હાઇવે રોબરી 35
આશુતોષના હદયમાં ડાયરીના એ પાના શિલાલેખની જેમ કોતરાઈ ગયા હતા. કાનમાં વસંતના એ વાક્યો હથોડાની જેમ વાગતા હતા. એનું મગજ ચકરાવે ચડ્યું હતું.
' આશુતોષ તારે કરોડપતિની દીકરી જોઈતી હતી ને. તો આજે હું કરોડપતિ છું. હું હયાત હોઈશ તો કરોડપતિ હોવાના નાતે મારી લાડલી નંદિનીનું માગું લઈ હું તારા આંગણે આવીશ. પણ સંજોગો બદલાયા છે. કદાચ હું હયાત ના હોઉં. હું પોલીસના હાથે પકડાવા કરતા મરવાનું વધારે પસંદ કરીશ. કેમકે હું પકડાઉ તો કરોડપતિના રહું. માટે હું હાજર ના હોઉં તો જયાંથી આ ડાયરી મળી છે ત્યાં કરોડો ના હીરા, મારી નંદિનીનો હાથ તારા હાથમાં મુકવા મેં રાખ્યા છે. એ લઈ લેજે અને નંદિનીને અપનાવી લેજે. અને થોડા રૂપિયા ખેતરમાં પાણીની ટાંકીની બાજુમાં એક પથ્થરની નીચે છુપાવેલ છે. એ રાધા અને લાલા માટે છે.
જો હું હયાત ના હોઉં તો મારું આટલું કામ કરી દેજે. કદાચ આ જન્મનું લ્હેણું પૂરું થયું હશે. આવતા જન્મે જરૂર મળીશું.
મેં તારું સ્વપ્ન પૂરું કર્યું. તારા માટે હું કરોડપતિ બની ગયો..... '
*****************************
મા ઉઠી ગઈ હતી. એ ચ્હા અને નાસ્તો લઈને આવી. આશુતોષ ચહેરાના ભાવ છુપાવવા આંખો બંધ કરી પડી રહ્યો. મા તૂટેલા ટેબલ પર બધું મૂકી આશુતોષને જગાડી ચાલી ગઈ. આશુતોષ ઉભો થયો. જલ્દી જલ્દી ચ્હા નાસ્તો કરી દૈનિક ક્રિયા પતાવી વસંતના ઘરે ગયો. ત્યાંથી વસંતની બાઇક લઈ ગામ બહાર નીકળી ગયો. એને ક્યાંક જવું હતું. એકાંત માં.. એનામાં કોઈનો સામનો કરવાની ક્ષમતા નહતી. એ ખન્ડેર મંદિર તરફ ગયો...
મગજમાં વસંતના શબ્દો હથોડાની જેમ વાગતા હતા.
' મેં તારું સ્વપ્ન પૂરું કર્યું. તારા માટે હું કરોડપતિ બની ગયો. '
ઓહ... નો... હે પ્રભુ.. મારો દોસ્ત ક્રિમિનલ બન્યો. લૂંટ, ખૂનનો ભાગીદાર બન્યો.. હે પ્રભુ... મારો કહેવાનો આશય આવો તો ન હતો. હે પ્રભુ... એક વાર.. એક વાર.... સમયના કાંટા પાછા ફેરવી દે... મને એક મોકો આપ પ્રભુ....
વીતેલો સમય ક્યારેય પાછો ફરતો નથી. માટે જ માણસે કર્મ કરતાં પહેલાં સાવધ રહેવું જોઈએ. પણ પોતે કયા આશયથી કહ્યું હતું. અને એનું અર્થઘટન કેવું થઈ ગયું. પણ હવે શું...
આખો દિવસ એ ખન્ડેર મંદિર અને નદીના પટમાં પોતાના દોસ્તની યાદ લઈ ફરતો રહ્યો...
દિલાવરના માણસોની જાળ સક્રિય હતી. રાધાનું ઘર મહોલ્લાના એક ખૂટટલ માણસની નજર હેઠળ હતું. ખન્ડેર મંદિર, નજીકના ખેતરમાં કામ કરતા માણસની નજર નીચે હતું. એ સાંજે ખન્ડેર મંદિરમાં ફરતા શખ્સનો ફોટો અને નામ દિલાવરના હાથમાં હતા. હજુ આગળની કાર્યવાહીનું આયોજન બાકી હતું...
સૂર્યનારાયણ નિશ્ચિત સમયે અસ્તાચળે પહોંચી ગયા હતા. અંધકારમાં આશુતોષ બાઇક લઈ ખન્ડેર મંદિર છોડી સ્ટેશન તરફ ગયો. હજુ ગાડી આવવાની વાર હતી. એ થોડીવાર બાંકડે બેઠો. અંધકારમાં એણે ઝાડની બખોલ ચેક કરી. બખોલમાં હાથ નાંખ્યો. એક નાની થેલી એણે લઈ ને ગજવામાં મૂકી. થોડીવાર એ બેઠો...
ખૂબ વિચાર્યું અને એ ઘર તરફ ચાલ્યો. પહેલાં ઘરે જઈ જમીને એ વસંતના ઘરે બાઇક મુકવા ગયો.
*****************************
વસંતના ઘરના ખડકીના મુખ્ય દરવાજાની અંદર આંગણામાં બાઇક પાર્ક કરી એ ચાવી આપવા ઉભો રહ્યો. રાધા ભાભી પાણીનો ગ્લાસ લઈ આવ્યા. આશુતોષના ચહેરાને જોઈ એ સ્તબ્ધ થઈ ગયા. જાણે એ કોઈ ભૂત જોઈ રહ્યા હતા.
' આશુતોષ, શું થયું ભાઈ.. આશુતોષ ? '
ભાભીનો અવાજ સાંભળી નંદિની દોડી આવી. આશુતોષને જોઈ એ હબક ખાઈ ગઈ. આત્મા વિહોણા દેહ કે કોઈ ભૂતને એ જોતી હોય એવું એને લાગ્યું. આશુતોષ અતિતમાં જોતો એક ભૂતનો ઓળો હોય એવું લાગતું હતું. રાધાએ એને ખભેથી પકડી ઝન્ઝોડી નાખ્યો. એ વાસ્તવિક ભૂમિ પર પાછો આવ્યો. બાજુમાં મુકેલા ખાટલામાં એ બેસી ગયો. રાધા ભાભી સામે આવી ઉભા રહ્યા. નંદિની કોઈ ડર સાથે દૂરથી બધું જોઈ રહી હતી.
' ભાભી હું તમારો ગુનેગાર છું. વસંતનો ગુનેગાર છું. મારા કારણે આ તોફાન આવ્યું. અને મારા મિત્રનું ઘર તહસનહસ થઈ ગયું. મને માફ કરો ભાભી... મને માફ કરો... મને જીવવાનો કોઈ અધિકાર નથી ભાભી. '
રાધા કંઈ સમજી શકી નહિ પણ. એટલું સમજમાં આવતું હતું કે આ એમનો મિત્ર કોઈ વ્યથા લઈને આવ્યો છે. અને આ સીધો માણસ એવું તો કોઈ કાર્ય કરે જ નહી કે એણે ના જીવવાના નિર્ણય સુધી જવું પડે. એ આગળ વધ્યા. આશુતોષના માથે હાથ ફેરવ્યો.
' ના આશુતોષ ભાઈ. ના..શુ થયું ? '
અને માતા સમાન ભાભીના શબ્દો એ એના હદયમાં રોકેલા ભાવોને ખોલી નાંખ્યા. એ ભાભીને વળગીને રડ્યો.. ખૂબ રડ્યો... રાધા એના માથે હાથ ફેરવી આશ્વાસન આપતી રહી. ભાઈને ગુમાવી દુઃખી થયેલી નંદિની નવી આફતના એંધાણથી ફફડતી આસુતોષને જોઈ રહી.
આંસુમાં અજબ તાકાત છે. માણસના હદયમાં રોકાઈ રહેલા આંસુ એક નાસુર બની જાય છે. પણ એ આંસુ વહી જાય છે ત્યારે સાથે નિર્બળતા અને હતાશાને પણ ખેંચી જાય છે. થોડીવાર પછી નંદિની પાણી લઈને આવી. રાધાએ આશુતોષને પાણી આપ્યું. આશુતોષ કંઈક સ્વસ્થ થયો.
' ભાભી મારે કંઇક વાત કરવી છે. પણ અંદર બેસીએ. '
' નંદિની ખડકીનું બારણું બંધ કર. આવો આશુતોષ ભાઈ. '
' નંદિની તું પણ અંદર આવ. '
ત્રણે અંદર જઇ બેઠા. આશુતોષને સમજાતું ન હતું કે ક્યાંથી શરૂઆત કરવી. પણ વાત કરવા સિવાય છૂટકો ન હતો.
' ભાભી હું તમારા બધાનો ગુનેગાર છું. મારા કારણે આ બધું થયું. '
' પણ વાત શું છે? '
' ભાભી નાનપણથી મોટા થતા સુધી ક્યારે નંદિની સાથે મન મળી ગયું એ ખબર ના પડી. પણ જ્યારે ભાન થયું ત્યારે ખ્યાલ આવ્યો કે હું મારા દોસ્તના ઘરે નજર નાખી એને દુઃખી ના કરી શકું. અને મારા ઓછા પગાર અને તૂટેલા ખોરડામાં એવું કંઈ ન હતું કે નંદિની સુખી થઈ શકે. બા લગ્ન માટે ઉતાવળ કરતા હતા. મારું મન બીજે લગ્ન કરવા તૈયાર ન હતું. મેં બહાનું શોધી કાઢ્યું કે લગ્ન કરીશ તો કરોડપતિની છોકરી જોડે જ કરીશ. અને વસંતે નંદિનીનો હાથ મારા હાથમાં આપવા કરોડપતિ બનવા આ રસ્તો અપનાવ્યો. ભાભી આખી વાતનો ગુનેગાર હું છું. મને પોલીસને હવાલે કરી દો. વસંત નિર્દોષ છે ભાભી... વસંત નિર્દોષ છે.. '
નંદિની સ્તબ્ધ થઈ બધું સાંભળી રહી હતી. આજે એને સમજાતું હતું કે આશુતોષ કેમ કરોડપતિની દીકરી ઇચ્છતો હતો. રાધા ભાભીને થોડી વાત તો સમજાઈ પણ પૂરી વાત હજુ સમજાઈ ન હતી.
' તમને આ બધું ક્યારે ખબર પડ્યું ? '
' રેલવે સ્ટેશન પર વસંત એક જગ્યાએ સિગારેટ સંતાડી રાખતો હતો. કાલે મેં સિગારેટ માટે તપાસ કરી તો મને ત્યાંથી એક ડાયરી મળી. વસંતે એમાં આ બધું લખ્યું છે. જુઓ એના જ અક્ષરો છે ને ? '
આસુતોષે ડાયરી રાધા ભાભીને આપી. રાધા ભાભીએ ડાયરી જોઈ અને નંદિનીને આપી. નંદિની પોતાના વ્હાલા ભાઈના અક્ષરોને અને એમાં પોતાના માટે ભાઈ એ જોયેલા સ્વપ્નાંને જોઈ રહી.
આસુતોષે ઉભા થઇ રસોડામાંથી એક થાળી લીધી અને ગજવામાંથી એક નાનકડી થેલી કાઢી અને એ થેલી થાળીમાં ખાલી કરી. ઘરની લાઈટના અજવાળામાં ચમકતા હીરાનો ઢગલો રાધા અને નંદિની સ્તબ્ધ થઈ જોઈ રહ્યા.....
(ક્રમશ:)
05 જુલાઈ 2020