ઈરાનીના કાનમાં હજી હનીના શબ્દો ગુંજતા હતા "આપણે જલ્દીથી રાજસ્થાન પહોંચવાનું છે. અને બીજી વાત નાઝ રાજસ્થાનમાં છે. " એના હાથમાંથી ફોન પડતા પડતા રહી ગયો. નાઝ રાજસ્થાનમાં છે. નાઝ ઇરાનીની ભત્રીજી હતી. એના મોટાભાઈની દીકરી. તો હનીની એ ભાણેજ હતી હનીની બહેન ઈરાનીના ભાઈને પત્ની હતી. અને લગભગ એકાદ વર્ષ પહેલા જ નાઝના માતાપિતાનું એક અકસ્માતમાં મરણ થયું હતું. નાઝ પણ પોતાના કાકા-મામાની જેવી જ વિચારધારા માં માનતી હતી, ભારત વિરોધી વિચારધારા. કેમ કે એનો ઉછેર જ એવો થયો હતો. પોતાના કુટુંબના સાથ સહકારથી એણે ભારત વિરોધી કાવતરામાં ભાગ લેવાની તાલીમ લીધી હતી અને અત્યારે એ ભારતમાં ખોટી ઓળખથી ઘૂસી હતી રાજસ્થાનમાં પહોંચી હતી એને એક મિશન આપવામાં આવ્યું હતું. કોઈકને ફસાવવાનું હનીટ્રેપમાં. અત્યંત ખુબસુરત અને ફરાટેદાર અંગ્રેજી બોલતી નાઝ અત્યારે મિશન પર હતી એને પણ ખબર ન હતી કે એના કાકા અને મામા પણ ભારતમાં છે. જાસૂસીની દુનિયાનો નિયમ છે કે સોંપાયેલ કામ યેનકેન પ્રકારેણ પૂરું કરવું. પોતાના સાથીઓ કે બીજા સહકર્મીઓ ક્યાં છે એ જરૂર વગર પૂછવું નહીં. અને એટલે જ કોકની ભત્રીજી બનીને એ છેલ્લા 10 દિવસથી જેસલમેરમાં ફરી રહી હતી. આખરે એને જેવી વ્યક્તિની તલાશ હતી એવી વ્યક્તિ એના ધ્યાનમાં આવી હતી અત્યારે એ એની સામે જ બેઠી હતી અને એને વિનવી રહી હતી કે "સર પ્લીઝ મારી મદદ કરી આપો. અમારા મૂળિયાં અહીંયાના છે. અમને આ દેશની બહુ યાદ આવે છે એટલે મેં રાજસ્થાનના રાજપૂતો વિશે પી એચ ડી કરવાનું નક્કી કર્યું છે. પ્લીઝ મારી હેલ્પ કરો. તમે રાજસ્થાનની કલા અને સંસ્કૃતિ વિષે જે રિસર્ચ પેપર તૈયાર કર્યું છે એ મેં વાંચ્યું છે. અને તમે સજ્જન છો. થોડા દિવસ પહેલા મેં એક પ્રોફેસર ને મારા ગાઈડ બનવાનું કહ્યું હતું તો તે તુરંત તૈયાર થઇ ગયા પણ એમની અમુક શરતો હતી”
"કેવી શરતો?" સામે બેઠેલા વ્યક્તિથી અનાયાસે પુછાઈ ગયું.
"સર હું બોલી નહીં શકું. સમજી જાઓ પ્લીઝ. ખાલી એક વાક્યમાં કહું તો મને જેમ રાજસ્થાનના ઇતિહાસમાં રસ છે એવો જ, અરે એનાથી વધારે રસ એને મારા શરીરની ભૂગોળમાં હતો" બ્લેક કેપ્રી પર પહેરેલા યલો ટોપ ને જરાક નીચે ખેંચવાની મથામણ કરતા નાઝનીને કહ્યું.
"અરે રામ રામ રામ." બોલતા સામે બેઠેલા સજ્જને કહ્યું "પણ મારી કેટલીક તકલીફો છે. હું તને સોરી તમને મદદ ન કરી શકું. હું થોડી જ વારમાં બહારગામ જાઉં છું 3-4 દિવસ માટે. ઉપરાંત મારે ગમે ત્યારે મહિનાની રજા પર જવું પડે એમ છે પછી તારો અભ્યાસ બગડે ઉપરાંત આખા રાજસ્થાનમાં ફરવા માટે કેટલી બધી રજા લેવી પડે. મારી સ્કૂલનું શું થાય.?'
તમારા કામ માટે તમે ગમે ત્યારે રજા લેજો અને આમેય ઉનાળાના વેકેશનમાં 2 મહિના રજા હોય જ છે. છતાં હું તમારી સ્કૂલની રજા માટે કંઈક હેલ્પ કરીશ. તમને તો ખબર જ છે મારા કાકા એટલેકે પપ્પાના કઝીન ભાઈ ગુલાબચંદ ગુપ્તાજી નું કેટલું નામ છે. એમના કહેવાથી શિક્ષણ સચિવ ડાયરેક્ટ તમારી રજા મંજુર કરાવી આપશે. બોલો બીજો કોઈ પ્રોબ્લેમ છે.?” એક માદક સ્મિત આપતા નાઝનીને કહ્યું.
“મને વિચારવાનો સમય આપો. અને શું કહ્યું નામ તમારું?" સજ્જને પૂછ્યું.
"જી નિન એટલે કે નીના ગુપ્તા મારા પપ્પાનો બહુ મોટો બિઝનેસ છે સાઉથ આફ્રિકામાં મેં મારુ ગ્રેજ્યુએશન લંડનમાં પૂરું કર્યું છે. મારા દાદા લગભગ 12-14 વર્ષના હતા ત્યારે સાઉથઆફ્રિકા કોઈ સગા સાથે પહોંચ્યા હતા. અત્યારે અમારો બહુ મોટો કારોબાર લંડન અને સાઉથ આફ્રિકામાં છે. પણ એમની રાજસ્થાનની યાદો છૂટતી નથી એટલે જ મારે રાજસ્થાનનો ઇતિહાસ વિશે શોધપત્ર લખવું છે." આંખો નચાવતા નાઝનીન એટલે કે નીના એ કહ્યું. જે રીતે સામેવાળા સજ્જને વિચારવાનો સમય માંગ્યો હતો એના પરથી આઈએસઆઈની તાલીમ પામેલ નાઝ સમજી જ ગઈ હતી કે આ બકરો તો કપાવા માટે તૈયાર થઈ ગયો છે ફક્ત દેખાવ કરી રહ્યો છે. જયારે સામે વાળા સજ્જન વિચારતા હતા કે જે ગુલાબચંદ આવડો મોટો કારોબાર છે એની ભત્રીજે મદદ કરી દઈએ તો એ બદલામાં શું નહીં આપે વળી નામ પણ મોટું થશે. બપોરે ખુદ ગુલાબચંદના મેનેજરનો ફોન આવ્યો હતો કે "પ્રિન્સિપાલ સાહેબ, શેઠજીના ભત્રીજી લંડનથી આવ્યા છે એમને તમારું કામ છે. અને શેઠજી પણ અવારનવાર તમને યાદ કરતા હોય છે." પ્રિન્સિપાલ સાહેબને ગુલાબચંદની એ મુલાકાત પણ યાદ આવી ગઈ જ્યારે એકવાર તેઓ ખુદ સ્કૂલમાં આવ્યા હતા. અને પોતાનું બહુમાન કરેલું અને બેસ્ટ પ્રિન્સિપાલ ઓફ રાજસ્થાનનો એવોર્ડ પણ આપેલો. વર્ષોથી ગરીબીમાં જીવતા ખુદ્દાર, પણ મહત્વાકાંક્ષી એ સજ્જનને એમના સાસરીમાં દેખાડી દેવું હતું કે પોતે પણ પોતાની રીતે આગળ વધી શકે છે. ઊંડો શ્વાસ લઈને તેમણે કહ્યું કે “નીનાજી હું થોડો વિચાર કરી લઉં પછી ગુલાબચંદજીના મેનેજરને જણાવી દઈશ."
"કાકાના મેનેજરને નહીં મને જણાવજો. આ મારો મોબાઈલ નંબર કહીને નીનાએ એક આકર્ષક વિઝિટિંગ કાર્ડ પોતાની પાકીટમાંથી કાઢો અને એમને આપ્યું એ પરફ્યુમ કાર્ડ હતું. કેવડાની મંદ મંદ સુગંધ એ કાર્ડમાંથી વહેતી હતી લગભગ 25-30 રૂપિયાના આ વિઝિટિંગ કાર્ડ પરથી એ છોકરી ના બાપ-કાકા પાસે કેટલી સંપત્તિ હશે એનો વિચાર પ્રિન્સિપાલ સાહેબને આવવા માંડ્યો. "હું રાતના દશ વાગ્યા સુધી રાહ જોઇશ તમારા ફોનની. ત્યાં સુધીમાં વિચારી લેજો મારે તમારી હા જ સાંભળવી છે. સ્હેજ ઝૂકીને નીનાએ કહ્યું એના ટોપનું બટન કદાચ ખુલી ગયું હતું. એની સામે જોઈ રહેલા પ્રિન્સિપાલ સાહેબની નજર અચાનક એના ચહેરાથી થોડી નીચે ગઈ હતી અને પછી ત્યાં જ થંભી ગઈ. એમને પરસેવો વળવા માંડ્યો. જન્મજાત જાસૂસ એવી નાઝે એ માર્ક કર્યું અને પછી ટટ્ટાર થઇ અને પોતાના ટોપ નું બટન કંઈક સંકોચાતા બંધ કર્યું.
"જુઓ નીનાજી આજે તો હું હમણાં એક પ્રસંગમાં બહારગામ જાઉં છું મને પાછા આવતા 3-4 દિવસ થશે. પછી..."
"પછી આપણે સાથે ફરીશું." એનું વાક્ય વચ્ચેથી કાપીને નાઝે કહ્યું. અને ઉમેર્યું એટલે કે તમે મને ગાઈડ કરજો આપણે ક્યાં જવું અને શું કરવું કોઈ લાઈબ્રેરી વિગેરે. પણ ખરું કહું તો મને જે સ્થળો વિષે લખવું છે ત્યાં જાતે જઈ અભ્યાસ કરવામાં રસ છે. તમે આવશો ને મારી સાથે. અને મને ફક્ત નીના કહેશો તો વધુ ફાવશે. આ નીનાજી મને આંટી હોઉં એવું ફીલ કરાવે છે.” કહીને એને ફરીથી માદક સ્મિત કર્યું..
“જી લગભગ તો એમ જ કરીશું દરમિયાનમાં તમે મારી રજા નું કૈક કરો"
"તો હું તમારી રજા મંજુરી નો પત્ર લઈને બુધવારે સવારમાં તમારા ઘરે પહોંચી જઈશ."
"ના ના બુધ નહીં ગુરુવારે અમે પાછા આવીશું. હું અને મારી પત્ની"
"ઓકે તો ગુરુવારે સવારે તમારા ઘરે મળીયે.” નાઝે ઉભા થતા કહ્યું અને પછી પ્રિસિપલ સાહેબ સાથે હાથ મેળવ્યા. અને ત્યાંથી વિદાય લીધી. કેબિનની બહાર નીકળતા એના ચહેરા પર એક મુસ્કાન આવી ગઈ અને એ મનોમન બબડી “જનક જોશી સર આ નાઝની રૂપજાળમાં કેટલાય પતંગિયાઓ ફસાઈ ચુક્યા છે તમે શું ચીજ છો.” બહાર ઊભેલી એક મોંઘી કારના ડ્રાઈવરે એને બહાર આવતા જોઈ એ દોડ્યો અને કારનો પાછળનો દરવાજો ખોલીને અદબથી ઊભો રહ્યો. નાઝે એકાદ ક્ષણ જ્યાંથી બહાર આવી હતી એ કેબીન તરફ જોયું પછી બહાર પ્રાંગણમાં જોયું સ્કૂલનો એક પ્યુન અને એક વોચમેન બહાર તમાકુ મસળતા ઉભા હતા. ડ્રાઈવર તરફ એક નજર નાખી અને પછી નાઝ એ 2 જણા તરફ વળી. એમની નજદીક જઈને પૂછ્યું . "ભાઈ અહીં ક્યાંય મીઠાઈ મળશે?" પ્રૌઢ ઉંમરે પહોંચેલા આ વોચમેન -પ્યુને આટલી આકર્ષક યુવતી એમના જન્મારામાં જોઈ ન હતી. નાઝના પરફ્યુમની સુગંધ એમને અજબ મદહોશીમાં પહોંચાડી રહી હતી આવી સુંદર યુવતી એમની સાથે વાત કરે એ સપને પણ નહોતું વિચાર્યું."જરાક જ આગળ દુકાન છે મેડમ" વોચમેન બોલ્યો.
"પ્લીઝ જરા મારા ડ્રાઈવર સાથે જઈને સારામાં સારી મીઠાઈના 3 પેકેટ એક એક કિલોના લઈ આવોને. આજે હું બહુ ખુશ છું." નાઝે વોચમેનને કહ્યું.
"પણ હું. હૂતો આ ગેટ પર.."
"હવે જાઓને ભાઈ પ્લીઝ. ગેટનું ધ્યાન હું અને આ ભાઈ રાખીશું " કહીને પ્યુન તરફ આંગળી દેખાડી નાઝે કહ્યું. "કદાચ જોશી સર ને આ ભાઈનું કામ પડે તો તકલીફ ન થાય એટલે અમે બન્ને ઉભા છીએ તમે પ્લીઝ લઇ આવો ને મારા ડ્રાઈવર સાથે" દરમિયાનમાં ડ્રાઈવર બાજુમાં આવીને બધું સાંભળતો હતો એણે વોચમેનને કહ્યું "ચાલો" કૈક ખચકાટથી બન્ને આગળ વધ્યા. ત્યાં નાઝે બૂમ પડી સારામાં સારી લે જો એક એક કિલોના 3 પેકીંગ મિક્સ મીઠાઈ.” પછી પ્યુન ને પૂછ્યું "આ જોશી સર આજે બહારગામ જાય છે તો તમે પણ જવાના?"
"ના રે મેડમ, એ તો છેક દિલ્હી જાય છે. મારે ત્યાં શું કામ છે. મારુ તો આખું કુટુંબ અહીંયા છે. એતો એના કોઈ સગાના લગ્નમાં જાય છે. એમના પત્ની પણ બહારગામથી ડાયરેક્ટ ત્યાં જવાના છે." વગર પૂછ્યે એને નાઝને જોઈતી માહિતીનો ઢગલો કરી દીધો. નાઝ એની સાથે આડી અવળી વાતો કરતી રહી અને વચ્ચે વચ્ચે એની વાત પર જોરદાર હાસ્ય કરતી રહી એકાદી વાર પેલા પ્યુનના હાથમાં તાળી પણ મારી. પ્યુનનો તો જાણે જન્મારો સુધરી ગયો. લગભગ 10 મિનિટ પછી ડ્રાઈવર અને વોચમેન પાછા આવ્યા. ડ્રાઈવરે 3 પેકેટ મીઠાઈના એના હાથમાં આપ્યા. "કેટલા રૂપિયા થયા ચતુરસિંહ" નાઝે ડ્રાઈવરને પૂછ્યું.
"જી મેડમ હું શેઠજીથી લઇ લઈશ મેનેજર સાહેબને કહી ને કંઈક સંકોચથી ડ્રાઈવરે કહ્યું."
"હવે તમે ક્યારે મેનેજર અંકલ ને મળશો અને ક્યારે તમારા રૂપિયા પાછા આવશે. એક્ચ્યુલ માં હું તમને આપતા ભૂલી ગઈ હતી.” કહીને નાઝનીને પોતાનું પર્સ ઉઘાડ્યું અને 1 હજારની નોટ ડ્રાઈવરને આપી અને પૂછ્યું "હજી કઈ આપવાના?"
"ના મેડમ આટલામાં પણ વધ્યા” કહી ડ્રાઈવર પોતાની પાકીટમાં છુટ્ટા તપાસવા મંડ્યો
"ભલે વધ્યા તો તમે રાખો. આજે હું બહુ જ ખુશ છું. નાઝને મિસ્ટર જોશી ક્યાં જાય છે એ જાણવું હતું એ માહિતી મળી ગઈ હતી.પછી ડ્રાઈવર પ્યુન અને વોચમેનને એક એક મીઠાઈનું પડીકું આપીને કહ્યું કે ઘરે છોકરાઓને ખવડાવજો. 3ણે આશ્ચર્યથી નાઝ સામે જોઈ રહ્યા.નાઝે એક કાતિલ સ્મિત ડ્રાઈવર સામે ફેકયુ અને પછી કહ્યું. “તમને 1 દિવસની છુટ્ટી છે. હું બહારગામ જાઉં છું. પરમ દિવસ આવી જજો. હું પાંચ મિનિટમાં આવું છું” કહીને ફરીથી મિસ્ટર જોશી ની કેબીન તરફ ચાલી.
xxx
જયારે નાઝ ઉર્ફે નીના કેબિનની બહાર નીકળી એ વખતે અંદર કેબીનમાં બેઠેલા મિસ્ટર જોશી રૂમાલ વડે પોતાની ગરદન પરથી પરસેવો લૂછતાં લૂછતાં એમના પત્ની સાથે ફોનમાં વાત કરી રહ્યા હતા. "હા સરલા બસ નીકળું છું 9-30ની બસ છે સવારમાં પહોંચી જઈશ. ના ના ખોટા ટેક્સીના રૂપિયા નથી નાખવા શું કહ્યું ? પૃથ્વીએ કહ્યું છે.? ભલે કહ્યું હું બસમાં જ આવીશ એ રૂપિયા એને પાછા આપી દેજે. તું ખોટી જીદ કરે છે. ના સમ ન દે આપણા બાળકને આ દુનિયામાં તો આવવા દે, ભારે જિદ્દી છે તું. તને ખબર છે ને કે મને એ પૃથ્વી કે ખડક સિંહ બાપુના રૂપિયા વાપરવા નથી ગમતા. ઓકે. હા બાબા હા ટેક્સીમાં જ આવીશ. તારી તબિયતતો બરાબર છે ને. તું ક્યાં છે? મથુરામાં? ત્યાં શું કરે છે? અચ્છા માનતા માની હતી? ઓકે ઠીક છે તું પણ ટેક્સી કરીને જ આવજે.” કહીને મિસ્ટર જોશી એ ફોન કટ કર્યો અને મનોમન બબડ્યા. "પૃથ્વીને પોતાના રૂપિયાનું કેટલું અભિમાન છે. બોલો મને જેસલમેરથી ટેક્સી કરવાના રૂપિયા હવે એ આપશે. સરલાતો એની બેન છે ભલે એની ટેક્સીના રૂપિયા એ આપતો. પણ મારુ કઈ સ્વમાન જેવું છે કે નહીં. સરલાની ફોઈની દીકરીના લગ્ન છે જવું પડશે પણ એકવાર આ ગુલાબચંદની ભત્રીજીને ખુશ કરી દઉં અને એની મહેરબાની થઈ જાય તો એ પૃથ્વીના મોઢા પર એના ટેક્સીના રૂપિયા મારી દઈશ." જોશીને વગર કારણે પૃથ્વી પર ગુસ્સો આવતો હતો.
xxx
જ્યારે જનક જોશી સરલા બેન સાથે વાત કરતા હતા એ વખતે અમદાવાદના મદીના પુરા ચાલ વિસ્તારમાંથી એક ટેક્સી નીકળી એમાં સલમા, એનો છોકરો, અબ્દુલ અને મકસુદ બેઠા હતા. લગભગ 10 મિનિટ પછી સલમાની ખાલા (માસી)નું ઘર આવ્યું ત્યાં સલમાએ પોતાના છોકરાને માસી ને સોંપ્યો અને પોતે અને અબ્દુલ તથા મકસુદ. ‘મક્સુદની ક્યાંક સારી જગ્યાએ નોકરી લાગવાની છે એને મળવા જઈએ છીએ એટલે મોડું થશે’ એવું જણાવ્યું જવાબમાં પરવીન ખાલાએ સલમાને યાદ દેવડાવ્યું પોતાની બેટીના મકસુદ સાથે નિકાહની વાત કરવાનું. મકસુદ ભણેલો ગણેલો સીધી લાઈનનો છોકરો હતો. મોટાભાઈ અને ભાભી સાથે. રહેતો હતો નજરનો ચોખ્ખો હતો. સાવ નાનપણમાં માં મરી ગઈ હતી સલમાએ એનો સારી રીતે ઉછેર કર્યો હતો. એટલે સલમાની વાત એ નહીં નકારે એવો પરવીન ને વિશ્વાસ હતો. "ખાલા એની નોકરીનું થઈ જવા દો. રેશ્મા મારી જ દેવરાની બનશે તમે ચિંતા ના કરો.” કહીને એ લોકો નીકળ્યા એમની મંઝિલ હતી ગીતા મંદિર બસ ડેપોની પાસે જ્યાં બધી મુંબઈ તરફ જતી બસ છૂટે છે એનાથી થોડે દૂર ટેક્સી ઉભી રહી સલમા ટેક્સીમાંથી બહાર આવી એણે એક થેલામાં 2-3 જોડી કપડાં અને થોડો મેકઅપનો સામાન રાખ્યો હતો. બહાર આવી અને અબ્દુલ-મક્સુદને કહ્યું. "સંભાળીને જજો અને ટાઈમ પર પહોંચી જજો. પહોંચશે ને ટાઈમે?" જવાબમાં મકસૂદે કહ્યું "ચિંતા ન કરો. બધું બરાબર થશે. હિંમત રાખજો" સલમાએ ખુદાહાફીઝ કહ્યું અને બસ ઊભી હતી એ બાજુ આગળ વધી તો અબ્દુલે ટેક્સી ચાલુ કરી અને મુંબઈની દિશામાં ભગાવી.
આપને આ વાર્તા કેવી લાગે છે? પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તમે મને પર્સનલી વોટ્સ એપ પણ કરી શકો છો. 9619992572 પર