લોસ્ટ - 8 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોસ્ટ - 8

પ્રકરણ ૮

"તમે શું બોલી રહ્યાં છો દીદી, મમ્મી અમને મારી નાખશે." નિવાસ અને નિગમ એકીસાથે બોલી ઉઠ્યા.
"તમે બન્ને મારી હેલ્પ કરશો કે મિશન ઓલ્ડ હાઉસમાં?" રાવિકાએ બન્ને સામે વારાફરતી જોયું.
"પણ દીદી, બાળપણથી અમને સખત મનાઈ કરવામાં આવી છે આપણા જુના ઘરે જવાની." નિવાસ બોલ્યો.
"ઠીક છે, હું એકલી જતી રઈશ. હું તમને હજુ કાલેજ મળી છું તો તમે મારી મદદ સુકામ કરશો." રાવિકા નકલી આંસુ વહાવીને તેના ઓરડામાં જતી રહી, તેં જાણતી હતી કે તેનો ઈમોશનલ અત્યાચાર કામ લાગશે જ.

બીજા દિવસે સવારે નિવાસ અને નિગમ રાવિકા પાસે આવ્યા અને અંગુઠો ઉપર કરીને કહ્યું કે બન્ને રાવિકાની હેલ્પ કરશે.
નાસ્તો કર્યા પછી જીવનની ગાડી લઈને ત્રણેય જાણ અમદાવાદ ફરવા નીકળી પડ્યાં, જોકે અમદાવાદ ફરવા જઇયે છીએ એવુ તો ઘરે કીધું પણ હકીકતમાં તો ત્રણેય મિશન ઓલ્ડ હાઉસ પૂરું કરવા ગયાં હતાં.

"શું લાગે છે? ફઈનું નામ લેવાથી એ ઘરનું સરનામું મળી જશે?" નિવાસએ બોપલ એરિયામાં ગાડી લીધી.
"અરે, માસી ઘણીવાર કે' છે મને કે મમ્માનું માન ને' મોભો હતો અહીં. ખાલી મમ્માના નામથીજ કામ થઇ જતાં." રાવિકાએ તેની સ્વર્ગસ્થ માં પર ગર્વ થયો.
"પપ્પા પણ કે' છે ઘણીવાર કે આધ્વી ફઈ બઉ સરસ હતા અને એમની જે ઈજ્જત હતી અમદાવાદમાં બોસ, ફઈના એકવાર બોલ્યા પછી કોઈ સામો પ્રશ્ન પણ ના પૂછી શકતું." નિગમએ ખુશ થઈને કહ્યું.

"હા, પણ.... એ વાતને ૨૧ વર્ષ વીતી ગયાં છે. એ વખતે અહીં રહેતાં હશે એવા લોકો અમુક જ હશે હજુયે, અને એવા લોકોને શોધશું ક્યાં?" રાવિકાએ નિશ્વાસ નાખ્યો.
"આ વિસ્તારમાં જે બઉજ જૂની દુકાનો હોય એમને પૂછીએ, એમને ખબર જ હશે." નિવાસ એકદમ ઉત્સાહમાં આવી ગયો.

છ-સાત દુકાનોમાં પૂછ્યા પછી એક લારીવાળા વૃદ્ધ દાદા પાસેથી તેમને જુના રાઠોડ હાઉસ વિશે જાણવા મળ્યું. તેઓ છેલ્લા ત્રીસ વર્ષથી આ લારી ચલાવતા હતા, ઘણા વર્ષો વીતી ગયાં હોવાથી ચોક્કસ સરનામું તેમને યાદ ન્હોતું પણ સંભવિત સરનામું આજ હોઈ શકે એવુ તેં દાદા વિશ્વાસથી બોલ્યા હતા.

"બસ દીદી, આ ખૂણેથી ડાબી બાજુ વળીએ એટલે આપણી મંજિલ આવી જશે." નિવાસએ ડાબી બાજુ ટર્ન લઈને એક બંગલા આગળ ગાડી ઉભી રાખી.
"ઓએમજી, આપણા ઘર જેવુંજ ઘર. ટ્વિન હાઉસ." નિવાસ આ બંગલાને જોતો જ રહી ગયો.
"સાચી વાત કરી ભાઈ, એકદમ આપણુંજ ઘર જાણે. આજુબાજુમાં હોત તો ભૂલા પડી જાત." નિગમ ખડખડાટ હસી પડ્યો.
"વેરી ફની..." નિવાસએ નિગમના માથા પર ટપલી મારી.

રાવિકા ગાડીમાંથી ઉતરીને બંગલાના દરવાજા પાસે આવીને ઉભી રહી, અને તેના સપના જેવોજ અવાજ અંદરથી આવ્યો,"અંદર આવ રાવિ, જલ્દી આવ બેટા."
એ અવાજ સાંભળતાજ રાવિ ચાવી દીધેલ રમકડાની જેમ આગળ વધી, આ બંગલાનો ખખડધજ દરવાજો આપોઆપ ખુલી ગયો.
રાવિ પહેલું ડગલું ઘરમાં મુકવાની જ હતી ને' નિવાસએ દોડતાં આવીને તેને પાછળથી ખેંચી.

"હું ક્યારનો તમને બોલવું છું દીદી, તમે કેમ સાંભળતા નથી." નિવાસએ પણ જોયું કે દરવાજો જાતે જ ખુલી ગયો હતો.
"આ જગ્યા ઠીક નથી, ચાલો અહીંથી." નિગમ અને નિવાસ રાવિકાને ખેંચીને ગાડી સુધી લઇ આવ્યા. બંગલાની હદથી બહાર નીકળતાજ રાવિકા જાણે ઊંઘમાંથી ઉઠી હોય એમ આજુબાજુ જોવા લાગી, "શું થયું? તમે બન્ને આટલા પરેશાન કેમ છો?"

"નિગમ ગાડી ચાલુ કર." નિવાસએ રાવિને પકડી રાખી હતી.
"દીદી, તમે અંદર જતાં હતાં અને દરવાજો એની જાતેજ ખુલી ગયો'તો." નિગમએ ગાડીને રિવર્સ કરી અને ઘર તરફ ભગાવી.
"તમે કોઈ અવાજ સાંભળ્યો હતો? મતલબ કોઈ સ્ત્રી બોલાવતી હોય એવો?" રાવિકાએ પાછળ ફરીને બંગલા સામે જોયું.
નિવાસ અને નિગમએ નકારમાં માથું હલાવ્યું, ત્રણેય ઘરે આવીને તરત તેમના ઓરડામાં ઘુસી ગયાં.

સાંજે નીકળવાનું હતું એટલે જિજ્ઞાસા અને રયાનએ હાલ કાંઈજ વાતચીત કરવાનું ટાળ્યું હતું, બપોરે જમ્યા પછી જિજ્ઞાસાએ મીરાને ફોન કર્યો.
"હેલ્લો દીદી, કેમ છો." મીરાએ ફોન ઉપાડતાજ પૂછ્યું.
"અમે રાત્રે મુંબઈ આવીએ છીએ તારા ઘરે." જિજ્ઞાસાએ કહ્યું.
"અચાનક જ એટલા વર્ષે? કોણ કોણ આવો છો?" મીરાના અવાજમાંથી ઉત્સાહ ઓસરી ગયો હતો.

"જાણું છું કે તને નઈ ગમે અમે ભારત આવીએ એ, પણ અમે બે દિવસથી અમદાવાદમાં જ છીએ. રાવિ પણ અમારી સાથે છે અને એ ન્યૂ યોર્ક પછી જતા પહેલાં તને મળવા માંગે છે." જિજ્ઞાસા સમજતી હતી કે કેમ મીરા તેમના આવવાથી ખુશ નથી.
"રાવિ અહીં? આ સમયે? પણ કેમ?" મીરાથી લગભગ રાડ પડાઈ ગઈ.

જિજ્ઞાસાએ રાવિનું ભારત આવવાનું કારણ જણાવ્યું.
"બઉજ ખોટા સમયએ રાવિ ભારત આવી છે દીદી, તમે જે પહેલી ફ્લાઇટ મળે એ લઈને ન્યૂ યોર્ક જતા રહો." મીરાના અવાજમાં ડર ભળ્યો હતો.
"એટલે? હું કઈ સમજી નઈ." જિજ્ઞાસાને મીરાની વાત ન સમજાઈ.
"બે દિવસ પછી રાવિનો જન્મદિવસ છે, તેને પચીસમું વર્ષ બેસે છે." મીરાએ ઘટસ્ફોટ કર્યો.

જિજ્ઞાસાના હાથમાંથી ફોન છૂટી ગયો, તેની બાજુમાં બેસેલો રયાન જિજ્ઞાસાને આ હાલતમાં જોઈને ગભરાઈ ગયો હતો.
"જિજ્ઞા...." રયાનએ જિજ્ઞાસાને પલંગ પર બેસાડી અને તેણીનો ચેહરો બન્ને હાથથી પકડીને પોતાની તરફ ફેરવ્યો.
"રાવિનો જન્મદિવસ...." જિજ્ઞાસા માંડ આટલુંજ બોલી શકી.

"હા, એ તો બે દિવસ પછી..... હેં ભગવાન." રયાનએ તેનું કપાળ કુટ્યું.
"બધું ખતમ થઇ ગયું રયાન, બધું ખતમ થઇ ગયું." જીજ્ઞાસા ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી.
"આ એક દિવસના ડરથી જ આપણે ૨૧ વર્ષ પહેલાં ભારત છોડીને ન્યૂ યોર્ક રહેવા ગયાં હતાં, પણ કિસ્મત તો જો." રયાનને રડવાનું મન થઇ રહ્યું હતું પણ જિજ્ઞાસાની હાજરીમાં તેં રડી ન્હોતો શકતો.

"જિજ્ઞા દીદી....." પાણીનો જગ ટેબલ પર મૂકીને આસ્થા જિજ્ઞા પાસે દોડી આવી.
"આસ્થા, રાવિકાને જઈને કે' કે તેનો સામાન પેક કરી લે. અમે હાલજ મુંબઈ નીકળીએ છીએ અને ત્યાંથી સીધા ન્યૂ યોર્ક જઈશુ." જિજ્ઞાસા ઉભી થઈને તેનું બેગ પેક કરવા માંડી.
"પણ તમે રડો છો કેમ? શું થયું છે?" આસ્થા રયાન અને જીજ્ઞાસાને ઉતાવળમાં બેગ પેક કરતાં જોઈને ચિંતામાં પડી ગઈ હતી.

"બે દિવસ પછી રાવિનો જન્મદિવસ છે, તેને પચીસમું વર્ષ બેસે છે." જિજ્ઞાસાએ બેગ પેક કરતાં કીધું.
"ઠીક છે, હું... હું રાવિનું બેગ પેક કરી દઉં છું. પણ તમે એકદમ શાંત થઈને બહાર આવજો, મુશ્કેલ છે પણ મેહરબાની કરીને હસતું મોઢું રાખજો." આસ્થાએ તેના ચેહરા પર બને એટલું સ્મિત લાવવાનો પ્રયત્ન કર્યો અને રાવિના ઓરડા તરફ ગઈ.

બે દિવસથી મુંબઈ જવાનો જુગાડ કરવા મથતી રાધિકાને હજુ સુધી સફળતા મળી ન્હોતી, કોઈ નાનું મોટુ કામ મળી જાયને થોડા પૈસા મળી જાય એવી આશાએ રાધિકા બોપલ વિસ્તારમાં આવી હતી.
સવારે રાવિકા જે વૃદ્ધ દાદાને મળી હતી એજ લારીએ રાધિકા આવી અને કામ માંગે એના પહેલાંજ દાદા બોલી ઉઠ્યા, "તને એ ઘર મળ્યું કે નઈ પછી?"

"ઘર? તમે શું બોલો છો દાદા." રાધિકા મુજવાઈ ગઈ.
"અરે તું સવારે આધ્વીકા દીકરીના ઘરનું સરનામું પૂછવા આવી હતીને, એ ઘર મળ્યું?" દાદાએ ફરી પૂછ્યું.
રાધિકા સમજી ગઈ કે આ દાદા રાવિકાની વાત કરે છે, રાવિકાને મળવાની એક આશાએ રાધિકાએ દાદાને પૂછ્યું, "દાદા, એકવાર ફરીથી સરનામું આપશો?"

સરનામું શોધતા શોધતા રાધિકા રાઠોડ હાઉસ આવી પહોંચી, રાઠોડ હાઉસના મેઈન ગેટ સામે આવતાંજ રાધિકાની આંખો પહોળી થઇ ગઈ.
"આ તો એજ ઘર છે જે મારા સપનામાં આવતું હતું." અંદર જવુ કે ના જવુ એ અવઢવમા દરવાજા આગળ ઉભેલી રાધિકાને એવો આભાસ થયો જાણે કે આ ઘર તેને પોતાની તરફ ખેંચી રહ્યું છે.

"અંદર આવ રાધિ, જલ્દી આવ બેટા." એક સ્ત્રીનો અવાજ રાધિકાને બોલાવી રહ્યો હતો.
એ અવાજ સાંભળતાંજ રાધિકાના પગ આપોઆપ હવેલી તરફ આગળ વધ્યા, દરવાજો આપોઆપ ખુલ્યો અને રાધિકાએ ઇમારતમાં પગ મુક્યો.

રાધિકાએ પહેલું ડગલું ઘરમાં મૂક્યું ને' જાણે આ ઘર રડવા લાગ્યું હોય એવો આભાસ થયો તેને, દીવાલોમાંથી વહેતા આંસુ, અને રડવાનો અવાજ સાંભળીને રાધિકાના મોતિયા મરી ગયા.
ત્યાંથી પાછા વળી જવાની તીવ્ર ઈચ્છા છતાંય તેના પગ આગળ વધી રહ્યા હતા, તેં યંત્રવત દીવાનખંડના જમણા ખૂણે આવી અને દીવાલ ઉપર લટકાવેલી વિશાળ તસ્વીર
ઉપર જામેલા ધૂળના થર સાફ કરવા આપોઆપજ તેનો હાથ ઉપડ્યો.

"માં!" રાધિકાના મોઢામાંથી તસવીરમાં રહેલી સ્ત્રીનો ચેહરો જોઈને ઉદ્દગાર સરી પડ્યો અને તેના મોઢામાંથી માં શબ્દ નીકળતાજ આ ઘર ભયાનક રીતે બદલાવા લાગ્યું.
એક સ્ત્રીની ભયાનક ચીસો, દીવાલ ઉપરથી ઉતરતા લોહીના રેલા અને બાળકના રડવાના અવાજથી રાધિકાના કાન ફાટી રહ્યા હતા.

"આ સ્ત્રી કોણ છે? કેમ આ સપનું મને બાળપણથી સતાવે છે? મારી માંને તો મેં ક્યારેય જોઈ પણ નથી છતાંય આ તસ્વીર જોઈને મને કેમ એવુ લાગે છે કે આ મારી માં છે?" રાધિકાએ રાડ પાડી.
તેના સવાલ પછી સ્ત્રીની ચીસો રુદનમાં ફેરવાઈ ગઈ, અને દીવાલ પર ટાંગેલી તસ્વીરમાંથી એક સ્ત્રી બહાર આવી.

આ દ્રશ્ય જોઈને રાધિકાનાં હાંજા ગગડી ગયાં, તેં મુઠીઓ વાળીને ત્યાંથી ભાગી પણ દરવાજાથી બહાર જાય તેના પહેલાંજ દરવાજો બંધ થઇ ગયો, તેં દરવાજે અથડાઈને નીચે પડી અને તેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ, "બચાવો...... કોઈ બચાવો, હું અહીં ફસાઈ ગઈ છું. મને બા'ર કાઢો."

ક્રમશ: