ડૂબતી સંધ્યાનો સુરજ - ૩ Parthiv Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડૂબતી સંધ્યાનો સુરજ - ૩

એક તરફ દીકરો ઇન્ટરવ્યૂ આપવા જઇ રહ્યો હતો અને બીજી તરફ ઘુમા ગામમાં એના માતાપિતા ગ્રામજનોને મીઠાઈ ખવડાવી રહ્યા હતા .

" લો મીઠાઈ ખાવ ... આજે મારા દીકરાને નોકરી લાગવાની છે ... એ કેતો હતો કે મોટો અફસર બનશે ... આપડા ગામનું નામ રોશન કરશે " આમ કહી કહીને સૌને આગ્રહ કરી કરીને મીઠાઈ ખવડાવી રહ્યા હતા .

લોકો પણ મોઢે ખૂબ સારું સારું દેખાડતા પરંતુ અંદર જ અંદર ઝલતા હતા કે એમના છોકરા હજી ગામમાં રખડી ખાતા હતા , કંઈ કામ ધંધો કરતા નહીં અને બીજી તરફ આ છોકરો સરકારી અફસર બનવા જઇ રહ્યો હતો . આથી અંદર જ અંદર એમની ઈર્ષા જ કરતા .

પરંતુ સૂરજના માતાપિતા ખરેખર આજ ખૂબ જ ખુશ હતા કે પોતાના દીકરાને આજ નોકરી મળ્યા પછી એમના વર્ષોના દુઃખ દર્દનો અંત આવશે , એક મોટું મકાન બનાવશે એક ગાડી લેશે અને નાની દીકરીને સારો એવો કરિયાવર (દહેજ શબ્દ પર પ્રતિબંધ આવતા લોકોએ એના જેવો જ બીજો ભણેલોગણેલો શોધી કાઢેલો શબ્દ ! લાકડી તૂટે અને અવાજ પણ ના આવે ! ) આપી સારા ઘરે વિદાય આપશે .

અસંખ્ય સ્વપ્નો સેવ્યા હતા જે આજ પછી ધીરેધીરે પુરા થવાના હતા , અરે ત્યાં સુધી કે એમને આજ સુધીની બધી બચત ગામ લોકોને મીઠાઈ ખવડાવામાં ખર્ચ કરી નાખી હતી . કેવો હરખ ! પોતાના પુત્રને નોકરીએ લાગ્યાનો !

બપોરના બેની આજુબાજુનો સમય હતો . સૂરજના મમ્મી પપ્પાની ધડકન એક એક ક્ષણ સાથે વધુ તેજ થઈ રહી હતી કે હમણાં સૂરજનો ફોન આવશે ...હમણાં સૂરજનો ફોન આવશે અને આપડને ખુશખબર આપશે . પરંતુ સુરજતો આ ક્ષણે પેલી અજનબી છોકરીને પોતાના જીવનનું મૂલ્ય સમજાવી રહ્યો હતો અને મોતના મુખ માં ફરી જાતે કરીને ન જાવા સમજાવી રહ્યો હતો . બંને ઘટના એકસાથે ભજવાઈ રહી હતી . એક તરફ નોકરી હતી અને બીજી તરફ એક અંજાન છોકરીને જિંદગી. તમારા મતે સુરજને કઇ વસ્તુને પ્રાધાન્ય આપવું જોઈએ ...? સૂરજની જગ્યાએ તમે હોયતો કોને પ્રાધાન્ય આપો !? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર આપજો .

●●●●●●●●●●●●●●●●●●●●●

સુરજ બાઇક લઈને આગળ વધી રહ્યો હતો . બાઇક પોતાની મહત્તમ ઝડપે ભાગી રહ્યું હતું . અડાલજ ચોકડી , કુડાસણ , ઇન્ફોસિટી વટાવી સુરજ સેક્ટર 10 માં આવેલી GPSC ભવને પહોંચ્યો ત્યારે ઘડિયાળ બે અને બેતાલીસનો સમય દર્શાવી રહી હતી . સૂરજે ઝડપથી પોતાનું બાઇક પાર્ક કર્યું અને લોખંડનો કટાઈ ગયેલો દરવાજો ખસેડીને અંદર પ્રવેશ્યો . વચ્ચે ફૂટપાથ જેવા બ્લોકથી રસ્તો બનાવવામાં આવ્યો હતો જેની બંને બાજુ લીલીછમ લોન હતી જે થોડીવાર પહેલા આવેલા ધોધમાર વરસાદના લીધે પાણીથી ઢંકાયેલી હતી .

વરસાદ સાથે આવેલા તોફાનને લીધે આજુબાજુના રંગબેરંગી ફૂલો અંદર પાણીમાં તૂટીને પડ્યા હતા અને જાણે પાણી પર રંગબેરંગી ચાદર ઢાંકી હોય એવું લાગતું હતું . સુરજ પાણીથી ઢંકાયેલી અને રંગબેરંગી ચાદર ઓઢેલી લોનને વટાવી આગળ આવ્યો જ્યાં રીસેપ્શન પર એક ખૂબ જ વિચિત્ર દેખાતી સ્ત્રી બેઠી હતી .અંદર જઈને પહેલા સુરજે પોતાનો રેઇનકોટ ઉતારીને અંદર પહેરેલા કપડાં સરખા કર્યા . પછી વરસાદમાં ભીના થયેલા વાળ સરખા કર્યા અને પેલી રીસેપ્શનિસ્ટ પાસે જઈને પૂછ્યું

" મેડમ , મારુ નામ સુરજ છે . આજે મારુ ઇન્ટરવ્યૂ હતું . ફર્સ્ટ ટાઈમમાં GPSC ક્લીઅર કરી છે મેં ..."

" હા તો ...? હું શું કરું ...? આરતી ઉતારું તમારી ..? " પેલી અજીબ દેખાતી રીસેપ્શનિસ્ટે સુરજની વાત વચ્ચે કાપતા કહ્યું

" ના ના મેડમ.... મારો એક વાગ્યાનો સમય હતો .પરંતુ ખૂબ મહત્વપૂર્ણ કામ આવી જતા મારે મોડું થઈ ગયું "

" ઇન્ટરવ્યૂ તો પતિ ગયું છે ... સાહેબે કૈક નામ કહ્યું હતું ...." એ કૈક નામ વિચારી રહી હતી . એને નામ યાદ ન આવતા પૂછ્યું " શુ નામ કીધું તારું ...!? "

" જી સુરજ ... સુરજ પંચોલી મેડમ ...."

" હા , સુરજ ... સુરજ નામ જ કહ્યું હતું. એ જગ્યા માટે ભરતી તો થઈ ગઈ છે . પરંતુ ખબર નહીં કેમ ? પણ ઉપાધ્યાય સાહેબની ઈચ્છા હતી કે એ તમને મળે ... અને એટલે જ આખી પેનલ માંથી એ એક પોતાની ઓફીસમાં બેઠા છે તમને મળવા માટે જ . તમે આગળ સીધા જઈને ડાબી તરફ જશો એટલે એમના નામની ઓફીસ મળી જશે .... આ તરફ " એટલું કહીને પેલી સ્ત્રીએ આંગળીથી રસ્તો બતાવ્યો .

" ટક... ટક.... ટક.......સર...મેં આઈ કમ ઇન ? " સૂરજે ' ઉપાધ્યાય DGP ગુજરાત ' આવું લખેલી એક ઓફીસ પર ટકોર માર્યા . અંદરથી અવાજ આવ્યો

" કમ ઇન.....ખુલ્લું જ છે " પછી સૂરજ અંદર પ્રવેશ્યો .

એક નાની કહી શકાય તેવી પરંતુ અત્યાધુનિક ઓફીસ હતી જેમાં સજાવટ , રાચરચીલું , ગોઠવણી , ઇન્ટિરિયરની કોઈ કમી નહોતી . સામે એક ટેબલ રાખવામાં આવ્યું હતું એની ઉપર એક નેમ પ્લેટ હતી ' ડી.જી. ઉપાધ્યાય - ડીજીપી ગુજરાત ' . આ વાંચી સુરજ બે ક્ષણ માટે થોભ્યો , વર્તમાન પરિસ્થિતિ માં પાછો ફરતા જોયું કે એ પ્રૌઢ વ્યક્તિ ટેબલ પાછળ રહેલી બારી પાસે ઉભો હતો . બારી પાસે હારબંધ કુંડાઓ ગોઠવાયા હતા જેમાં અલગ અલગ છોડવા જેવા કે રંગબેરંગી ફૂલો , મની પ્લાન્ટ અને બીજા ઘણા છોડ ઉગાડવામાં આવ્યા હતા . ઉપાધ્યાય સાહેબ હાલ આ છોડવા સાથે કૈક વાત કરી રહ્યા હોય એમ લાગતું હતું . થોડી સેકેન્ડો એમજ વીતી અને પછી ઉપાધ્યાય સાહેબ બોલ્યા

" આવો મિસ્ટર સુરજ ... સુરજ પંચોલી .... રાઈટ ? "

" જી ...જી હા ...જી હા સર .... " ધ્રુજતા અવાજે સુરજે કહ્યું

" સરસ ... મળીને આનંદ થયો "

" જી .... શું સર ? " શબ્દોનો મતલબ ન સમજતા સુરજે પૂછ્યું , એ કદાચ ખાતરી કરવા માંગતો હતો કે ઉપાધ્યાય સાહેબ ટોણો મારે છે કે કેમ ? તેથી સુરજે પૂછ્યું " હું સમજ્યો નહિ સાહેબ "

" પ્રથમ પ્રયાસમાં જ GPSC પ્રિલીમ પાસ કરવી સરળ કામ નથી હોતું , હું સારી રીતે જાણું છું . આવી સફળતા પાછળ ક્યાંતો પ્રબળ ઈચ્છા કે પછી તીવ્ર જરૂરિયાત બે માંથી એક જવાબદાર હોય છે , તારા કેસમાં શું હતું ? "

" બંને સર ... મારે તીવ્ર જરૂરિયાત હતી અને અહીંયા સુધી પહોંચવા પ્રબળ ઇચ્છાશક્તિ મારામાં બાળપણથી જ છે "

" સુરજ , ખરેખર તે ખુબ મહેનત કરી છે . પરંતુ એક અગત્યની વાત તું ભૂલી ગયો "

" કઈ વાત સર ? "

" ટાઈમ મેનેજમેન્ટ , અહીંયા કોઈને તમારા નોલેજની કે તમારી મહેનતની નથી પડી . તું મોડો પડ્યો આ કારણ એમની માટે પૂરતું હતું તને રિજેક્ટ કરી બીજાને પસંદ કરવા માટે માટે......"

હજી ઉપાધ્યાય સાહેબ બોલી રહ્યા હતા પરંતુ સુરજનું ધ્યાન બસ એજ શબ્દ પર હતું ' રિજેક્ટ ...' એના પછીનું એક એ વાક્ય જાણે સુરજને અંદરથી હચમચાવી રહ્યું હતું .

એક એક વાક્ય જાણે દરિયાના મોજાની જેમ અથડાઈને નાના નાના ફીણના પરપોટા બની વિખરાઈ જતું , પૂરના પાણીમાં તણાતા વૃક્ષોની જેમ પોતાનું સપનું પણ જાણી તણાઈને પોતાનાથી દૂર જતું હોય એમ લાગતું હતું .

" મને વિશ્વાસ છે , તું આગળની વખત પણ સરળતાથી પ્રિલીમ ક્રેક કરી શકે છે અને ફરી ઇન્ટરવ્યૂ પણ પાસ કરી શકે છે " ઉપાધ્યાય સાહેબ બોલી રહ્યા હતું પરંતુ સૂરજના મુખ પર જ જાણે ગ્રહણ આવી ગયું હોય એમ એકદમ હતાશ બેઠો હતો . ઉપાધ્યાયના વાક્યો અને બાયપાસ થઈને બાઉન્સ જઈ રહ્યા હોય એમ લાગતું હતું .

" ટ્રીન..ટ્રીન......ટ્રીન ...ટ્રીન......" ટેબલ પર રહેલો ટેલિફોન ગાજ્યો અને સુરજે તંદ્રા માંથી જાગ્યો

" હા ઉપાધ્યાય બોલું છું " ઉપાધ્યાયે ફોન ઉપાડી લીધો હતો

" શું ....કેવી રીતે ? ગોલુ ઠીક તો છે ને ? , હું હમણાં જ આવું છું " આટલું કહીને ઉપાધ્યાયે ફોન મૂકી દીધો અને સીધા દરવાજા તરફ દોડ્યા .

અચાનક કૈક યાદ આવી જતા પાછળ ફરી સ સુરજને કહ્યું " માફી ચાહું છું જેન્ટલમેન , મારે જવું પડશે . આશા રાખું છું કે આપડી મુલાકાત ખુબ ઝડપી થશે , પરંતુ ટાઈમપર ! આ વખત જેમ લેટ નહિ " આટલું કહી નીકળી ગયા .

ઉપાધ્યાયની વાતચીત પરથી લાગતું હતું કે કૈક ખરાબ સમાચાર હશે . ઉપાધ્યાયના નીકળ્યા પછી પણ સુરજ ત્યાંજ ખુરસી પર બેસુધ જેમ બેઠો હતો .

પેલી અજીબ દેખાતી રીસેપ્શનિસ્ત થોડીવાર પછી આવી કહ્યું " ઓફિસ બંધ કરવાનો સમય થઇ ગયો ..."

આ સાંભળી સુરજ ભારે હૈયે ઉભો થયો . એના પગ પર જાણે હજારો કિલો વજન લગાવી દીધો હોય એટલા ભારે થઇ ગયા હતા . એ માંડ માંડ ચાલી રહ્યો હતો , એના સપના ,એની આશા , એની મહેનત બધું છિન્ન ભિન્ન થઇ ગયું હતું . હજારો પ્રશ્નો હતા મનમાં ' હવે શું થશે ? , માં બાપને , ગામલોકોની અપેક્ષાઓનું શુ થશે ? એમને શુ જવાબ આપશે ? પોતાના ગામને શ્રેષ્ટ બીજા શહેરો જેવું બનાવવાના સપ્નાનું શું થશે ? ' વગેરે પ્રશ્નો એને હાલ મૂંજવી રહ્યા હતા .


( ક્રમશઃ )


કોણ છે ગોલું અને સુરજ સાથે આગળ શું થશે વાંચતા રહો ભાગ ૪