સમય બદલાયો છે તેમ બાપના નામના પર્યાય પણ બદલાયા છે.મારા વિસ્તારમાં (રાધનપુર)બાજુ પપ્પાને "કાકા " કહી હજુ પણ તેમનાં સંતાન બુમ પાડી બોલાવે છે.અને મમ્મીને "બઈ "કહી બોલાવે છે.પાટણ આજુબાજુ પપ્પા ને ભાઈ પણ કહે છે.ક્યાંક બાપા,બાપુ,નામથી બોલાવે છે.લગભગ જે ભણેલો વર્ગ છે તે પોતાના પપ્પાને પપ્પા,પાપા,પા કહી ને બોલાવે છે.જયારે પોતાની જનેતાને લગભગ બધાં "મમ્મી " કે મોમ નામથી બોલાવે છે.ક્યાંક માઈ,માઁ કે અલગ અલગ પ્રાંતની ભાષા મુજબ ઉચ્ચાર કરે છે.સમગ્ર દેશ ના પપ્પા અને મમ્મી નામનો સૌથી વધુ નામોલ્લેખ થાય છે.
પપ્પાની વાત આવે ત્યારે ઘણા લેખકોએ જેટલું લખવું કે લખાવું જોઈએ તે બાબતે આ પાત્ર માટે ખુબ અન્યાય થયો છે.અહીં મમ્મી સાથે સરખામણીની વાત નથી.પરંતુ પપ્પા નું કામ જલ્દી નજર નથી આવતું.આખો દિવસ મમ્મી ઘરમાં હોય તો તે સંતાન ને જલ્દી નજરમાં આવે છે.કેમકે જોનાર વ્યક્તિ તો નજરની સામે બનતી ઘટનાનું માનસપટ પર લઇ મૂલ્યાંકન કે અવલોકન કરતો હોય છે."વહેલી સવારે ધંધે જતો પિતા જયારે ઘરની બહાર જતો હોય છે ત્યારે તેનાં સંતાન સવારની મીઠી ઊંઘ માણતા હોય છે.ને મોઢું જોઈ માથે હાથ ફેરવી જતો હોય તેમ સાંજે તે નોકરી કે ધંધેથી થાક્યો પાછૉ આવે ત્યારે તેનાં બાળકો ઊંઘી ગયાં હોય છે." કેમકે ધંધો કે નોકરી માટે દૂર દૂર વહી્કલ લઇ ભટકવું પડતું હોય છે.કેમકે તે વધુ મહેનત કરશે તો બાળક ને વધુ સવલત મળશે તેવું સતત રટતો હોય છે.ટિફિનમાં સવારનું રાંધેલું તે બપોર ના ખાય છે,મતલબ કે રાંધ્યા પછીના છ કે સાત કલાકે તે જમે ત્યારે તે ભોજનનો સ્વાદ ઓછો હોય છે.અને પોતાનું બાળક ગરમ ગરમ જમતો હોય.મમ્મી ક્યારેક ભાવતું ના બનાવે ત્યારે મમ્મીનો રીતસર ઉધડો લેતાં સંતાન મેં જોયાં છે.બાપ ટિફિન ગરમ લઇ જાય પરંતુ ટાઢું ખાય... તેમાં પણ તેને તેની પત્નીનું રાંધેલું ખાવાનો અનેરો આનંદ આવે કેમકે પપ્પાને ગમતું રાંધેલું, સખત મહેનત ના લીધે ભૂખ બરાબર ઉઘડી હોય ત્યારે ભોજન મીઠું લાગે રુચિ જાગે.પોતે પહેરવા ફાટેલા કપડાંને થીગડુ દઈ ચલવી લેશે પરંતુ આજના સંતાન ફાટેલા કપડાંને ફેંકી નીત નવાં કપડામાં ભણવા જશે.પપ્પા કોઈ એસ.ટી. બસમાં કે પ્રાઇવેટ વાહનમાં અથવા સેકન્ડ હેન્ડ સાઇકલ લઇ ધંધે જશે... અપવાદ રૂપ કોઈ કાર લઇ ને જશે. પરંતુ બધા પપ્પાના નસીબમાં આ સવલત નથી હોતી.જતાં વળતા તે કામ ધંધે થી પાછા આવે ત્યારે ઘણાં બાળકો પપ્પા ને પૂછતાં પણ નથી કે પપ્પા તમારા પગ દુઃખે છે તો લાવ દાબી આપું.. તે સંતાન માટે કાળી મજૂરી કરી મોંઘો મોબાઈલ લાવી આપશે પરંતુ પોતાની પાસે પોતે સેકન્ડ હેન્ડ મોબાઈલ વાપરતો હશે.પપ્પા કે મમ્મી નો જનમ દિવસ પણ ઘણાં ને યાદ નહિ હોય. જયારે દોસ્તો ના છાસવારે આવતા જનમ દિવસ ને રંગીન બનાવવા તે મોંઘી હોટેલમાં પાર્ટી રાખશે સાથે નાચ ગાન અને નસીલા પદાર્થોનો પણ ઉપયોગ થતો હોય ત્યારે પપ્પાને દુઃખ થાય કે મારો દીકરો કે દીકરી પાર્ટીની મજા લઇ ને આવ્યો છે તો કંઈ નથી બોલવું કહી એવું વિચારે કે "મેં આવા શોખ નથી કર્યાં જેનો અફસોસ મારા સંતાન ને ના થવો જોઈએ" તેમ સમજુ સંતાનને કંઈ કહેતો નથી."બાપ જેને છે,તેને જગતની ચિંતા નથી. "કેમકે બાપ બધીજ સમસ્યાનું સમાધાન છે.જેમણે બાપ ગુમાવ્યો છે,તેમને પણ કોક દિવસ પૂછજો કે બાપની શું કિંમત છે? તે જન્મ થી ભણતર, ગણતર,ચણતર(મકાન)અને પરણેતર આ બધું પૂરું બાપ પાડતો હોય છે. બાપ કે માં વૃદ્ધ થાય ત્યારે ઘણાં સંતાનને કચરો લાગે છે ત્યારે એ સંતાન ઉપર ખુબ ગુસ્સો આવે છે. હા મેં ઘણાં સંતાન પણ જોયાં છે કે પપ્પા કામ ધંધે થી જયાં સુધી ઘેર ના આવે ત્યાં સુધી જમતાં પણ નથી.પપ્પા ને પણ ક્યારેક તમારી પાર્ટીમાં લઇ જાઓ,પપ્પાને ક્યારેક તમેં જે હોટલમાં જાઓ છો ત્યાં પણ લઇ જાઓ... શક્ય છે કે તે નહીં જ આવે... પણ તેમને પ્રેમ થી કહો તો ખરા કે પપ્પા આજ તો મારી સાથે તમારે આવવું જ પડશે. "પપ્પા તમારી બધી જ જીદ પુરી કરે છે "કપડાં,ઘરેણાં,બાઈક કે કાર સુધીની તમને ભેટ આપે છે.અને એ જ બાપ ને એ કાર માં કોઈ દિ' પ્રવાસ પણ ના લઇ જાય ત્યારે તેવાં સંતાન ને શું કહેવું? "પપ્પા નું સન્માન કરો.જયાં આ થતું હશે તે ઘર સુખી હશે અને જયાં નહીં થતું હોય તે ઘર હમેશાં કંકાસ થી તરબતર હશે." માટે પપ્પાનું સન્માન કરો.તિરસ્કૃત ના કરો.
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )