છેલ્લુ નોરતુ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

છેલ્લુ નોરતુ

છેલ્લુ નોરતુ

-રાકેશ ઠક્કર

દિવ્યની જિંદગીની આ પહેલી એવી નવરાત્રિ હતી જેમાં તે ગરબા-રાસ રમવાનો ન હતો. તે સમજણો થયો ત્યારથી ગામમાં પહેલાં મોજ-મસ્તી માટે પછી ભક્તિની અસરમાં અને છેલ્લે એક છોકરી રીનાના પ્રેમમાં ગરબા રમતો રહ્યો હતો. સંજોગો એવા બદલાયા કે આ વર્ષે એ રીના સાથે તો રમી શકે એમ જ ન હતો અને મહાનગરમાં આવ્યા પછી તેને નવરાત્રિમાં રસ જ રહ્યો નથી. પરિવારે એની રીના સાથે જાણે નવરાત્રિ પણ છીનવી લીધી હતી.

કેવા મજાના એ દિવસો હતા! દિવ્ય આજે એ દિવસોના સ્મરણો સાથે જ પહેલા નોરતાની રાતને પૂરી કરવાનો હતો. કિશોરાવસ્થામાં જ એને રીના ગમવા લાગી હતી. કોલેજમાં આવ્યો પછી એની સાથે દોસ્તી થઇ. રીનાની કોલેજ અલગ હતી એટલે મળવાનું ઓછું બનતું હતું. નવરાત્રિ અને બીજા તહેવારોમાં ગામમાં થતી ઉજવણી નિમિત્તે એની સાથે હળવાનું-મળવાનું થતું હતું. જમાનો આધુનિક બની રહ્યો હતો. દિવ્યને હતું કે રીનાના મા-બાપ એને પોતાની સાથે લગ્ન કરવા સંમતિ આપી દેશે. પણ એમની વચ્ચે બે બાજુથી દિવાલો ઊભી થઇ ગઇ. રીનાનો પરિવાર નબળી આર્થિક સ્થિતિ ધરાવતો હતો. દિવ્યનું ઘર ગામમાં મોટું ગણાતું હતું. એ સાથે જ્ઞાતિની દિવાલ પણ હતી. પિતાએ રીનાને નાના ઘરની ગણાવી ઇન્કાર કરી દીધો જ્યારે રીનાના પિતાએ દિવ્યની જ્ઞાતિ અલગ હોવાથી ના પાડી દીધી હતી. ગયા વર્ષની નવરાત્રિ પહેલાં તો આવી કોઇ વાત જ ન હતી. બંને દર વર્ષની જેમ સાથે જ ગરબા અને રાસ રમ્યા હતા. સાથે જીવન જીવવાના સપનાં જોયા હતા. રીનાની સખી ગીતાએ તો એમ કહી દીધું હતું કે આવતી નવરાત્રિ તમે સજોડે જ રમશો. ત્યારે રીનાએ કહ્યું હતું કે અત્યારે ક્યાં અલગ-અલગ રમીએ છીએ!

રીનાને ખબર ન હતી કે બંને કેવા અલગ થઇ જવાના છે. એ નવરાત્રિમાં દિવ્ય-રીનાની નજદીકી વધી હોવાની વાતની નોંધ બંને પરિવારોએ લીધી હતી. અને નવરાત્રિ પછી બંને માટે પાત્ર જોવાનું કામ પરિવારોએ શરૂ કરી દીધું હતું. ગીતાએ હિંમત કરીને બંનેની માતાઓ સમક્ષ લગ્ન માટે વાત મૂકી હતી. પણ દિવ્યનો પરિવાર રીનાને ગરીબ ગણતો હોવાથી સમાધાન કરવા માગતો ન હતો. જ્યારે રીનાનો પરિવાર દીકરીને બીજી જ્ઞાતિમાં પરણાવવા બાબતે તૈયાર ન હતો. ત્યારે ગીતાએ 'માતાજીની જેવી ઇચ્છા' એમ વિચારી વાત પડતી મૂકી હતી.

દિવ્યના પિતાએ એક નિર્ણય લઇ લીધો. તેમણે ગામ છોડીને મહાનગર અમદાવાદમાં બંગલો ખરીદી લીધો. જેથી દિવ્ય સાથે મહાનગરની કોઇ પૈસાદાર છોકરી લગ્ન કરવા તૈયાર થઇ જાય. રીનાએ પિતાએ શોધેલા બીજા ગામના યુવાન ધીરજ સાથે અને દિવ્યએ મહાનગરની મનીષા સાથે સાત ફેરા ફરી લીધા. દિવ્યને ખબર ન હતી કે તેના લગ્ન સાત મહિના પણ ટકવાના નથી. તેની અને મનીષાની આર્થિક સ્થિતિ સરખી હતી પરંતુ વિચારોમાં સમાનતા ન હતી. બંને સામસામી દિશામાં જીવતા હતા. દિવ્યના શ્વાસમાં ગામની માટીની સુગંધ હતી જ્યારે મનીષા ઇત્તરની શોખીન હતી. તેના અત્યાધુનિક વિચાર અને વર્તન સાથે દિવ્યનો ક્યાંય મેળ પડતો ન હતો. મનીષાને આ વાતનો બહુ જલદી ખ્યાલ આવી ગયો હતો. દિવ્ય થોડું ચલાવી લેવાના વિચારમાં હતો. દિવ્યના મા-બાપ પણ ઉતાવળે છોકરી શોધવામાં સાપે છછુંદર ગળ્યો હોય એવી હાલત અનુભવતા હતા. પણ મનીષા લાંબું ખેંચી શકી નહીં. પાંચમા મહિને તેણે ડિવોર્સ લેવાનો નિર્ણય જાહેર કરી દીધો. દિવ્યએ જલદીથી છૂટવા સંમતિ આપી દીધી. મનીષાથી અલગ થયા પછીની આ પહેલી નવરાત્રિ હતી. રીના સાસરેથી નવરાત્રિ ઉજવવા પોતાના ગામ આવશે એવો પાકો વિશ્વાસ દિવ્યને હતો. આખી નવરાત્રિ આવી નહીં શકાય તો રીના એને મળવા પણ એક નોરતું કરવા આવશે એવી ખાતરી હતી. પણ પોતે ત્યાં જવા માગતો ન હતો. તે રીનાને એના પતિ સાથે જોઇ શકે એમ ન હતો. પરિણીત રીના સાથે હવે ગરબા રમવાનું યોગ્ય ન હતું. તે દરરોજ રીના સાથેના દિવસો યાદ કરીને નવરાત્રિની એક-એક રાત પસાર કરી રહ્યો હતો. માતા-પિતાએ એને સોસાયટીની નવરાત્રિમાં રમવા બોલાવ્યો પણ એણે ચોખ્ખી ના પાડી દીધી હતી. પુત્રની સ્થિતિ જોઇને બંને પસ્તાતા હતા.

નવરાત્રિનો આજે આઠમો દિવસ હતો. દિવ્યની ઉદાસી વધારે ઘેરી બનતી જતી હતી. તે ટીવી પર ખેલૈયાને ગરબે ઘૂમતા જોઇ આ વર્ષ ખાલી ગયું હોવાનો અફસોસ વ્યક્ત કરતો બેઠો હતો ત્યારે ફોનની રીંગ વાગી. અજાણ્યો નંબર હતો. તેણે ફોન ઉપાડી 'હલો' કહ્યું.

'દિવ્યભાઇ, નવરાત્રિ કેવી છે તમારી? અમને ભૂલી ગયા કે શું?' ગીતાનો અવાજ ઓળખતા દિવ્યને વાર ના લાગી.

'ઓહ ગીતા! તમને કેવી રીતે ભૂલી જવાનો? રોજ ગામની નવરાત્રિને યાદ કરીને દિવસો પૂરા કરું છું. આ વખતે નવરાત્રિ કેવી છે?' દિવ્યને ગીતાના ફોનથી આનંદ થયો.

'તમારા અને રીના વગર નવરાત્રિ સૂની છે. તમારા છૂટાછેડા વિશે મેં જાણ્યું હતું. તમે એકલા જ છો અને મને એકલીને મજા આવતી નથી. મારી એક વિનંતી છે. તમે છેલ્લા નોરતામાં આવી જાવ. પ્લીઝ...' ગીતા કરગરી.

દિવ્ય આનાકાની કરતો રહ્યો પણ ગીતાના આગ્રહ સામે ઝૂકી ગયો. તેને થયું કે રીના આવી નથી એટલે જવામાં વાંધો નથી.

દિવ્ય માતા-પિતાને જાણ કરીને બીજા દિવસે ગામમાં પોતાના ઘરે પહોંચી ગયો. અને રાતનો ઇંતજાર કરવા લાગ્યો. રાત્રે ગામના ચોકમાં પહોંચ્યો ત્યારે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

દિવ્યને જોઇ ગીતા ખુશ થઇ ગઇ. તેની સાથે જૂની-નવી વાતો ચાલતી હતી ત્યાં ગરબા શરૂ થઇ ગયા. તે 'હમણાં આવું છું' કહીને ક્યાંય જતી રહી. દિવ્યને ગરબા રમવાનું મન જ ના થયું. થોડીવાર પછી તે આવી ત્યારે તેની પાછળ રીના હતી. દિવ્ય એને જોતો જ રહી ગયો.

તેણે રીનાને 'કેમ છે?' પૂછ્યા પછી આમતેમ નજર નાખી અને ભીડમાં તેના પતિને શોધતાં કહ્યું:'તારો પતિ કયાં છે?'

રીનાને બદલે ગીતા હસીને બોલી:'આટલામાં જ છે...'

        'તો બોલાવ એમને...મુલાકાત તો કરી લઉં.' દિવ્યએ સૌજન્ય બતાવ્યું.

'મળીને શું કરશો? તમે હમણાં જ મળ્યા છો...' ગીતા રહસ્યમય બોલી.

'ક્યારે? ક્યાં?' દિવ્યએ ફરી આમતેમ ઊભેલા યુવાનો પર નજર નાખતા કહ્યું.

        'રીનાની સામે જ છે...' ગીતાએ ખુલાસો કર્યો ત્યારે દિવ્યએ પોતાની પાછળ જોયું અને ગુંચવાયો પછી બત્તી થઇ હોય એમ બોલ્યો:'ગીતા, તું આ શું કહે છે?'

'હા, દિવ્યભાઇ હવે તમે જ રીનાના પતિ બની જાવ. એ રાજી છે. એના લગ્ન પછી પતિનું એક અકસ્માતમાં પાંચ જ મહિનામાં મોત થયું અને સાસરિયાએ એને અપશુકનિયાળ માનીને છૂટી કરી દીધી. તમારા છૂટાછેડાનું જાણ્યા પછી રીનાના પિતાની જીભ તમને બોલાવવા ઉપડતી ન હતી. એમણે મને કહ્યું અને મેં તમને બોલાવી લીધા છે. મેં કંઇ ખોટું કર્યું નથી ને?!' ગીતા હસીને પૂછી રહી.

'ગીતા, હું તારો આભારી છું. કુદરતનો જ આ ખેલ કહેવાય કે મારા પણ પાંચ મહિનામાં છૂટાછેડા થઇ ગયા હતા...' દિવ્યના સ્વરમાં ખુશી હતી.

'ગીતાએ કેડમાં ભરાવેલા પાકિટમાંથી એક ડબ્બી કાઢીને કહ્યું;'લો, રીનાના શણગારમાં આ ચપટીક સિંદુર જ બાકી છે. એ તૈયાર થઇને આવી છે. હમણાં એકવાર તો સેંથો પૂરી જ દો...'

        દિવ્યએ ચપટી સિંદૂર રીનાની સેંથીમાં પૂર્યું ત્યાં જ ઢોલ ઢબૂકી ઉઠ્યો અને ગરબો શરૂ થયો...

ગીતાએ બંનેને કહ્યું:'ચાલો, આજે છેલ્લુ નોરતુ છે. આખી નવરાત્રિની કસર પૂરી કરી દો...'  

***

રેટ કરો અને રિવ્યુ આપો

Tejal

Tejal 3 અઠવાડિયા પહેલા

sonal

sonal 2 માસ પહેલા

Vadhavana Ramesh

Vadhavana Ramesh 2 માસ પહેલા

Jatin Bhatt... NIJ

Jatin Bhatt... NIJ 3 માસ પહેલા

Varsha

Varsha 3 માસ પહેલા