Even a sentence came books and stories free download online pdf in Gujarati

એક સજા આવી પણ…

મુકેશભાઈ અને માલતીબેન બંને પતિ-પત્ની હતા. સંતાનમાં ફક્ત એક જ દિકરી મિતાલી. આજે કોર્ટમાં મુકેશભાઈ ઉપર માલતીબેનનાં ખુનનાં આરોપની સજાની સુનાવણીનો છેલ્લો દિવસ હતો.

સરકારી વકીલ અને બચાવપક્ષનાં વકીલ બંનેની સામસામી દલીલો થઈ ચુકી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવી ગયો હતો, જેમાં માલતીબેનનું ખુન ઝેરનાં કારણે થયું હતું એ સાબીત થતું હતું. મોટાભાગનાં પુરાવાઓ મુકેશભાઈ વિરુધ્ધ જ હતા, છતાં મુકેશભાઈનાં વકીલની બાહોશીને કારણે કેસ પોતાના અસીલની ફેવરમાં હતો. હવે ફક્ત એમની દિકરી મિતાલીનાં બયાન ઉપર આખો કેસ આધાર રાખતો હતો.

આખી વાત કઈંક એમ હતી કે, મુકેશભાઈનાં લગ્ન માલતીબેન સાથે થયાં ત્યારે મુકેશભાઈનાં ઘરની પરિસ્થિતિ સાવ સામાન્ય હતી, છતાં બંને પતિ-પત્નીના એકમેક પ્રત્યેનાં અદભુત પ્રેમનાં કારણે લગ્નજીવન આનંદથી પસાર થતું હતું. એમાંય જયારે સંતાનમાં મિતાલીનો જન્મ થયો ત્યારે તો બંનેનાં હરખનો કોઈ પાર જ રહ્યો નહતો. મુકેશભાઈને તો જાણે સ્વર્ગ જ મળી ગયું એવું હતું. મિતાલીનાં જન્મ પછી પતિ-પત્નીએ બીજા સંતાન માટે ઘણાં પ્રયત્નો કર્યાં હતા, પરંતુ બીજું સંતાન થયું જ નહતું એટલે પતિ-પત્નીએ સઘળો પ્રેમ મિતાલી ઉપર જ ઢોળ્યો હતો.

મિતાલી એટલે મુકેશભાઈ માટે તો પોતાનો બીજો જીવ, પોતાનો આત્મા જ જાણે સમજી લો. પોતાના જીવ કરતાં પણ વધારે વ્હાલી દિકરી હતી. મિતાલી જે કઈ માંગે એનાથી પણ વધારે મુકેશભાઈ હંમેશા અપાવતાં રહેતા હતાં. ઘરની પરિસ્થિતિ સામાન્ય હોવા છતાંય ઉછીના-પાછીના કરીને પણ દિકરીને સદાય ખુશ રાખવા મુકેશભાઈ મથતાં રહેતાં.

માલતીબહેન ઘણીવાર પતિ મુકેશભાઈને સમજાવતાં રહેતાં કે 'આપણે આપણી આવક મુજબ જ ખર્ચ કરીએ અને દિકરીને પણ એટલું જ અપાવીએ.' પરંતુ, મુકેશભાઈને તો દિકરીને દુનિયાભરનાં સુખ આપવાની એવી તો ચાનક ચડેલી કે પોતાનો કારોબાર પણ હવે તો સાવ નાનો લાગતો હતો. વધુ પૈસા કમાવાની લાલચમાં મુકેશભાઈ ધીમે ધીમે દાણચોરીનાં ધંધામાં પણ પડ્યા.

માલતીબેનને જયારે આ વાતની જાણ થઈ ત્યારે ઘરમાં એ બાબતને લઈને ઘણો ઝઘડો પણ થયેલો. પોતાનાં પતિને સન્માર્ગે વાળવા માલતીબેને ઘણાં પ્રયત્નો કરેલાં, પણ મુકેશભાઈ સુધર્યા નહતા. થોડા જ સમયમાં દાણચોરીનાં ધંધામાં મુકેશભાઈને એવી તો પકડ આવી ગયેલી કે ઘરમાં પૈસાનાં તો ઢગલે ઢગલા થવા લાગેલા. અનીતિનો પૈસો ઘરમાં આવવાથી એની આડઅસર પણ ધીમે ધીમે ઘરમાં દેખાવા લાગેલી. મુકેશભાઈ હવે તો ઘરે દરરોજ દારૂ પીને જ આવતા હતા. માલતીબેન આ બાબતે વિરોધ કરતા અને બંને વચ્ચે દરરોજ ઝઘડો પણ થતો રહેતો હતો. દિકરી મિતાલી ચુપચાપ આ બધું જોયે રાખતી.

રોજરોજની માથાકુટને કારણે મુકેશભાઈ મોટાભાગનો સમય તો ઘરની બહાર જ પસાર કરવા લાગેલા. ઘરે જયારે પણ જાય એટલે માલતીબેન સાથે ઝઘડો થાય ને થાય જ, પરંતુ પોતાની દિકરી મિતાલી માટેનાં અનહદ પ્રેમને કારણે મુકેશભાઈ ઘરે જતાં. એવામાં મુકેશભાઈને બીજી સ્ત્રી સાથે લફરું થયું. એ વાતની જાણ જયારે માલતીબેનને થઈ ત્યારે પણ ખાસ્સો મોટો ઝઘડો થયેલો.

માલતીબેને મિતાલીને લઈને ઘર છોડવાની ધમકી આપેલી ત્યારે મુકેશભાઈએ હસતાં-હસતાં કહેલું કે "તારે જવું હોઈ તો તું ખુશી ખુશી જઈ શકે છે, હું તને રાજીખુશીથી છૂટાછેડા આપી દઈશ. પરંતુ, મિતાલીનો કબ્જો તો હું જ રાખીશ. છૂટાછેડા વખતે મિતાલીનાં ભરણપોષણની અને એના ભવિષ્યની દલીલો કરીને કોર્ટમાં પણ એનો કબ્જો તો હું જ લઈશ, એ યાદ રાખજે."

આ સાંભળીને મિતાલીબેન રોકાઈ ગયા હતાં. એને મિતાલીની ઘણી ચિંતા હતી કે હું અહીંયા રહીશ તો મિતાલીનું ધ્યાન તો રહેશે. પણ જો હું જ જતી રહીશ તો આ દારૂડિયો પતિ એની રખેલને ઘરમાં બેસાડશે અને એ પછી મિતાલીની શું હાલત થશે એ વિચાર આવતાં જ માલતીબેનને તો કંપકંપા જ આવી ગયા હતા. થોડાક સમય સુધી તો બંનેનું ગાડું જેમતેમ ગબડ્યું હતું, પરંતુ મુકેશભાઈને હવે માલતીબેન આંખનાં કણાની માફક ખટકતા હતા. એને એવી શંકા હતી કે પોતાની પત્ની દિકરીને કાનભંભેરણી કરીને એના પક્ષમાં કરી લેશે તો પોતે જીવથી પણ વ્હાલી દીકરીથી હાથ ધોવા પડશે.

પાછું પોતાની પ્રેમિકા પણ હવે લગ્ન માટેનું રોજેરોજ દબાણ કરતી હતી એટલે મુકેશભાઈને એક સાંજે દારૂ પીધા પછી ખતરનાક વિચાર આવ્યો, પત્ની મિતાલીબેનનું કાસળ કાઢી નાખવાનો. જો પત્નીનો કાંટો જ નીકળી જાય તો બધું સમુસુતરું પાર થઈ જાય, એવી મુકેશભાઈની ગણતરી હતી. થોડા દિવસો પછી મિતાલીનાં જન્મદિવસ નિમિતે ઘરમાં એક પાર્ટીનું આયોજન હતું. ખૂબ થોડા મેહમાનો જ આવેલા હતા. એ પાર્ટીમાં લાગ જોઈને માલતીબેનનાં સોફ્ટડ્રીંકનાં ગ્લાસમાં મુકેશભાઈએ વિદેશથી મંગાવેલું ઝેર ભેળવી દીધું હતું. એ ઝેર શરીરમાં પ્રસરવાથી હૃદય ધીમે ધીમે બંધ પડી જાય અને લોકોને એવું જ લાગે કે વ્યક્તિને હાર્ટએટેક જ આવ્યો. કોઈને પણ આ બાબતની ગંધ સુધા આવી ના હતી.

માલતીબેને એ સોફ્ટડ્રિંક પીતા ઝેરની અસર થોડીકવારમાં જ થવાથી માલતીબેન ત્યાંને ત્યાં જ ઢળી પડ્યા હતા અને મુકેશભાઈએ ખોટી રોકકળ પણ શરું કરી દીધી હતી. એનો પ્લાન તો જલ્દીથી પત્નીની અંતિમક્રિયા પતાવી દેવાનો જ હતો, પણ માલતીબેનનાં પિયરજનોને શંકા જતા મુકેશભાઈ ઉપર હત્યાનો આક્ષેપ મુક્યો હતો અને પોલીસ ફરિયાદ કરીને લાશનું ફરજીયાત પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. શંકાનાં આધારે મુકેશભાઈની ધરપકડ થયા પછી, થોડા દિવસ કોર્ટમાં એમનાં કેસની ટ્રાયલ ચાલ્યા પછી, આજે ચુકાદાનો છેલ્લો દિવસ હતો. તમામ સાક્ષીઓનાં નિવેદનો પણ લેવાઈ ગયા હતા. હવે અંતિમ સાક્ષી તરીકે છેલ્લો વારો દિકરી મિતાલીનો હતો.

મિતાલીએ આગલી રાતે જ કશુંક નક્કી કરી નાખ્યું હતું. એને ખબર હતી કે પોતાની ખુશી માટે એના પિતા મુકેશભાઈ કોઈ પણ હદ સુધી જઈ શકે છે અને મુકેશભાઈનાં જીવનમાં પોતાનું શું મહત્વ છે એ પણ મિતાલી સારીપેઠે જાણતી હતી. મિતાલીએ મનમાં વિચાર્યું કે 'જો હું બધું સાચું કહી દઈશ અને સજા પડશે તો પણ મુકેશભાઈ થોડાંક સમયમાં જ કાંઈક કાવાદાવા કરીને જેલમાંથી છુટી જશે, એના કરતાં કાંઈક એવું કરવું કે આ કર્મની સજા મુકેશભાઈ આખી જિંદગી ભોગવે.'

મિતાલીએ કોર્ટમાં બયાન આપ્યું કે "એ ગ્લાસમાંથી મેં પણ સોફ્ટડ્રિંક પીધેલું. મને તો કાંઈ જ થયું નથી." એ એક બયાન ઉપર જ મુકેશભાઈ નિર્દોષ છૂટી ગયા. નિર્દોષ છૂટ્યા પછી મુકેશભાઈ કોર્ટમાંથી સીધા પોતાની પ્રેમિકાનાં ઘરે જ ગયા હતા અને છેક મોડી રાતે પોતાના ઘરે આવ્યાં હતા. ઘરે આવીને મિતાલીનાં નામની બૂમો પાડતા કોઈએ જવાબ આપ્યો નહતો.

આખુંય ઘર તપાસી લીધા છતાં મિતાલીની હાજરી ક્યાંય જણાય નહીં એટલે મુકેશભાઈને થોડીક ચિંતા થઈ આવી. ત્યાં જ એની નજર ટેલિફોન પાસે પડેલી એક ચીઠ્ઠી ઉપર ગઈ. એ ચિઠ્ઠી ફટાફટ હાથમાં લઈને વાંચતા જ મિતાલીના અક્ષર મુકેશભાઈ ઓળખી ગયા. એ ચીઠ્ઠીમાં મિતાલીએ લખ્યું હતું કે 'હું આ ઘર છોડીને હમેંશ માટે તમારાથી દૂર જાઉં છું, મને શોધવાની કોશિશ કરતા નહીં. તમે હવે મારા માટે મરી ગયા જેવા જ છો, હું તમને ક્યારેય પણ માફ કરીશ નહીં.'

ચિઠ્ઠી વાંચતાં જ મુકેશભાઈ સોફા ઉપર ધબ દઈને બેસી પડ્યા. જેની ખુશી માટે આ બધું કરેલું એ જ એને છોડીને જતી રહી. જીવથી પણ વ્હાલી દીકરી પોતાને છોડીને જતી રહી એની પારાવાર વેદના મુકેશભાઈને ભીતરથી ઉભરાઈ આવી, એ વેદના આખી જિંદગી હવે એની સાથે જ રહેવાની હતી. જે સજા કોર્ટ ના કરી શકત એનાથી પણ અઘરી સજા દિકરી મિતાલી કરીને ગઈ હતી.

 

***************

 

-Sagar Vaishnav

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED