેથી કોઈ કાર આવતી નહોતી. જો કે સામેથી સવાર સવારમાં કોઈ કાર આવતી નહોતી એમાં જ ભૂલ થઈ ગઈ હતી. પણ સામે જ પોલીસ વાળો ભટકાઈ ગયો. એણે સાઇડમાં ઊભી રાખવાનું કહ્યું પણ અંગ્રેજી આવડે નહિ ને ધોળિયો બોલે તે સમજ્યા નહિ, ને જાતે સમજી લીધું કે જવાનું કહે છે. એટલે ઘર ભેગાં થઈ ગયા. પોલીસે જવા દીધા પણ ઘેર સમન્સ આવી ગયો, કોર્ટમાં જવું પડ્યું ને ચારસો ડોલર છુટા કરવા પડ્યા. ન્યુ જર્સીમાં નૉલેજ ટેસ્ટ પાસ કરો, ભારતનું લાઈસન્સ બતાવો અને તે જૂનું હોય તો જ પ્રૅક્ટિકલ ટેસ્ટ લીધા વગર અહીં નું લાઈસન્સ આપી દે છે. બીજા સ્ટેટમાં એવું નથી.

આ ફ્રી મુક્ત વિચારસરણી ધરાવતા દેશમાં મને લાગ્યું કે સ્ત્રીઓ વધારે સિગારેટ પીવે છે, પુરુષો કરતા. કદાચ હું ખોટો પણ હોઈ શકું. આપણી ભારતીય છોકરીઓને પણ સિગારેટ પીતાં જોઇને મને શરૂમાં નવાઈ લાગતી. અઢાર વર્ષથી નીચેના ને સિગારેટ ના વેચાય. પણ અહીંના છોકરા શરીરે એટલાં બધા હૃષ્ટપુષ્ટ હોય કે સમજ ના પડે કે આ નાનો છે. અહીં ઓબેસિટીનો બહુ પ્રૉબ્લેમ છે. આપણે ત્યાં અવપોષણથી લોકો પીડાય છે, દૂબળા પતલા. જ્યારે અહીં અતિ પોષણ થકી લોકો પીડાય છે. અને જો સિગારેટ ના આપી હોય તો નાનકો માબેન સમાણી ગાળો ચોપડાવી ભાગી જાય. આવું છે ભાઈ અમેરિકા!!!!!

અહીં પણ મસાજ પાર્લરના બહાને વૈશ્યા ગૃહો ચાલતા હોય છે. ભારતીય સ્ત્રીઓ પણ મળે છે એવું પણ જાણવા મળ્યું છે. ડિવોર્સ તો સામાન્ય બાબત છે. આપણે એક જ વાઈફ કે એક જ હસબન્ડ સાથે વર્ષો થી રહીએ છીએ જાણી આ લોકોને નવાઈ લાગે. બે વાર પૂછશે સેઈમ વાઈફ? આપણે હા કહીએ તો નવાઈ લાગે. જો કે વર્ષોથી એક જ પતિ-પત્ની હોય એવા પણ અનેક જોડા મેં અહિ જોયા છે. અહિ રહેતા ભારતીય, ચાઇનીઝ અને લૅટિન અમેરિકન લોકોમાં એવા વર્ષોથી સાથે રહેતા જોડા અહિ વધુ જોવા મળે તેવું મને લાગે છે. અહીં બધાને ચેઇન્જ જોઈએ છે. વાઈફમાં પણ ચેઇન્જ અને હસબંડમાં પણ ચેઇન્જ. પ્રૉબ્લેમ ખાસ સંતાનમાં જો છોકરી હોય તો વધારે થાય છે. એક માતા હોય એને સંતાનમાં છોકરી હોય, અને પતિદેવ બદલાઈ ગયા. હવે આ છોકરીના નવા બાપને લોહીની સગાઈ તો ના હોય. એક નવું જમીનતોડ સંશોધન એવું કહે છે કે બાયોલોજીકલ પિતાની હાજરીમાં છોકરીની પુખ્ત બનવાની પ્રક્રિયા થોડી ધીમી હોય છે, પીરિયડમાં પણ નૉર્મલ સમયે આવતી હોય છે, જ્યારે ઘરમાં જીનેટીકલી એટલે બાયોલોજીકલ પિતાની ગેરહાજરી હોય અને ઘરમાં જે પણ પુરુષ રહેતો હોય તે જીનેટીકલી લોહીની કોઈ સગાઈ ધરાવતો ના હોય, દા.ત. સ્ટેપ ફાધર, તો નાની છોકરીનું બ્રેઈન આ વાત નોટિસ કરતું જ હોય છે, અને આવા પુરુષની સતત હાજરીને લઈને છોકરી જલદી સમય કરતા વહેલી પુખ્ત બની જતી હોય છે, પીરિયડમાં પણ વહેલી આવતી થઈ જતી હોય છે. જે યોગ્ય હોતું નથી. હવે એનો અસલી બાયોલોજીકલ બાપ ના હોય એટલે છોકરી યુવાનીમાં ડગ માંડતી થાય તે પહેલા બાપ જોડે સેક્સના સંબંધો બંધાઈ જતા હોય છે. મા પાછી બહાર કેરિયરને નોકરીના લીધે બહાર વધારે રહેતી હોય. અને છોકરી અબુધ હોય ને બાપ ચાલાક હોય, છોકરીને બહેકાવી ઉપયોગ કરી લેતા હોય છે. બહેકાવા માટેની દવા અહીં છૂટથી મળતી હોય છે તે છે દારુ, શરાબ. સ્ત્રીઓના સ્ત્રૈણ હાર્મોન્સ દારૂથી વધારે ભડકી ઊઠતા હોય છે એવું ક્યાંક વાંચ્યું છે. આમાં વાંક તો બાપનો જ કહેવાય. અસલી બાપ હોય તો આવું નાં કરે. આ વિષય પર મેં મુવી પણ જોયા છે. નીત નવા પતિ બદલવાનું આવું પરિણામ એ અમેરિકાનું બહુ મોટું કલંક છે.

અહીં યુવાન છોકરીઓ પાછી ગલઢાંઓ જોડે ફરતી હોય છે. એને શુગર ડેડી કહેવાય. આ ડેડીનું ગળપણ પૈસામાં મપાય. પૈસાના જોરે ને છોકરીઓને કમાવા જવું ના પડે માટે શુગર ડેડીની પ્રથા ચાલુ થઈ છે. તાયરાના શોમાં મેં આવી છોકરીઓ જોએલી. એના વિરુદ્ધમાં ગલઢી ડોસીમાઓ શું કામ પાછી પડે? એ વળી જુવાનિયા છોકરાઓ લઈ ને ફરતી હોય, આને શુગર મામા કહેવાય. મામા એટલે મધર. wwf ની બનાવટી કુસ્તીઓના ખેલ ટીવીમાં જોયા હશે. એમાં હલ્ક હગન નામનો કુસ્તીબાજ આવતો હતો. હવે એ તો ઘરડો પણ થઈ ગયો છે. એને એક જુવાન છોકરો ને છોકરી પણ છે. હવે એની વાઈફે પોતાના છોકરાની ઉમરના છોકરા જોડે રહેવા ડિવોર્સ લઈ લીધા છે. આ થયો શુગર મામાનો સેલીબ્રીટી કેસ. ટીવીમાં પણ અહીં બહુ ચગેલો. હવે એનો દીકરો ઈન્ટરવ્યુંમાં કહે મારી માતા એની જોડે ખુશ રહેતી હોય તો શું વાંધો છે? જ્યારે એની છોકરીને આ વાત નહિ ગમેલી. છોકરીને ઘરડા બાપની દયા આવતી હશે કદાચ. ભાઈ આતો મુક્ત આચાર વિચાર વાળો દેશ છે. પણ આ બધું આપણે શીખવા જેવું નથી.

એક લીકર સ્ટોરના ગુજરાતી માલિક સાંજ પડે સ્ટોરમાં જ પીવાનું ચાલુ કરી દેતા. પછી ખબર પડી કે એમને પણ બે જુવાનજોધ દીકરો ને દીકરી હોવા છતાં એમના ધર્મપત્ની કોઈ બીજા જોડે રહેતા હતા. એમના પત્નીએ બેત્રણ બોય ફ્રેન્ડ બદલેલા. રોજ રોજ નવા નવા બોય ફ્રેન્ડ બદલી બદલી ને ઘરમાં ગ્રોસરી ભરતી ભારતીય ગુજરાતી સ્ત્રીઓ પણ મેં અહીં જોઈ છે. આરામથી ચિકન ચબાવતી અહિંસક(જૈન) ભારતીય સ્ત્રીઓને પણ જોઈ છે. સ્ટોરમાં એક મા દીકરી આવતા હતા. સ્પેનિશ હતા. થોડા દિવસ પછી એક છોકરો જોડે આવેલો. માએ એવી ઓળખાણ આપી કે મારી દીકરીનો બોય ફ્રેન્ડ છે. થોડા વખતમાં તો માતુશ્રીના રંગરૂપ બદલાતા જણાયા. માતુશ્રી રોજબરોજ કપડે લત્તે યંગ દેખાવા લાગ્યા. દીકરી સાથે આવતી બંધ થઈ ગઈ. પછી માતુશ્રીને હોનેવાલે જમાઈરાજ બંને એકલા આવવા લાગ્યા. પછી સમાચાર મળ્યા કે અનુભવી માતુશ્રી લડાઈ જીતી ગયા ને ભાવી જમાઈ રાજા માતાશ્રીના બોય ફ્રેન્ડમાં પરિવર્તિત પામ્યા. અમે તો આ વાત જાણી ખૂબ હસ્યાં. છોકરીઓને ખબર પણ ના હોય કે એનો નાનકો કોનાથી થયેલો. પછી લડાઈ ઝગડા ચાલે. પેલો કહેશે હું આ નાનકાંનો બાપ નથી. જિનેટિક ટેસ્ટ થાય ત્યારે ખબર પડે કે અસલી કોણ, નકલી કોણ. ભાઈ આ તો અમેરિકા છે. મુક્ત દેશ, ફ્રી કન્ટ્રી!!

અમારા સ્ટોરમાં એક સ્પેનિશ બાપ આવતો, એની જોડે એની વીસેક વર્ષની દીકરી મોટું પેટ લઈ ને આવતી. એ ગર્ભવતી હતી ને કુંવારી હતી. આપણે ત્યાં છોકરી કુંવારી ગર્ભવતી થાય તો બાપને મરવા જેવું થાય. જ્યારે આ બાપ તો એની ખૂબ કાળજી રાખતો હતો. મને આ બધું જોઈ ખૂબ નવાઈ લગતી. પણ આ લોકો ભાવ પ્રદર્શનમાં ખુલ્લા દિલના. એક આધેડ બહેન આવતા. રોજ આવે એટલે વાતોમાં હસી મજાક થઈ જાય. એક દિવસ એમના પતિદેવ જોડે હતા ને કશી વાત નીકળી તો એમના પતિને મારા વિષે કહે ‘આઈ લવ ધીસ ગાય, હી ઈઝ વેરી નાઈસ ગાય.’ પેલો પણ હસીને યા!!યા!! કરે. જોકે આ લોકો હળવાશથી કહેતા આવું કહેતા હોય એને સીરીયસ ના લેવાય. પણ આપણે ત્યાં કોઈ પત્ની એના પતિને બીજા પુરુષ માટે હળવાશથી પણ આવું કહી ના શકે, સંસારમાં આગ લાગી જાય. મારા શ્રીમતી ને એમની કંપનીમાં કોઈ વાર લેવા મૂકવા જાઉં ને ત્યાં લગભગ ભારતીય બહેનો જ કામ કરે છે, ને કોઈ બહેન હાય કહે કે હાથ ઉંચો કરી અભિવાદન કરે ને સામો પ્રત્યુત્તર ના આપીએ તો મેનરલેસ કહેવાઈ જઈએ માટે હું જવાબમાં હાય કહું કે કેમ છો પૂછું તો પછી ઘરમાં આગ ના લાગે પણ તણખા મંડળ તો થાય જ.

ભારતીય પત્નીઓ પતિને ચાહતી હોય તો પણ ક્યારે પતિને ‘લવ યુ’ કહ્યું હશે? હમણાંની નવી પેઢીનો મને ખ્યાલ નથી. આવું પતિદેવો વિષે પણ સમજવું. અથવા તમે બહુ રૂપાળા લાગો છો. એવું કહ્યું હશે કદી? મને અહીં આવ્યો ત્યાં સુધી ખબર નહોતી કે હું રંગે રૂપે દેખાવે સારો છું. પણ અહીં આવ્યો ત્યારે લગભગ પચાસનો હતો, પચાસ વર્ષે મને અહીંની ધોળી, સ્પેનિશ ને સંપૂર્ણ ભીનો વાન ધરાવતી સ્ત્રીઓ ને છોકરીઓ દ્વારા ખબર પડી કે હું ઠીક ઠીક સારો દેખાઉ છું. પચાસ વર્ષે આવું અલભ્ય જ્ઞાન થવું ઠીક ઠીક મોડું કહેવાય. કેમ ખરું ને ? હવે આ વાંચીને દરેક વાચકોએ લાગતાં વળગતાને પૂછી લેવું જરૂરી છે કે તેઓ કેવાં દેખાય છે. જેથી મોડે મોડે ખબર પડ્યાનો પસ્તાવો ના થાય.

એકવાર મેં જૉબ ઉપર જાતે જ સર્વે કરેલો. મારી સાથે કામ કરતા મિત્રોને મેં પૂછ્યું કે તમે બધાએ તમારી વાઈફને આઈ લવ યુ કહ્યું છે ખરું? મોટાભાગે બધા ગુજરાતી જ હતા. એક મિત્ર કહે મારી વાઈફને આઈ લવ યુ કહું તો બિચારી બેભાન જ થઈ જાય. એક ડોસા કહે એમાં હું કેવાનું? એ જાણે જ છે હું ઈનો સુ, એ મારી સ.. અહાહાહા.. આ સાંભળી એક મિત્ર બોલ્યા જાણે છે કે આ ખોટા રૂપિયાને કોઈ સંઘરવાનું નથી.

અહીંની નાની મોટી કાળી ધોળી માતાઓ બોલવામાં બહુ નફટ ગણો કે બેશરમ કે પછી પ્રમાણિક, પણ ‘આઈ લવ યુ’ કે ‘યુ લુક સો હૅન્ડસમ’ કે ઘણી ‘યુ લુક બ્યુટીફૂલ’ કહે તો વેંત અધ્ધર થઈ જવાય. મનમાં તો સારું લાગે. અહીં મને તો હેન્ડસમની જગ્યાએ બ્યુટીફૂલ શબ્દ જ કહેતા લોકોને સાંભળ્યા છે. આ નાનલી પોયરીઓ(છોકરીઓ)પણ ‘આઈ લવ યુ’ કહી દેતા વાર ના લગાડે. આપણે કહીએ કે હું તો પચાસનો થયો આવું નાં બોલાય તારા કરતા મારા છોકરા ઘણા મોટા છે તો જવાબ આપશે “એજ(age) ઈઝ જસ્ટ નંબર મેન”!!!! મારા સ્ટોર માલિક મને શરૂમાં સાવ અણઘડ ને ગમાર સમજતા હતા, પણ ગ્રાહક બહેનો ને માતાઓએ ગુડ મેન, ગુડ મેન કહી એમને મારું રીસ્પેક્ટ કરતા કરી દીધા હતા. ક્લીન્ટન ભાઈ પાંચ ટ્રીલીયન ડોલર, રૂપિયામાં કેટલા થાય? એટલાં શ્રી પુરાંત જણસેમાં મૂકીને ગયા હતા. બુહાભાઈ(બુશભાઈ) એના કરતા પણ વધારે શ્રી ખોટ જણસે કરીને ગયા, દેશને પાયમાલ કરતા ગયા. ને અમારા જેવાને સ્ટોરની નોકરી છોડવાનો વખત આવ્યો. હવે જોકે ઈકોનોમી સુધરવા લાગી છે.

અહીં બધી વિધિઓ સાવ સરળ હોય છે. બેંકનું કામ હોય કે સરકારી કામ. બધું ઓનલાઈન પતી જાય. મેં બે વર્ષ કંપનીમાં જૉબ કરી ને કંપનીમાં નવું સેટઅપ કરવાનું હોવાથી હું કાયમી હતો છતાં લે ઑફ આપી દીધો. પણ સરકારમાંથી અનએમ્પ્લોયમેન્ટ મળે. એની વિધિ સાવ સરળ. ઓન લાઈન કે ફોનથી કામ પતી જાય. પત્ર દ્વારા જવાબો ફટાફટ આવી જાય. એક ટેલિફોનથી સામાન્ય પૂછપરછ કરી લે. એમાં પણ અહીં ન્યુ જર્સીમાં તો દુભાષિયા મળે. ફોર્મ ભરતા ઇન્ટરપ્રીટરના ખાનામાં ગુજરાતી લખો એટલે ફોન પર કોઈ ગુજરાતી બહેન આપણી વાતનું ભાષાંતર કરીને કહે. અહીં અગાઉથી ટૅક્સ કાપી લે પણ ટૅક્સ રિટર્ન ભરતા પ્રોફેશનલ ભાઈ તરત જ કહી દે પાંચ મિનિટમાં કે આટલાં પૈસા પાછાં મળશે. અને કહ્યા હોય તેટલા પાછાં ચેક દ્વારા આવી જાય કે એકાઉન્ટ નંબર આપેલો હોય તો જમા થઈ જાય.

બેંકમાં જાવ એટલે પહેલા વેલકમ કરે. પાંચ મિનિટમાં પાછાં. આપણાં જેવા સોગિયાં મોઢા કરી ને કોઈ બેઠાં ના હોય. સામે થી પૂછી લે કે હવે કોઈ કામ બાકી છે? આપણે ભારતમાં તો કશું પૂછીએ તો વડચકું ભરી લે. દિવસ સારો જાય કે વિક એન્ડ સારો જાય તેવી શુભકામના સાથે વિદાય કરે. જો બેંકની અંદર ના જવું હોય તો પણ ચાલે. ડ્રાઈવ થ્રુ માં જઈ કારમાં બેઠાં બેઠાં જ બેંકનું કામ પતી જાય. આવી આવી સગવડો મળતી હોય પછી ગાળો દેતા દેતા પણ અમેરિકા છોડી ભારતમાં કોઈ પાછું ના જાય. અપવાદ રૂપ કિસ્સા બનતા હોય, પણ મોટા ભાગે અહીંની સગવડો થી ટેવાયા પછી કોઈ જવાનું નામ ના લે.

આપણ ભારતીયોને પશ્ચિમને જોયા જાણ્યા વગર વગોવવાની ટેવ પડી ગઈ છે. પશ્ચિમમાં ગણપતિ કે નવરાત્રી જેવા તહેવાર છે નહિ. પશ્ચિમમાં તહેવારના દિવસે તમને કોઈ દેખાય જ નહિ. રોડરસ્તા સુમસામ હોય છે. બધા પોત પોતાના ઘરોમાં સગા સંબંધીઓ સાથે ઘરમાં ભરાઈ જાય અને પાર્ટી કરે. આપણે તહેવારોના દિવસે રોડ-રસ્તાઓ ઉપર આવી જઈએ છીએ. આપણે ક્રિસમસ ઊજવીએ છીએ પશ્ચિમના વાદે પણ તે આપણી રીતે ઊજવીએ છીએ. આપણે ૩૧મી ડિસેમ્બર ઊજવીએ છીએ આપણી રીતે પશ્ચિમની રીતે નહિ. આપણે પશ્ચિમના તહેવારો ઊજવીએ છીએ ત્યારે રૂઢિવાદી લોકો વિરોધ કરે છે, પણ તે રૂઢિવાદીઓને ખબર નથી કે તે બધાં આયાત કરેલા તહેવારો આપણી મનોદશા પ્રમાણે ઊજવીએ છીએ પશ્ચિમની રીતે નહિ.

ચાલો આપણા ગુજરાતી લોકો પણ અહિ નવરાત્રી ઊજવે છે; પણ બંધ પેટીપૅક સાઉન્ડપ્રૂફ હોલમાં, કોઈ જાહેરમાં લોકો પરેશાન થઈ જાય તેમ નહિ. આજે દસ વર્ષ થયા મેં અહિ કદી વરઘોડો જોયો નથી. કોઈ સરઘસ જોયું નથી. હા ૧૫ ઓગસ્ટનાં દિવસે ભારતીયો ન્યુયોર્કમાં અને ન્યુ જર્સીના ઓક ટ્રી રોડ પર પરેડ કાઢે છે. ત્યારે પોલીસ સંપૂર્ણ વ્યવસ્થા સાચવે છે. કોઈ બેન્ડ વાજા જોયા નથી. કોઈ ધાર્મિક જુલૂસ જોયા નથી. દસ વર્ષમાં વરઘોડા કે સરઘસોના લીધે ટ્રાફિક જામમાં હું કદી ફસાયો નથી. હા કોઈ પક્ષીની ખાસ તો બતકોની હાર જતી હોય રોડ ક્રોસ કરતી હોય તો ગાડીઓ ઊભી રહેતા જોઈ છે. સ્કૂલની બસ ઊભી હોય તો બધી ગાડીઓ ઊભી રહી જતી હોય છે. એટલી શિસ્ત આપણે ત્યાં અશક્ય છે. આપણે ત્યાં રેલવે ફાટક પર ફાટક બંધ હોય ત્યારે સામસામે કૌરવ પાંડવોની સેના લડવા ઊભી હોય તેમ લોકો આખો રોડ રોકીને ઉભા થઈ જતા હોય છે. ફાટક ખૂલશે એટલે સામેથી આવનારા ક્યાં જશે તેની કોઈ ચિંતા હોતી નથી. ફાટક ખૂલે એટલે વાંકાચૂંકા થઈ કલાબાજીઓ કરતા નીકળતા હોય છે. અહિ મેં એવા રેલવે ફાટક જોયા છે કે બંને બાજુ જવા આવવાના રસ્તે અડધો જ ડંડો લાંબો કરેલો હોય. મતલબ આખો રોડ બંધ ના હોય. આ લોકોને વિશ્વાસ કે ખુલા રસ્તેથી કોઈ જશે જ નહિ માટે આખો રોડ શું કામ બંધ કરવો? આ અહીંની શિસ્ત છે.

અહીંનો મુખ્ય રોગ છે ડ્રગ. ભારતના પંજાબમાં ડ્રગનું ચલણ વધ્યું છે તે જાની દુઃખ થાય છે. અહિ બહુ નાની ઉમરમાં છોકરા છોકરીઓ ડ્રગ લેવામાં ફસાઈ જતા હોય છે. એમાં આપણા ગુજરાતીઓ પણ બાકાત નથી. હમણાં એક સંબંધીનો ૨૦ કરતા ઓછી ઉમરનો દીકરો વધુ પડતું ડ્રગ લેવામાં જાન ખોઈ બેઠો છે.

હું રહું છું તે સ્ક્રેન્ટનમાં ચારે બાજુ ડુંગરા જ ડુંગરા છે. પણ એકેય ડુંગરની ટોચ પર ધોળી કે લીલી કે ભગવી ધજા ફરકતી નથી અને એના લીધે જે ત્રાસ પગપાળા સંઘોનો ભારતમાં વેઠવો પડતો તે અહિ વેઠવો પડતો નથી. ૩૧ ડિસેમ્બર ટાઈમ સ્ક્વેર ન્યુયોર્ક અને અમુક જગ્યાએ લોકો ભેગાં થાય છે બાકી આખું અમેરિકા ઘરમાં ભરાઈ ગયેલું હોય. આપણને વાતે વાતે પશ્ચિમને વખોડવાની આદત પડી ગઈ છે. ભારતમાં કશું ખોટું થતું દેખાય એટલે નાખો એનો દોષ પશ્ચિમને માથે. હહાહાહાહ.

આવો પશ્ચિમમાં જુઓ અને પછી લખો તો સારું.