પ્રકરણ ૭
એ દિવસે ન તો રાધિકાનો ફોન આવ્યો ન તો રાધિકા આવી. રાવિકાને લઈને તરત ન્યૂયોર્ક પાછા વળવાના ઈરાદાથી ભારત આવેલ જિજ્ઞાસા અને રયાન માટે અહીં રહેવું કે જવુ એ નિર્ણય લેવો ખુબ આકરો થઇ પડ્યો હતો.
અહીં રોકાય તો રાવિકાનો ભૂતકાળ તેની સામે આવી જવાનો ડર હતો અને અહીંથી જાય તો રાધિકાને ન મળી શકવાની ચિંતા હતી.
રયાન પપ્પાના છેલ્લા વાક્યનો મતલબ સમજવાનો પ્રયત્ન કરતી રાવિકા એટલું તો સમજી જ ગઈ હતી કે આ ઘરમાં હાજર એકેય જણ તેના પ્રશ્નનો જવાબ નઈ આપે.
વિચારોમા અટવાયેલી રાવિકાની નજર પરસાળમાં નિરાશ ચેહરે બેઠેલી જિજ્ઞાસા ઉપર પડી.
જિજ્ઞાસાની બાજુમાં બેસીને તેનાં ખભા ઉપર માથું ઢાળીને રાવિકા બોલી, "તમને તમારો ભૂતકાળ સાંભરતો હશે, હું સમજુ છું માસી."
"ભૂતકાળ કોને ન સાંભરે?" જિજ્ઞાસા બોલતા તો બોલી ગઈ પણ તરત તેને પસ્તાવો થયો કે તેના મોઢે આ શબ્દો કેમ આવ્યા.
"ભૂતકાળ....." રાવિકા આટલુંજ બોલી, માત્ર ચાર અક્ષરના આ એક શબ્દનું ખુબજ મહત્વ હતું એ વાત જિજ્ઞાસા અને રાવિકા બન્ને સમજતી હતી.
"તમારું અને માંનું બાળપણ આજ ઘરમાં વીત્યું હશે ને માસી?" રાવિકાએ ફરીવાર એક નજર આ ઘરને જોઈ લીધું.
"ના, તું જ્યારે સોનુંના પેટમાં હતી ત્યારે આ ઘર તેણીએ બનાવ્યું હતું. અદલ એવુજ ઘર જે ઘરમાં અમે મોટાં થયાં હતાં." જિજ્ઞાસા બોલી.
"તો જૂનું ઘર ક્યાં છે? અને જુના ઘર જેવુંજ નવું ઘર કાં બનાવ્યું?" રાવિકા તેને મળેલી અલગ અલગ માહિતીના છેડા જોડવાનો પ્રયત્ન કરી રહી હતી.
"દીદી, વાળું તૈયાર છે." આસ્થાએ રસોડામાંથી બુમ પાડી.
જિજ્ઞાસા ઉભી થઈને જમવા જતી રહી, જમ્યા પછી બેઠકખંડમાં ભેગા થઈને બધાએ મોડા સુધી ગપ્પા માર્યા અને જૂની યાદો વાગોળી. આ વાતચીત દરમ્યાન રાવિકાને તેના સવાલોના જવાબ આપનાર વ્યક્તિ મળી ગયું હતું, ને તેથીજ રાવિકાનો ચેહરો ખીલી ઉઠ્યો હતો.
બીજા દિવસની સવાર એ ભયકંર મુસીબતોને સાથે લાવી હતી જેનાથી રાવિકાને બચાવવા જિજ્ઞાસા ૨૧ વર્ષ પહેલા તેની માતૃભૂમિથી દૂર થઇ ગઈ હતી.
"રાવિ ક્યાં છે?" રાવિને ઘડીક ન જુએ તો જિજ્ઞાસા ગભરાઈ જતી હતી.
"રાવિ એરપોર્ટ ગઈ છે, ચાંદનીને લેવા." નિવાસએ જવાબ આપ્યો.
"ચાંદની આવે છે!" જિજ્ઞાસાએ ખુશ થઈને કહ્યું, પણ પળવારમાં તેની ખુશી ઉડી ગઈ અને તેંના અવાજમાં ચિંતા ભળી, "ચાંદની આવે છે?"
"ચાંદની કેમ આવી રહી છે અઈ? એ સાવ ડોબી છે હજુયે, આવતા પેલા ફોન ન કરાય." જીવન તેનું માથું પકડીને બેસી ગયો.
"ચાંદનીબેન ક્યારેય આમ અચાનક નથી આવ્યાં તો આજે કેમ?" આસ્થાએ પૂછ્યું.
"હવે આ બધું વિચારવાનો કોઈ મતલબ નથી, હાલ તો બસ ભગવાનને પ્રાર્થના કરો કે ચાંદની રાવિ આગળ બધું બોલી ન દે." રયાનએ તેનું કપાળ કુટ્યું.
"બધું બોલી ન દીધું હોય એમ કહો જીજુ." જીવન બોલ્યો.
"રસ્તામાં કઈ થાય નહીં તો બસ, ચાંદનીબેન ઘરે આવશે પછી તો આપણે એમને સમજાવી દઈશું." આસ્થાએ જમણા હાથની પહેલી અને બીજી આંગળીઓ ક્રોસ કરી.
"હું ચાંદનીને ફોન કરું છું." રયાનએ ચાંદનીનો નંબર ડાયલ કર્યો.
"તેં રાત્રે ફોન કર્યો ત્યારે મને પહેલા તો આઘાત લાગ્યો પણ તેં મળવા આવવાનું કીધું, પછી તો હું ખુશ થઇ ગઈ." ચાંદનીએ રાવિકાના માથા પર હાથ ફેરવ્યો.
"હેં માસી, તમે તો માં વિશે બધુંજ જાણતા હશો. લગ્ન પહેલાં તમે જે ઘરમાં જોડે રહેતાં એ દિવસો વિશે જણાવો ને." રાવિકા ધીરે ધીરે ચાંદનીને તેની વાતોમાં લપેટવા લાગી હતી.
"એ ઘરમાં હું, માંબાપુ, જયશ્રી ફઈ, જીજ્ઞાબેન, સોનુબેન, મીરાબેન, જીવનભાઈ અને જીગરભાઈ બધા સાથે રહેતાં....." ચાંદનીએ જુની યાદો વાગોળી.
"જીગરમામા ક્યાં છે? એમના વિશે ક્યારેય માસીએ કેમ વાત નઈ કરી?" રાવિકાએ જીગરનું નામ આજે પહેલીવાર સાંભળ્યું હતું.
"જીગરભાઈ...... હવે આ દુનિયામાં નથી." ચાંદનીને જીગરએ કરેલો ગુનો અને તેના કારણે બધાએ ભોગવેલી તકલીફ યાદ આવી ગઈ.
"એ જૂનું ઘર ક્યાં છે? જિજ્ઞા માસી કેમ એકેયવાર એ ઘરે નઈ ગયાં, આટલા વર્ષે અહીં આવ્યાં છે તો એમને જવું જોઈએ ને ત્યાં?" રાવિકાએ મુખ્ય પ્રશ્ન પૂછીજ લીધો.
"એ ઘર તો વર્ષોથી બંધ પડ્યું છે, ત્યાં જવા જેવું નથી એટલે ત્યાં કોઈ નથી જતું." ચાંદનીના ચેહરા પર ડર છવાઈ ગયો હતો. અને એજ સમયે તેનો ફોન વાગ્યો.
"રયાન જીજુ..." ચાંદની ફોન ઉપાડવા જતી હતી ત્યાં જ રાવિકાએ ફોન છીનવી લીધો, "હેલ્લો, હું માસીને લઈને ઘરેજ આવું છું."
"અરે પણ ફોન કાપી કાં નાખ્યો, મને વાત તો કરવા દેવી હતી."
"અરે માસી, હમણાં ઘરેજ તો જવાનું છે એમાં વાત શું કરવી. તમે મને ઘર વિશે જણાવતા હતા ને. એ ઘર ક્યાં છે?"
"બોપલ......" ચાંદની આગળ કઈ બોલે એના પહેલાં તેના ફોનની રિંગ ફરીથી વાગી, તેણીએ ફોન ઉપાડ્યો, "હેલ્લો."
થોડીક મિનિટમાં ફોન કપાઈ ગયો.
"બોપલમાં ક્યાં?" રાવિકા હવે અધિરી થઇ હતી.
"અરે ઘર આવી ગયું, બાકીની વાતો ઘરમાં જઈને કરીયે." ગાડી ઉભી રહી ગઈ અને ચાંદની નીચે ઉતરી.
ચાંદનીએ રાવિકાને કઈ નથી જણાવ્યું એ જાણીને બધાંએ રાહતનો શ્વાસ લીધો, પછી તો આખો દિવસ હસીમજાકમાં જ નીકળી ગયો.
"મને લાગે છે કે કાલે આપણે ન્યૂ યોર્ક માટે નીકળી જવુ જોઈએ." રાત્રે જમતી વખતે જિજ્ઞાસાએ કહ્યું.
રાવિકાને હતું કે મામા મામી અમને જિજ્ઞા માસીને રોકી લેશે પણ બન્નેએ જિજ્ઞાસાનું સમર્થન કર્યું.
"આપણે પરમ દિવસે જઇયે? મારે મીરા માસીને મળવું છે અને અમદાવાદ જોવું છે, કાલે તો રવિવાર છે તો હું, નિવાસ અને નિગમ અમદાવાદ ફરશું. રાત્રે મુંબઈ જતાં રહીશું મીરા માસીને ત્યાં અને પરમ દિવસે ન્યૂ યોર્ક જતાં રઈશુ." રાવિકા કોઈ પણ ભોગે કાલનો દિવસ અમદાવાદમાં રોકાવા માંગતી હતી.
"હા દીદી, આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જઈશું અને હું તમને મારા દોસ્તોને પણ મળાવીશ." નિવાસ ઉત્સાહમાં આવી ગયો હતો.
જિજ્ઞાસા કઈક બોલવા જતી હતી પણ રયાનએ તેનો હાથ પકડીને તેને ચૂપ રહેવા ઈશારો કર્યો અને બોલ્યો, "ભલે બેટા, તું કે એમજ કરશું."
"શું કરે છે તું જિજ્ઞા, આપણે રાવિને અહીંથી લઇ જવાની છે પણ જબરદસ્તી નથી લઇ જવાની." રયાનએ જિજ્ઞાસાને ગાર્ડનમાં એકલી લઇ આવ્યો હતો.
"પણ રયાન, મારા મનમાં ખટકો છે. એમ થાય છે કે આજેજ ભારત છોડીને જતી રહું, ગભરામણ થઇ રહી છે." જિજ્ઞાસાના મનમાં વિચિત્ર વિચારો આવી રહ્યા હતા.
"બસ કાલનો દિવસ જ છે, પછી આપણે રાવિને ન્યૂ યોર્કમાં જ પરણાવી દઈશું. એને કદીયે ભારત નઈ આવવા દઈએ." રયાનએ જિજ્ઞાસાને છાતીસરસી ચાંપી.
"હું ભારત છોડીને ત્યારે જઈશ જ્યારે હું એ બધું જાણી લઈશ જે મને ખબર હોવી જોઈએ. સોરી માસી, સોરી પપ્પા પણ તમે જે વિચારો છો એવુ નઈ થાય." રાવિકાએ રયાન અને જિજ્ઞાસા પર એક છેલ્લી નજર નાખી અને તેનાં ઓરડા તરફ જતી રહી. પણ આ રાવિકા, જિજ્ઞાસા અને રયાનએ લીધેલો સૌથી ખોટો નિર્ણય હતો, તેમણે આજેજ ભારત છોડીને જતા રહેવાની જરૂર હતી.
સાવ મુસીબતના દરવાજે આવીને ઉભી રહેલી રાવિકાને અંદાજ પણ ન્હોતો કે તેં પેલા ગુરુજીની ગુફાથી નીકળી ત્યારથી જ તેના ઉપર નજર રાખવામાં આવી રહી છે, અને હાલ પણ બે આંખો રાવિકાને તેના ઓરડામાં જતાં જોઈ રહી હતી.
એ આંખોમાં આગ હતી, ઘણું બધું બળી નાખવાની ભયકંર આગ.
ક્રમશ: