લોસ્ટ - 33 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોસ્ટ - 33

પ્રકરણ ૩૩

"૭ દિવસ પછી અમાસ છે, અમાસના દિવસે તું તારી મરજીથી તારી શક્તિઓ મને આપી દઈશ." માયાના આ શબ્દો રાવિના કાનમાં ગુંજી રહ્યા હતા.
"વહિની, વિચારાત હરવલે?" મિથિલાએ રાવિના ખભા પર હાથ મુક્યો.
"તું મને મરાઠી શીખવી દે થોડું, અમુકવાર તો મને ખબર જ નથી પડતી કે તું શું બોલતી હોય છે." રાવિ હસી પડી.

"વહિની, મારે તમને કંઈક પૂછવું છે પણ તમને મારો સવાલ ન ગમે કદાચ." મિથિલા થોડી ખચકાઈ રહી હતી.
"મને તારો સવાલ નઈ ગમે તો હું તને તોપથી ઉડાવી નઈ દઉં, શું પૂછવું છે પૂછ." રાવિ થોડી હસી.
"તમારા અને દાદા વચ્ચે બધું ઠીક છે? ખબર નઈ કેમ પણ મને એવુ લાગે છે અમુકવાર કે તમારી વચ્ચે કંઈક તો ખૂટે છે." મિથિલાએ રાવિની આંખોમાં જોઈને પૂછ્યું.

રાવિએ આડું જોઈ લીધું, મિથિલાએ તેનો હાથ પકડ્યો અને બોલી,"સોરી હું તમારી પર્સનલ લાઈફમાં દખલ દઈ રઈ છું પણ હું બસ તમને બન્નેને ખુશ જોવા માંગુ છું, માત્ર એક સવાલનો જવાબ આપશો? તમે દાદાને પ્રેમ કરો છો ને? મેં તમારી આંખોમાં દાદા માટે પ્રેમ જોયો છે વહિની."
"હા, કરું છું પ્રેમ હું કેરિનને. અમારી વચ્ચે થોડીઘણી પ્રોબ્લેમ છે પણ એ તો સબંધની શરૂઆતમાં બધે હોય મિથિલા, અમે એકબીજા સાથે જેમ જેમ વધું સમય વિતાવશુ એમ એમ અમારી વચ્ચે સમજણ અને પ્રેમ વધશે." રાવિએ કહ્યું.

દરવાજા પાસે ઉભેલા કેરિનએ રાવિના છેલ્લા શબ્દો સાંભળ્યા અને એ વિચારમાં પડી ગયો,"ભવિષ્યની ધારી લીધેલ શક્યતાઓને કારણે હું મારું વર્તમાન તો નથી બગાડી રહ્યો ને? મારે ખુલ્લા મનથી અમારા સબંધ વિશે વિચારવું જોઈએ, મારે આ બાબતે રાવિ વિશે વાતચીત કરવી પડશે."
"ચાલો હું જઉ ઊંઘવા, શુભ રાત્રી વહિની." થોડી ઘણી વાતો કરીને મિથિલા ઊંઘવા જતી રઈ.

"મિથિલા મગજ ખાય છે બઉ, એની વાતોને બઉ ધ્યાનમાં ન લેજે." કેરિનએ વાતની શરૂઆત કરવાનો પ્રયત્ન કર્યો.
"ઓહ હેલ્લો, મિથિલા જરાય મગજ નથી ખાતી. એ તો બહુજ મીઠડી છોકરી છે, અનલાઈક હર બ્રધર." રાવિએ મોં મચકોડ્યું.
"શું કીધું?" કેરિનએ એક આંખ ઊંચી કરી.
"મેં કીધું કે શુભ રાત્રી." રાવિએ માથા સુધી ઓઢી લીધું અને ઊંઘી ગઈ.

"મેહુલ, તું એક કલાકથી બોલ બોલ કરે છે. ખાતી વખતે એટલું કોણ બોલે? હવે તું ચૂપચાપ ખા." રાધિએ પરાઠાનો મોટો ટુકડો મેહુલનાં મોઢામાં ઠૂસ્યો.
"અ.... રે.... પપ...ણ." મેહુલ કંઈક બોલવા જતો હતો પણ રાધિએ ડોળા કાઢ્યા એટલે ચૂપ થઇ ગયો.
"શાબાશ રાધિકા, આમજ આને તારી મુઠ્ઠીમાં રાખજે હો." નવીનભાઈ હસી પડ્યા.

નાસ્તો પતાવ્યા પછી મેહુલ ઓફિસ જતી વખતે રાધિકાને બાય કહેવા આવ્યો,"રાધિકા, ડાર્લિંગ. હું જઉ છું."
"આ તારો ફોન, હમણાં ભૂલી જવાનો હતો." રાધિકાએ મેહુલને તેનો ફોન આપ્યો.
"એ તો જાણીજોઈને, તું નજીક આવે એટલે." મેહુલએ રાધિકાને કમરથી પકડીને નજીક ખેંચી અને તેને કિસ કરવા જતો હતો ત્યાંજ રાધિકા તેનાથી દૂર થઇ ગઈ.

"નો, નોટ અગેઇન. આપણા લગ્નને ૮ દિવસ થયા છે, આ ૮ દિવસમાં રોજ કોઈને કોઈ આત્મા તારી મદદ માંગવા આવી જાય છે. એ જે કોઈ પણ હોય એને કઈ દે કે થોડીવાર પછી આવે." મેહુલએ મોઢું ચઢાવ્યું.
"હું કેવી રીતે ના પાડું?" રાધિએ દયામણું મોઢું કર્યું.
"ફાઈન, પણ આજ છેલ્લું છે હો. બધાંને કઈ દેજે કે કાલથી મારા ગયા પછી અને મારા આવતા પેલા આવે, ઓકે?" મેહુલએ રાધિકાના કપાળ પર હળવું ચુંબન કર્યું અને ઓફિસ જવા નીકળી ગયો.

આ તરફ કેરિન સવારથી રાવિ સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પણ રાવિ કોઈને કોઈ કામમાં વ્યસ્ત થઇ જતી હતી, કંટાળીને કેરિન ઓફિસ ચાલ્યો ગયો.
રાવિ પણ તેનું ઓફિસનું કામ પતાવીને માયાએ કીધેલા સરનામે આધ્વીકાનું પાર્થિવ શરીર લેવા નીકળી ગઈ, રાધિને તેણીએ ફોન કરીને સીધું ત્યાંજ આવવા જણાવી દીધું હતું.

"આ કેવી જગ્યા છે?" રાધિની સામે એક ત્રિકોણકાર તળાવ અને ગોળ પર્વત હતો, તળાવની બાજુમાંથી એક નાનકડી કેડી પર્વત સુધી જતી હતી.
"હા, બઉજ વિચિત્ર જગ્યા છે." રાવિએ ઝાડ સામે ઈશારો કર્યો, અહીં બધાં ઝાડ ઉલટાં હતાં. ઝાડનાં મૂળિયાં ઉપર અને ડાળપાંદડા જમીન પર હતાં, પતંગિયાં જમીન પર ચાલી રહ્યાં હતાં અને નાનાંમોટાં જીવડાં ઉડી રહ્યાં હતાં.

"ઉલટી દુનિયામાં આવી ગયાં હોઈએ એવુ લાગે છે નઈ?" રાધિએ તળાવકિનારે ફરતી અમુક માછલીઓ તરફ ઈશારો કર્યો.
"આ બધું નોર્મલ નથી, કંઈક તો વિચિત્ર છે." રાવિએ એક પથ્થર ઉપાડીને તળાવમાં ફેંક્યો.
"પાણીનો અવાજ નઈ આવ્યો, મતલબ ત્યાં તળાવ નથી. મતલબ કે આ કેડી પણ સાચી નથી, પણ અંદર તો જવું જ પડશે." રાધિએ આ વિચિત્ર દુનિયામાં એક ડગલું મૂક્યું અને તેની સામેનું વિચિત્ર પણ સુંદર દ્રશ્ય ભયાનક જંગલમાં ફેરવાઈ ગયું.

"ભાગ...." રાવિના કાનમાં તેની નજીક આવતા કોઈકનાં પગલાંનો અવાજ પડ્યો અને તેણી રાધિનો હાથ પકડીને દોડી.
"આ શું છે?" રાધિએ તેની પાછળ દોડી રહેલા કેટલાયે વિચિત્ર શરીર જોયા અને તેની દોડવાની ઝડપ વધી ગઈ.
બન્નેની નજર એક ગુફા પર પડી અને બન્ને એ ગુફામાં ઘુસી ગઈ.

"આપણી શક્તિઓ કામ નથી કરી રઈ, મેં કેટલો ટ્રાય કર્યો છતાંય...." રાધિ હાંફી રહી હતી.
"જંગલ ક્યા ગયું? પેલા માણસો?" રાવિએ પાછળ ફરીને જોયું તો તેની આજુબાજુ માત્ર ગુફાની દીવાલો હતી.
"થોડો શ્વાસ લેવા દે, પછી વિચારીયે આગળ." રાધિ ઊંડા ઊંડા શ્વાસ લઇ રહી હતી.
"હા, પણ...." રાવિ તેની વાત પુરી કરે એ પહેલાંજ ગુફા હલવા લાગી અને ઉપરથી નાનામોટા પથ્થર પડવા લાગ્યા.

બન્ને બહેનો એકબીજાનો હાથ પકડીને ભાગી, તેમના દોડતાજ પથ્થર પડવાની ઝડપ વધી ગઈ હતી. બન્ને પાછું જોયા વગર મુઠ્ઠીઓ વાળીને દોડી રહી હતી, કેટલુંય દોડ્યા પછી બન્નેને એક બારણું દેખાયું.
બારણું દેખાતાંજ બન્નેની હિંમત વધી અને ઝડપથી બન્ને બહાર નીકળી ગઈ, બન્નેના શરીર પર પથ્થરના મારથી નાનીમોટી ઇજા થઇ હતી.

"આ બધું શું છે?" રાધિ અને રાવિ ઉભી હતી એ ૬ ગજ જમીન પછી જ્યાં નજર પહોંચે ત્યાં સુધી માત્ર વિશાળ ખાઈ હતી, તેણીએ નીચે નજર કરી પણ આ ખાઈનો કોઈ અંત નજરે ન ચડ્યો.
આ ખાઈ ઉપર એકબીજાને વીંટળાઈને ઝૂલા જેવા આકાર આપતા વેલા હતા, આ બધાજ ઝૂલા એકબીજાથી બે ત્રણ ડગલાંના અંતરે હતા.

"આપણી શક્તિઓ વગર કઈ રીતે પાર કરશું આ?" રાધિએ તેના ડાબા હાથની હથેળીમાં જમણા હાથનો મુક્કો માર્યો.
"મોસાળે જમણ અને માં પીરસનાર હોય તો શું મજા આવે?" રાવિએ રાધિ સામે જોયું, રાધિ હસી પડી અને બોલી,"ઠીક છે બેન, ચાલો થોડા જોખમ ઉઠાવી લઈએ. મારે પણ જોવું છે કે કોણ કોના ઉપર ભારે પડે છે."

રાધિ કૂદકો મારીને એક ઝૂલા પર ચડી ગઈ અને રાવિ સામે જોઈને બોલી, "આ તો એકદમ સરળ છે, ચાલ તું પણ આવી જા."
"સંભાળીને, આટલી સરળતાથી અહીંથી નીકળી જવાશે એવુ લાગતું નથી." રાવિ ઝૂલા પર જવા તૈયાર થઇ.

"મને પણ આ તોફાન પેલાની શાંતિ લાગી રહી છે." રાધિ બીજા ઝૂલા પર જવા પગ ઉપાડે એ પહેલાંજ તેં જે ઝૂલા ઉપર હતી એ તૂટી ગયો, રાધિનું સંતુલન ગયું અને તેં નીચે પડી.

ક્રમશ: