ડૂબતી સંધ્યાનો સુરજ - ૯ Parthiv Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડૂબતી સંધ્યાનો સુરજ - ૯

●◆●◆●◆● ૨ વર્ષ પછી ●◆●◆●■●


" ગાંધીનગર જિલ્લાના મેયર માનનીય શ્રી ઉપાધ્યાય સાહેબની મહેરબાનીથી આજે આપણે અહીંયા ભેગા થયા છીએ ..." દૂર મંચ પર હરોળબંધ ખુરશી ગોઠવવામાં આવી હતી . જેમાં અલગ અલગ રાજ્ય કક્ષાના મંત્રીઓ અને વચ્ચે ગાંધીનગરના મેયર શ્રી ઉપાધ્યાય સાહેબ અને એમની સુપુત્રી બેઠા હતા . એક માણસ મંચ પરથી સતત ઉપાધ્યાય સાહેબ અને અન્ય મંત્રીના વખાણ કરતા થાકતો નહતો . એ માણસ આગળ બોલી રહ્યો હતો .

" ઉપાધ્યાય સાહેબે આપડા ગામને દત્તક લીધું છે , અને તેઓ હરએક સંભવ પ્રયાસ કરી રહ્યા છે કે જેથી આપણું ગામ પણ અન્ય શહેર જેમ વિકસિત થાય , બધાને પ્રાથમિક આરોગ્ય મળી રહે , ભણવા માટે સારી શાળાઓ હોય , પીવા માટે શુદ્ધ પાણી હોય અને મહિલાઓ માટે ગૃહઉદ્યોગ હોય " એ વચ્ચે વચ્ચે એ ખુરશી પર બેઠેલા માણસો સામે જોઈ ઇશારાથી આભાર વ્યક્ત કરતો જતો હતો .

" આગળ જતાં આખા ગામને ઇન્ટરનેટ સાથે જોડીને બધા બહારની દુનિયા સાથે જોડાઈ શકે બધા નવી ટેકનોલોજી વિશે જાણી શકે એવા પણ પ્રયાસ કરી રહ્યા છે , હવે આપણને આગળ વધવા માટે કોઈ નહીં રોકી શકે , આપણી ગરીબી પણ નહીં " મંચ આગળ બેઠેલા માણસો તાળીઓનો ગડગડાટ વરસાવવા લાગ્યા . પેલા માણસે અવાજ થોડો શાંત થતા આગળ ચાલુ કર્યું

" આ ઘટના પરથી એક વાત યાદ આવે છે , તમને બધાને પણ યાદ હશે . લગભગ બે અઢી વર્ષ પહેલાં ગામનો એક છોકરો આમ જ બણગા ફૂંકતો હતો અને અચાનક ભાગી ...."

" બસ ... બહુ થયું ...." અત્યાર સુધી શાંત બેઠેલા ઉપાધ્યાય સાહેબ અચાનક ગુસ્સામાં બોલ્યા અને જગ્યા પરથી ઉભા થઇ ગયા .

બધાને લાગ્યું કે ક્યાંક એ પોતાનું મન બદલી ના નાખે . પરંતુ તેઓ ચાલતા ચાલતા માઇક પાસે ગયા . અમના ચાલવાની છટા , મોઢા પરના ગંભીર ભાવો જોઈને અત્યાર સુધી બોલી રહેલો માણસ દૂર ખસી ગયો . માઇક હાથમાં લઈને એમને મનમોહક અવાજમાં બોલવાનું શરૂ કર્યું

" વ્હાલા ગ્રામજનો , હું આજે એક નાનકડી વાત રજુ કરવા માંગુ છુ , જેના અંતે તમારા માંથી હું એ વાર્તાના બોધ પાઠ વિશે પૂછીશ .... શુ તમે તૈયાર છો ....!?"

" હા..હા.... તૈયાર છીએ....અમે તૈયાર છીએ "

" ઠીક છે તો સાંભળો . વાત એક નાનકડા ગામની છે , સમજી લો તમારા જેવું જ એક ગામ હતું . એ ગામ આમતો વિકસીત મહાનગરને અડીને આવેલું હતું પરંતુ ત્યાંના માણસોને પ્રાથમિક જીવન જરૂરી સુવિધાઓ પણ મળતી નહતી .

નાના-મોટા સોએક ઝુંપડા અને અમુક અમુક નળીયા વાળા મકાનો , ગામના જ શિક્ષકોની ભરતી કરી બનાવેલી ખખડધંજ શાળા. કારણ કે બહારના કોઈ માણસ આવા પછાત વિસ્તારમાં આવવા જ રાજી નહતું . આવી ઓછી સુવિધાઓ વાળી શાળામાં ભણીને પણ ઘણા લોકો આગળ વધ્યા . આગળ વધ્યા એટલે ગામ છોડીને શહેરના સારા વિસ્તારમાં જતા રહ્યા " ઉપાધ્યાય સાહેબે ગામના માણસો તરફ નજર કરી . બધા એકી નજરે એમની સામે જોઈ અને સાંભળી રહ્યા હતા તેથી એમને આગળ વાત શરૂ કરી.

" જેમ સુંદર કમળ કીચડમાં જ ખીલે છે , જેમ રાવણની લંકામાં વિભીષણ સૌથી અલગ નીકળે છે એમજ આ ગામમાં પણ એક છોકરો આવ્યો , ઉચ્ચ - ક્રાંતિકારી વિચાર ધરાવતો ધરાવતો એક છોકરો ... જેને વિચાર્યું કે પોતે કલેકટર બનીને પોતાના ગામને બદલશે , નહિ કે પોતાના રહેવાના સ્થાનને !

પોતે બધા ગામવાળાની સાથે રહેશે અને એના ગામને શહેરથી પણ વધારે સુંદર , સુખ-સુવિધા વાળું બનાવશે " ફરી ઉપાધ્યાય સાહેબે ગામના માણસો સામે જોયું . એમના મોઢા પર પ્રશ્નાર્થ હતો કે આ કહેવા શુ માંગે છે ? એ વાર્તા કહે છે કે કોઈ હકીકત !? એમને આગળ વાત ચાલુ કરી

" ઘરની મધ્યમ પરિસ્થિતિ અને જરૂરિયાતના લીધે ભણવા દરમિયાન જ એને નાના મોટા ટ્યુશન કરી પૈસા કમાવવા લાગ્યો . આ ટ્યુશનના પરિણામે જ એ GPSC કલાસ વન ઓફિસરની પરીક્ષા પહેલા જ પ્રયાસમાં પાસ કરી શક્યો . અને ગામના માણસો સામે પોતાની આવી ઈચ્છા વ્યક્ત કરી . ગામના માણસો ખૂબ રાજી થયા , એમને હવે એ છોકરા પાસે કૈક લેવાની , કૈક મેળવવાની આશા જાગી-ઉમ્મીદ જાગી " થોડીથોડી વારે ઉપાધ્યાય ગામલોકો સામે જોઈ રહ્યા હતા અને આગળ વાત ચાલુ કરી રહ્યા હતા .

" માણસ એટલો ખરાબ છે કે જો એમની આશા કે અપેક્ષા કોઈ તોડે તો માણસ અપેક્ષા કે આશા તોડનારને તોડી નાખે છે . માનસિક રીતે કે પછી શારીરિક રીતે માર મારીને અપમાન કરીને વગેરે . ભલે એમનું સારું કરવા જતાં જો ભૂલથી પણ કંઈક ખરાબ થયું તો એ બિચારો ગયો . અહીંયા પણ કંઈક એવું જ થયું . આગળ શુ થયુ હશે કોઈ કહી શકો છો ? "

" ગામલોકોની આશા કોઈ કારણોસર પુરી નહીં કરી શક્યો હોય અને....અને....અને એને અપમાન કરીને....માર...મારીને કાઢી મુક્યો હશે " એક આધેડ ઉંમરની મહિલા બોલી , બાજુમાં એક છોકરી ઉભી હતી .

" બિલકુલ સાચુ .... આપણી વાર્તામાં પણ કંઈક આવુ જ થયુ . ધોધમાર વરસાદમાં એ છોકરો એના મિત્રનું બાઇક લઈને ઇન્ટરવ્યૂ આપવા ગયો ..." હવે પછીની વાત ધ્યાનથી સાંભળજો ઉપાધ્યાય સાહેબે કહ્યુ

" ત્યાં રસ્તામાં આત્મહત્યા કરવા જઈ રહેલી એક છોકરીને બચાવી અને જીવનનું મુલ્ય સમજાવ્યું અને એના ચક્કરમાં એનું ઇન્ટરવ્યૂ ચુકી ગયો . ..ત્યાં ઇન્ટરવ્યુની જગ્યાએ એને એક સાહેબ મળ્યા અને યોગાનુયોગ તો જુઓ ...એ સાહેબનું નામ પણ ઉપાધ્યાય ! " લોકો તાળીઓ પાડવા લાગ્યા .

" ઉપાધ્યાય સાહેબ ઝીંદાબાદ ....ઝીંદાબાદ ...." ના નારા વાગ્યા . એ શાંત થતા આગળ વાત ચાલુ કરી

" આગળ કહ્યું એમ , લોકોની અપેક્ષાને લીધે કહો કે પોતાની પોતાના ઘરવાળાની ઈજ્જતને ખાતર પણ એ ઘરે - ગામવાળાને કહી શક્યો નહિ કે પોતે ઇન્ટરવ્યૂ ચુકી ગયો . એને જોઈને ગામ વાળાની અપેક્ષાઓ સતત વધતી જતી હતી . અને પોતાને નોકરી મળી નથી એ ખબર પડશે તો ? આજ વિચારમાં એને પ્રાઇવેટ નોકરી ચાલુ કરી દીધી "

" ત્યાં પણ ખૂબ જલ્દી નામ અને પૈસા કમાવા લાગ્યો . ત્યાં પણ આ ઈર્ષા , ઘૃણા ક્યાં સાથ છોડે છે ? એની પ્રગતિ જોઈને એના પર ચોરીનો આરોપ લગાવ્યો અને માર માર્યો "

" ગામમાં વાત વાયુ વેગે ફેલાઈ , કે એને ચોરી કરી છે. તો ત્યાં ફરી અનપાન થયું , મોઢું કાળું કરાયું , જોડાનો હાર પહેરાવી ગધેડા પર બેસાડી ગામ વચ્ચે સરઘસ કાઢવામાં આવ્યું , ત્યાં સુધીતો ઠીક હતું પરંતુ એના સગા બાપે એને તરછોડ્યો એમ કહીને કે તે અમારું નાક કપાવ્યું ... અપમાન કરાવ્યું તારા જેવા છોકરા કરતા તો છોકરા ન હોય એ સારું અને એક રાતે એ છોકરાએ સદાયને માટે ઘરનો ત્યાગ કરી દીધો અને નીકળી પડ્યો આત્મહત્યા કરવા "

" પોતે કેટલા સપના જોયા હતા પોતાના ગામને આગળ લાવવાના , પોતાના માતા પિતાનું નામ રોશન કરવાના , પરંતુ લોકોની અપેક્ષાએ લોકોના અપમાને એને અંદરથી ભાંગી નાખ્યો , ખોખલો કરી નાખ્યો . એને લીધે તે માણસ પોતાનું જીવન ટૂંકાવવા માટે નીકળી પડ્યો આવા સમયે એને જરૂર હતી તો માત્ર કોઈના સાથની જેથી તે આગળ વધી શકે જો ગામ વાળા એ એને સાથ આપ્યો હોત તો કદાચ આવું કશુ ઘટયુ ના હોત . આ વાર્તા ઉપરથી તમે શું શીખ્યા ?

" કોઈના ઉપર અપેક્ષા કે આશાનો બોજ ન નાખવો જોઈએ . ચાહે એ બાળક હોય તો એના ઉપર પરીક્ષામાં સારા માર્ક્સ લાવવાની અપેક્ષા , ડોક્ટર એન્જીનીયર બનવાની અપેક્ષા , પુત્ર પાસે વધારે પૈસા કમાવાની અપેક્ષા , પતિ પાસે પોતાના મોજ-શોખ પુરા કરાવવા અંગેની અપેક્ષા , મિત્ર પાસે તે હંમેશા કામમાં આવશે જ એવી અપેક્ષા , વહુ પાસે સાસુ દ્વારા રાખવામાં આવતી અપેક્ષા , શિક્ષક દ્વારા બાળકો પર અપેક્ષા . આ બધી સમસ્યા નું મૂળ જ અપેક્ષા છે . આ અપેક્ષાઓ પુરી ન થતા એકબીજા પ્રત્યે અણગમો થાય છે જે કોઈને કોઈવાર શબ્દો દ્વારા કે વ્યવહાર વર્તન દ્વારા બહાર નીકળે છે , અને બહાર ન નીકળી શકે તો જેના દ્વારા અપેક્ષા પુરી થઈ નથી એના પર કારણ વગરના ગુસ્સા સ્વરૂપે બહાર નીકળે છે . બિચારો વ્યક્તિ જો ઢીલો પોચો હોય તો આ અપેક્ષાઓના લીધે જરૂર ડિપ્રેશનમાં આવી જાય છે . અને જો આવા સમયે એને યોગ્ય સાથ સહકાર ન મળી તો એ જરૂર આપણી વાતના છોકરા જેવું પગલું ભરવાની કોશિશ કરે છે , તમને શુ લાગે છે એ છોકરાનું આગળ શુ થયુ હશે ? "

" મારો દીકરો છે એ મારો....કોઈ દિવસ આત્મહત્યા જેવું પગલું ભરી જ ન શકે " પેલી આધેડ વયની સ્ત્રી ફરી બોલી અને ગામના લોકો એના તરફ હસવા લાગ્યા અને કોઈ કોઈ બોલવા લાગ્યા પોતાનો છોકરો ઘર છોડીને ગયો ત્યારથી ડોશીની ડગરી છટકી ગઈ છે અને સૌ મોટે મોટેથી હસવા લાગ્યા આ જોઈ ઉપાધ્યાય સાહેબ ઈશારો કર્યો અને બે માણસો જઈ સ્ત્રીને મંચ ઉપર લઈ આવ્યા .

ઉપાધ્યાય સાહેબ એ આગળ કહ્યું " એ છોકરા ના નસીબ સારા હતા અથવા એના વિચારો ક્રાંતિકારી હતા તેથી જે સાથ એ પોતાના ઘરવાળા તરફથી ઇચ્છતો હતો કે સાથ અજાણી વ્યક્તિ દ્વારા મળ્યો અને તે બચી ગયો તો હું આજે એ વ્યક્તિને મંચ પર બોલાવવામાં છું કે જેની વાત મેં થોડા સમય પહેલા કરી " મંચ સામે બેઠેલા માણસો તાળીઓના ગડગડાટથી વ્યક્તિ ને આવકારી રહ્યા હતા

"પ્લીઝ વેલકમ મિસ્ટર સુરજ પંચોલી - કલેકટર શ્રી અમદાવાદ શહેર આજે આ મંચ ઉપર જ એમનો શપથ સમારોહ રાખેલો છે " આ નામ સુરજ પંચોલી સાંભળતા જ ગામવાળાની તાળીયો અચાનક બંધ થઈ ગઈ. બધા કાપો તો લોહી ના નીકળે એવા સ્તબ્ધ થઈ ગયા .

નીચે એક ખૂણેથી સૂટબુટમાં સજ્જ એક મહાશય આવ્યા અને પેલી આધેડ સ્ત્રીને પગે લાગીને ભેટીને કહ્યું " સાચી વાત માઁ હું તમને છોડીને કેવી રીતે જઈ શકું ? અને એ પણ મેં ગામવાળા ને આપેલું વચન પૂરૂં કર્યા વગર ? મને ખુશી થાય છે કે ઉપાધ્યાય સાહેબ ની મહેરબાની થી આજે મેં સપનું પૂરું કરવાની દિશામાં પગલું લીધું છે તમારો પણ ખુબ ખુબ આભાર ઉપાધ્યાય સાહેબ " એમ કહીને સુરજ એમને પણ પગે લાગ્યો

આખા ગામના ગામ ના મોઢા ઉપર આશ્ચર્યના ભાવ હતા અને શરમ થી ભરપુર તેમની આંખો સુરજ તરફ જોતા પણ ડરતી હતી કારણ કે એ જ માણસો હતા જેમને બે વર્ષ પહેલા સૂરજનું અપમાન કર્યું હતું , ગધેડા ઉપર બેસાડ્યો હતો છતાં એ માણસ પોતાના પોતાને આપેલા વચન ઉપર અડગ રહ્યો હતો અને આવાસ યોજના શરૂ કરી પોતાના વચન પ્રમાણે આગળ વધી રહ્યો હતો હવે ગામલોકો ના હૃદયમાં એના પ્રત્યેની લાગણી ખૂબ વધી ગઈ હતી

" સૂરજ પંચોલી હીરો છે હીરો છે "

"હીરો છે ....હીરો છે ...."

" ગામની શાન છે ...."

" શાન છે શાન છે ...."

" કોહીનુંરથી પણ મહાન છે ..."

" મહાન છે મહાન છે ...."

" યુવાનો માટે મિશાલ છે...."

" મિશાલ છે ....મિશાલ છે ...."

" સુરજ પંચોલી હીરો છે .."

" હીરો છે ...હીરો છે ..."

સૂરજે હાથ જોડી સૌને શાંત થવા કહ્યું . ભીડ શાંત તો થઈ પણ હજી ગણગણાટ તો ચાલુ જ હતો . સૂરજની માઁની આંખો આંશુથી છલકાઈ રહી હતી....હરખના આશુંથી ...!!

એની નાની બેન કે જેને આજ સુધી સૌ ' ચોરની બેન ઘંટી ચોર ' કહી ચીડવતા હતા એની છાતી ગદગદ ફૂલી રહી હતી . સૂરજના બાપૂતો શરમના માર્યા ક્યાંક દૂર જઈને રડી રહ્યા હતા . ઉપાધ્યાય સાહેબે આગળ કહ્યું

" આજે શપથ સમારોહ વિધિ પછી એક બીજી વિધિ કરાવવા માંગુ છે , મારી દીકરી સંધ્યાને બચાવનાર સૂરજ પંચોળીની માતાને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે મારી સંધ્યાને બચાવનાર સૂરજને " ડૂબતી સંધ્યાનો સૂરજ " બનવા દો . શુ મારી દીકરી સાથે તમારા દીકરાના લગ્ન તમને મંજુર છે ? "

" આંશુ ભરેલી આંખો સાથે સૂરજની માઁ માત્ર માથું હલાવી હા પાડી શકી . સંધ્યા દોડીને આવી એની થનારી માઁના પગે પડી અને પછી સૂરજ ,સંધ્યા , એની માઁ એને નાની બહેન ભેટી પડ્યા .

શપથ સમારોહ પૂરો થયો અને પંડિત દ્વારા વિધિવત રીતે એમની સગાઈ કરાવાઈ .

પછી....પછી આગળ શું ....? !












ખાધું પીધુને રાજ કર્યું 😉😉

(સમાપ્ત )

જો તમને મારી લઘુનાવલકથા ' ડૂબતી સંધ્યાનો સુરજ ' પસંદ


આવી હોય તો મારી વાર્તા શૅર કરો , તમારા અભિપ્રાય જણાવો

સાથે જ મારી પ્રથમ નવલકથા ' ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ' તબક્કાવાર પ્રકાશન ચાલુ છે એ પણ માતૃભારતી પર વાંચી શકો છો .

Follow me on instagram @mr_parthivpatel

( https://instagram.com/mr_parthivpatel?utm_medium=copy_link )