ધૂપ-છાઁવ - 38 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂપ-છાઁવ - 38

ઈશાન અને નમીતા બંને શાંતિથી વાતો કરી રહ્યા હતા અને એટલામાં બે આફ્રિકનો ઈશાનની શોપમાં ઘૂસી ગયા અને ઈશાન તેમજ અપેક્ષા કંઈ સમજે તે પહેલાં ઈશાનને એકદમ જોરથી માર મારવા લાગ્યાં...

ઈશાન બિલકુલ બેભાન થઈ ગયો હતો અપેક્ષા તેને ભાનમાં લાવવાની કોશિશ કરી રહી હતી પણ તે ભાનમાં આવે તેવી કોઈ શક્યતા ન હતી. ઈશાનની આ હાલત જોઈને અપેક્ષા ખૂબ ગભરાઈ ગઈ હતી તેણે પહેલાં ઇશાનની મોમને ફોન કર્યો અને પછી પોતાના ભાઈ અક્ષતને ફોન કર્યો અને એમ્બ્યુલન્સ લઈને આવવા કહ્યું.

અક્ષત ફટાફટ એમ્બ્યુલન્સ લઈને ઈશાનની શોપ ઉપર આવી પહોંચ્યો અને તેણે ઈશાનને અને અપેક્ષાને બંનેને એમ્બ્યુલન્સમાં મોકલ્યા અને પોતે પોતાની કાર લઇને હોસ્પિટલ પહોંચી ગયો. ઈશાનને શહેરની સારામાં સારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ત્યાં તેની ફટાફટ ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવામાં આવી.

ડૉક્ટર સાહેબના કહેવા પ્રમાણે ઈશાનને ઘણોબધો માર મારવામાં આવ્યો હતો, તેને અધમૂઓ જ કરી દેવામાં આવ્યો હતો.

ઈશાન હજુ ભાનમાં આવ્યો ન હતો. તેને આઈ સી યુ માં રાખવામાં આવ્યો હતો કારણ કે તેને માથામાં પણ ઈજા થઈ હતી જેથી તે ભાનમાં ન આવે તો તેની ચિંતાજનક સ્થિતિ હતી.
તેનાં મમ્મી-પપ્પા હોસ્પિટલમાં આવી ગયા હતા તેના માથાના ભાગનું એમ આર આઈ પણ કરવામાં આવ્યું હતું જેનો રિપોર્ટ આવવાને હજી વાર હતી.

એમ આર આઈ નો રિપોર્ટ આવે પછી જ ખબર પડે કે માથામાં ગંભીર ઈજા થઈ છે કે નથી થઈ?

અપેક્ષા ખૂબજ ચિંતામાં ડૂબી ગઈ હતી. આવા સુશિક્ષિત દેશમાં પણ આવા કોઈ ગુંડાઓ આવીને આ રીતે હુમલો કરી જાય અને બીજાનું પડાવી લેવાની દાનત રાખવાવાળા આટલી બધી દાદાગીરી ખુલ્લેઆમ કરી જાય તે વાત જ તેની સમજમાં આવતી ન હતી.

અને ઈશાન જેવા પરગજુ માણસની આવી દશા થાય તે બદલ તે ઈશ્વરને ઢંઢોળી રહી હતી. તે સતત ઈશ્વરને પ્રાર્થના કરી રહી હતી કે ઈશાનના બધાજ રિપોર્ટ્સ નોર્મલ આવે અને તેને જલ્દીથી સારું થઈ જાય.

ઈશાનના મમ્મી-પપ્પાના આવ્યા પછી તેમણે અક્ષતને અને અપેક્ષાને ઘરે જવા માટે કહ્યું પરંતુ અપેક્ષાએ અક્ષતને ઘરે જવા માટે કહ્યું અને પોતે ઈશાનના રિપોર્ટ્સ નહીં આવે ત્યાં સુધી અહીંજ રોકાશે તેમ જણાવ્યું.

ઈશાનના મમ્મી-પપ્પાએ અપેક્ષાને ઘરે જવા માટે સમજાવી પણ તેનું દિલ ઈશાનને આવી હાલતમાં છોડીને જવા માટે જરાપણ તૈયાર ન હતું.

બે ચાર કલાક પછી ઈશાનના બધાજ રિપોર્ટ્સ આવી ગયા અને ઈશ્વરે અપેક્ષાની અને ઈશાનના મમ્મી-પપ્પાની પ્રાર્થના સાંભળી લીધી તેથી બધાજ રિપોર્ટ્સ નોર્મલ આવ્યા હતા પરંતુ તેને બંને હાથમાં અને એક પગમાં ફ્રેકચર થયેલું હતું જેનું ઓપરેશન કરવું પડે તેમ હતું અને તે ભાનમાં ન આવે ત્યાં સુધી થોડું ટેન્શન પણ હતું.

આમ ને આમ આખો દિવસ પસાર થઈ ગયો પણ ઈશાન ભાનમાં ન આવ્યો.

અપેક્ષાએ ઈશાનના મમ્મી-પપ્પાને સૂઈ જવા કહ્યું અને પોતે હોસ્પિટલના વેઈટીંગ રૂમમાં આખી રાત જાગતી બેસી રહી.

પરોઢિયે ચારેક વાગ્યે ઈશાન ભાનમાં આવ્યો અને પોતાને અસહ્ય થઈ રહેલા દુખાવાને કારણે બૂમો પાડવા લાગ્યો.

સીસ્ટરે ઈશાનના ભાનમાં આવ્યાના સમાચાર અપેક્ષાને અને તેના મમ્મી-પપ્પાને આપ્યા. અપેક્ષા ઈશાનને મળવા માંગતી હતી પરંતુ ઈશાન આઈ સી યુ માં હતો તેથી તે મળવા જઈ શકી નહીં.

બીજે દિવસે ઈશાનને થયેલા ફ્રેક્ચરનું
ઓપરેશન હતું. સવારે અક્ષત હોસ્પિટલમાં હાજર થઈ ગયો હતો અને ઈશાનની ઉપર આ રીતે જીવલેણ હુમલો કરાવનાર શેમની ઉપર કેસ દાખલ કરવા માટે કહી રહ્યો હતો.

ઈશાનના મમ્મી-પપ્પા શેમની ઉપર કેસ દાખલ કરવાની ચોખ્ખી ના પાડી રહ્યા હતા કારણ કે તે ખૂબજ ખતરનાક ગુંડો હતો અને અક્ષત તેમને સમજાવી રહ્યો હતો કે, આપણે આવા ગુંડાઓને છોડી કેમ દેવાના?

ઈશાનના મમ્મી-પપ્પા શેમની ઉપર કેસ દાખલ કરશે? જાણવા માટે વાંચતા રહો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'

દહેગામ

25/7/2021