અધૂરપ. - 6 Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરપ. - 6

અર્પણ

એ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.

પ્રસ્તાવના

આ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય...

પરિકલ્પના
ફાલ્ગુની દોસ્ત

પ્રકરણ-૬

અમૃતા અને ભાર્ગવીએ માનસકુમારના ઘરમાં પ્રવેશ કર્યો અને એમણે બંનેએ જેમ ધાર્યું હતું એમ જ એમને સારો આવકાર માનસકુમાર તરફથી મળ્યો નહીં. છતાં બંને એ વાતને અવગણીને પણ માનસ કુમારના ઘરમાં દાખલ થયા.

"ઓહ! તો આવી ગયા એમ ને! બંને ભાભીઓ તમારી નણંદ ની વકાલત કરવા. તમારે એને સમજાવી ને એને અહીં સાથે લઈને આવવાની હતી એને બદલે તમે બંને એકલા જ ચાલ્યા આવ્યા. આખું ખાનદાન જ આવું છે કે શું? જમાઈની તો તમારા ઘરમાં કોઈ આબરૂ જ નથી નહીં! જો તમને લોકોને તમારી દીકરીની પડી હોત ને તો આવી રીતે ન આવ્યા હોત. એને સમજાવીને સાથે લઈ આવ્યા હોત. એને નોકરી કરવાની ક્યાં જરૂર જ હતી? એને શું કમી છે અહીં? નોકરી કરીને એ શું સાબિત કરવા માંગે છે કે, હું એની જવાબદારી ઉપાડવા સક્ષમ નથી એમ? હું એને બહુ દુઃખી રાખું છું? એણે જે કંઈ પણ માંગ્યું એ બધું મેં એની સામે હાજર કર્યું છે. ને તો ય એ નોકરી કરવા લાગી અને એ પણ મને કીધા વિના. હું એને ક્યારેય માફ નહીં કરું. અને એનો પેલો બોસ. સમજે છે શું એ એના મનમાં? એ મારી પત્ની જોડે ગમે તેમ વર્તન કરશે અને હું ચલાવી લઈશ? એના બોસને શરમ આવવી જોઈએ. એને ખબર નથી પડતી કે, ગાયત્રી પરણેલી છે એક છોકરીની મા છે. મોડે સુધી ગાયત્રી ને ઓફિસમાં રોકી રાખવાની શું જરૂર છે? બીજા કોઈને તો નથી રોકતો એનો એ ખડૂસ બોસ. એની ગાયત્રી પર ખરાબ નજર જ છે." આટલું બોલતાં તો માનસકુમારની આંખો લાલ થઈ ગઈ અને એ ગુસ્સામાં થર થર ધ્રુજવા લાગ્યા.

"તમે પહેલાં તો શાંત થઈ જાવ માનસકુમાર." અમૃતાએ એમને શાંત પાડવાની કોશિશ કરતાં કહ્યું, "માનસકુમાર. ઘણી વખત જે દેખાતું હોય છે એ સત્ય નથી હોતું. આપણા મનનો વહેમ હોય છે ને વહેમનું કોઈ ઓસડ નથી હોતું. અને ઘણી વખત સાચી વાત સમજતાં સમજતાં એટલો બધો સમય જતો રહે છે કે, પછી બહુ મોડું થઈ જાય છે અને પછી પસ્તાવો કરવા સિવાય કંઈ જ બાકી રહેતું નથી. અમારું માત્ર તમને એટલું જ કહેવું છે કે, તમે ગાયત્રીબેનને એક તક આપો. અને એ દરમિયાન તમે સત્ય જાણવાની કોશિશ કરો. બની શકે કે, તમે જે કહો છો એ તમારા મનનો વહેમ પણ હોય અને સત્ય કંઈક જુદું પણ હોઈ શકે." આટલું કહી અમૃતા શાંત થઈ.

હવે બોલવાનો વારો ભાર્ગવીનો હતો. એણે માનસ કુમારને સમજાવતાં કહ્યું, "હા, માનસકુમાર. હું પણ ભાભીની વાત જોડે સહમત છું. તમારે ગાયત્રી બેનને એક મોકો જરૂર આપવો જોઈએ. અને કદાચ ગાયત્રીબેનએ ઘરની આર્થિક સ્થિતિને પહોંચી વળવા માટે નોકરી કરવાનો નિર્ણય લીધો હોય તો એમાં ખોટું પણ શું છે? હા, હું માનું છું કે, એમણે આ નિર્ણય તમને વિશ્વાસમાં લઈને કરવો જોઈતો હતો એ એમની ભૂલ હતી પણ એમનો એ નિર્ણય તમારા અને પરિવાર ના ભલા માટે જ હતો ને! અમારી ફરજ હતી તમને સમજાવવાની અને અમારી વાતને રજૂ કરવાની. બાકી આખરી નિર્ણય તો તમારે જ કરવાનો છે. અંતે તો તમારે અને ગાયત્રી બહેનેજ આખરી નિર્ણય કરવાનો છે." એટલું કહી ભાર્ગવી અટકી.

અમૃતા અને ભાર્ગવી બંને માનસ કુમારના જવાબની રાહ જોવા લાગ્યા.