હાઇવે રોબરી 32
રાઠોડ સાહેબ પાસે હવે બે અગત્યના કામ બાકી હતા. પહેલું, ફરાર મુજરીમ વસંતને શોધવાનું અને બીજું કામ પ્રહલાદ અને જીવણને ચાર્જ ફ્રેમ કરી કોર્ટમાં રજૂ કરવા. લૂંટનો 90℅ માલ પકડાઈ ગયો હતો..
વસંતના ફોટા અને વિગતો ગુજરાતના દરેક જિલ્લા અને સેન્ટ્રલ ક્રાઇમ બ્યુરોને પહોંચતા કરવામાં આવ્યા હતા.
પ્રહલાદ અને જીવણને અલગ અલગ રાખીને સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા હતા. એનું રેકોર્ડીંગ પણ કરવામાં આવ્યુ હતું. જવાનસિંહનું મરણોન્નમુખ નિવેદન મેજિસ્ટ્રેટ સમક્ષ લેવામાં આવ્યું હતું. એનું રેકોર્ડીંગ પણ હતું.
સરદારજી ઉર્ફે વસંત વિશે જીવણ કે પ્રહલાદ કંઈ ખાસ જાણતા ન હતા. પણ સરદારજીના વેશમાં એ બન્ને એ વસંતને ઓળખી કાઢ્યો હતો. એ બન્નેનું કહેવું એમ હતું કે લૂંટમાં લૂંટેલી બેગોનો ભાગ વ્હેચ્યા પછી વધેલી ખાલી બેગો સરદારજી લઈ ગયા હતા. જવાનસિંહે આ બાબતમાં કંઈ કહ્યું ન હતું. પરંતુ ત્રણેના નિવેદનમાં એક બાબત સરખી હતી કે અમરસિંહનું મોત રતનસિંહ દ્વારા થયું હતું. અને બાકીના ચાર નું ખૂન સરદારજીના ગયા પછી થયું હતું. સરદારજી લૂંટની સાઈટ છોડી ગયા ત્યાં સુધી પેલા લોકો જીવતા હતા. અને રઘુના ખૂનમાં પણ સરદારજીનો કોઈ હાથ ન હતો.
બીજી તમામ વિગતો સાથે 132 પાનાની ચાર્જશીટ સાથે જીવણ અને પ્રહલાદને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. કોર્ટની કાર્યવાહી ચાલુ થઈ ગઈ. સરકારી વકીલે કાર્યવાહી પોતાના હાથમાં લઇ લીધી. ફક્ત વસંતની તપાસનો મુદ્દો બાકી રહ્યો..
***************************
નાથુસિંહના આવેલા રિપોર્ટની સાથે રાઠોડ સાહેબે પોતાનો રિપોર્ટ જોડ્યો અને રોય સાહેબને મોકલી આપ્યો. હાયર ઓથોરિટીએ નાથુસિંહને સસ્પેન્ડ કરી રિમુવલની કાર્યવાહી ચાલુ કરી દીધી.....
******************************
રાઠોડ સાહેબે વસંતને પકડવા તમામ પ્રયત્નો ચાલુ કરી દીધા હતા. રાધા અને નંદિનીનો ફોન સર્વેલન્સ ઉપર હતો. વસંતના ગામમાં ઘણા મિત્રો હતા. એ બધાની આકરી પૂછપરછ કરવામાં આવી, એમના ભૂતકાળ ચેક કરવામાં આવ્યા, એમાં ચાર મિત્રો, એના ઘનિષ્ટ મિત્રો નીકળ્યા. એમના ઉપર નજર રાખવાની વ્યવસ્થા કરવામાં આવી. એમના ફોન પણ સર્વેલન્સ પર રાખવામાં આવ્યા. એમાં એક નામ આશુતોષનું હતું....
*****************************
દિલાવર ધુંઆપુઆ હતો. નાથુસિંહ પર એ ખૂબ ગુસ્સે હતો. દિલાવર એમ માનતો હતો કે નાથુસિંહ પરિસ્થિતિને હેન્ડલ કરવામાં ફેઈલ ગયો છે. નાથુસિંહના કહેવાથી હીરાના લૂંટની વાત પોલીસને બતાવી ન હતી. એટલે એ વાત તો દબાઈ જ ગઈ. અને પોતાના ભાઈના મોતનો બદલો પણ બાકી હતો.
નાથુસિંહની પરિસ્થિતિ ખરાબ હતી. એને બાવાના બેય બગડયા જેવું હતું. આ બાજુ દિલાવર નારાજ હતો. બીજી બાજુ પોતાની નોકરી પણ દાવ પર લાગી હતી. એ વિચારતો હતો પોતે શા માટે આમાં પડ્યો? સરસ મજાની નોકરી હતી. પણ હવે એ નોકરી બચવાની કોઈ શકયતા લાગતી ન હતી. એણે છેલ્લો દાવ ફેંક્યો....
નાથુસિંહ પોલીસનો રિપોર્ટ લઈને આવ્યો. હીરા બેગોના તળિયામાં છુપાવેલ હતા. અને જીવણ અને પ્રહલાદના કહેવા પ્રમાણે એ બેગો સરદારજી ઉર્ફે વસંત લઈ ગયો હતો. એટલે એ હીરા વસંત પાસે હોવાના પુરા ચાન્સ હતા. અને એ વસંત ફરાર હતો...
દિલાવર અને નાથુસિંહે ભેગા થઈ એક લિસ્ટ તૈયાર કર્યું. વસંતના ઘર , રાધા, નંદિની, વસંતના ચાર મિત્રો પર ચોવીસ કલાક નજર રાખવાની વ્યવસ્થા કરી. પોલીસે જે ફોન નમ્બર સર્વેલન્સ પર મુક્યા હતા એની ડિટેલ દિલાવરને તરત જ મળે એ પણ વ્યવસ્થા કરી....
******************************
રાધાના ઘરે આવેલા સગા સંબધી ધીમે ધીમે વિખરાઈ રહ્યા હતા. રાધાના ભાઈ એ એક માણસની વ્યવસ્થા કરી આપી હતી. બાબુજી. જે ખેતરમાં રહેતો, જાતે જ ખાવાનું બનાવતો અને ખેતીનું કામ સભાળતો. બે ત્રણ દિવસે એ આવી ગાય ભેંસ માટે ચારો નાંખી જતો અને રાધા એ સોંપેલાં કામ કરી જતો. બાબુજી વિશ્વાસપાત્ર માણસ હતો..
વસંતને ઘણા મિત્રો હતા. જે ભાભીને કામકાજનું પૂછવા આવી જતા. મહોલ્લાના લોકો પણ મદદ માટે આવી જતા. આમ આખો માહોલ વિશ્વાસ પાત્ર હતો. પણ..
વસંતની ગેરહાજરી આશુતોષ માટે દુઃખદ નીવડી. વસંત સાથે હોય કે ના હોય, આશુતોષને એક આશ્વાસન રહેતું કે મારો મિત્ર, જિગરી મિત્ર, આખા ગામ સામે કે કોઈ પણ સમસ્યામાં પોતાની પડખે રહેનાર, બાહોશ, વિશ્વાસુ એવો વસંત ગાયબ હતો. હવે શું? પોતાને સમસ્યા આવશે તો પોતે શુ કરશે? ના... એના વગર પોતે કંઈ ન હતો. પોતે પહોંચી વળી શકશે નહિ. પણ બીજી સમસ્યા વિચિત્ર હતી.....
નંદિની... પોતાની નંદિની... વસંત હતો ત્યાં સુધી મન, હદય પર વિટાળેલું કવચ વસંતના જવાથી તૂટી ગયું હતું... નંદિનીથી દુર રહેવાની હિંમત ક્યાંક અરણ્ય ખૂણામાં સંતાઇ ગઈ હતી. એવું ન હતું કે વસંતની ગેરહાજરીમાં એ નંદિનીને પામવા માગતો હતો. વસંત હતો ત્યારે એ ગમે ત્યારે વસંતની ગેરહાજરીમાં એના ઘરે જતો. જ્યારે હવે વસંત ન હતો ત્યારે એના ઘરે જવાનું ઓછું થઈ ગયું હતું....
પણ એનું મુખ્ય કારણ એ હતું કે વસંતની હયાતીમાં પોતે નંદિનીને સલામત સમજતો હતો. પણ વસંતની ગેરહાજરીમાં એના ઘરે જતો વ્યક્તિ આશુતોષને બેચેન કરી દેતો હતો. એને ખબર હતી કે નંદિની શુધ્ધ છે, પવિત્ર છે પણ મનમાં વિચારોનું તોફાન ઉઠતું હતું. એક સમયે પોતે નંદિની બીજે લગ્ન કરે એ માટે આતુર હતો પણ આજે એ બેચેન હતો. એને નંદિનીની આંખો, આંખોના ભાવ અને એ આંખોથી પૂછેલા પ્રશ્નો યાદ આવતા હતા. અને થતું કે નંદિની બીજે સુખી થઈ શકશે? એના મનમાં ઉઠતા વિચારોમાં એ આમથી તેમ અફળાતો હતો. ખબર નહતી પડતી કે શું કરવું. એ કોઈ ને કંઈ કહેવા માટે અસમર્થ હતો....
નંદીની ભાઈના કારણે દુઃખી હતી. પણ પોતે એને આશ્વાસન આપવા પણ સમર્થ ન હતો. એનું દુઃખ પોતે લેવું હતું, એના માથે હાથ ફેરવવો હતો, એના આંખના આંસુ લુછવા હતા. પણ કોઈ અજબ વિવશતા પોતાને રોકતી હતી. હા, કદાચ કરોડપતિની દીકરીના જમાઈને આવું કરવાના અધિકાર નહિ હોય...
**************************
આશુતોષ સવારે ટ્રેન માંથી ઉતર્યો. એની ઓફીસ ચાલતા અડધા કલાક દૂર હતી. જો એ શટલ રિક્ષામાં જાય તો 5 રૂપિયા થતા હતા. એ જતા આવતા ચાલતા જવાનું પસંદ કરતો. રોજ ના 10 લેખે 250 રૂપિયા એ બચાવી શકતો. એકાઉન્ટ, બેન્ક અને બીજા વહીવટી કાર્યો એ સંભાળતો. પણ પ્રાઇવેટમાં પગાર એટલા ન હતા...
ઓફીસમાં આવી એ કામે વળગ્યો. સવારની ચ્હા તરત જ આવી ગઈ. લગભગ એક કે દોઢ વાગે બધા ભેગા થઈ જમતા હતા. જમવા માટે બધા ભેગા થયા અને પટાવાળો આશુતોષને બોલાવવા આવ્યો. ટિફિન બંધ કરી એ મેનેજરની ઓફીસમાં ગયો...
' આશુતોષ, આ ક્રાઇમ પોલિસ છે. તને કંઈક પૂછવા માંગે છે. '
આશુતોષના પગ નીચેથી ધરતી ખસી ગઈ. આશુતોષને ક્રાઇમ બ્રાન્ચની ઓફીસ લઈ જવામાં આવ્યો. ત્યાં વસંતના બીજા મિત્રો પણ હતા. રાઠોડ સાહેબ આ લોકોની એમના ઘરે પણ પૂછપરછ કરી શકતા હતા. પણ રાઠોડ સાહેબ આમના ઉપર એક માનસિક દબાવ ઉભો કરવા માગતા હતા...
રાઠોડ સાહેબે અત્યાર સુધીમાં કેટલાય કેસ સોલ્વ કર્યા હતા. અને એ દરેક કેસમાં ઉભા થનારા ટેકનિકલ મુદ્દાથી જાણકાર હતા. એટલે જ એમણે આ લોકોની પૂછપરછને કાયદેસરનો તેમનો હક્ક બનાવવાની કાયદાકીય તૈયારી કરી દીધી હતી. આથી જ તેમનો ટ્રેક રેકોર્ડ સારો રહ્યો હતો...
આખો દિવસ બધાની વારાફરતી ઇન્કવાયરી થઈ. એમને પૂછવામાં આવતા પ્રશ્નો ખૂબ જ અલગ પ્રકારના હતા. એક પ્રશ્નને છઠ્ઠો પ્રશ્ન ક્રોસ કરતો હતો. ખોટું છુપાવવું મુશ્કેલ હતું. બધાને એકબીજા માટે પણ ક્રોસ પ્રશ્નો પૂછવામાં આવ્યા...
આ બધા પ્રશ્નો પાછળનો રાઠોડ સાહેબનો હેતુ વસંત શું કરી શકે, ક્યાં જઈ શકે અને લૂંટ વિશે લૂંટ પહેલાં કે લૂંટ પછી વસંતે કોઈ વાત કરી હોય તો તે જાણવાનો હતો. અને એ કેટલાક અનુમાનો પર આવ્યા.
****************************
સાંજે આસુતોષે ટ્રેન પકડી. રોજની જેમ એ છેલ્લા ડબ્બાની એક ઉપરની સીટ પર આડો પડયો. પોલીસ સ્ટેશનનો માહોલ, ગુમ થયેલો વસંત... બધું મનમાં ઘુમરાતું હતું. શું વસંતે લૂંટ કરી હશે? ખૂન કર્યા હશે ? પણ શા માટે ? પોતે હવે એના વગર શું કરશે ? એને નંદિનીનો ચહેરો યાદ આવ્યો..
પતા રમનારા ઉતરી ગયા. કોલાહલ શાંત થઈ ગયો. હવે એનું સ્ટેશન આવશે. એ ઉભો થયો. ગાડી ઉભી રહી. એ ઉતર્યો.... સ્ટેશન પર અંધકાર હતો. આઠ દસ પેસેન્જર હતા. એને વસંત જેટલા મિત્રો ન હતા. એ ઊંડા શ્વાસ લેતો ઉભો રહ્યો. વસંત આવે એવી કોઈ શકયતા ન હતી. આજે પણ એણે ફરીને દૂરના રસ્તે થઈને જવું પડશે.
એને નંદિની યાદ આવી. ના.... હું નિર્બળ નથી. હું નિર્બળ નથી. એ શોર્ટ કટ રસ્તા તરફ ચાલ્યો. બિલકુલ શાંત, આત્મવિશ્વાસથી ભરપૂર. રસ્તામાં સ્મશાન આવ્યું. તદ્દન નિરવ શાંતિ હતી. એ સ્મશાન તરફ ગયો. સ્મશાનમાં સાઈડમાં થોડા બાંકડા હતા. એ એક બાંકડા પર બેઠો. છેલ્લા થોડા દિવસથી એ સિગારેટ ગજવામાં રાખતો હતો. એણે સિગારેટ સળગાવી. સ્મશાનની નિરવ શાંતિમાં એ સિગારેટ પીતો બેઠો. મન થતું હતું બુમો પાડીને વસંતને કહું, ' મિત્ર, હું ડરપોક નથી.. તું આવ.. ક્યાં છે તું ? એક વાર કહી દે... હું મારું જીવન બિછાવી દઈશ.... '
(ક્રમશ:)
28 જૂન 2020