Lost - 29 books and stories free download online pdf in Gujarati

લોસ્ટ - 29

પ્રકરણ ૨૯

"મમ્મા....." રાધિના ગાલ પર એક આંસુ ધસી આવ્યું.
"હું તારી માં નથી, નથી હું તારી માં. તું કોઈ જ કામની નથી, તું નાલાયક છે." આધ્વીકા ગાયબ થઇ ગઈ.
"મમ્મા..... મમ્મા....."
"શું થયું દીદી? આધ્વીકા માસીની યાદ આવે છે?" હમણાંજ ઓરડામાં આવેલી જીયાએ રાધિની બૂમો સાંભળીને પૂછ્યું.

રાધિએ ન તો જીયા સામે જોયું અને ન તો તેના પ્રશ્નનો જવાબ આપ્યો, તેણીએ તેનાં આંસુ લૂંછ્યા અને ઓરડામાંથી બહાર નીકળી ગઈ.
"તું ક્યાં હતી?" રાવિએ રાધિને જોઈને પૂછ્યું.
"હું તને જવાબ આપવો જરૂરી નથી સમજતી." રાધિએ રાવિ સામે જોવાનું ટાળ્યું.

"તારા સમજવા ઉપર દુનિયા નથી ચાલતી, સમજી?" રાવિએ તીણી આંખો કરીને રાધિ સામે જોયું.
"શું છે?" રાધિએ તેની આંખો ગોળ ગોળ ફેરવી.
"આજે આપણે મામાને ત્યાં જવાનું છે, બધાં ત્યાં પહોંચી ગયાં છે અને અમે તૈયાર થઈને તારી રાહ જોતાં હતાં." રાવિએ અદપવાળીને રાધિ સામે ગુસ્સાથી જોયું.
"ભૂલી ગઈ હતી, સોરી. તૈયાર થઈને આવું છું." રાધિ પાછી તેના ઓરડામાં જતી રહી.

રાધિ જ્યારે રાવિ, જીયા અને કેરિન સાથે રાઠોડ નિવાસ પહોંચી ત્યાંરેજ તેનો ફોન રણક્યો, તેણીએ ફોન જોયો અને તેના ચેહરા પર ખુશી આવી ગઈ.
"હેલ્લો...." રાધિના ગાલ લાલ થઇ ગયા હતા.
"હું અમદાવાદ આવ્યો છું, પપ્પાને મળવા અને મેં આપણી વાત કરી." સામે છેડેથી મેહુલ બોલ્યો.
"તો? શું કીધું એમણે?" રાધિના દિલની ધડકનો વધી ગઈ હતી.
"પપ્પાએ કહ્યું કે આપણા લગ્ન.........." મેહુલએ એક લાંબો વિરામ લીધો અને બોલ્યો, "થશે.........."


"હેં? સાચે?" રાધિ ખુશીની મારી ઉછળી પડી.
"હા, સાચે." મેહુલએ તેની નકલ કરી.
"તો? ક્યારે આવે છે તું મારા ઘરે?" રાધિ ફરીથી શરમાઈ ગઈ.
"હું તને એજ પૂછવાનો હતો કે આપણા લગ્નની વાત કોની સાથે કરવાની છે?" મેહુલએ પૂછ્યું.

"તું આજે તારા પરિવાર સાથે આવી શકે?" રાધિએ પૂછ્યું.
"હા, મને એડ્રેસ મોકલ." મેહુલએ ફોન કાપી નાખ્યો, રાધિએ રાઠોડ હાઉસનો એડ્રેસ મેહુલને સેન્ડ કર્યો અને દોડતી જઈને રાવિને વળગી પડી.
"શું થયું? કોઈ લોટરી લાગી છે કે શું?" રાવિએ રાધિને આટલી ખુશ ક્યારેય ન્હોતી જોઈ.

રાધિએ જિજ્ઞાસાને ફોન લગાવ્યો અને મેહુલ વિશે બધાંને જણાવ્યું, બધાંએ સહર્ષ રાધિનો નિર્ણય વધાવી લીધો.
"માસી, મારા લગ્નનો નિર્ણય તમે લેશો તો મને ગમશે." રાધિએ મીરાનો હાથ પકડ્યો અને તેને ગળે મળી.
મેહુલનો પરિવાર આવ્યો, મીરાએ મેહુલના પરિવાર સાથે વાતચીત કરીને રાધિમેહુલના લગ્ન નક્કી કરી નાખ્યા.

રાત્રે સાથે જમીને બધાં પોતપોતાના ઘરે ગયાં, રાધિએ ઘરે આવતાંજ રાવિ અને કેરિનને એકસાથે ઊભાં રાખીને બોલી, "મારાં લગ્નમાં મને તમારા બન્ને તરફથી એક ગિફ્ટ જોઇએ."
રાવિ અને કેરિનએ એકબીજા સામે જોયું અને બન્નેએ રાધિ સામે પ્રશ્નસૂચક નજરે જોયું.
બન્નેના મનની વાત સમજી ગઈ હોય એમ રાધિ બોલી, "આપણાં લગ્ન એક જ માંડવામાં થાય એ મારી ઈચ્છા છે, મારી સાથે તારાં પણ વિધિવત લગ્ન થવા જોઇએ."

"તાઈ ખરે બોલલી, કા દાદા?" મિથિલા તેના મોટાભાઈના લગ્નની વાત સાંભળીને ખુશ થઇ ગઈ હતી.
"ગપ્પ બસા મિથિલા, જાસ્ત આનંદી હોઉ નકા." કેરિનએ મિથિલા સામે જોઈને ડોળા કાઢયા.
"રાગ કા યેતો? તુલા રાવિ આવડતે, બરોબર?" કેશવરામએ દીકરાની આંખોમાં આંખો નાખીને પૂછ્યું.
"બરોબર, પણ બાબા મી કા મ્હણતોય...." કેરિન તેની વાત પુરી કરે એ પહેલાંજ જીયા બોલી ઉઠી, "તમે લોકો ગુજરાતીમાં વાત કરોને, પ્લીઝ."

"હવે કોઈ વાત નઈ થાય, તું અને કેરિનજીજુ બન્ને ફરીથી લગ્ન કરવા તૈયાર થઇ જાઓ." રાધિ તેના ઓરડામાં જતી રહી.
કેરિન અને રાવિ તેમના ઓરડામાં આવ્યાં એટલે તરત કેરિન બોલ્યો, "હવે?"
"શું?" રાવિએ ખભા ઉછાળ્યા.
"આપણે આ લગ્ન કરવા જોઇએ?" કેરિનએ રાવિ સામે જોયું.

"કેમ? તું મારી સાથે લગ્ન નથી કરવા માંગતો?" રાવિ તેના વાળ ખોલી રહી હતી.
કેરિન રાવિની નજીક આવ્યો, તેના ચેહરા પર ધસી આવેલા વાળને કાનની પાછળ સરકાવ્યા અને બોલ્યો, "તું મારી સાથે લગ્ન કરવા માંગે છે?"
"મને તું બહુ ગમે છે કેરિન, હું તારી સાથે લગ્ન પણ કરવા માંગુ છું અને તારી સાથે આખી જિંદગી પણ વિતાવવા માંગુ છું." રાવિએ કેરિનની આંખોમાં જોઈને તેના દિલની વાત કરી દીધી.

"હું.... હું તને પ... પ... પ્ર..." કેરિન રાવિની આસપાસ હોય ત્યારે આમજ બેચેન થઇ જતો હતો.
"રહેવા દે, રાધિના લગ્નની તારીખ હજુ નક્કી નથી થઇ. ત્યાં સુધીનો સમય છે તારી પાસે, વિચારીને નિર્ણય લેજે." રાવિ તેની નાઇટી લઈને બાથરૂમમાં જતી રઈ.

"બેવકૂફ કેરિન, તને શું કોઈ શુળી પર ચડાવી દેશે જો તું તારા મનની વાત રાવિને કરીશ તો?" કેરિનનું હૃદય કેરિનના મનને પૂછી રહ્યું હતું.
"પણ એ ખુબજ પૈસાદાર છોકરી છે અને હું ગરીબ માણસ, કદાચ કાલે રાવિને એવુ લાગે કે મેં તેના પૈસા માટે પ્રેમ...." કેરિનના મગજએ દલીલ કરી.

"તો પછી જેમ ચાલે છે એમ ચાલવા દે, એક દિવસ એ તને છોડીને જતી રહેશે જોજે." કેરિનનું હૃદય આજ લગભગ યુદ્ધ કરવા તૈયાર હતું.
"હું ક્યારેય રાવિને દુઃખી નથી કરવા માંગતો અને મારી સાથે રઈને રાવિને કોઈ ખુશી નઈ મળે." કેરિનએ એક નિશાંસો નાખ્યો અને ઊંઘી ગયો.

રાવિ બહાર આવી ત્યારે કેરિન ઘસઘસાટ ઊંઘી ગયો હતો, રાવિએ તેના ગાલ પર હાથ ફેરવ્યો અને બોલી, "તું મારો છે અને હમેશા મારો જ રઈશ, તું મને પ્રેમ કરે છે અને આ હું તારા મોઢેથી સાંભળીશ જ કેરિન દેશમુખ."


"જોયું તેં ત્રિસ્તા? બન્ને છોકરીઓ લગ્નની તૈયારી કરી રહી છે." માનસાએ તેના દાંત પિસ્યા.
"એ બન્ને ક્યાં જાણે છે કે બન્ને લગ્ન કરીને આપણી જ મદદ કરી રહી છે, મને ધમકી આપી હતી કે મેં ખોટી છોકરી સામે બાથ ભીડી છે." ત્રિસ્તાએ રાધિના શબ્દો યાદ કર્યાં.
"હા, ૨૧ વર્ષ પહેલાં અધૂરી રહી ગયેલી રમત ફરી શરૂ કરવાનો સમય આવી ગયો છે અને આ વખતે હું જીતીશ." માનસાની આંખોમાં ક્રોધ હતો.

"લગ્નની વિધિ પતશે એટલે તરત બન્નેને ઉઠાવીને લઇ આવીશ હું." ત્રિસ્તાએ કહ્યું.
"ઉઠાવવી જ પડશે, બન્નેનું કોમાર્ય અકબંધ રહેવું જરૂરી છે." માનસાએ મનોમન આધ્વીકાને યાદ કરી અને બોલી, "આ વખતે કોઈ આધ્વીકા રાઠોડ, કોઈ રાવિકા કે રાધિકા રાઠોડ નઈ જીતે. જીતીશ માત્ર હું, માનસા... માત્ર માનસા."

ક્રમશ:


બીજા રસપ્રદ વિકલ્પો