આ વાર્તા અને તેના પાત્રો પૂર્ણ રીતે કાલ્પનીક છે.
પ્રથમ વખત નવલકથા લખવાનો પ્રયત્ન કરી રહી છું. તમારા પ્રતિભાવ જરૂરથી આપશો.
સામાન્ય રીતે, વાર્તા ની શરૂઆતમાં બધા પાત્રોનો પરિચય અપાય છે, પણ હુ અંહી એવું નહી કરું. બધા પાત્રો ધીમે ધીમે તમારી સામે આવતા જશે,તેમ તેમ તેમનો પરિચય પણ આપતી જઇશ, જેથી વાર્તા માં રસ જળવાઇ રહે.
(૧)
થાકીને અને લગભગ હારીને,વેદ ઝરણાની બાજુમાં પથ્થર પર બેસી જાય છે. બધી આશા- અપેક્ષા ધીરે ધીરે તૂટતી જતી હતી.કદાચ એ કિવાને ક્યારેય નહીં શોધી શકે એ વિચારે એ અડગ માનવીની આંખ આંસુથી ચમકી ઊઠી.
અક્ષર એના હાવભાવ પરથી એની મનઃસ્થિતિ સારી રીતે જાણતો હતો,પણ અત્યારે તો એને આશ્વસ્ત કરવા શબ્દો ખૂટી પડ્યા હતા. તેણે બસ પોતાનો હાથ તેના ખભા પર મૂક્યો.આ સમયે તે આનાથી વધારે કંઈ કરી શકતો ન હતો.
થોડે દૂર એ જ ઝરણાં કાંઠે એક ઋષિ પણ પોતાનાં આશ્રમવાસી સાથે બેઠેલાં હતા.તેમના ચહેરા પર જ્ઞાનનું તેજ હતું,તો આંખમાં કરૂણા હતી. તેમની ઉંમર આશરે ૪૫ થી ૫૦ વર્ષ ની હતી. મધ્યમ કદ, ભગવા વસ્ત્રો,ને મુખ પર બાળક જેવું નિર્દોષ સ્મિત.જ્ઞાન અને યોગાભ્યાસ ને કારણે તેમની ઓરા તેજસ્વી બની હતી. કોઈ પણ તેમનાથી પ્રભાવીત થયા વિના ન રહી શકતું.તે હતા સમ્યક્ ઋષિ.દૂરથી પણ તેઓ પેલા બંનેના ચહેરા સારી રીતે વાંચી શકયા હતા, તેને તેમની મદદ કરવી હતી, પણ કઈ રીતે?
અચાનક તેમણે કંઈક વિચાર્યુ,અને તેમના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. તેમણે એક પંક્તિ લલકારી જેનો અર્થ કંઈક આવો થતો હતો.
"માર્ગ ભલે અત્યારે દેખાતો ન હોય,તો અર્થ તેનો એ નથી કે તે છે જ નહીં.
માર્ગ તો છે છે ને અવશ્ય છે, ભલે તે સરળ હોય કે મુશ્કેલ."
પંક્તિ થોડી મોટેથી બોલાઇ હતી,એટલે વેદ અને અક્ષર ની નજર તરત અવાજ તરફ ગઈ. તેઓએ કોઈ સાધુને બીજા સાધુ સાથે વાત કરતા જોયા. પંક્તિ તો સાદી હતી. પરંતુ વેદના મનને સારી એવી અસર કરી ગઈ.હવે એણે ફરીવાર વિચાર કરી જોયો. કદાચ કોઈ કડી ખૂટતી હશે,એમ તેનું મન કહેતું હતું.
વેદ, ચાલ સાંજ નો સમય થઈ ગયો છે.હર કી પૌડી પર ગંગા મૈયા ની આરતી શરૂ થવામાં જ હશે.માં ની આરતી પછી આગળ શું કરવું તે વિચારશું.
ઓકે, અક્ષર ચાલ. વેદનાં ચેહરા પર નિષ્ફળતા સ્પષ્ટ દેખાતી હતી.
રાત્રી થઈ ચૂકી હતી, પણ માણસોની અવરજવર ઓછી નહોતી થઈ. આરતીની તૈયારી શરૂ થઈ ચૂકી હતી. નાના- નાના દીવડાં લઈને લોકો ઘાટ પર એકઠાં થવા લાગ્યા. પણ તેને જાણે કોઈ ફરક નહોતો પડતો. એટલામાં એક નાનો છોકરો ત્યાં આવ્યો.
"મેડમ,આપ ભી દીયા લે લો ના, મૈયા કી આરતી બસ શુરૂ હોને વાલી હે."
ગાર્ગી એ ચૂપચાપ પૈસા કાઢીને દીવો લઈ લીધો.તે છોકરો પણ ખુશ થઇ ઊછળકૂદ કરતો ચાલ્યો ગયો. જડ ની જેમ તે ઘાટ પાસે પહોંચી ને આરતી વખતે તેણે પણ બધાની સાથે દીવો વહાવી દીધો.
આરતીનું દૃશ્ય ખરેખર અદ્ભુત હતું. હજારો દીવડાઓ એકસાથે પાણીમાં વહી રહ્યાં હતાં. ગંગા માતાનું પાણી તો જાણે ટમટમતા તારા જ જોઈ લો.
આ દશ્ય ગાર્ગીના સુન્ન મન ને પણ ડોલાવી ગયું.ઘડી પહેલા તેણે આ જ કિનારે બેસી આંસુડાં સાર્યા હતાં.અને હવે તેને ધીમે ધીમે ત્યાં શાંતી મળવા લાગી હતી. શંકા - અમંગળ કલ્પના દૂર થવા લાગી હતી.રાત્રીની શાંતિ, પાણીનો નાદ, તેના પરથી વહેતો ઠંડો પવન તેને વિચારશુન્યની અવસ્થામાં લાવી રહ્યા હતા. દીવડાઓ સાથે જાણે તેનામાં હિમ્મત અને શ્રઘ્ધા ઉદ્દભવી રહ્યાં હતા. કેટલાંય દિવસો તેણે ભય ઉચાટમાં વિતાવ્યા બાદ આજે આ આરતીના મનોરમ્ય અને પવિત્ર દ્રશ્ય ને કારણે હોય કે વાતાવરણની ઊર્જા ને કારણે હોય,તેને શાંતિ મળી રહી હતી.
અહીં ગાર્ગી બેધ્યાન હતી,પણ કોઈ તેને નીરખી રહ્યું હતું.