હાઇવે રોબરી - 33 Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હાઇવે રોબરી - 33

હાઇવે રોબરી 33

જવાનસિંહની અંતિમક્રિયા પછીની વિધિ પણ પતી ગયે દસેક દિવસ થઈ ગયા હતા. સવિતાના ભાઈ એ બાળકોને લઈ પોતાને ઘરે આવવા કહ્યું. પણ સવિતા કોઈના ઉપર ભાર બનવા ન્હોતી માંગતી. એની પાસે એક ભેંસ તો હતી જ. વળી એ કામ કરવામાં પાછી પડે એમ ન હતી. એટલે એણે બધાને પ્રેમથી ના પાડી આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે એ પોતાના ઘરે જ રહેશે. એને વસંતભાઈ અને રાધા ભાભી યાદ આવ્યા. એ મનોમન પ્રાર્થના કરતી કે વસંત ભાઈ સુખરૂપ પાછા આવી જાય એટલે સારું. રાધા ભાભીને પૈસાની કોઈ તકલીફ પડવાની ન હતી. પણ પોતાનો માણસ જાય તો કેટલી તકલીફ પડે એ તે સમજતી હતી. તકલીફનું વિચારતા એને વિચાર આવ્યો કે પોતાને કોઈ અણધારી આફત આવશે તો એ શું કરશે? એક વાર એ જેલમાં ગયા ત્યારે એને બહુ વીત્યું હતું...
એને યાદ આવ્યું. જયારે છેલ્લી વાર એમણે ફોન કર્યો ત્યારે કંઈક કહ્યું હતું. છેલ્લા દિવસોમાં બનેલી ઘટનાઓ એ, એ વાત ભુલાવી દીધી હતી. માનવજીવનની આ એક ના સ્વીકારી શકાય એવી વાસ્તવિકતા છે... કે માનવ મન, અચાનક ખૂબ જ દુઃખદ ઘટનાઓનો મારો થાય ત્યારે કેટલીક ઓછી અગત્યની વાતો પર લક્ષ નથી આપતો. સવિતાએ પણ ખૂબ વિચાર્યું ત્યારે યાદ આવ્યું કે એમણે પૈસા ચૂલા નીચે સંતાડયા છે એવું કંઈક કહ્યું હતું....

****************************

રાતના બાર વાગી ગયા હતા. બન્ને બાળકો સુઈ ગયા હતા. બન્ને બાળકોને હજુ એ સમજણની વાર હતી કે ઘરમાં શું ચાલી રહ્યું છે. મા પર શું વીતી રહ્યું છે. એમને મન, માની ગોદ દુનિયાનું સર્વશ્રેષ્ઠ આશ્રયસ્થાન સ્થાન હતું. અને એ ગોદમાં બેસી ખાધેલો સૂકો રોટલો શ્રેષ્ઠ પકવાન હતા. સવિતા બન્ને બાળકો સામે જોઈ રહી. હજુ આ બન્નેને મોટા કરવાના છે. એકલે હાથે... અને એમના સંસ્કાર છોકરાઓમાં ના ઉતરે એ ધ્યાન રાખવાનું છે.
એ ચૂલા પાસે બેઠી. મંદિરમાં નાનકડો બલ્બ આછો પ્રકાશ ફેલાવતો હતો. એણે ચૂલાની દિવાલોને નુકસાનના થાય એમ ખોદવાનું ચાલુ કર્યું. એનું સમગ્ર ધ્યાન એમાં હતું કે અવાજ ના થાય. લગભગ દોઢ ફૂટ જેટલું ખોદયા પછી કંઈક વસ્તુનો સ્પર્શ થયો. એક નાનકડી લોંખડની લંબચોરસ પેટી નીકળી...
સવિતાએ જોયું બાળકો સુતા હતા. બારીની તિરાડમાંથી બહાર જોયું. બહાર પણ સન્નાટો હતો. એણે પેટી ખોલી. પેટી માં મોંઘા પ્લાસ્ટીકમાં વીંટાળેલું એક બન્ડલ હતું. અંદર કપડાંની થેલીમાં રૂપિયાના બન્ડલ હતા. સવિતાએ એની જીદંગીમાં આટલા રૂપિયા જોયા ન હતા. એ અમિનેષ નયને એ રૂપિયાને જોઈ રહી. એ રૂપિયાના બંડલ ઉપર જવાનસિંહનો ચહેરો ઉભરાઈ આવ્યો...

એને એ સમજમાં ના આવ્યું કે આ રૂપિયા રાખવા કે નહિ ? એણે બાળકો સામે જોયું અને હાલ પૂરતું નક્કી કરવાનું મોકૂફ રાખ્યું. એ રૂપિયા સવિતા માટે ઘણા જ હતા. પણ હાલ એને એની જરૂર ન હતી. એણે ઇમરજન્સી માટે થોડા રૂપિયા કાઢી લીધા. બાકીનું બધું હતું એમ ગોઠવી. માટી પાછી નાખી. છાણથી ચૂલો લીંપી દીધો. ઉપર થોડી રખ્યા નાખી થોડા નાના લાકડા મૂકી દીધા. કાઢેલા રૂપિયા યોગ્ય જગ્યાએ સંતાડી દીધા. ફરી એક વાર બારીની તિરાડ માંથી બહાર નજર કરી. બધું બરાબર હતું. એ બાળકોની સાથે જઇ સુઈ ગઈ..

*****************************

સોનલના ચહેરા પણ કોઈ અજબ ઉદાસી હતી. કોઈ વ્યથા હતી. કુદરતની રચના પણ અજબ છે. જેને સમસ્યા છે એ તો ઉદાસ હોય છે પણ જેને સમસ્યા નથી હોતી એ પણ ઉદાસ હોય છે. એવી એક સંવેદના માણસમાં ઈશ્વરે મૂકી છે, પ્રેમ મુક્યો છે. જે પોતાના પ્રિય પાત્રને દુઃખી જોવા તૈયાર નથી હોતો.
અને એવું જ કંઈક સોનલ સાથે બની રહ્યું હતું. સોનલને કોઈ સમસ્યા ન હતી. પણ નંદિની અને આશુતોષની સમસ્યા એને સતાવતી. એ ઇચ્છતી હતી કે એનો કંઈક રસ્તો નીકળે. પણ રસ્તો નીકળવાની જગ્યાએ નંદિનીના જીવનમાં બીજું તોફાન આવીને ઉભું થઈ ગયું.
સોનલનું સાસરું ખૂબ જ સુખી હતું. નિરવને સોનલ પર અપાર હેત હતું. સોનલને ઘણીવાર થતું કે એ આશુતોષના તૂટેલા ખોરડાને નવું બનાવી આપે અને એને આખા જગત સામે પૂછે કે ' બોલ હવે તારે શું જોઈએ છે નંદિની ને અપનાવવા? તું કહે એ બધું આપું. પણ મારી બહેનને સ્વીકાર. '
પણ માનવીને કુદરતે લાચારી પણ એટલી જ આપી છે. સોનલ એની ઈચ્છા છતાં કશું કરી શકતી ન હતી. એને ખબર હતી કે આશુતોષ એની વાત નહિ સ્વીકારે.
શહેરના પોશ એરિયાના મેઈન રોડ પરના વિશાળ બંગલાના વિશાળ બેડરૂમમાં સોનલ વિચારે ચઢી હતી. રાતનો એક વાગ્યો હતો. સોનલ ઉઠી, વોશ રુમ ગઈ. મ્હો ધોઈ એ વોશરૂમમાં મુકેલ આદમકદના વિશાળ અરીસા સામે ઉભી રહી. આંખોના ખૂણા લાલ થઈ ગયા હતા. એ બહાર આવી. નિરવ સૂતો હતો. ફ્રીજ ખોલી એણે પાણી પીધું અને એક કોલ્ડડ્રીન્કની બોટલ લઈ રોડ પરની વિશાળ અગાસીમાં મુકેલા હીંચકા પર જઈને બેઠી.
એના મનમાં વિચારોનું વંટોળ ઉઠતું હતું. પણ કંઈ સુજતું ન હતું. એને એ પણ ધ્યાન ન રહ્યું કે એ કેટલો સમય ત્યાં બેઠી. એક જાણીતો અવાજ એના કાનમાં પ્રવેશ્યો....
' મારી સોનુને એવી શું તકલીફ પડી કે આમ બહાર આવી બેસવું પડ્યું ? '
સોનલે આંખ ખોલી. ગેલેરીની લાઈટ એની આંખને આંજતી હતી. નિરવ જોઈ રહ્યો. સોનલની લાલ આંખોમાં આંસુ તગતગતા હતા. નિરવ સોનલનો કોમળ હાથ પોતાના હાથમાં લઇ સોનલની બાજુમાં બેઠો. સોનલે એનું માથું નિરવના ખભા પર ઢાળી દીધું. એકબીજાને સમર્પિત યુગલ... નિરવે થોડે વાર પછી અનુભવ્યું. એના નાઈટડ્રેસમાં થઇ એની સોનુના આંસુ એને ભિંજવી રહ્યા હતા.
' ના, સોનુ.. ના. હું છું ને.. રડવા નું નહિ. '
આશ્વાસનના આ શબ્દો આંસુને રોકવાની જગ્યાએ, આંખોની પાંપણે બાંધેલા બંધને તૂટતો અટકાવવાની જગ્યા એ પૂરો તોડી બહાર ધસી આવ્યા. અને એ બંધ તૂટતા સોનલના આંસુ ધ્રુસકા સાથે નિરવને ભિંજવી રહ્યા. નિરવ સોનલને આશ્વસ્ત કરતો બેસી રહ્યો. સોનલ એની જીદંગી હતી, એનો શ્વાસ હતી, એના હદયનો ધબકાર હતી. એ સોનલ માટે બધું જ કરવા તૈયાર હતો. એણે સોનલને સોંગન્ધ આપ્યા. અને પોતાની બહેન તણી સખીના તૂટેલા જીવનને આંખોમાં લઇ એ આશુતોષની માફી માંગતી નિરવ આગળ પીગળતી રહી....
**************************

સવારે આશુતોષ નોકરી જવા નીકળ્યો. રેલવે સ્ટેશને એ ઉભો હતો. બીજા ઘણા લોકો સ્ટેશન પર ઉભા હતા. ગાડી હજુ આવી ન હતી. આશુતોષના મોબાઈલમાં રીંગ વાગી.... અનનોન નમ્બર...
' હેલો... '
' હેલો આશુતોષ... નિરવ સ્પીકિંગ.. '

(ક્રમશ:)

01 જુલાઈ 2020