શીર્ષક : મૌન
©લેખક : કમલેશ જોષી
મૌન પણ એક ભાષા છે. જે મહેફિલમાં શબ્દો લિમિટ ક્રોસ કરતા હોય, ત્યાં સજ્જન વ્યક્તિ મૌનની ભાષા બોલતા હોય છે. મતલબ કે કશું બોલતા નથી હોતા. મૌન એટલે બોલી ન શકવું નહિ પણ બોલવું જ નહિ. તમે બોલો તોયે કશો ફર્ક ન પડતો હોય, તમે બોલો તો બાજી વધુ વણસતી હોય તો મૌનની જ ભાષામાં વાત કરવી. એક મિત્રે સંબધ વિશે કહ્યું, "શબ્દો અને એના અર્થો વચ્ચેનું અંતર જે સંબંધમાં ઓછું કે નહિંવત એ સંબંધ ગાઢ, પ્રચુર, મજબુત."
માણસની એનર્જી સૌથી વધુ બોલવામાં વેડફાતી હોય છે. એક મિત્રે કહ્યું : માણસ જેટલું બોલે એના કરતા બે ગણુ સાંભળવું જોઈએ. એ માટે જ ભગવાને કાન બે અને મોં એક આપ્યું છે. તમે બોલતા હો ત્યારે તમારા નોલેજમાં એક લીટી શું, એક અક્ષરનો પણ વધારો નથી થતો. કેમ કે જે બોલો છો એ ઓલરેડી જાણો જ છો. ન બોલો તો પણ ચાલે. પણ જયારે તમે સાંભળતા હો છો ત્યારે કેટલાક વાક્યો, વિચારો એવાયે તમને સાંભળવા મળે છે જે તમે કદી સાંભળ્યા ન હોય. વાતચીત કરતી વખતે હંમેશા યાદ રાખવું: દસ વાક્યો પૂરેપૂરા સાંભળી લીધા હોય, સમજી લીધા હોય તો જ પાંચ વાક્યો, પાંચ જ વાક્યો બોલવા, એથી ઓછા બોલવા પણ વધુ નહીં. સાચા સ્માર્ટ લોકો તો એવું જ કરતા હોય છે.
ઘણા લોકોને મસ્ત રીતે સાંભળતા આવડતું હોય છે. યસ સાંભળતા.. તમને નવાઈ લાગશે. સાંભળવું એ પણ એક ક્વોલિટી છે. બોલનારના શબ્દે શબ્દનો, વાક્યનો, પેરેગ્રાફનો માત્ર ઉચ્ચાર કે ધ્વનિ જ નહીં, એનો અર્થ, એનો મર્મ પણ સાંભળી શકે એ બેસ્ટ લિસનર. સાંભળવું એ પણ એક કળા છે. સાંભળતી વખતે ચહેરાની, આંખોની દિશા અને હાવભાવનો બહુ ઈમ્પોર્ટન્ટ રોલ હોય છે. સ્કોલર વિદ્યાર્થી એટલે જ સ્કોલર હોય છે કે એને શિક્ષકની વાતો સ્પષ્ટ સાંભળતા આવડી ગઈ હોય છે. હા, સ્પષ્ટ સાંભળતા. ઠોઠ વિદ્યાર્થી, ટોપિક કે વિષય અઘરો હોવાને લીધે નહીં, અધૂરું, અસ્પષ્ટ સાંભળવાને લીધે ઠોઠ હોય છે. જેટલી ત્વરા કે ઉત્કંઠાથી આપણે 'પારકી પંચાત' સાંભળતા હોઈએ છીએ એટલી જ ઈમાનદારીથી જો ‘સત્ય નારાયણની કથા’ કે ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ માત્ર એક વાર સાંભળી લઈએ તો આખો જન્મારો સુધરી જાય. અર્જુને માત્ર એક જ વાર ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ સાંભળી અને જિંદગીનો જંગ જીતી ગયો.
આજકાલ આવા લિસનરની સંખ્યા ઘટતી જાય છે એ ચિંતાનો વિષય છે. આજકાલ તમે અડધું વાક્ય બોલો ત્યાં જ બોલી પડનારા, તમે જે દિશાનું વાક્ય બોલ્યા હો એનાથી તદ્દન ભિન્ન દિશાનું વાક્ય બોલનારા, વિષય ગમે તે ચાલતો હોય, પોતાને જ ફાવતા વિષય પર વાત ખેંચી જનારાઓ અને તમે જે નથી કહ્યું, જે કહેવા માંગતા પણ નથી એવું તમે બોલેલા વાક્યનું તારણ કાઢનારાઓની સંખ્યા વધતી જાય છે. એક મિત્રે આવા લોકોને ‘બહેરા’ જ સમજવાની શિખામણ આપી. જો અર્જુન આવો હોત તો કૃષ્ણ કદાચ ગીતાજીનો એકાદ જ અધ્યાય માંડ કહી શક્યા હોત!
કેટલાક લોકો લપલપિયા કાચબાની જેમ બોલકા હોય છે. વા સાથેય વાતો કરે. એ લોકો એકની એક વાત એને મળનાર દરેક વ્યક્તિ આગળ કર્યે રાખતા હોય છે. એ જ ઘટના, એ જ ઉદાહરણ, એ જ પચીસ પચાસ કે પાંચસો વાક્યો. બસ, રિપીટ, રિપીટ, રિપીટ. કદાચ ‘વધુ બોલનારા વધુ જાણકાર કે જ્ઞાની ગણાય’ એવી ગેરસમજને લીધે આવા લોકો વધુ બોલતા હશે? એક સંતે કહ્યું: જેને સાચું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે, ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ જાય છે એ ચૂપ, મૌન, ખામોશ થઈ જાય છે. સાચા જ્ઞાનની અનુભૂતિમાં એ લોકો એટલા બધા ઊંડા ઉતરી જતા હોય છે કે એના વર્ણનની અશક્યતા એમને મૌન કરી દેતી હોય છે. અનુભૂતિ વગરનું જ્ઞાન ધરાવતા લોકોને આવી મજબૂરી નડતી નથી.
‘બોલે એના બોર વેંચાય’ કહેવતને બેસ્ટ પોલીસી માની કેટલાક લોકો પોતે કરેલા કામને ગા-ગા કરતા હોય છે. એની સામે ઈમાનદાર કૃતિશીલો ‘વર્ક સ્પીકસ લાઉડર ધેન વર્ડ્સ’ પર વધુ વિશ્વાસ રાખતા હોય છે. એક મિત્રે પોતાનું અવલોકન કહ્યું: જેટલી જવાબદારી વધુ એટલા શબ્દો ઓછા, જેટલી જવાબદારી ઓછી એટલા શબ્દો વધુ. ફેસબુક-વોટ્સએપ પર ‘યુદ્ધ શરુ કરી દો’ એવું સમજાવતા લાખો મેસેજ રોજેરોજ છૂટતા હોય છે જયારે દેશના વડાપ્રધાન કે સેના અધ્યક્ષ આ વાક્ય પોતાની જિંદગીમાં એક-બે વાર પણ માંડ બોલી શકતા હશે. તમને ખબર છે? શબ્દોને પણ વજન હોય છે. જવાબદારી પૂર્વક બોલાતા શબ્દોમાં વજન વધુ હોય છે.
કેટલાક શબ્દો, વાક્યો બોલવા માટે ખરેખર ખૂબ હિમ્મતની જરૂર પડે છે. જેમકે ‘સોરી, ભૂલ ખરેખર મારી હતી’, ‘તમે ત્યારે એકદમ સાચા હતા’. જો ઈમાનદારીથી કબૂલશો તો કેટલાક નિર્દોષ ચહેરા ચોક્કસ તમારી સામે આવશે જેને નજીકના કે દૂરના ભૂતકાળમાં આપણી ભૂલને કારણે ઘણું બધું ગુમાવવું પડ્યું હોય. એમનો હાથ પકડી, આંખોમાં આંખો પરોવી ‘આઈ વોઝ રોંગ’ બોલવાની ઈચ્છા તમે અનેક વાર દાબી દીધી હશે. તમારી ભીતરે એ વાક્ય અંત:કરણ સ્વરૂપે ડંખતું જ્યાં સુધી બેઠું છે ત્યાં સુધી જીવનમાં હળવાશ, ખુશી, આનંદ કે પ્રસન્નતાની અનુભૂતિ થવી સંભવ નથી. જીવનમાં બોલવા જેવું એક માત્ર આ વાક્ય જો બોલવું જ હોય તો આજે જ શુભ ઘડી, શુભ ચોઘડિયું છે. આવતીકાલ કોણે જોઈ છે? અત્યારે તો એ તમારી ભાષા અને તમારી સાથેનો સંબંધ ઓળખશે પણ જો ‘લાંબો’ ગેપ પડી જશે તો ફરી ક્યારે ‘તક’ મળે કોને ખબર! પીપળાનું વૃક્ષ કે ખીર ખાવા આવતો કાગડો ગુજરાતી (કે તમારી કોઈ પણ) ભાષા સમજે છે કે નહિ એ કોને ખબર!
કોઈના મૃત્યુ પછી બે મિનિટ મૌન શા માટે પાડવામાં આવતું હશે? શું આપણા એક પણ અક્ષર કરતાં આપણું મૌન મૃતક અને આપણાં બંને માટે વધુ ઉચિત ગણવામાં આવ્યું હશે? તમે કદી તમને પોતાને મળ્યા છો? મૌન એટલે ખુદ સાથેની મુલાકાત, સ્વ સાથેનો સંવાદ. આજના દિવસે આપણે આપણા પોતાના માટે બે મિનિટનું મૌન પાળી, ભીતર સાથે થોડો સંવાદ કરીએ તો કેવું?
kamlesh_joshi_sir@yahoo.co.in