અધૂરપ. - 5 Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરપ. - 5

અર્પણ

એ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.

પ્રસ્તાવના

આ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય...

પરિકલ્પના
ફાલ્ગુની દોસ્ત

પ્રકરણ-૫

ગાયત્રી પોતાનું નિત્યકર્મ કર્મ પતાવીને ઘરના મંદિરમાં દીવો પ્રગટાવતા પ્રાર્થના કરી રહી હતી. એને ખૂબ જ અફસોસ થઈ રહ્યો હતો. એના માનસપટ પર સતત અમૃતાભાભીની પરિસ્થિતિ જ છવાઈ રહી હતી. અત્યાર સુધી એને ભાભી માટે માત્ર માન જ હતું, પણ આજથી જાણે ભાભી પ્રત્યે વિશેષ માન પ્રગટી રહ્યું હતું..અને એનું એકમાત્ર કારણ એ હતું કે, એના ભાભી છેલ્લા ૧૨ વર્ષથી આ પીડાને મનમાં દબાવીને પોતાના પિયરની અને સસરાની આબરૂને બાંધીને બેઠા છે નહીં તો ચારિત્ર્ય પર કોઈ જ કારણ વગરના આક્ષેપ કોનાથી સહન થાય? વળી, એ સાચા હોવા છતાં સચ્ચાઈની સાબિતી આપવી પડે એના કરતા એમણે સંબંધને અનુરૂપ મૌન જ ધારણ કરવાનું પસંદ કર્યું હતું. આજે ભાર્ગવીને એના ભાભી ખરા અર્થમાં સમજાયા. અને એને પોતાના ભાભી માટે ખૂબ માન થઈ આવ્યું. અને વિચારી રહી કે, હું શા માટે આટલી બધી સ્વાર્થી બની ગઈ? કુદરતે મને આ કેવી ઠોકર મારી છે? કર્મનો આ કેવો સિદ્ધાંત છે? અચાનક જ મને લાગેલી આ ઠોકર? શું આ પણ કર્મનો જ સિદ્ધાંત હશે? અને આ એક ઠોકરએ મને કેટલી સમજદાર બનાવી દીધી! અને એની નજર સામેના મંદિરમાં રહેલી પ્રભુની મૂર્તિ પર પડી. અને એને જોઈને એ મનમાં જ બોલી,

પ્રભુ તરીલીલા અપરંપાર, જીવન થયું સૌનું તાર તાર
રહી બાકી હવે એ જ આશ, હવે તું અમ સૌને તાર.

અને એની આંખો બંધ થઈ અને એણે બે હાથ જોડ્યા ને પછી ધીમેધીમે એ વિચારશૂન્ય બનતી ગઈ.. ત્યાં જ અમૃતાભાભીએ તેની મૂર્છા તોડી, "ચાલો ગાયત્રીબેન ચા નાસ્તો કરવા.. "

ગાયત્રી એકદમ વર્તમાન સ્થિતિમાં આવી ગઈ! આંખના આંસુ લૂછતાં એ ભાભી સામે ફરી. ભાભી છેલ્લા ૧૦ વર્ષથી અમેરિકા જેવા દેશમાં રહે છે છતાં એજ ભારતીય સાદગી હજુ પણ એમના મોં પર ચમકતી હતી એની નોંધ લીધા વિના આજે ગાયત્રી ન રહી શકી. એ ભાભીને અમીભરી નજરે નીરખી રહી.

ફરી ભાભી બોલ્યા, "ક્યાં વિચારોમાં છો? ગાયત્રીબેન ચિંતા ન કરો, ભગવાન બધું સારું જ કરશે. ચાલો હવે નાસ્તો કરી લો. આપણે માનસકુમારને ફોન કરી મળવાનો સમય નક્કી કરી લઈએ."

ભાભીના આવા શબ્દોએ ગાયત્રીને ગમગીન કરી દીધી હતી. ગાયત્રી ખુબ જ ભાવુક બની ગઈ અને એનાથી ભાભીને કહેવાય જ ગયું, "ભાભી હું તમારી દોષી છું મને માફ કરો." આટલું બોલતા જ એની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા અને એ રડી પડી.. અમૃતાએ એને શાંત કરતા કહ્યું, "રડો નહીં બહેન, એમાં મારા તમે શું દોષી? જે થવાનું હતું એ તો થઈ ગયું. એ સમય તો જુદો જ હતો અને એ તો વીતી પણ ગયો અને આજનો સમય પણ અલગ છે. ત્યારે હું મૌન રહી પણ હવે આજે સમજાય છે કે, એ વખતે મારે અવાજ ઉઠાવવાની જરૂર હતી.

ગાયત્રી પોતે કરેલ ભૂલનુ પશ્ચાતાપ કરવા માંગતી હતી. તેણે ભાભીને કહ્યું, હું તમારી ૧૨ વર્ષ પહેલા જે ભાઈ સાથે વાત થઈ હતી એ વાતને જાણું છું.. અમૃતાભાભીએ બનાવટ કરતાં કહ્યું, .."એવી શું વાત હતી? મને કંઈ યાદ નથી કે ૧૨ વર્ષ પહેલાં શું વાત થઈ હતી..?

ગાયત્રીએ બધી જ ચોખવટ કરી અને પોતાના મમ્મીનું ષડયંત્ર પણ ભાભી સામે છતું કર્યું અને કહ્યું કે, "શું કામ મમ્મીએ તમારા ચારિત્ર્યને ભાઈની નજરમાં ખોટી રીતે રજૂ કર્યું..? અને પોતે મજબુર હતા કારણકે એમને ભણવું હતું અને મમ્મીનો ડર પણ હતો જ ને! આજે જ્યારે એ જ બધું મારા જીવનમાં પણ ફરીવાર એ જ ઘટના બની અને મારા ચારિત્ર્ય પર વાત આવી ત્યારે મને તમારી સ્થિતિ સમજાઈ. તે દિવસે મેં ચૂપ રહીને જે પાપ કર્યું એનું જ ફળ હું આજે ભોગવી રહી છું. આટલું બોલતાં તો ગાયત્રીબેન ફરી રડી પડ્યા. એનો એ રડમસ અને અસ્પષ્ટ અવાજ અમૃતાના હૃદયને ક્યાંક સ્પર્શી ગયો. અમૃતાએ કહ્યું, "હશે જે થયું એ પણ હવે ફરી ક્યારેય આવી વાત બોલતા નહીં. કારણ કે, મમ્મીનું ષડયંત્ર બધા સામે આવે તો મમ્મી પોતે આ ઉંમરે ખુબ શરમીંદગી અનુભવશે! અને હું તો હવે આ વાતાવરણમાં રહેવા ટેવાઈ જ ગઈ છું. અને જે ભોગવું છું એ કદાચ મારા ભાગ્યમાં લખાયેલું જ હશે! મારા પણ કોઈ કર્મનો જ આ સિદ્ધાંત હશે ને?

રાજેશ દૂર ઉભો આ નણંદ ભોજાઈની વાત સાંભળી રહ્યો હતો. એને આ સાંભળી પોતાના પર ખૂબ ગુસ્સો આવ્યો કે, "મને અમૃતા કેટલું તે રાત્રે સમજાવતી હતી છતાં હું ટસ નો મસ ન થયો અને મમ્મીએ જે કીધું એને જ ગાંઠ બાંધી બેસી રહ્યો.. અરે રે! આ મેં શું કરી નાખ્યું? અને એમ બોલતા ગુસ્સે થતો રૂમમાં પાછો જતો રહ્યો.

આ તરફ અમૃતા અને ગાયત્રી બંને આ વાતથી અજાણ હતાં કે, રાજેશ બંને વચ્ચેનો સંવાદ સાંભળી ગયો છે. અમૃતાએ ગાયત્રીના આંસુ લૂછ્યાં અને એને ડાયનિંગ ટેબલ પર બેસાડી ત્યાં જ ભાર્ગવી પણ આવી ગઈ..

બધા જોડે બેસી વાતાવરણ સામાન્ય રહે એવો નિરર્થક પ્રયત્ન કરી રહ્યા હતા. પણ મનમાં તો દરેકના ઉત્પાત જ મચેલો હતો. જે અનુભવાતું હતું એ જણાવતા દેતા નહોતા અને જે જણાવતા હતા એવું ખરેખર અનુભવાતું હતું કે નહીં એ પણ પ્રશ્ન હતો! માણસનું મન બહુ વિચિત્ર હોય છે નહીં! એની અંદર સતત કોઈને કોઈ દ્વંદ્વ ચાલ્યા જ કરે છે. અહીં પણ એવી જ પરિસ્થિતિ હતી છતાં બીજાનું મન ખુશ રહે એ માટે નાહક હસી લેતા હતા!

અમૃતા, ભાર્ગવી અને ગાયત્રી નાસ્તો કરતા હળવી વાતો કરતા હતા એ શોભાબહેનને ન પચ્યું.. ક્યારેક ઘરના એક વ્યક્તિનો ખરાબ સ્વભાવ આખા પરિવારને હલબલાવી નાખે છે. અને એની અસરમાં બધાંને હેરાન થવું પડે છે. અહીં શોભાબહેન પણ માત્ર પોતાના અહમને જ સંતોષવા માટે પોતાના જ પરિવારની ખુશીઓ દાવ પર લગાવતા બિલકુલ અચકાતા નહોતા. શોભાબહેન ત્રણેયને નાસ્તો કરતા જોઈને એટલી હદે ગરમ થયા કે એની જ્વાળામાં એની દીકરીને જ હોમતા હોય એવા કટાક્ષમાં બોલ્યા, "ગાયત્રી આટલી કાલ માથાકૂટ થઈ તોય તારાથી ગરમાગરમ નાસ્તો ગળેથી ઉતરે છે ખરો?"

ગાયત્રીના હાથમાંથી થેપલાનું બટકું છટકી ગયું અને ગળામાં રહેલ બટકું જાણે ખુંચીને ગળામાં જ અટવાઈ ગયું. ગાયત્રીએ નાસ્તાની પ્લેટને પગે લાગી અને ચા પી ઉભી થઈ ગઈ.

અમૃતા અને ભાર્ગવી બને એકબીજા સામે જોઈ રહ્યા.. બન્નેને અત્યારે ચૂપ રહેવું જ ઠીક લાગ્યું. અમૃતાએ માનસકુમારને ફોન કર્યો. માનસકુમારે ફોન ઉપાડ્યો અને અમૃતાની વાતને સંમતિ આપી સવારના આઠ વાગ્યે મળવાનું નક્કી કર્યું, માનસકુમાર તો ઝઘડો કરવાના પુરા પ્લાન સાથે જ સવારની રાહમાં હતા.