Megh Mehul books and stories free download online pdf in Gujarati

મેઘ મેહૂલ

" બચાવો, બચાવો ની બૂમો સંભળાઈ રહી હતી " અને કિશને જોયું તો એક છોકરો અને એક છોકરી બંને લોહીથી ખરડાયેલા દેખાઈ રહ્યા હતા અને એટલામાં તો એક પછી એક બંનેની લાશ જમીન ઉપર પડતી દેખાઈ, કિશનના તો છક્કા છૂટી ગયા, શું કરવું ? ત્યાં જોવા માટે જવું કે ન જવું ? કિશનને મનમાં ને મનમાં એકસાથે હજારો વિચાર આવી ગયા. ત્યાં કોઈ બીજું પણ નક્કી હોવું જ જોઈએ જેણે આ બંનેના ખૂન કર્યા છે માટે ત્યાં ન જ જવાય એવા વિચાર સાથે જ કિશનના પગ બે ડગ પાછળ પડ્યા અને પછી ફુલ સ્પીડમાં તેણે પોતાની કાર હંકારી મૂકી. એ દિવસે તો રાત્રીના બે વાગી ગયા હતા ઘરમાં પણ બધાજ સૂઈ ગયા હતા એટલે તે પણ આવીને ચૂપચાપ સૂઈ જ ગયો પરંતુ બીજે દિવસે સવારે જ્યારે આ વાત તેણે પોતાના મિત્ર અનિકેતને કરી ત્યારે તેને મેઘ અને મેહૂલની પ્રેમ કહાનીના કરુણ અંજામ વિશેની વાત જાણવા મળી.

મેઘ અને મેહૂલ બંને બાળપણથી એકજ ક્લાસમાં સાથે જ ભણતાં એટલે બંને વચ્ચે ગાઢ મિત્રતા.

જેમ જેમ બંને મોટા થતાં ગયા તેમ તેમ આ મિત્રતા વધુ ગાઢ બનતી ગઈ અને એક સમય એવો આવ્યો કે બંને એકબીજા વગર રહી શકે તેમ ન હતાં ત્યારે બંનેને એવો અહેસાસ થયો કે બંને એકબીજાને દિલોજાનથી ચાહે છે.

મેઘ અને મેહૂલ બંનેએ એકબીજાની સાથે જીવન મરણનાં કોલ આપી દીધાં પરંતુ આ સમાજ, સમાજને ક્યાં તેમના સાચા પ્રેમની ઓળખ હતી ?

બંનેની જ્ઞાતિ અલગ અલગ હતી તેથી મેઘનુ સગપણ બીજી જ્ઞાતિના છોકરા સાથે કરી દેવામાં આવ્યું.

મેઘે તેની મોટી બહેન પલકને પોતાના મનની વાત જણાવી પરંતુ મમ્મી-પપ્પાને આ વાત કહેવા માટે કોઈની હિંમત ન હતી.

મેઘે મેહૂલને પોતાની સાથે લગ્ન કરવા માટે ગામ છોડીને નાસી જવા માટે કહ્યું. મેહૂલે પહેલા તો આમ કરવા માટે "ના" જ પાડી પરંતુ એ સિવાય બીજો કોઈ રસ્તો પણ ન હતો તેથી ન છૂટકે તેમણે આ પગલું ભર્યું.

આ વાતની જાણ મેઘના મોટા ભાઈને થઈ ગઈ તેથી તે સાવચેત થઈ ગયો હતો.

એ દિવસે રાત્રે ધોધમાર વરસાદ ચાલુ હતો. રાત્રિના એક વાગ્યાનો સમય હતો. ગામડા ગામમાં સૌ વહેલા જ સૂઈ જાય એટલે રાત્રીના બાર વાગ્યા પછી તો ભેંકાર લાગે.

મેઘ અને મેહૂલે નક્કી કર્યા મુજબ ગામ છોડી દીધું પણ મેઘના ભાઈને તુરંત ખબર પડી જતાં તેણે તે બંનેનો પીછો કર્યો અને ગામથી થોડે દૂર એક હવેલી હતી જે વર્ષોથી બંધ જ હતી તેમાં મેઘ અને મેહૂલ છૂપી રીતે સંતાઈ ગયા પરંતુ મેઘનો ભાઈ ચાલાક અને હોંશિયાર હતો તેણે આ બંનેને પકડી પાડયા તેનો ગુસ્સો સાતમા આસમાને હતો, તેના માથા ઉપર મોત સવાર હતું. તેના હાથમાં ખુલ્લી તલવાર હતી તેણે મેહૂલ ઉપર તલવારના ઘા ઝીંકવાની શરૂઆત કરી મેઘે પોતાના ભાઈને ખૂબ રોક્યો અને ખૂબ કહ્યું કે, " મેં જ મેહૂલને મારી સાથે ભાગીને લગ્ન કરવા માટે કહ્યું હતું " પણ મેઘ અને મેહૂલ બંનેનો કાળ આવી ગયો હતો.

મેઘના ભાઈ સંતોષે મેહૂલને રહેંસી નાખ્યો અને મેહૂલને બચાવવા માટે વચ્ચે પડેલી મેઘ પણ રહેંસાઈ ગઈ બંને પ્રેમીઓના પ્રાણ પંખેરું ત્યાં ને ત્યાં એક સાથે જ ઉડી ગયા.

જ્યારથી આ હવેલીમાં આ ઘટના બની છે ત્યારથી વરસાદી રાતે કોઈ પણ માણસ અહીંથી પસાર થાય તેને આ બંને પ્રેમીઓના ચિત્કાર સંભાળાય છે અને બંને પ્રેમીઓ જાણે હજુ પણ પોતાના પ્રેમનો એકરાર કરે છે તેવી સાબિતી આપતો દરેક માણસને ભાષ થાય છે.

સમગ્ર પંથકમાં આ વાતની જાણ થઈ ચૂકી છે તેથી વરસાદી રાતે આ રસ્તા ઉપરથી કોઈ પસાર થવાની હિંમત કરતું નથી.

સિવાય કે કોઈને આ વાતની જાણ ન હોય તે જ આ રસ્તો પસંદ કરે છે.

આમ, આજે કિશનને મેઘ અને મેહૂલના સાચા પ્રેમની જાણ થઈ અને તેણે બંનેના આત્માને મુક્તિ અપાવવાનું નક્કી કર્યું.

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED