અધૂરપ. - ૧૯ Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરપ. - ૧૯


અર્પણ

એ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.

પ્રસ્તાવના

આ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય...

પરિકલ્પના
ફાલ્ગુની દોસ્ત

પ્રકરણ-૧૯

રાજેશ ફોર્માલિટી પૂરી કર્યા બાદ એ સીધો જ અમૃતા પાસે ગયો હતો. અમૃતાનો હાથ પકડીને બોલ્યો, "મને તારો સાથ જોઈએ છે એટલે તારો હાથ મેં પકડ્યો છે બાકી તું સક્ષમ જ છે બધી કસોટીઓ માંથી બહાર આવવા માટે.. પણ હવે તારા વગર હું નહીં જીવી શકું. મને હું ઉઠું ત્યારથી લઈને હું ઊંઘું ત્યારે પણ તારો ચહેરો મારી નજર સામે જોઈશે..તું.."

રાજેશ હજુ બોલી જ રહ્યો હતો, પણ અમૃતાએ પોતાનો હાથ રાજેશના હોઠ પર મૂકી એની વાત અધૂરી મૂકી પોતે બોલવા લાગી, "કોણે કહ્યું કે હું તમારા સાથ વગર રહી શકીશ હવે?? આટલું બોલી અસહ્ય પીડામાં પણ અમૃતાના ચહેરા પર રાજેશ પ્રત્યેના પ્રેમની છબિ ઉપજાવી લીધી અને એક હળવું મંદ હાસ્ય રાજેશને આપી અને રાજેશની ચિંતા પણ દૂર કરી દીધી. આટલા દુઃખ માં પણ અમૃતાના ચહેરા પર હાસ્ય હતું અને એનું એકમાત્ર કારણ હતું રાજેશનો એના પ્રત્યેનો પ્રેમ. પ્રેમમાં કેટલી તાકાત હોય છે નહીં! એ વાત આજે એટલા દુઃખમાં પણ અમૃતાના ચેહરા પરનું હાસ્ય સાબિત કરી રહ્યું હતું.

રાજેશે અમૃતાના કપાળ પર એક પ્રેમભર્યું હળવું ચુંબન કરતા ધીરા સ્વરે કહ્યું, "બેસ્ટ ઓફ લક ... એન્ડ આઈ લવ યુ. જલ્દી ઓપરેશન થીએટર માંથી બહાર આવ અને હું ફરી તારો આવો જ હસતો ચહેરો ઝડપથી જોઉં...

અમૃતાએ ફક્ત આંખની પાંપણ ઝુકાવી રાજેશની વાતને હા પાડી.

હોસ્પિટલનો સ્ટાફ અમૃતાને ઓપરેશન રૂમ તરફ લઇ ગયો અને રાજેશ અને બાકીના સર્વે બહાર રહી અમૃતા માટે પ્રાર્થના કરવા લાગ્યા કે અમૃતા જલ્દી આ બીમારી સામે લડીને સાજી થઈ જાય.

થોડા જ કલાકોમાં ઓપરેશન પૂરું થઈ ગયું.. ડોક્ટરે બહાર આવી કહ્યું, કે ઓપેરશન તો થઈ ગયું પણ અમૃતાની ખરી પરિસ્થિતિ એ હોશમાં આવે પછી ખબર પડે... આખા પરિવારના જીવમાં જીવ આવ્યો, પણ શોભાબહેન એના સ્વભાવ મુજબ જ આજ પોતાનો બધો જ ગુસ્સો જાણે કાઢવાની તક મળી હોય એમ વળમાં બોલી ઉઠ્યા, "જે વહુ પોતાની મા સમાન સાસુની વિરુદ્ધમાં જાય છે એમને કુદરત ક્યારેય છોડતી નથી.. જોયું ને ભગવાને એને કેવો પરચો આપ્યો! હં.. સહુએ કરેલ કર્મ અહીં જ ભોગવવા પડે છે, સ્વર્ગ અને નરક તો અહીં જ છે દીકરા... "

રમેશભાઈએ આજ શોભાબહેન વધુ કંઈ બોલે એ પહેલા એમને પોતાના સોગંદ જ શોભાબહેનને આપી દીધા. અને કહ્યું કે, "આજ પછી પરિવારના કોઈ પણ સદસ્ય માટે જો તું કઈ પણ એલફેલ બોલી છે તો હું તારી જિંદગીથી દૂર થઈ જઈશ.. સમજી! તને ગમે તો અહીં રહે નહી તો તું અમને બધાને છોડીને ઇન્ડિયા જઈ શકે છે. અમે કોઈ તને નહીં રોકીએ. પણ હવે હું તારો આ સ્વભાવ તો નહીં જ ચલાવી શકું. તારે ઘરમાં રહેવું હોય તો પ્રેમથી રહે, અને જો કોઈના પણ મનમાં કંઈ પણ ખોટી વાત કાનમાં ભરવાની કોશિષ કરી છે તો મારા આ ઘર છોડીને જતા પગ નહીં અચકાય એટલું તું બરાબર સમજી લેજે.

રમેશભાઈ એકીશ્વાસે બધું જ શાંતિથી સડસડાટ બોલી ગયા. આજ એમણે શોભાબહેનને તમાચો નહીં માર્યો છતાં ફક્ત ગાલ જ નહીં એ આખા ગુસ્સાના આવેગમાં લાલ થઈ ગયા.

શોભાબહેન વળતો જવાબ આપવા જાણે મોઢું ખોલી જ રહ્યા હતા ત્યાં જ આજ અપૂર્વ પણ બોલ્યો, "મમ્મી! કાલ હું ચૂપ રહ્યો, પણ આજ તમને કહીશ કે અમને મમ્મી શબ્દ બોલતા પણ શરમ આવે એવા વર્તન બંધ કરો."

રાજેશ પણ બોલ્યો કે, "મમ્મી! આ અમૃતાના પરિવાર માટે કરેલ નિઃસ્વાર્થ ભાવની સેવા જ છે કે, જે ઓપેરશન કરાવવા જતી વખતે પણ આપણી ભવ્યા અને ગાયત્રીબેન ની ચિંતા કરતી હતી. આ તો શરીર છે કોઈને પણ બીમારી થઈ શકે.. હું તો મારી જાતને જ જવાબદાર ગણું છું અમૃતાની આ પરિસ્થિતિ માટે. મેં જો સમયસર એનું ચેકઅપ કરાવ્યું હોત તો અમૃતાને કદાચ ગર્ભાશય કઢાવવું ન પડત. જો અમૃતાને આ ભગવાનનો પરચો હોય તો વિચારો ભગવાન મને અને હા તમને પણ કેવો પરચો આપશે?" રાજેશે પોતાની મા સામે બે હાથ જોડીને કહ્યું, "મમ્મી મહેરબાની કરીને આ ઘરની શાંતિ ભંગ ન કરો.."

શોભાબહેન તો સાવ ભોંઠા પડ્યા. એમને થયું કે, મારો પતિ અને બંને પુત્ર પણ મારી વિરુદ્ધમાં બોલી રહ્યા છે. એ એટલું જ બોલ્યા કે, "હું વચન આપું છું કે હવેથી કંઈ જ એવું નહીં કહું કે જેથી તમને લોકોને કંઇ તકલીફ થાય." આટલું બોલતા શોભાબહેનના આંખમાંથી આંસુ સરી પડ્યા.

રમેશભાઈ બોલ્યા, "આજ તારા આંસુ સાચા છે કે દેખાવના એ તો ભગવાન જાણે.. પણ એટલું જરૂર કહીશ કે, અમૃતા અને ભાર્ગવી આપણને ખરા ગૃહલક્ષ્મી સ્વરૂપે મળ્યા છે, એમની કદર કર. આપણે એમની પર અનેક જાણ્યે અજાણ્યે પુત્રમોહમાં અત્યાચાર કર્યા છે. કોઈ જ પોતાની મરજી વગર એ વડીલોની ઈચ્છાને જ અનુસરતી આવી. અમૃતાએ ત્યારે આપણી ભૂલનો અરીસો આપણને ન દેખાડ્યો હોત તો હજુ આપણે આવા જ પાપમાં જિંદગી વેડફી રહ્યા હોત. તું તારા અહમને દૂર કરી શાંતિથી વિચારજે અથવા તારા પિયરની જ દરેક વહુઓ તારી બહેન અને ભાભીને કેમ રાખે છે એ જોજે એટલે બધું તને સમજાઈ જશે.

હે માનવ! સ્વના મોહથી તું પર થા,
દોસ્ત! પ્રભુના કર્મથી તું વંચિત ન થા.

"હવે આવી થર્ડ ક્લાસ વાતું ને વિરામ આપી અમૃતા માટે પ્રાર્થના કરો કે એ ઝડપથી હોશમાં આવે. સવાર થવા જ આવી છે હું ભાર્ગવી અને ગાયત્રીને અહીંના સમાચાર આપી દઉં." આટલું કહી રમેશભાઈ બંનેને ફોન કરવા મોબાઇલ કાઢે છે, અને બંને પુત્રો સોફા પર બેસી અમૃતાને માટે પ્રાર્થના કરે છે.

શોભાબહેન ખુબ દુઃખી હોય છે એમને હજુ પોતાની ભૂલ ન સમજાણી તે ન જ સમજાણી! પરિવારમાં જો કોઈ આવી વિચારસરણી વાળું હોય તો ખરેખર એ પરિવારના લોકો બધું હોવા છતાં એ સુખ શાંતિ ભોગવી શકતા નથી.