ડૂબતી સંધ્યાનો સુરજ - ૪ Parthiv Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડૂબતી સંધ્યાનો સુરજ - ૪

ક્ષિતિજ પરનો સૂર્ય પેલે પાર જવાની તૈયારી હતી , આકાશમાં હજી અમુક અમુક જગ્યાએ કાળા ડિબાંગ વાદળો જોઈ શકાતા હતા . કોઈ કોઈ જગ્યાએ આકાશ આથમના સૂર્યના લીધે રતુંબડું દેખાતું હતું . વૃક્ષો પર પક્ષીઓ કોલાહલ કરી રહ્યા હતા અને સૂરજ ધીમે ધીમે GPSC ભવનમાંથી બહાર આવી રહ્યો હતો .

બંને બાજુના બગીચામાં જે પાણી ભરાયું હતું એ ધીમે ધીમે જમીનમાં સોસાઈ રહ્યું હતું. એક સૂરજ હસતા મોઢે ક્ષિતિજની પેલે પાર જઈ રહ્યો હતો જ્યારે બીજો સૂરજ ભારે હૃદયે ઘર તરફ જઈ રહ્યા હતો !

બહાર નીકળી પોતાના ખિસ્સામાંથી ચાવી કાઢી . મહામહેનતે ત્રણ ચાર વાર પ્રયત્ન કરી ચાવીને બાઇકના ઇગ્નિસનમાં ભરાવી. સુરજ એકી નજરે આંખો પણ પટાવ્યા વગર અનંત આકાશમાં ભાગદોડ કરતા વાદળોને જોતો હતો અને પોતાના પગ વડે બાઇકને કિક મારી રહ્યો હતો. થોડા પ્રયત્નમાં બાઇક શરૂ થયું અને કાળા વાદળોમાં કાળા ધુમાડા છોડતું બાઇક આગળ નીકળી ગયું .

●●●●●●●●●●●●●●●●●●●●●

ગાંધીનગરના ખુલ્લા અને પહોળા રસ્તા પર સવાર થઈને સુરજ જઈ રહ્યો હતો . કોઈ યંત્રવત રીતે એ બાઇક ચલાવી રહ્યો હતો , એકી નજરે માત્ર રસ્તાને જોતા જોતા બાઇક આગળ વધી રહ્યું હતું . સામાન્ય સંજોગોમાં સુરજ પ્રકૃતિદર્શન કર્યા વગર રહે જ નહીં એ પણ આવી વર્ષા ઋતુમાં ! એને ખુબ આઘાત લાગ્યો હતો. એ પોતાની જાતને જ કદાચ પ્રશ્ન પુછાતો હતો

" જો કોઈ વ્યક્તિ પાસે બે પસંદગી હોય કે તે કોઈ અજાણ્યા વ્યક્તિને બચાવી શકે છે અથવા તે પોતાની ઉત્તમ કારકિર્દી ઘડી શકે છે તો લોકો શેની પસંદગી કરશે .? " શુ પ્રથમ પસંદગી કરવી એ સુરજના જીવનની સૌથી મોટી ભૂલ હશે !?

●●●●●●●●●●●●●●●●●●●●

સાંજની રાત પડવા આવી હતી , હજી સુરજ ઘરે આવ્યો નહતો . ઘુમા ગામના સૌ કોઈ જમી પરવારી ગયા હતા અને સુવાની તૈયારી કરી રહ્યા હતા પરંતુ એક ઘર એવું હતું જેમના ઘરે ભોજન તો બન્યું હતું પરંતુ એને કોઈ જમ્યું નહતું , એ હતું સુરજનું ઘર !

સુરજના માતા-પિતા સુરજની વાટ જોતા ઘરની બહાર ઉભા હતા , એનો મિત્ર કે જેનું બાઇક લઈને સુરજ ગયો હતો એ પણ સુરજના માતા-પિતા અને નાનકડી બેન સાથે આવીને બેસી ગયો હતો.

કદાચ એને સુરજ થી વધારે ચિંતા પોતાના બાઇકની હતી જે સુરજ લઈને ગયો હતો . ક્યાંક પોતાનું બાઇક સુરજ એ ક્યાંય ભટકાડ્યું તો નૈ હોયને ? બાઇક લઈને સુરજ રફુચક્કર તો નૈ થઈ જાય ? જો કંઈ ભાંગતુટ હશે તો ખર્ચો આપશે કે કેમ ? આવા પ્રશ્નો એની આંખોમાં દેખાઈ રહ્યા હતા .

સામાન્ય સંજોગોમાં એને સુરજને પોતાનું બાઇક આપ્યું પણ ન હોત પરંતુ એ મોટો અફસર બનવાનો હોય અને ભવિષ્યમાં પોતાને જ વધારે ફાયદો થશે એમ જાણીને બાઈક આપી દીધું હતું .પરંતુ હાલ એના મોઢા પર પોતાના બાઇકની ચિંતાના ભાવો સ્પષ્ટ દેખાતા હતા , સામાન્ય સંજોગોમાં એને સુરજના માતા-પિતાને ઘઘલાવી નાખ્યા હોત પણ અફસરના માતા-પિતાના અપમાનનું પરિણામ એ જાણતો હતો તેથી ચૂપ હતો . અને વાત જોઈ રહ્યો હતો

" મમ્મી મમ્મી ભાઈ ક્યારે આવશે ....!? મોટી ગાડી લઈને આવશે ? " નાનકડી ઇમલી બોલી

" બેટા આવતો જ હશે . મોટી ગાડી થોડા દિવસ પછી લાવશે "

સાંજની રાત પડવા આવી હતી , હવે સુરજના મિત્રથી રહેવાય એમ નહોતું . એ ક્યારનો ઉંચો નીચો થઈ અધીરો બની રહ્યો હતો . આખા દિવસના થાકથી ગામના બધા માણસો પરવારીને સુઈ ગયા હતા .

વરસાદ પછીની રાતમાં ઠેર ઠેર ભરાયેલા પાણીમાંથી દેડકાનો કર્કશ અવાજ અને તમારનો અવાજ વાતાવરણને ડહોળી રહ્યા હતા . દુરરર...થી આ અવાજમાં કોઈ ત્રીજો અવાજ ભળી રહ્યો હતો . આ અવાજ થી સુરજનો મિત્ર ખૂબ સારી રીતે વાકેફ હતો . આ અવાજ બીજો કોઈ નહિ પરંતુ પોતાના બાઈકનો હતો !

એને હાશ થઈ , એ પોતાના બાઇકના અવાજ સંભળાયાની ખુશીમાં ઉભો થઇ ગયો હતો અને પોતાના બાઇકની આવવાની રાહ જોઈ રહ્યો હતો . હવે અવાજ એકદમ નજીક હતો , દૂરથી પ્રકાશનો સેરડો પડી રહ્યો હતો અને તે નજીક આવી રહ્યો હતો . સૂરજના માતા-પિતા ખૂબ જ ખુશ હતા કે ' પોતાનો દીકરો અફસર બની આવી ગયો ' .

પણ એમની ધારણા-એમનો હરખ કદાચ થોડા સમય માં જ અદ્રશ્ય થઈ જવાનો હતો . બાઇક એકદમ નજીક આવીને ઉભું રહ્યું . ધીમેકથી સૂરજે ઇગ્નિસન બંધ કર્યું , ઘોડી ચડાવી અને એના મિત્ર પાસે જઈને ખૂબ ધીમા અવાજે કહ્યું

" માફી ચાહું છું મિત્ર , આવવામાં મોડું થઈ ગયું "

" કોઈ વાંધો નહીં , એક મિત્ર બીજા મિત્રના કામમાં નહીં આવે તો બીજું કોણ આવશે ? " આટલું કહીને એ બાઇક લઈને જતો રહ્યો પરંતુ અંદરથી તો એને સુરજ કરતા પોતાના બાઈક સહી સલામત આવવાની વધારે ખુશી હતી અને સુરજ મોટો અફસર થઈ પોતાને કામ આવશે એવો વિચાર કરતો કરતો ઘર તરફ ચાલ્યો ગયો .

" ભાઈ આવી જ્યો...ભાઈ આવી જ્યો..... મોટી ગાડી ના લાવ્યો ભાઈ ....? થોડાક દિવસ પછી લાવશોને ? "

આ વાક્ય સાંભળી સુરજની આંખ માંથી નાનું એવું અશ્રુબિંદુ નીકળી ગયું જે કોઈનેપણ દેખાયું નહીં. સુરજ પોતાની નાની બહેન ને માથે વાત્સલ્યથી હાથ ફેરવી એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર અંદર જતો રહ્યો આ જોઈને સુરજના માતા-પિતાને કંઈક અજુગતું લાગ્યું તેથી અંદર જઈને સુરજ ને માઁ એ પૂછ્યું.

" શુ થયું બેટા ? કેમ ઉદાસ છે આટલો બધો ? બધું ઠીક તો છેને ? "

" હા માઁ બધું ઠીક છે "

" તો પછી કંઈ બોલતો કેમ નથી ? "

" બસ હમણાં કંઈ ઈચ્છા નથી "

" ઠીક છે પણ એટલું તો કહે નોકરી તો મળી ગઈ ને ? " સુરજ થોડા ક્ષણ માટે વિચાર કરવા માટે રોકાયો કે શું કહેવું કે જેથી હાલ પૂરતો પોતાને વિચારવા માટે સમય મળે તેથી તેને કહ્યું

" હા પણ એ બોલાવશે પછી હાજર થવાનું છે " આ વાત બોલતા એનું હૃદય ભારે થઈ ગયું હતું અને આંખો પણ ભારે થઈ ગઈ હતી જો એક પણ શબ્દ બોલે તો એની આંખો ભરાઈ આવે એમ હતું .

આ સાંભળી સુરજની માઁ બહાર નીકળી જ્યાં સુરજ ના પિતા આ વાત સાંભળી રહ્યા હતા અને બંને રાજીના રેડ થઈ ગયા હતા.

એ દિવસે રાત્રે સુરજના માતાપિતા અને સુરજ ત્રણે મોડી રાત સુધી જાગી રહ્યા હતા પરંતુ ત્રણેનું જાગવાનું કારણ અલગ અલગ હતું .

સુરજ ની માતા પોતાના ભાવિ ભવિષ્ય વિશે વિચારી રહી હતી પોતે મોંઘીદાટ ગાડીઓ લેશે ખૂબ ફરવા જશે ઘરમાં નોકરચાકર હશે પોતાને કોઈ કામ કરવું પડશે નહીં વગેરે વિચાર કરી રહી હતી .

સુરજના પિતા વિચારી રહ્યા હતા કે પોતાને હવે બે પૈસાની મજૂરી માટે આમ તેમ ભાગવું પડશે નહીં પોતે શાંતિથી સાંજ પડ્યે જમીન અંગ્રેજી શરાબ પી શકશે વગેરે વગેરે ..

પરંતુ સુરજ આ બંનેથી કંઈક અલગ જ વિચારી રહ્યો હતો પોતે હવે આગળ શું કરશે ? શું પોતાને પોતાના માતા-પિતાને સત્યથી અવગત કરાવવા કે પોતે એના માતાપિતાની અપેક્ષા આ વખતે પુરી કરી શક્યો નથી ? કે પછી જૂઠું બોલવું ? પણ જૂઠું ક્યાં સુધી ચાલશે આગળ કેમ કરી ને મનાવવા ? હવે આગળ નોકરી ક્યારે મળશે વગેરે પ્રશ્નો એને સુવા દેતા નહોતા .

હજી સૂરજના મગજમાં એક પ્રશ્ન થઈ રહ્યો હતો શું મારી માટે કોઈ અજાણી છોકરી જિંદગી વધારે મહત્વપૂર્ણ હતી કે પછી એક નોકરી કે જે પોતાનું જીવન બદલી દેવાની હતી? આ વાતનો જવાબ હાલ પોતાને પણ મળી રહ્યો ન હતો આવા જ વિચારમાં સુરજને પણ ઊંઘ આવી ગઈ .

બીજા દિવસની સવાર પડી . રાત્રે મોડા ઊંઘવાના કારણે સુરજ હજી સુતો હતો. ગામના માણસો ક્યારના એના ઘરમાં ભરાવા લાગ્યા હતા . ધીમેધીમે ઘરમાં ચહલપહલ વધી રહી હતી . બધા ભાવિ અફસરને અભીનંદન આપવા પધાર્યા હતા . સુરજના માં-બાપ સૌને ચા-પાણીથી આવકારી રહ્યા હતા. એક સમયે ગણગણાટ એટલો વધી ગયો કે સુરજની આંખો ઉઘડી ગઈ . એના શરીરને થોડો આરામ મળ્યો હતો પરંતુ મગજ પર હજી કાલની ચોટનો આઘાત થઈ રહ્યો હતો . એ બહારથી આવતા અવાજને સાંભળવા લાગ્યો .

" ભીખાભાઇના તો નશીબ ઉઘડી ગયા હો "કોઈ બોલ્યું

" સાચી વાત છે , હવે તો લાડુબા અને ભીખાભા બાકીની જિંદગી આનંદથી કાઢશે " કોઈ બીજાએ કહ્યું

" સાચી વાત છે . હવે તો ઘરમાં નોકર-ચાકરો હશે , ગાડી ડ્રાયવર હશે . મોટા બંગલા હશે " ત્રીજા કોઈએ કહ્યું

" એક તમારો દીકરો જોવો નાની ઉંમરમાં અફસર બની ગયો અને એક અમારો જોવો ! હજી ગામના છેવાડે ટોળકી બનાવી રખડયા કરે છે "

માણસ પોતાની ગમે એવડી નિષ્ફળતાને પણ પચાવી શકે છે , પરંતુ પોતાના પર રહેલી પોતાના માણસોની અપેક્ષાઓ તૂટે એ વાત પચાવી શકતો નથી . સુરજ સાથે પણ કૈક એવું જ થઈ રહ્યું હતું . એના ઉપર પોતાના માતાપિતાની અપેક્ષાઓ , પોતાના ગામવાળાની અપેક્ષાઓ કૌક એવી રીતે લદાઇ હતી કે આજ અચાનક એનો ભાર સુરજ પર લાગી રહ્યો હતો .

અપેક્ષાઓનો ભાર એટલો તો વધારે હતો કે સુરજ જાગી ગયો હોવા છતાં પથારી માંથી ઉભો થઇ શકતો નહોતો - કદાચ એ ઉભો થવા માંગતો જ નહોતો , કદાચ એ પોતાના માતા-પિતાને પોતાના ગામના માણસોને પોતાના મિત્રોની સાથે આંખ મિલાવી વાત કરી શકશે નહીં અને કદાચ આમ કરશે તો એની આંખોના ભાવ કોઈક તો ઓળખી જ જશે . તેથી એ પોતાની પથારીમાં પડ્યો પડ્યો આગળ શું કરવું એમ વિચારી જ રહ્યો હતો ત્યાં પોતાની નાની બહેન ઇમલી પોતાની સામે હાજર હતી. સુરજ કંઈ સમજે વિચારે એના પહેલા જ ઇમલી બહાર દોડી અને કંઈક એલાન કરતી હોય એમ બોલી .

" મમ્મી... પાપા......ભાઈ જાગી ગયો છે .....! " આ સાંભળી સૌના મોઢા પર હરખ આવી ગયો અને બધા સુરજના બહાર નીકળવાની રાહ જોવા લાગ્યા. હવે સુરજ પાસે બહાર નીકળવા સિવાય કોઈ જ રસ્તો નહોતો .

સુરજ ભારે હૃદયે બહાર નીકળ્યો . એક એક કદમ આગળ વધારવા જાણે હજારો હાથીને ધક્કો મારવા જેટલું બળ કરવું પડતું હતું . ધીમેકથી દરવાજો ખુલ્યો , બધાની નજર ' ભાવિ અફસર' ને જોવા માટે આતુર હતું. અંતે સૌની આતુરતાનો અંત આવ્યો , પોતાના ગામનો એક લબરમુચિયો જુવાન મોટા અફસર સ્વરૂપે સૌ જોઈ રહ્યા હતા . કોઈ કશું બોલે એના પહેલા સુરજે બોલવાનું શરૂ કર્યું

" મારા વ્હાલા ગ્રામજનો , તમારો ખૂબ ખૂબ આભાર કે મને અભિનંદન આપવા અહીં સુધી પધાર્યા . હું તમારો આભારી છુ . થોડા દિવસ પછી પત્ર મળશે ત્યારબાદ મને પોસ...પો...પોસ્ટિંગ ..." જૂઠું બોલતા પોતાની જીભ ઉપડતી ન હોય એવું સ્પષ્ટ લાગતું હતું . સુરજે આગળ બોલવાનું શરૂ કર્યું " આજે મારી તબિયત થોડી સારી નથી . માફી ચાહું છું " આટલું કહીને ઘરની અંદર પાછો જતો રહ્યો

સુરજના શબ્દોનું બધા માણસોએ પોતપોતાની રીતે અનુમાન કર્યું . દિવસો વીતતા ગયા , સુરજ રોજ ઘરેથી તૈયાર થઈને સારા કપડામાં સજ્જ થઈને નીકળી પડતો .

સાણંદ જીઆઇડીસી જઈને કોઈ નાની કંપનીમાં એ કામે લાગ્યો હતો . એની આવડત જોઈને એને એકાઉંટિંગમાં નોકરી મળી ગઈ હતી. ધીમેધીમે એને પૈસા પણ સારા મળવા લાગ્યા હતા. પરંતુ આ એટલા બધા પણ નહતા કે એનાથી એ પોતાના માતા-પિતાની , ગામ વાળાની આશા મુજબ મોટામોટા બંગલો બનાવી શકે , એમાં નોકર ચાકર રાખી શકે , મોટી મોટી ગાડીઓમાં ફરી શકે . પરંતુ હા , કોઈ દિવસ એક સાથે દશ-પંદર હજાર પણ ના જોયેલા એમની બાર હજાર પ્રતિ મહિના ખૂબ વધારે કહેવાય . ધીમેધીમે એ ખૂબ પ્રગતિ કરી રહ્યો હતો અને મેનેજરનો પ્રિય બની ચુક્યો હતો. આ જોઈને વર્ષોથી નોકરી કરતા જુના માણસો સૂરજનું ખૂબ ઈર્ષા કરવા લાગ્યા હતા .

સૂરજને મળતા પગારમાં સુરજનું ઘર સારી રીતે ચાલતું હતું , એને તો પોતાના માતા-પિતાની નોકરી પણ છોડાવી દીધી હતી. પરંતુ એક વાત હકીકત હતી , જે અફસર તરીકે એના માતા-પિતા અને ગ્રામજનો એને ઓળખતા હતા એ અફસરતો એ નહોતો જ !


( ક્રમશ)


સૂરજના માતાપિતાને અને ગામના માણસોને ખબર પડશે કે સુરજ કોઈ અફસર નથી તો શુ થશે ?

વાંચતા રહો ભાગ ૫