"ના... ના.... નહિ.... મારાં કારણે મારાં છોકરાનું ઘર કોઈ પણ કાળે ન તૂટવું જોઇએ. એવું થાય એનાં કરતાં તો હું આ દુનિયાને અલવિદા કહી દઉ એ યોગ્ય કહેવાય, હા... હું આવું જ કરીશ. એમ પણ હું ઘર તો મૂકીને આવ્યો, પણ હવે રહીશ ક્યાં? અને ખાવા પીવાનું શું થશે? એ બધું પણ ઠીક; પણ જો મારો છોકરાં એ મારી તપાસ કરી અને હું મળી ગયો તો, મને જે વાતનો ડર છે તે જ થશે? અત્યારે આખું ગામ સૂઈ ગયું હશે. જો હું કૂવામાં ઝંપલાવીશ તો કોઈ મને બચાવશે પણ નહીં. હા... આ જ યોગ્ય રહેશે. હું કૂવામાં પડીને મોતને મીઠું કરું." આવું વિચારતાં એક વૃદ્ધ ગામનાં રસ્તા પર લાકડીનાં ટેકે ચાલી રહ્યાં હતાં.
કરચલી પડેલું વદન, આંખો નીચે ભાદરવાનાં કાળા વાદળો જેવાં કાળાં કુંડાળાં, પણ તેજથી ઝગમગતું મુખારવિંદ, ગોળ ચશ્મા: જેનાં એક કાચમાં તડ પડી હતી, ધોળાં વાળ, કાળો કોટ અને ધોળી ધોતી તથા માથે સફેદ લૂગડાંનું ફાળિયું બાંધેલાં વધુ દીવાળી દીઠેલો એક માણસ પોતાનાં મન સાથે માથાકુટ કરતો કરતો ગામનાં પાદરે આવેલા કૂવા તરફ જઈ રહ્યો હતો. કૂવા પાસે પહોંચી જઈને કૂવામાં પહેલા ડોકિયું કર્યું. કહેવાય છે ને કે મોતને વ્હાલું કરવું સહેલું હોતું નથી. કૂવાની ઊંડાઈ જોઇને એ વૃદ્ધની પણ હિમ્મત ન ચાલી. આખું જીવન બધે સાહસ કરીને સફળતા મેળવી, પરંતુ અહીંયા તો એ પણ પાછા પડી ગયાં. તે વૃદ્ધ વિચારવા લાગ્યો, "અરેરે... માણહ મરવાં માટે નીકળી તો જાય છે, પણ મારતો કેમ હઇશે? મારી તો હિમ્મત જ નઇ હાલતી." આટલું વિચાર્યા પછી તેઓ આજુબાજુ નજર કરે છે. તેમને મેલડી માતાનું મંદિર દેખાય છે. તેઓ મોતથી ભાગવાનાં બહાનાં શોધતો હોય તેમ વિચારી રહ્યા હતાં, "હું પહેલાં માતાજીનાં દર્શન કરી આવું. એમની માફી પણ માંગી લઉં કે તેમણે આપેલાં આ જીવનને હું અલવિદા કહી રહ્યો છું અને હિમ્મત પણ માંગી લઈશ." આટલું વિચારી તેઓ મેલદી માંનાં મંદિર તરફ ભણી જાય છે.
મંદિરમાં પ્રવેશીને તે વૃદ્ધ હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યાં હતાં. અચાનક તેમને કોઈ નાનાં બાળકનો રડવાનો અવાજ સંભળાયો. તેઓ જે તરફથી અવાજ સંભળાતો હતો તે તરફ જવા લાગ્યાં. અવાજ મંદિરની પાછળથી આવી રહયો હતો. તેમણે ત્યાં જઈને જોયું તો બે-ત્રણ બાળકો મંદિરની પાછળનાં ભાગમાં આવેલી ઓસરીમાં સૂઈ રહ્યાં હતાં. થીગડાંવાળા અને જૂનાં-મેલા કપડાં, બે ચોટલી સાથે છુટી ગયેલાં કેટલાંક વાળ, દમયંતી જેવાં સુંદર શશીમુખ સાથે એક આઠ-દશ વર્ષની દીકરી ખોળામાં એક નાનાં બાળકને લઈને બેસેલી હતી. "નહીં... નહીં... રડ નહીં..." તે આવું બોલીને રડી રહેલાં નાનાં બાળકને છાનું રાખવાનાં અસફળ પ્રયત્નો કરી રહી હતી.
તે વૃદ્ધ તેની પાસે ગયાં અને તેની પાસેથી તે બાળકને લઈ લીધું. તેને પોતાના ખોળામાં લઈને તે બાળકને છાનો રાખવાનો પ્રયાસ કરવા લાગ્યાં, પણ તે બાળક શાંત ન થતાં વધારે મોટેથી રડવા લાગ્યું. પેલી છોકરીએ ઝડપથી તેમની પાસેથી બાળક લઈ લીધું. પછી તે હાલરડું ગાવા લાગી. થોડી વારમાં તે બાળક શાંત થઈ અને સૂઈ ગયું. છોકરીએ એક થીગડાંવાળું કપડું પાથરી તેનાં પર બાળકને સૂવડાવી દીધું.
દાદા તેને પૂછે છે, "તારું નામ શું છે?"
તે છોકરી બોલે છે, "મીરાં. તમારું નામ શું છે?"
"ગિરિરાજ. તમે બધાં આયા કેમ સૂતા છો?"
"અમારી સંભાળ રાખવા વાળું કોઈ નથી. અમે અનાથ છીએ. એટલે અમે અહિયાં જ રહીએ છીએ."
"તમને ખાવા પીવાનું કંઈ મળે છે?"
"મળતું નથી, અમારે ખરીદવું પડે છે."
"તમારી પાસે તો પૈસા ક્યાંથી આવે?"
"અમે મંદિરમાં બંગળી વેચીને પૈસા કમાઈ છીએ. આ ઝાળ પર માણસો જે બંગળીઓ બાંધે તે અમે રાત્રે ઉતરી લઈએ અને સવારે વેચીએ."
"હું તમારી સાથે આયા રઇ શકું?"
"હા.. પણ તમારે એમને રોજ 5 રૂપિયા આપવા પડશે."
વૃદ્ધ મનમાં વિચારવા લાગ્યો, "હું કંઈ કમાતો નથી, આમને પૈસા ક્યાંથી આપીશ? પણ મારાં જીવનને ખતમ કરવાં કરતાં, આ નાનાં છોકરાઓને જો હું કામ લાગું તો મારો ભાવ પર પડે." આવું વિચારી તે બોલ્યાં, "હારું તો..."
પછી છોકરી જઈને તે નાનાં બાળકની પાસે સૂઈ ગઇ. પેલાં વૃદ્ધે પણ એક ખૂણામાં ટેકાવ્યું.
(થોડાં દિવસો પછી...)
બપોર થવાં આવી હતી. મેલડી માનાં મંદિર પર ધ્વજા લહેરાઈ રહી હતી. ગૌશાળામાં ગાયો વાછરડાં પર હેત વરસાવી રહી હતી. ચબૂતરામાં પંખીઓ મધુર કલરવ કરી રહ્યાં હતાં. વડલાનાં ઝાડ નીચે બે-ચાર ડોશા હુક્કો ગાગડવી રહ્યાં હતાં. નાનાં બાળકો તે વડલાની આજુબાજુ રમતો રમતાં હતાં. કૂવામાંથી પાણી લઈને બે-ચાર સ્ત્રીઓ એકબીજાને પોતાના સુખદુઃખ સુણાવતી પોતાનાં ઘર તરફ ભણી રહી હતી.
ગામમાં આજે સોમવારની બજાર ભરાઈ હતી. બજારમાં કપડાં, શાકભાજી, ફળ-ફૂલ, રમકડાં અને અન્ય વસ્તુઓની લારીઓ ઉભી હતી. પાણીપુરીની લારીએ તો એટલી ભીડ હતી કે તે ખુદ દેખાતો નહોતો. નાનાં બાળકો તેમની મમ્મી પાસે ફુગ્ગા અને સુતરફેણી લઈ આપવાની જીદ કરી રહ્યાં હતાં. બજારમાં કેટલાંક બાળકો બંગળીઓ વેચતાં હતાં તો કેટલાંક પાણીનાં પાઉચ. એક ઝાડ નીચે ગિરિરાજ દાદા લોકોનાં બુટ-ચંપલ પોલિશ કરી રહ્યાં હતાં. તેમણે મોં પર એક લૂગડું વિટ્યું હતું એટલે તેમનું મોં દેખાતું ન હતું.
મીરાં મંદિરની બહાર બંગળીઓ વેચી રહી હતી.
એક યુગલ મંદિરમાં દર્શન કરીને બહાર આવી રહ્યું હતું. મીરાં તેમની પાસે ગઈ અને તેમને બંગળી ખરીદવાં માટે કહેવા લાગી. મીરાંએ તેમનો ચહેરો જોયો, ત્યારે તે ચોંકી ગઈ. તેઓ પણ મીરાને જોઈને ચોંકી ગયાં અને ઝડપથી ત્યાંથી નીકળવા લાગ્યાં. મીરાં દોડીને ગિરિરાજ દાદા પાસે ગઈ તે બોલી, "જલદી મારી સાથે ચાલો..."
દાદા બોલ્યાં, "શું થયું?"
"તમે ચાલો તો ખરાં... હું તમને બધું જણાવું."
દાદા ઝડપથી તેની સાથે ચાલવા લાગ્યાં. મીરાંએ તેમને બધું જણાવ્યું. તેઓ તે યુગલની પાછળ જવા લાગ્યાં. તેઓ ગાડીમાં બેસીને જવાનાં જ હતાં ત્યાં દાદાએ તેમને રોકી લીધા. દાદા એ તેને પૂછ્યું, "આ છોકરીને અહીંયા કેમ મૂકી 'તી?"
તે બોલ્યો, "હું આને ઓળખતો પણ નથી."
"સાચું બોલે છે કે પોલીસને બોલવું."
"ના.. ના.. પોલીસ ન બોલાવતાં. હું આને ઓળખું છું. મારાં લગ્ન બાદ મારે સંતાન નહોતું એટલે મેં આને અનાથાશ્રમમાંથી દત્તક લીધી હતી. થોડાં સમય એક ચમત્કાર થયો અને પછી અમને એક બાળક થયું. અમારું બાળક આવી ગયું એટલે અમે આને રાત્રે અહિયાં મૂકી દીધી હતી."
તેની પત્ની રડવા લાગી અને બોલી, "આને અહીંયા મૂક્યાંનાં બે-ચાર દિવસ પછી અમે એક મેળામાં ગયાં હતાં, ત્યાં અમારા બાળકને કોઈક ઉઠાવી ગયું..."
દાદા બોલ્યાં, "તમે આ છોકરીને ક્યાં અનાથાશ્રમમાંથી લાવ્યાં હતાં."
"કાઠિયાવાર બાલાશ્રમમાંથી..."
"તમે ભૂલ કરી એનું પરિણામ તમને મળી ગયું. હવે મારે કંઈ કરવાની જરૂર નથી. તમે જાઓ."
"અમને અમારી દીકરી પાછી આપી દો..."
"ના.. હવે એ તમારી દીકરી નથી."
આટલું બોલીને દાદા મીરાનો હાથ પકડીને મંદિર તરફ જવા લાગ્યાં. પેલું યુગલ પણ તેમની પાછળ જવા લાગ્યું. દાદા અને મીરાં મંદિરની પાછળની ઓસરીમાં ગયાં. ત્યાં જઈને મીરાંએ રડી રહેલાં નાનાં બાળકને ઘોડિયામાંથી બહાર કાઢી તેને છાનો રાખવા માંડી. તે યુગલ આ દ્રશ્ય જોઈ રહયું હતું. તેઓ બાળકનો ચહેરો જોઈને ડઘાઈ ગયાં. તેઓ મીરાં પાસે ગયાં. તે માણસની પત્નીએ મીરાં પાસેથી બાળક ખેંચી લીધું અને તેને વ્હાલ કરવાં લાગી. તે માણસ બોલ્યો, "આ તો અમારું બાળક છે! તારી પાસે ક્યાંથી આવ્યું? ક્યાંક તું જ તો આને ચોરી નહોતી ગઈને?"
મીરાં બોલી, "ના... ના... મેં આ બાળક ચોર્યું નથી. આ બાળક એક રાતે મને અહીં રડતું પડેલું મળ્યું હતું."
દાદા બોલ્યાં, "અમે કેમ માની લઈએ કે આ તમારું જ બાળક છે! માની લો અમે આ બાળક તમને આપી પણ દીધું, તો શું ખાતરી છે કે આ છોકરીને પણ તમે આ છોકરીની જેમ છોડી નઇ દો?"
તે માણસ પોતાનાં મોબાઇલમાં ફોટો દેખાડતાં બોલ્યો, "જુઓ..."
તે ફોટો જોઈને દાદા અને મીરાં આશ્ચર્ય પામ્યાં.
તે માણસ બોલ્ય, "હવે તો માનો છો ને કે આ બાળક અમારું જ છે?"
દાદા અને મીરાં બોલ્યાં, "હા..."
"હવે અમે આને લઈ જઇએ છીએ."
"મહેરબાની કરીને તમે આને ન લઈ જાવ. આ મારાં ભાઈ જેવો થઇ ગયો છે. મારાં અને આના સંબંધો લાગણી ભીનાં છે." મીરાં હાથ જોડીને બોલી.
"આ અમારું બાળક છે. અમે આના વગર નહીં રહી શકીએ." આટલું બોલી તે યુગલ હાથ જોડીને ત્યાંથી નીકળી ગયાં.
મીરાં ચોધાર આંસુડે રડવા લાગી. દાદા તેને છની રાખવાં લાગ્યાં.
મીરાં બોલી, "હવે હું શું કરીશ. હું જેનું ધ્યાન રાખતી હતી, જેની સાથે હસતી રમતી હતી તે તો ચાલ્યો ગયો. તેને તેનાં માતા પિતા મળી ગયાં. હવે મારું શું થશે?"
આટલું બોલી તે ફરીથી રડવા લાગી. દાદા મીરાની આંખમાં આંસું નહોતાં જોઇ શકતાં. આટલાં દિવસો મીરાં સાથે રહ્યાં પછી તેની સાથે લાગણી બંધાઈ ગઈ હતી.
રાત થઈ ગઈ હતી. મંદિરની ઓસરીમાં બધાં સૂતા હતા. દાદાની આંખમાં ઊંઘ ન હતી. તેમનાં મનમાં મીરાંની વાત ફરી રહી હતી. થોડીવાર મનોમંથન કર્યાં પછી મનમાં કંઇક નિર્ણય કરીને દાદા સૂઈ ગયાં.
સવારે દાદાએ મીરાને પાસે બોલાવી અને કહ્યું, "ચાલ... તૈયાર થઈ જા. આપણે એક જગ્યાએ જવાનું છે. "
"ક્યાં જવાનુ છે?"
"તું ચાલ તો ખરાં! તને બધું સમજાઈ જશે."
"સારું."
મીરાં તૈયાર થઈને આવી. દાદા તેને લઈને એક છકડામાં બેઠાં અને આગળ વધ્યાં. છકડામાં બેસ્યાં પછી પણ મીરાના મનમાં વિચાર ચાલતો હતો કે દાદા તેને ક્યાં લઈ જતાં હશે?
થોડીવાર પછી તેઓ તેમનાં ગંતવ્ય સ્થાને પહોંચી ગયાં. દાદા મીરાને લઈને એક મકાનમાં જવાં લાગ્યાં. તે મકાનમાં નાનાં બાળકો એકબીજા સાથે રમી રહ્યાં હતાં, કેટલાક બાળકો ગીતો ગાઈ રહ્યાં હતાં, કેટલાંક બાળકો નાચી રહ્યાં હતાં. દાદા અને મીરાં એક ઓરડામાં પ્રવેશ્યાં. ત્યાં એક ખુરશી પર એક મહિલા કર્મચારી બેઠાં હતાં અને તેઓ પોતાનું કામ કરી. રહ્યાં હતાં. દાદાએ તેમની પાસે જઈને કહ્યું, "જય શ્રી કૃષ્ણ"
સામે તેમણે પણ જવાબ આપ્યો, "જય શ્રી કૃષ્ણ... બોલો હું તમારી શું મદદ કરી શકું?"
"આ છોકરીને અહીંથી એક નિસંતાન યુગલ દત્તક લઈ ગયું હતું. તેમને પોતાનુ બાળક આવતાં આ છોકરીને તેમને છોડી દીધી હતી. "
દાદાની વાત સાંભળી તે કર્મચારીને શંકા ગઈ. તેણે મીરાને પૂછ્યું, "આ દાદા સાચું કહે છે?"
મીરાંએ 'હા' માં ડોકિયું કર્યું.
દાદા બોલ્યાં, "હું આ છોકરી વિશે જાણવા આવ્યો છું. મારે આનાં અસલી માતા પિતા વિશે જણાવું છે."
"માફ કરો... પણ અમે એ માહિતી કોઇને ન આપી શકીએ."
દાદા તેમની સામે હાથ જોડીને આજીજી કરવા લાગ્યાં અને કરગરવા લાગ્યાં. તેમને દયા આવી અને તેમને તેનાં અસલી માતા પિતા વિશે માહિતી આપી.
દાદા મીરાં માતા પિતા વિશે જાણીને ડઘાઈ ગયાં. દાદા મીરાને ત્યાંથી લઈને ક્યાંક જવા લાગ્યાં. આ બધું શું થઈ રહ્યું હતું, મીરાને કંઈ સમજાતું ન હતું. દાદા મીરાં સાથે એક ઘરની બહાર ઉભા હતાં. દાદાએ તે ઘરનો દરવાજો ખખડાવ્યો. એક માણસે દરવાજો ખોલ્યો. તે દાદાને જોઈને ખુશ થઈ ગયો અને તેમને ભેટી પડ્યો. તે બોલ્યો, "પપ્પા! તમે આવી ગયાં. તમે ક્યાં ચાલ્યાં ગયાં? તમને ખબર છે અમે જેટલાં ચિંતામાં મુકાઇ ગયા હતાં."
દાદા બોલ્યાં, "નમન! અંદર હાલ મારે તારી હારે વાત કરવી સે!"
નમન બોલ્યો, "હા..પણ આ છોકરી કોણ છે?"
"એ હું તને અંદર જઈને જણાવીશ. ચાલ.."
પછી તેઓ ઘરમાં ગયાં.
દાદા બોલ્યાં, "વહુ ક્યાં ગયાં છે?"
"તે રૂમમાં છે. કરિશ્મા....!" નમને તેની પત્ની કરિશ્માને બોલાવતાં કહ્યું.
કરિશ્મા રૂમમાંથી બહાર આવી અને દાદાને જોઈનેથોડી નવાઈ પામી. તેણે દાદાને જઈને પગે લાગ્યું. દાદા એ તેની માથે હાથ મૂક્યો.
દાદા બોલ્યાં, "હું તમને બન્નેને કંઇક પૂછીશ. મને સાચું સાચું જણાવજો."
બંનેએ 'હા' માં માથું ધુણાવ્યું.
દાદા બોલ્યાં, "તમારું કોઈ સંતાન છે?"
આ સાંભળી નમન આશ્ચર્ય પામ્યો પણ કરિશ્મા થોડી ડરી ગઇ.
નમન બોલ્યો, "પપ્પા, તમે આવું કેમ પૂછો છો. તમે જાણો છો ને કે કરિશ્મા જ્યારે ગર્ભવતી હતી, ત્યારે આપણે પરીક્ષણ કરાવ્યું હતું. ત્યારે છોકરી હતી એટલે આપણે બાળક પડવી નાખ્યું હતું. પછી અમે બાળક વિશે વિચાર્યું જ નહોતું."
દાદાને કરિશ્માનો ચહેરો જોઈને તેનાં પર શંકા ગઈ. દાદાએ કરિશ્મા પાસે જઈને તેને કહ્યું, "વહુ... તમે કંઈ કહેશો..."
"પપ્પાજી... હું શું કહું. નમને તમને જણાવ્યું તે જ હું કહીશ." કરિશ્મા ડરતા ડરતા બોલી.
દાદા થોડાં ગુસ્સામાં આવી ગયાં અને બોલ્યાં, "સાચું બોલી દો..."
કરિશ્મા દાદાનાં ગુસ્સાથી ડરી ગઈ અને રડવા લાગી. તે બોલી, "હા... અમારું સંતાન હતું. હું જ્યારે ગર્ભવતી હતી, ત્યારે હું મારા મમ્મીનાં ઘરે ગઈ હતી. તમે જ્યારે મારો ગર્ભપાત કરવાં કહ્યું હતું ત્યારે મેં ગર્ભપાત કરાવ્યું ન હતું. મેં ત્યારે એક બાળકીને જન્મ આપ્યો હતો. હું તે બાળકીને એક અનાથાશ્રમમાં મૂકી આવી હતી...." આટલુ બોલી તે ફરીથી રડવા લાગી.
આ સાંભળી નમન આશ્ચર્યમાં મૂકાઈ ગયો. મીરાં ત્યાં એક ખૂણામાં ઉભી હતી. ત્યાં તેનો હાથ પકડીને તેને આગળ કરતાં બોલ્યાં, "અને એ છોકરી આ છે..."
મીરાને જોઈને નમન અને કરિશ્મા નવાઈ પામ્યાં. કરિશ્મા બોલી, "પણ તમને આ બધી કેમ ખબર પડી? અને આ છોકરી જ મારી દીકરી છે તેમ કેવી રીતે માનવું? આ તમને ક્યાંથી મળી?"
દાદા એ નમન અને કરિશ્માને બધી વાત જણાવી. નમન અને કરિશ્મા મીરાને જોઈને ખુશ થઈ ગયાં. તેઓ મીરાને ભેટી ગયાં. કરિશ્મા બોલી, "મીરાં! અમે તારા મમ્મી પપ્પા છીએ." મીરાંને કરિશ્માને જોરથી ભેટી પડી.
"મમ્મી પપ્પા! તમે ક્યાં હતાં? તમે મને એકલી મૂકીને કેમ ચાલ્યાં ગયાં હતાં?"
"એમને માફ કરજે બેટા! હવે અમે તને મૂકીને ક્યાંય નહીં જઈએ."
દાદા આ દ્રશ્ય જોઇ રહ્યાં હતાં. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં. મીરાં તેમની પાસે ગઈ અને બોલી, "તમે રડો છો કેમ?"
"કંઈ નહીં બેટા! મને મારી ભૂલ સમજાઈ. જેને હું આ દુનિયામાંથી અલવિદા કહેવા માગતો હતો તેને જ મારાં જીવનનું કારણ બની. મીરાં હું તારો દાદા છું."
"તમે મારાં દાદા છો?"
"હા."
પછી મીરાં તેનાં દાદાને ભેટી પડી.
~•~•~•~•~•~•~•~•~•~•~•~•~•~•
સમાપ્ત
~•~•~•~•~•~•~•~•~•~•~•~•~•~•