લોસ્ટ - 39 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોસ્ટ - 39

પ્રકરણ ૩૯

"કેરિન, દીકરા ક્યાં સુધી તું આમ રાવિનું દુઃખ મનાવીશ?" રીનાબેનએ કેરિનના ખભા પર હાથ મુક્યો.
કેરિનએ રીનાબેન સામે જોયું અને ફરી આકાશ તરફ નજર માંડી,"પસ્તાવો ખુબજ ખરાબ વસ્તુ છે માં."
"જાણું છું, પણ આવી રીતે જિંદગી કેમ નીકળશે દીકરા?" રીનાબેનની આંખો ભીંજાઈ ગઈ.

"મારા મનમાં ભરાઈ ગયેલા વ્હેમને કારણે હું મારી રાવિથી દૂર રહ્યો, તેં જે ખુશીઓને લાયક હતી એમાંથી કાંઈજ ન આપી શક્યો તેને. હું તો રાવિને એમ પણ ન કઈ શક્યો કે હું તેંને પ્રેમ કરું છું, રાવિ ચાલી ગઈ કાંઈજ જાણ્યા વગર, કાંઈજ જીવ્યા વગર, કાંઈજ મેળવ્યા વગર." કેરિન રડી પડ્યો.
"દાદા, હું એટલી મોટી નથી કે તમારી જેમ સારુનરસુ સમજી શકું. પણ રાવિ વહિની અહીં હોત તો તમને બન્નેને રડતાં જોઈને બઉ દુઃખી થઇ ગઈ હોત..." મિથિલાએ રીનાબેનના આંસુ લૂંછયા.

"તું સાચું કે' છે મિથિલા, મારી રાવિ ખુબજ હસમુખ અને બહાદુર હતી. હવે હું રડીને મારી દીકરીનો આત્મા નઈ દુભાવું." રીનાબેનએ તેમના આંસુ લૂંછયા.
"હું પણ નઈ રડું માં, કેમકે રડવાના દિવસો હવે બીજા કોઈના આવવાના છે." કેરિનએ તેના આંસુ લૂંછયા અને રાધિને ફોન લગાવ્યો.

"હા જીજુ, બોલો." સામે છેડેથી ફોન ઉપાડતાજ રાધિ બોલી.
"મારે રાવિના ખૂનીનું નામ જાણવું છે રાધિકા." કેરિન સીધો મુદ્દા પર આવ્યો.
"હું આજે અમદાવાદ આવુજ છું, મળીને વાત કરીએ." રાધિએ ફોન મૂકી દીધો.

"વહિની જેવી સીધી સરળ છોકરીનું ખૂન કોઈ કેવી રીતે કરી શકે?" મિથિલાએ નિરાશામાં તેનું માથું હલાવ્યું.
"એ જે કોઈ પણ હોય, પણ એને રાવિના જીવની કિંમત તો ચૂકવવી જ પડશે." કેરિનએ દાંત પિસ્યા.
"કેરિન, દીકરા રાવિ તો હવે પાછી આવવાની નથી તો આ બધું કરીને શું મતલબ? તું પોલીસ પાસે જા બેટા, આ કામ પોલીસનું છે." રીનાબેન થોડા વ્યવહારુ સ્વભાવનાં હતાં, તેં ભાવુક થવાને બદલે બધું વ્યવહારિક નજરીયે જોતાં હતાં.

"આ કામ પોલીસનું નથી માં, રાવિને કોઈ માણસે નથી મારી." કેરિનએ દલીલ કરી.
"શું વાતો કરો છો બધાં." કેશવરામ બધાંને શોધતા શોધતા ધાબા પર આવી ગયા.
"સારુ થયું તમે આવ્યા કેશવ, હવે તમે જ સમજાવો કેરિનને. એ હવે રાવિના ખૂનીને શોધીને તેની સાથે બદલો લેવાનું વિચારે છે, રાવિના ખૂનીને સજા જરૂર મળવી જોઈએ પણ આ કામ પોલીસનું છે સમજાવો આને."

"રાવિને મારનાર સામાન્ય માણસ નઈ હોય એટલે જે કરે એ ધ્યાનથી કરજે અને જીત્યા વગર પાછો ન વળતો." કેશવરામએ કેરિનના માથા પર હાથ મુક્યો.
"ધન્યવાદ બાબા." કેરિન કેશવરામ અને રીનાબેનને પગે લાગ્યો અને રાવિના ખૂનીને શોધવાનો મક્કમ નિર્ણય કરીને રાધિકાની રાહ જોવા લાગ્યો.


માયા તેની ગુફામાં આમતેમ આંટા મારી રહી હતી, રાવિ તેના યજ્ઞની મુખ્ય આહુતિ હતી પણ રાવિએ તેનો જીવ દઈને માયાના યજ્ઞમાં પાણી રેડી દીધું હતું.
હવે શું કરવું એ વિચારોમાં ખોવાયેલી માયાને એ પણ ભાન ન થયું કે કાળીનાથ તેની ગુફામાં આવ્યો છે.
"માયાઆઆઆ......" કાળીનાથએ રાડ પાડી.
માયા ઊંઘમાંથી જાગી હોય એમ ઝબકીને કાળીનાથ સામે જોયું, કાળીનાથની આંખોમાંથી ઝરતા અંગારા જોઈને માયા પળવાર માટે ગભરાઈ ગઈ.

કાળીનાથ ગુસ્સામાં માયાની નજીક ધસ્યો અને બોલ્યો,"તેં શું કરી નાખ્યું છે ભાન છે તને?"
"જાણું છું, બઉ મોટી ભૂલ થઇ ગઈ છે મારાથી." માયા ડરથી કાંપી રહી હતી.
"તેં જે કર્યું એને તું ભૂલ કે' છે?" માનસા ગુફામાં પ્રવેશી, અને કાળીનાથ સામે જોઈને હાથ જોડીને બોલી,"પ્રણામ ગુરુજી."

"પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવાનું રે'વા દે માનસા, તું મને નફરત કરે છે એટલેજ મારા વિરુદ્ધ ગુરુજીને ભડકાવી રહી છે." માયાએ દાંત પિસ્યા.
"ગુરુજીને તારી અસલિયત ખબર જ છે અને ગુરુજી કોઈ મૂર્ખ માણસ નથી કે કોઈની વાતો સાંભળીને ભડકી જાય." માનસાએ ગુસ્સામાં કહ્યું.
"જોયું ગુરુજી, માનસા તમારા વિશે શું બોલે છે...." માયા તેની વાત પુરી કરે એ પહેલાંજ કાળીનાથ તાડુક્યો,"ચૂપ થઇ જાઓ બન્ને."

માયા અને માનસાના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઇ ગયું, બન્ને ચુપચાપ માથું નીચું રાખીને કાળીનાથ સામે ઉભી હતી.
"તું માયાની મોટી બેન છે માનસા, તારે મોટાઈ બતાવીને તેની નાનીમોટી ભૂલોને માફ કરી દેવી જોઈએ અને બન્ને બેનોને પ્રેમથી સાથે રેવું જોઈએ." કાળીનાથએ તેમના અવાજમાં બને તેટલી મીઠાશ ભેળવી.

"મારી બદકિસ્મતી છે કે હું આની મોટીબેન છું." માનસાએ આંખો કાઢી.
"આ એકજ વાત એવી છે જેમાં હું તારી સાથે સહમત છું, તારા જેવી મોટીબેન મળવી મારી બદકિસ્મતી જ છે." માયાએ તિરસ્કારથી કહ્યું.
ફરીથી બન્નેએ ઝગડવાનું ચાલુ કર્યું, બન્નેની જીભાજોડીથી કંટાળીને કાળીનાથએ બન્નેને એક પાંજરામાં બંધ કરી દીધી.

"ગુરુજી, માફ કરી દો અમને. હવે અમે નઈ લડીએ, અમને બા'ર કાઢો." માનસા અને માયા એકીસાથે બોલી.
"પે'લા મારા પ્રશ્નનો જવાબ આપ કે તેં રાવિકાને કેમ મારી?" કાળીનાથનો ચેહરો ગંભીર થયો હતો.
"રાવિકાએ મને ઉકસાવી હતી, તેથી હું ગુસ્સામાં તેના ઉપર વાર કરી બેઠી." માયા અર્ધસત્ય બોલી.

"તારા વાર પછી પણ રાવિકા બચી સકતી હતી, રાધિકા તેને બચાવી સકતી હતી છતાંય રાવિકાએ મોત પસંદ કર્યું. કેમકે રાવિકા તારા ઈરાદા વિશે જાણી ગઈ હતી, રાવિકા જાણી ગઈ હતી કે તું અસીમ શક્તિઓની માલિક રાવિકાની બલી ચડાવીને આપણા ઇષ્ટદેવ પાસેથી અમરત્વ માંગવાની હતી." કાળીનાથની આંખો અંગાર વરસાવી રહી હતી.

"એમાં એવુ છે કે...." માયા નીચું જોઈ ગઈ.
"માયા, તું સાચેજ આપણા પરિવારનું કલંક છે." માનસાએ તિરસ્કાર કર્યો.
"તમારી રક્ષા કરીશ અને હંમેશા તમને માર્ગદર્શન આપીશ એવુ વચન આપ્યું હતું મેં તમારી માં મોહિનીને, નહીં તો તારી આ નીચ હરકત માટે હું તને બાળીને ભસ્મ કરી દેત માયા." કાળીનાથએ માંડ માંડ તેના ગુસ્સા પર કાબુ કરી રાખ્યો હતો.

"મારાથી ભૂલ થઇ ગઈ છે એ હું જાણું છું, પણ હવે શું કરું હું?" માયાને ખુબજ પસ્તાવો થઇ રહ્યો હતો.
"પસ્તાવાનો કોઈ અર્થ નથી, રાધિકા તેની બેનના ખૂનનો બદલો લેવા આવશે અને જયારે રાધિકા આવશે ત્યારે તને કોઈ નઈ બચાવી શકે, કોઈ જ નઈ માયા." કાળીનાથની આંખોમાં વિષાદ હતો.

"માં હંમેશા કે'તી કે આપણી વિદ્યાની ભલે કોઈ હદ ન હોય પણ આપણી ઈચ્છાઓની હદ હંમેશા હોવી જોઈએ, આ હદ જયારે પાર થશે ત્યારે સર્વનાશ થઇ જશે." માનસાએ નિરાશામાં માથું હલાવ્યું અને ફરીથી બોલી, "એ હદ તું પાર કરી ચુકી છે માયા, તારા લાલચી સ્વભાવને કારણે તું સર્વનાશની નજીક પહોંચી ગઈ છે."

ક્રમશ: