અધૂરપ. - ૧૮ Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરપ. - ૧૮

અર્પણ

એ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.

પ્રસ્તાવના

આ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય...

પરિકલ્પના
ફાલ્ગુની દોસ્ત

પ્રકરણ-૧૮

ભાર્ગવી પોતાના સસરાની માળા પુરી થવાની રાહમાં વિચારોમાં ગરકાવ થઈ ગઈ હતી. ભાર્ગવીને અચાનક એમ થયું કે, અપૂર્વ સવારે તો ખૂબ ગુસ્સામાં ઓફિસ ગયો હતો, અને ઘરે આવ્યો તો એકદમ શાંત બનીને સમજદારીથી વર્તવા લાગ્યો, આ જરૂર પપ્પાની પ્રાર્થનાનું જ પરિણામ છે. ભાર્ગવી આવું વિચારીને પોતે પણ મંદિરમાં એક દીવો પ્રગટાવીને ભગવાનને નમન કરે છે, અને મનમાં જ બોલે છે, 'ભગવાન અમારી તો હજુ ઘણી જિંદગી હશે પણ મારા સસરાને હવે જતી જિંદગીએ તો શાંતિ આપો.. 'આંખમાં સહેજ આંસુ આવી ગયા, એ લૂછી જ રહી હતી ત્યાં જ રમેશભાઈની માળા સમાપ્ત થઈ એને આંખ ખોલી તો મંદિરમાં દીવો પ્રજ્વલિત જોયો એમને બાજુ પર જોયું તો ભાર્ગવી થોડા ગમગીન ચહેરે નજર આવી.

રમેશભાઈ બોલ્યા,"ભાર્ગવી શું થયું બેટા?"

ભાર્ગવીએ વાત ટાળી નાખવા કહ્યું, "ચાલો જમવા માટે બોલાવવવા આવી. બહુ મોડું થયું છતાં તમે હજુ આવ્યા નહીં માટે હું તમને બોલાવવા આવી."

રમેશભાઈ સમજી ગયા કે, ભાર્ગવી સત્ય વાત પચાવી ગઈ... એમણે કહ્યું, "ચાલ બેટા જમી લઈએ."

ભાર્ગવી અને રમેશભાઈ જેવા ડાઇનિંગટેબલ પાસે પહોંચ્યા કે અપૂર્વ અને શોભાબહેનના ચહેરાના હાવભાવ જોઈ સમજી જ ગયા કે જરૂર બંને વચ્ચે કોઈક ગંભીર ચર્ચા થઈ છે. પણ બંને જણાએ આ વાત નજરમાં જ ન લીધી અને જમવા જ બેસી ગયા.

રમેશભાઈ જમ્યા બાદ પોતાના રૂમમાં ગયા. અપૂર્વ લેપટોપ માં પોતાના મેઈલ ચેક કરી રહ્યો હતો. ભાર્ગવી અને શોભાબહેન ડાઇનિંગટેબલ પર બધું ઠીક કરી રહ્યા હતા ત્યાં જ રાજેશભાઈ બહાર આવ્યા અને બોલ્યા, "પપ્પા ક્યાં છે? અમૃતાને ખુબ જ પેટમાં દુઃખી રહ્યું છે, એને થોડી વાર પહેલા એક વધારાની બીજી દવા પણ ખાધી છતાં દુખાવો વધતો જ જાય છે. અત્યારે જ હોસ્પિટલે જવું પડશે."

રાજેશભાઈની વાત સાંભળીને ઘરના બધા જ તરત જ અમૃતા પાસે દોડી ગયા. અમૃતાના ચહેરા પર દુખાવાની પીડા વર્તાઈ રહી હતી. એ પીડાથી તરફડીયા મારી રહી હતી. રાજેશભાઈએ તરત જ ડૉક્ટરને કોલ કરીને કીધું કે અમે અત્યારે જ હોસ્પિટલ આવી રહ્યા છીએ તમે પ્લીઝ જલ્દી હોસ્પિટલ પહોંચજોને....

ડોક્ટરએ હા પાડી કે તરત જ અપૂર્વને ગાડી પાર્કિંગમાંથી ગેટ પાસે લાવવા કહ્યું.

અમૃતાએ રાજેશના હાથના સહારે ગાડી તરફ પ્રયાણ કર્યું અને સાથોસાથ ભાર્ગવીને ભવ્યા ઊંઘતી હોવાથી ઘરે રહેવા કહ્યું. અને રમેશભાઈને કીધુ કે, ગાયત્રીબેનને અત્યારે કઈ જ ન કહેતા નાહકની ચિંતા કરશે..

રાજેશ અમૃતાની વાત સાંભળી એને જોઈ જ રહ્યો... એ વિચારી રહ્યો હતો કે, 'અમૃતા આટલી તકલીફમાં પણ બધા માટે કેટલું વિચારે છે અને મેં હંમેશા એની અવગણના જ કરી... ખરેખર હું જ અમૃતાનો દોષી છું.. જો મેં એનું થોડું ઘણું પણ ધ્યાન રાખ્યું હોત તો આટલી એની બીમારી વધત એ પહેલા એની સારવાર શરૂ થઈ ગઈ હોત.... 'રાજેશનો જીવ જાણે મુઠ્ઠીમાં બંધાઈ ગયો હોય એવું એ અનુભવી રહ્યો હતો.

અપૂર્વ ગાડી લઈને આવ્યો કે તરત ગાડી હોસ્પિટલ તરફ દોડી.. થોડા જ સમયમાં એ લોકો હોસ્પિટલ પહોંચી ગયા.

ડોક્ટરએ અમૃતાનું ચેકઅપ કર્યું અને જણાવ્યું કે, અત્યારે જ ઓપરેશન કરવું પડશે. કારણકે અમૃતાની હાલત ખુબ નાજુક છે, એની કેન્સરની ગાંઠ ફૂટી ગઈ છે. રાજેશને રીશેપ્શનમાં ઓપરેશન ની ફોર્માલિટી પુરી કરવા કહ્યું.

રાજેશ આજ ઢીલો પડી ગયો. રમેશભાઈએ એના ખભા પર હાથ મૂકતા કહ્યું, "તું ચિંતા ન કર, અમૃતા ખુબ બહાદુર છે, એને કંઈ જ નહીં થાય."

પપ્પાના મુખેથી આવું સાંભળી રાજેશ પોતાના પિતાને વળગી પડ્યો અને ગદગદ અવાજે બોલ્યો, "પપ્પા! હું અમૃતા વગર નહીં જીવી શકું..."આટલું બોલતા જ જાણે બાકીનું દર્દ રાજેશના આંસુ જ વહીને કહી ગયા કે રાજેશના મનમાં જે ગુસ્સો અમૃતા માટે હતો એ સંપૂર્ણપણે હવે પ્રેમમાં ફેરવાઈ ગયો છે.

રમેશભાઈએ રાજેશને કહ્યું, 'હા બેટા અમૃતા બહુ જ જલ્દી ઘરે આવશે તું જલ્દી ફોર્માલિટી પુરી કર."

ક્યાંક છળ છલકે છે તો ક્યાંક વહે છે છલોછલ પ્રેમ,
દોસ્ત! આ અધૂરપને મિટાવવા સક્ષમ બનશે પ્રેમ?