પ્રકરણ ૨૮
"શું થયું? શું થયું?" બધાં બહાર દોડી આવ્યાં.
"આ રાવિ નથી, આ ભૂત છે.... રાવિએ મને ગળાથી પકડીને હવામાં લટકાવી દીધો હતો, એ રાવિ નથી....." કેરિનએ રાવિ સામે આંગળી ચીંધી.
"તમે કોઈ ખરાબ સપનું જોયું હશે જીજું, રાવિ સ્ટ્રોંગ છે માન્યું પણ એ તમને હવામાં ઉંચકી શકે એ તો અશક્ય છે." રાધિ ન્હોતી ઇચ્છતી કે તેમની શક્તિઓ વિશે કોઈ જાણે.
"હા, કેરિન. તેં કોઈ સપનું જોયું હશે, રાવિ આવો વ્યવહાર ન કરી શકે." રીનાબેનએ પણ રાવિનો પક્ષ લીધો.
"જીજુ, રાવિ ક્યાંથી તમને ભૂત દેખાય છે? આટલી રૂપાળી છે મારી બેન, તેનાં વખાણ કરવાને બદલે તમે તેને ભૂત કહો છો." જીયાએ કેરિનને હેરાન કરવા ટીખળ કરી.
"કેરિનની ગેરસમજને કારણે તમને બધાંને તકલીફ થઇ, એ બદલ હું માફી માંગુ છું." રાવિએ એક કાનની બુટ પકડીને માફી માંગી અને કેરિનને લઈને તેના ઓરડામાં આવી ગઈ.
"રાવિ, હું બસ......" કેરિનની વાત વચ્ચે જ કાપીને રાવિ બોલી, "હું બસ શું? હું તને ભૂત જેવી ભયકંર દેખાઉં છું?"
"એવુ નથી રાવિ, પણ......" કેરિન હમણાં બનેલી ઘટના સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ રાવિ તેની વાત સાંભળ્યા વગર જ ઊંઘી ગઈ.
"કુંદર, તારી એટલી હિમ્મત કે તું મારા આદેશની વિરુદ્ધ જાય." કાળીનાથ અગઝરતી આંખોથી કુંદરને જોઈ રહ્યો હતો.
"માફ કરી દો ગુરુજી, એ છોકરી મને ગમી ગઈ એટલે મારાથી ભુલ થઇ ગઈ." કુંદરએ કાળીનાથ સામે હાથ જોડ્યા.
"એક પરિણીત સ્ત્રી પર નજર નાખવાની ભુલ તો તું કરી જ ચુક્યો છે અને આજે કેરિનના શરીરમાં ઘૂસીને રાવિ સાથે શારીરિક સબંધ બાંધવાનો પ્રયત્ન કરીને તેં ગુનો કર્યો છે." કાળીનાથની આંખોમાંથી આગ વરસી રહી હતી.
"તમે પણ મને એક પરિણીત સ્ત્રીને ઉઠાવી લાવવાનો આદેશ આપ્યો હતો ગુરુજી." કુંદર નીચું જોઈને બોલ્યો.
"એને ઉઠાવી લાવવા પાછળનું કારણ તેની શક્તિઓ છે, અને તેની શક્તિઓ છીનવવી હશે તો તેં છોકરીનું કોમાર્ય અકબંધ રહેવું જરૂરી છે." કાળીનાથએ સ્પષ્ટતા કરી.
"તો શું તેની શક્તિઓ છીનવ્યા પછી રાવિને મને સોંપી દેશો?" કુંદરનની આંખોમાં હજુયે રાવિ માટેની લોલુપતા નજરે ચડતી હતી.
"એક સ્ત્રીની ઈચ્છા વગર તેને હાથ ન લગાવવો જોઇએ, કુંદર." કાળીનાથએ કુંદરને માયાવી મંત્રમાં કેદ કરીને એક શિશામાં બંધ કરી દીધો અને રાવિની શક્તિઓ છીનવવાની નવી યોજના વિચારવામાં લાગી ગયો,"ત્રિસ્તા, માનસા અને માયા પણ આ બન્નેની શક્તિઓ છીનવવા એડીચોટીનું જોર લગાવતી હશે એટલે મારે એ ત્રણેયની પહેલાં જ કંઈક અસરદાર યોજના અમલમાં મુકવી પડશે."
રાધિ સવારે ઉઠી ત્યારે આધ્વીકા તેની સામે બેઠી હતી, આધ્વીકાને જોઈને રાધિ તરત તેની બાજુમાં જઈને બેઠી.
"જીયા આજે મુંબઈ જવાની છે, તારા મેહુલને મળવા." આધ્વીકાનું રૂપ લઈને આવેલી માયાએ તેની પહેલી ચાલ ચલી.
"એ તો ઓફિસના કામથી જવાની છે ને પણ...." રાધિએ તેની અકળામણ છુપાવવાનો પ્રયત્ન કર્યો.
"હું અને રયાન એકબીજાને પ્રેમ કરતાં હતાં, પણ સંજોગો એવા બન્યા કે હું અને રયાન અલગ થઇ ગયાં અને હું રાહુલને મળી. રયાન મને પ્રેમ કરતો હતો છતાંય જિજ્ઞાએ એને ફસાવીને એની સાથે લગ્ન કરી લીધાં, જીયા પણ એવુ કરી શકે છે બેટા." આધ્વીકાએ બીજું પાસું ફેંક્યું.
"હું મેહુલને મળવા જઉં છું મમ્મા, એને કઇશ કે આજેજ અમારા લગ્નની વાત કરે એના ઘરે. બસ ત્યાં સુધી રાવિ મને શોધે નઈ, એને ખબર પડી કે હું ઘરમાં નથી તો એ તરત જાણી લેશે કે હું ક્યાં છું." રાધિ બાળપણથી અભાવમાં જીવી હતી અને એટલેજ એ તેને અચાનક મળેલી ખુશીઓ ખોવાથી ડરતી હતી.
"હા તું જા બેટા અને આ લે, આ તને કામ લાગશે." આધ્વીકાએ બોર જેવડું રાખોડી રંગનું એક ફળ રાધિના હાથમાં મૂક્યું.
"આ શું છે?" રાધિએ આ અજાણ્યા ફળને ફેરવીને જોયું.
"ત્યાં પહોંચીને આ ખાઈ લેજે, એટલે અમુક સમય માટે તારી શક્તિઓનો અસર ખતમ થઇ જશે અને એ સમયગાળા દરમ્યાન રાવિ કે કોઈ પણ આત્મા તને શોધી નઈ શકે." આધ્વીકાએ કહ્યું.
રાધિએ ફળને મુઠીમાં બંધ કર્યું, આંખો બંધ કરી અને આધ્વીકાની સામેથી ગાયબ થઇ ગઈ, તેના જતાજ માયા તેના અસલી રૂપમાં આવી.
"તું ઘણું બધું જાણવા લાગી છે રાધિકા, અને તારી જાણકારીઓ વધે એ પહેલાંજ તારાં લગ્ન કરાવવા પડશે મેહુલ સાથે. તારાં લગ્ન જ મારી સફળતાની ચાવી છે રાધિકા." માયા રાધિને તેની શક્તિનો ઉપયોગ કરતી જોઈને નાખુશ હતી.
"તારું ટાઈમિંગ આટલું સરસ કેમ છે?" મેહુલ બાથરૂમમાંથી બહાર આવ્યો ત્યારે રાધિ તેના પલંગ પર બેઠી હતી.
"તારું ટાઈમિંગ આટલું ખરાબ કેમ છે?" રાધિએ માત્ર ટુવાલ વિંટાળીને ઉભેલા મેહુલને જોઈને આંખો બંધ કરી લીધી.
"હાયે શર્મિલા....." મેહુલએ રાધિને બાથમાં લીધી અને તેની આંખો ચૂમી.
"તું મારી સાથે લગ્ન કરવા માંગે છે?" રાધિએ મેહુલના ચેહરા પર તેની નજર ઠેરવી.
"હા, એમાં કંઈ પૂછવાનું હોય?" મેહુલના ચેહરા પર પળવાર માટે પણ અણગમો કે નગમતા પ્રશ્ન જેવો ભાવ ન્હોતો આવ્યો.
"તો તું આજેજ તારા મમ્મીપપ્પા સાથે વાત કર અને પછીજ ઓફિસ જજે." રાધિને અસલામતીનો અહેસાસ થઇ રહ્યો હતો.
"મારી ફેમિલિમાં પપ્પા અને દાદાદાદી જ છે, પપ્પા અમદાવાદ ગયા છે દાદાદાદીને મળવા અને કાલે આવશે એટલે હું એમની સાથે વાત કરી લઈશ ઓકે?" મેહુલએ રાધિને તેની નજીક ખેંચી.
"ઠીક છે, હું જઉં છું પણ તું ભૂલ્યા વગર આપણા લગ્નની વાત કરી લેજે." રાધિ ઉઠવા ગઈ ત્યાં તો મેહુલએ તેને ખેંચીને તેના ખોળામાં બેસાડી,"આટલી જલ્દી ક્યાં જાય છે?રે' ને' થોડીવાર, મારી પાસે."
રાધિ ચુપચાપ એકીટશે મેહુલને નિહાળી રહી હતી.
મેહુલએ તેના હોઠ ચુમ્યા, તેનાં કપડાં કાઢયાં અને તેનું શરીર ચુમ્યું. અડધા એક કલાક પછી હાંફીને થાકી ગયેલો મેહુલ રાધિ ઉપર જ ઊંઘી ગયો, રાધિની હળવી ચીસો અને ઉહંકારા પછી આ ઓરડો ફરી શાંત થઇ ગયો હતો.
"તું રડે છે.... કેમ?" મેહુલએ રાધિની ભીની આંખો જોઈને પૂછ્યું.
"મારે તારી સાથે લગ્ન કરીને જલ્દીથી જલ્દી તારી પાસે આવવું છે." રાધિએ તેની આંખો લૂંછી.
મેહુલએ કપડાં પહેર્યા અને ઓરડાની બહાર ગયો, પાંચેક મિનિટ પછી એ પાછો આવ્યો અને બોલ્યો, "આટલી નાની વાતમાં મારી રાધિ રડે એ ના ચાલે."
રાધિએ અસમંજસમાં મેહુલ સામે જોયું, મેહુલએ તેની મુઠ્ઠી ખોલી તો એમાં કંકુ હતું.
"તું આજથી મારી પત્ની, આપણાં લગ્ન થઇ ગયાં." મેહુલએ ચપટીભરીને કંકુ રાધિના સેથામાં ભરી દીધું.
રાધિ મેહુલની બાહોમાં સમાઈ ગઈ, મેહુલએ તેની ફરતે તેના હાથ વિંટાળ્યા અને બોલ્યો,"આપણાં લગ્ન એકદમ યુનિક છે, પેલા સુહાગરાત થઇ અને પછી લગ્ન થયાં."
રાધિએ ખડખડાટ હસતા મેહુલની છાતીમાં હળવી ઢીંક મારી અને બોલી, "પણ મારે વિધિવત લગ્ન કરવા છે, ધામધૂમથી."
"ફિક્સ જ છે તમારું છોકરીઓનું, પત્ની બની નથી કે ફરમાઈશ અને હુકમ ચાલુ." મેહુલ ફરીથી હસ્યો.
"હા, તો? એમાં કંઈ ખોટું છે?" રાધિએ મોઢું ચડાવ્યું.
"ના ભાઈ ના, તમે કો' એજ સાચું. તમે કે'શો એમજ થશે શ્રીમતીજી."મેહુલએ તેના બન્ને કાનની બુટ પકડી.
"તમે હજુ અહીંજ છો મમ્મા." રાધિ ઘરે પાછી આવી ત્યારે આધ્વીકા તેના ઓરડામાંજ બેઠી હતી.
"આટલી વાર કેમ લાગી? મેહુલ માન્યો?" આધ્વીકાએ પૂછ્યું.
"હા, એ જલ્દીજ એના ઘરે વાત કરશે અમારા લગ્નની." રાધિના ગાલ શરમથી લાલ થઇ ગયા હતા.
આધ્વીકાની નજર રાધિના અસ્તવ્યસ્ત વાળ, તેનાં ચોળાયેલાં કપડાં અને ફેલાયેલા કાજલ પર ગઈ.
"તેં આ શું કરી નાખ્યું?" આધ્વીકાએ રાધિના ગાલ પર એક જોરદાર તમાચો માર્યો અને બોલી, "તારું કોમાર્ય લૂંટાવીને આવી છે, હવે તું મારા કોઈ કામની નથી."
ક્રમશ: