લોસ્ટ - 1 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોસ્ટ - 1

પ્રકરણ ૧

"અંદર આવ રાવિ, જલ્દી આવ બેટા." એક સ્ત્રીનો અવાજ જર્જરિત ઇમારતની સામે ઉભેલી રાવિને બોલાવી રહ્યો હતો.
એ અવાજ સાંભળતાંજ રાવિના પગ આપોઆપ હવેલી તરફ આગળ વધ્યા, ધૂળ અને કરોળિયાના જાળાથી વધુ જૂનો લાગતો વિશાળ દરવાજો ખુલ્યો અને રાવિએ ઇમારતમાં પગ મુક્યો.

રાવિએ પહેલું ડગલું ઘરમાં મૂક્યું ને' જાણે આ ઘર રડવા લાગ્યું હોય એવો આભાસ થયો તેને, દીવાલોમાંથી વહેતા આંસુ, અને રડવાનો અવાજ સાંભળીને રાવિના મોતિયા મરી ગયા.
ત્યાંથી પાછા વળી જવાની તીવ્ર ઈચ્છા છતાંય તેના પગ આગળ વધી રહ્યા હતા, તેં યંત્રવત દીવાનખંડના જમણા ખૂણે આવી અને દીવાલ ઉપર લટકાવેલી વિશાળ તસ્વીર
ઉપર જામેલા ધૂળના થર સાફ કરવા આપોઆપજ તેનો હાથ ઉપડ્યો.

"માં!" રાવિના મોઢામાંથી તસવીરમાં રહેલી સ્ત્રીનો ચેહરો જોઈને ઉદ્દગાર સરી પડ્યો અને તેના મોઢામાંથી માં શબ્દ નીકળતાજ આ ઘર ભયાનક રીતે બદલાવા લાગ્યું.
એક સ્ત્રીની ભયાનક ચીસો, દીવાલ ઉપરથી ઉતરતા લોહીના રેલા અને બાળકના રડવાના અવાજથી રાવિના કાન ફાટી રહ્યા હતા.
રાવિ મુઠીઓ વાળીને ત્યાંથી ભાગી પણ દરવાજાથી બહાર જાય તેના પહેલાંજ દરવાજો બંધ થઇ ગયો, તેં દરવાજે અથડાઈને નીચે પડી અને તેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ, "બચાવો...... કોઈ બચાવો, હું અહીં ફસાઈ ગઈ છું. મને બા'ર કાઢો."

"રાવિ, બેટા શું થયું? રાવિ......"
"ફરીથી એજ સપનું, જિજ્ઞા માસી. મને કેમ આ એકજ સપનું આવ્યા કરે છે માસી?" તેની માસીનો અવાજ સાંભળીને ઊંઘમાંથી જાગેલી રાવિ એસી રૂમમાં પણ પરસેવે રેબઝેબ થઇ ગઈ હતી.
"પાણી પી." જિજ્ઞાસાએ રાવિને પાણી આપ્યું.

"જિજ્ઞા માસી, મારી સાથે આવું કેમ થઇ રહ્યું છે?" રાવિએ ફરીથી એજ પ્રશ્ન પૂછ્યો.
"તું જો આખો દિવસ ભૂતની વાર્તાઓ વાંચ્યા કરીશ તો પછી ભૂત તો સપનાંમાં આવશેજને." રાવિની બેન જીયા રૂમમાં આવતાંજ બોલી ઉઠી.
"હા, ચલ હવે હોશિયારી." રાવિએ સામો જવાબ આપ્યો.
"હું રાવિનું ધ્યાન રાખીશ તું ચિંતા ન કર માં." જીયાએ ધીમેથી તેની માં જિજ્ઞાસાનાં કાનમાં કહ્યું, જિજ્ઞાસાને થોડી રાહત થઇ.

જોગિંગ માટે ગયેલો રયાન પાછો ઘરે આવ્યો ત્યારે જિજ્ઞાસાએ રાવિના સપના વિશે તેને વાત કરી, રયાનનો ચેહરો તંગ થઇ ગયો, "આપણે જેટલું રાવિને તેના ભૂતકાળથી દૂર કરવાનો પ્રયત્ન કરીયે છીએ એટલોજ પ્રયત્ન કદાચ કિસ્મત પણ કરી રઈ છે રાવિને તેના ભૂતકાળ તરફ લઇ જવા."
"મેં સોનુંને વચન આપ્યું હતું કે હું તેની દીકરી રાવિનું ધ્યાન રાખીશ અને તેને ક્યારેય તેના ભૂતકાળ તરફ પાછી નઈ જવા દઉં, પણ પરિસ્થિતિને જોતા લાગે છે કે એ વચન તૂટવાએ આરે છે." આધ્વીકા અને રાહુલના હાર ચડાવેલા ફોટા સામે જોઈને જિજ્ઞાસાની આંખો ભરાઈ આવી.

"રડ નઈ જિજ્ઞા, જે થશે એ સારા માટે થશે." રયાનએ જિજ્ઞાસાની આંખો લૂંછી.
"શું સારા માટે થાય છે રયાન? એકજ ઝટકે આપણો પરિવાર વેરવિખેર થઇ ગયો એ સારુ થયું હતું? મારી રાવિ ૩ વર્ષની ઉંમરે અનાથ થઇ ગઈ એ સારુ થયું હતું? ૨૧ વર્ષ પહેલાં જે થયું હતું એ સારુ થયું હતું?" જિજ્ઞાસાની આંખો સામે જાણે ફરીથી એ બધીજ ઘટનાઓ ઘટી ગઈ હોય એમ તેની આંખો દર્દથી છલકાઈ ઉઠી હતી.

"ધીમે બોલ જિજ્ઞા, રાવિ સાંભળી લેશે." રયાન જિજ્ઞાસાની પીઠ પસવારી રહ્યો હતો.
"હું શું સાંભળી લઈશ રયાન પપ્પા? રાવિની નજર જિજ્ઞાસા પર પડી, તેને રડતી જોઈને એ જિજ્ઞાસા પાસે દોડી આવી,"તમે કેમ રડો છો જિજ્ઞા માસી?"
"તને રોજ એક ખરાબ સપનું હેરાન કરે છે અને હું કાંઈજ નથી કરી શકતી એટલે મારી લાચારી પર મારી આંખો ભીંજાઈ ગઈ બેટા." જિજ્ઞાસાએ વાત ફેરવી કાઢી.

"ઓહો માસી, મારું સપનું મારી પ્રોબ્લેમ છે અને હું મારી પ્રોબ્લેમ સામે લડી શકું એટલી સ્ટ્રોંગ તો છું જ. હું રાવિકા રાઠોડ છું, આધ્વીકા રાઠોડની દીકરી. અને તમારા સંસ્કાર છે મારામાં માસી, સો જસ્ટ રિલેક્સ." રાવિએ ખભા ઉછાળ્યા.
"આધ્વીકા રાઠોડ અને જીજ્ઞાસા સોલંકી સામે તો ભલભલાં પાણી ભરે, સાચી વાતને." રયાન હસી પડ્યો, રાવિ અને જીયા પણ હસી પડ્યાં.
જિજ્ઞાસાએ આંસુ લૂંછ્યા અને રાવિના માથા પર હાથ મુક્યો,"ભગવાન કરે તું હંમેશા આમજ હસતી રે. "

"રાવિ જ તારી દીકરી છે માં; મને તો તું મંદિરની સીડીઓ ઉપરથીજ લાવી હતી ને, સાચું બોલજે? જીયાએ હંમેશાની જેમ મજાક કરી.
"હા, એટલેજ તારો ચેહરો ઘરમાં કોઈના જેવો નથી." રાવિએ જીભ કાઢીને જીયાને ચીડવી. જીયા તેની પાછળ દોડી અને બન્ને આખા ઘરમાં દોડાદોડી કરી નાખી.

રાધ્વી ગ્રુપ ન્યુ યોર્કની અગ્રણી કંપનીઓમાંની એક હતી, જિજ્ઞાસા અને રયાનની રાધ્વી ગ્રુપમાં રાવિ સીઈઓ હતી. નખશીખ આધ્વીકા જેવી દેખાતી રાવિ રૂપ અને ગુણનો ભંડાર હતી, ખભા પર ઝુલતા કાળા વાળમાં હાઈલાઈટ કરાવેલી સોનેરી લટો, મોતી જેવા દાંત, સપ્રમાણ બાંધો, ઘઉંવર્ણો રંગ અને વાક ચતુર્યની માલિક હતી રાવિકા.

હંમેશા હસતી રહેતી અને જિંદગીને ખુલીને જીવતી રાવિકાની જિંદગીમાં માતાપિતાની ખોટ તો જીજ્ઞાસા અને રયાનએ પુરી કરી હતી પણ તેની જિંદગીની સૌથી મોટી સમસ્યાનો ઉકેલ ન તો તેની જિજ્ઞા માસી પાસે હતો ન તો તેના રયાન પપ્પા પાસે હતો.
કામની વ્યસ્તતામાં દિવસ તો પસાર થઇ જતો પણ રાત પડતાજ તેનું મન બાળપણથી આવતા આ એકજ સપનાના વિચારોમા ખોવાઈ જતું.

સાંજે જ્યારે રાવિ ઓફિસથી ઘરે આવી ત્યારે એ બઉજ ખુશ હતી, તેને ખુશ જોઈને જિજ્ઞાસાને થોડી હાશ થઇ અને તેણીએ રાવિને પૂછ્યું, "આજે કઈ ખાસ છે?"
"તમે વિશ્વાસ નઈ કરો માસી, આપણને બઉજ મોટી ડીલ મળવાની છે. પરમ દિવસે મિટિંગ છે અને જો આ ડીલ આપણને મળી ગઈ તો આપણી કંપનીની એન્યુઅલ ઇનકમ કરોડોમાંથી અબજોમાં પહોંચી જશે અને આપણી કંપની બીજા દેશોમાં પણ ફેમસ થઇ જશે." રાવિ ખુબજ ખુશ હતી.

"ઓહોહો, બઉજ સરસ. તો ક્યારે નીકળવાનું છે અને ક્યાં છે મિટિંગ?" જિજ્ઞાસાએ કોફીનો મગ રાવિના હાથમા આપ્યો.
"કાલ સાંજની ફ્લાઇટ છે, અને મુંબઈમાં છે મિટિંગ."રાવિએ કોફીનો પહેલો સીપ લીધો.
"તું મુંબઈ નઈ જાય, બધું કેન્સલ કરીદે." મુંબઈનું નામ સાંભળતાંજ જિજ્ઞાસાનું હૃદય ડરથી ફફડવા લાગ્યું.
"પણ કેમ માસી? હું છેલ્લા બે મહિનાથી આ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છું અને હવે છેલ્લી ઘડીએ બધું કેન્સલ કેમ કરી દઉં?" રાવિને જિજ્ઞાસાનું રીએક્શન થોડું વિચિત્ર લાગ્યું.

"કોને પૂછીને તેં એવો પ્રોજેક્ટ લીધો જેના માટે ભારત જવુ પડે? હું આ કંપનીની ડાયરેક્ટર છું તો તેં મને પૂછવું જરૂરી ન સમજ્યું? તારી ઈચ્છા હતી કે તું આપણી કંપની સંભાળે એટલે બધી જવાબદારી તને સોંપીને હું ઘરે રહું છું પણ એનો મતલબ એમ થાય કે તું મનફાવે એવા નિર્ણય લઈશ?" જિજ્ઞાસાનો ડર રાવિ ઉપર ગુસ્સો બનીને નીકળ્યો.

રયાન જિજ્ઞાસાનો અવાજ સાંભળી હોલમાં આવ્યો અને ઈશારાથી રાવિને તેના રૂમમાં જવાનું કહ્યું, રાવિના ગયા પછી રયાન જિજ્ઞાસા તરફ ફર્યો, "એવુ શું થયું કે તારે રાવિ સાથે આટલા ઊંચા અવાજમાં વાત કરવી પડી?
"એક મિટિંગ માટે રાવિ ભારત જઈ રઈ છે." જિજ્ઞાસાનો ચેહરા પર ચિંતા અને ડર સાફ દેખાઈ રહ્યાં હતાં, રયાનના માથા ઉપર પણ ચિંતાની લકિરો સાફ દેખાઈ આવતી હતી.

"જો રાવિ ભારત ગઈ અને તેને....." રયાન આગળનું વાક્ય ખાઈ ગયો.
જિજ્ઞાસાએ આધ્વીકાની તસ્વીર સામે જોયું અને બોલી, "અને તેને આધ્વીકા વિશે સાચી હકીકત ખબર પડી ગઈ તો?"

ક્રમશ: