Highway Robbery - 34 books and stories free download online pdf in Gujarati

હાઇવે રોબરી - 34

હાઇવે રોબરી 34

આસુતોષ નિરવના વિશાળ બંગલામાં પ્રવેશ્યો. અને મનોમન પોતાના ઘર સાથે આ બંગલાની તુલના કરી બેઠો. શું પોતે ખોટો હતો ? આવી સાહ્યબી સોનલને એ આપી શક્ત ?
નિરવ આશુતોષને ઉપરના માળે ગેસ્ટરૂમમાં લઇ ગયો. થોડી વારમાં સોનલ આવી. અને ચ્હા નાસ્તો પણ આવ્યો. સોનલના ચહેરા પણ કંઈક ઉદાસી હતી. થોડી ઔપચારિક વાતો કર્યા પછી નિરવ મુખ્ય મુદ્દા પર આવ્યો. સોનલ કંઈક આશા સાથે આશુતોષને જોઈ રહી...
' આશુતોષ, હું ઘણી બધી વાતોથી વાકેફ ન હતો. અને હવે જ્યારે વાકેફ થયો છું ત્યારે લેટ તો છું. પણ કંઇક કરી શકું તો સારું એવી મારી ઈચ્છા છે. '
આશુતોષ કંઈ સમજ્યો નહિ. એ પ્રશ્નસુચક નજરે નિરવને જોઈ રહ્યો. નિરવ આગળ બોલ્યો...
' જ્યારે હું આ સમજ્યો છું ત્યારે એક વાત સ્પષ્ટ કહીશ, આખા સમાજ સામે કહીશ કે નંદિની મારી નાની બહેન છે. સોનલની બહેનપણી આજથી મારી બહેન છે અને વસંતની હાજરીમાં કે ગેરહાજરીમાં એની ખુશી માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. અને આશુતોષ, આજે મારી બહેનના જીવનમાં આનન્દ ભરવા હું તારી આગળ મારી પાઘડી ઉતારું છું. '
નિરવની વાતોથી એ સ્પષ્ટ ના થયું કે નિરવ શું શું જાણે છે પણ એટલું તો સ્પષ્ટ થયું કે નંદિનીને સુખી જોવા એ પોતાને વિનવી રહ્યો હતો. પણ હવે વસંતની ગેરહાજરીમાં નંદિની તરફ જોવાનો અર્થ થાય છે કે જેવી દોસ્તની હાજરી દૂર થઈ દોસ્તના ઘરે જ નજર નાંખી. અને કોઈના અહેસાન પર લગ્નજીવનનો મહેલ ઉભો ના થાય. પોતાના ઘરે એવું હતું શું જે નંદિની ને સુખી કરી શકે? નીચી નજરે ફર્શને જોઈ રહેલા આશુતોષે એની રોકી રાખેલી હતાશા શબ્દોમાં વ્યક્ત કરી....
' આજે સમજાય છે કે માણસ આપઘાત કેમ કરતો હશે. '
સોનલ અવાચક થઈ નિરવ તરફ જોઈ રહી. નિરવ માં ગાંભિર્ય હતું. પ્રશ્નોને સમજવાની તાકાત હતી. આંખોથી સોનલને આશ્વાસન આપતા એ બોલ્યો.
' આશુતોષ સમય બળવાન હોય છે. એમ હતાશ નહિ થવાનું. ધીરજ રાખ, બધું જ બરાબર થઈ જશે. અને હું છું ને. તારે કોઈ પણ કામ હોય. આ નિરવનું ઘર ચોવીસ કલાક ખુલ્લું છે. '
' હું તમારી લાગણી સમજુ છું. પણ મને નથી લાગતું કે એટલી સહજતાથી બધું ઠીક થાય. '
આશુતોષની વાતોથી ભાંગી પડેલી સોનલ મહાપરાણે એટલું બોલી.. ' ગમે તે થાય પણ તું આડુંઅવળું પગલું નહિ ભરે. ખા નંદિનીની સોંગન્ધ '
આશુતોષને પહેલી વાર લાગ્યું કે પોતાના જીવન પર નંદિની આટલું આધિપત્ય ધરાવે છે. એ હસ્યો અને બોલ્યો... ' ડોન્ટ વરી, હું એવું કંઈ નહીં કરું.'
' તો ખા નંદિનીના સમ. '
' નંદિનીના સમ.. '
****************************

બીજો ત્રણ મહિના જેવો સમય વહી ગયો. માણસ ચાહે કે ના ચાહે, ખુશ રહે કે નારાજ રહે. નિયત સમયે સૂર્યોદય અને સૂર્યાસ્ત થાય છે અને સમય વહ્યા કરે છે. અને એ સમયના વ્હેણમાં માણસ ઘસડાયા કરે છે.
આજે ટ્રેન થોડી લેટ હતી. એ જ છેલ્લા ડબ્બાના ઉપરના પાટિયા ઉપર આશુતોષ સૂતો હતો. સમયના વહેતા પટલની વિપરીત દિશામાં જઇ ભૂતકાળને વાગોળતો.... થોડા યુવકો ભેગા થઈ પત્તાંની ગેમ રમતા હતા. છેલ્લા સમયમાં આશુતોષમાં ઘણું પરિવર્તન આવ્યું હતું. એ ટ્રેકટર ચલાવતાં શીખી ગયો હતો. હેવી વ્હિકલ લાઇસન્સ એણે લઈ લીધું હતું. રજાના દિવસે એ વસંતના ખેતરમાં જતો. વસંતના ઘરે જતો. ઘણા બધા કામ આટોપતો. વસંતના ખેતરે કામ કરવા રાખેલ માણસને સાચવતો અને કામ લેતો...
આશુતોષના આવવા સાથે ઉદાસ નંદિનીની આંખોમાં એક ચમક આવતી. પોતાની વ્હાલી નણન્દની આંખોની ભાષા રાધા સમજતી. બન્નેની મર્યાદા પ્રત્યેની નિષ્ઠાને એ સલામ કરતી....
પત્તાં રમતા યુવકો ઉતરી ગયા. હવે આશુતોષનું સ્ટેશન આવશે. ગાડી ઉભી રહી. એ ઉતર્યો. ત્રણ પેસેન્જર સામેના ગામના ઉતરીને ચાલતા થયા. ગાડી પણ રવાના થઈ ગઈ. સુમસામ નાનકડા સ્ટેશન પર એ એકલો હતો. કાલે રજા હતી. કોઈ ઉતાવળ ન હતી. હવે એ અંધારાથી કે સ્મશાનથી ડરતો ન હતો....
સ્ટેશન પર મુકેલા બાંકડા પર એ બેઠો. સિગારેટ પીવાની ઇચ્છા થઈ. એણે ગજવામાં હાથ નાખ્યો. છેલ્લી સિગારેટ તૂટી ગઈ હતી. એણે એને મસળીને નીચે નાંખી.
એને અચાનક યાદ આવ્યું રાધા ભાભી સિગારેટ બાબતે વસંત જોડે ઝગડો કરતા હતા એટલે જ્યારે વસંત સ્ટેશન પર આશુતોષને લેવા આવે ત્યારે જો આશુતોષ પાસે સિગારેટના હોય ત્યારે વસંત સ્ટેશન પરના એક ઝાડની બખોલમાં છુપાવેલું સિગારેટનું પેકેટ લઈ આવતો. અને બન્ને દોસ્ત એ સિગારેટ પીતા. વસંત મઝાકમાં એને લોકર કહેતો. વસંતના ગાયબ થયા પછી ક્યારેય આસુતોષે એ લોકરમાંથી સિગારેટ લીધી ન હતી. એવી જરૂર પણ પડી ન હતી. કદાચ એમાં સિગારેટ ના પણ હોય.
એ ઉભો થયો. એ ઝાડની ચાર મોટી મેઈન ડાળીઓ જયાંથી શરૂ થતી ત્યાં માણસની ઉંચાઈ પર એક બખોલ હતી. જે નીચેની તરફ ઝાડની અંદર જતી હતી. બહારથી કોઈનું ધ્યાન જાય એમ ન હતું. વસંત હમેશાં કહેતો, અંદર સાપ હોઈ શકે માટે સીધો હાથ નહિ નાખવાનો. આસુતોષે ઝાડની એક ડાળ તોડી એનો એક છેડો બખોલમાં નાખી બરાબર હલાવ્યો. કોઈ હલચલ ના થઇ. એણે હાથ નાંખ્યો અને પ્લાસ્તિકમાં વીંટેલ એક પેકેટ લઈ એ બાંકડે જઇ બેઠો. એક સિગારેટનું પેકેટ, માચીસનું બોક્સ અને સાથે એક ડાયરી હતી.
આશુતોષને આશ્ચર્ય થયું. પણ અહીં વસંત સિવાય કોઈ કંઈ મૂકે નહિ. કદાચ વસંત વિશે કોઈ માહિતી હોય. એનું હદય એક ધડકારો ચુકી ગયું. અચાનક એને એ ધ્યાન ગયું કે કોઈ એને જોતું તો નહિ હોય ને ? એણે ડાયરી ગજવામાં મૂકી દીધી. થોડી વાર એ ચુપચાપ બેસી રહ્યો. ચારે બાજુ ધ્યાનથી જોયું. કોઈ હલચલ ન હતી. એ ઉભો થઇને ચૂપચાપ ચાલ્યો. રસ્તામાં સ્મશાન આવ્યું. એ ઉભો રહ્યો. અને સિગારેટ પીધી અને ઘર તરફ ચાલ્યો...
*****************************

મા બહાર જ સૂતી હતી. પણ આશુતોષની ભૂખ મરી ગઈ હતી. મા એ આગ્રહ કરી દૂધ બનાવ્યું. એ કપડાં બદલી, હાથપગ ધોઈ, દૂધ પી અંદરના રૂમમાં જતો રહ્યો. મા બહાર જઇ સુઈ ગઈ. એણે ડાયરી કાઢી. ડાયરી એક પ્લાસ્ટીકમાં વીંટેલી હતી. એનું હદય ધડકતું હતું. પહેલા પાના પર ભગવાનનું નામ લખ્યું હતું. બીજા પાને લખ્યું હતું, મારા વ્હાલા મિત્ર આશુ....
એ જ અક્ષર... પણ કંઈક ઉતાવળમાં લખાયેલા એ શબ્દો એ વાંચતો ગયો. અને એના હદયમાં ઉંડા ચિરા કરતા એ શબ્દો હદયમાં દાહ કરતા અંદર ઉતરતા ગયા. આંખમાં આંસુ સાથે એ ડાયરી વાંચતો રહ્યો. કેટલાક પાના એણે ફરી ફરી વાંચ્યા. એને એ ધ્યાન ના રહ્યું કે સવાર પડી ગયું છે. ત્યાં સુધી એ વાંચતો રહ્યો એ પાના ઓને....
(ક્રમશ:)

3 જુલાઈ 2020


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED