ખૂની કોણ ? અનિરુદ્ધ ઠકકર આગંતુક દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખૂની કોણ ?




*🔪ખૂની કોણ🔪*

ગામના પાદરથી થોડી દુર અવાવરું જગ્યાએ કંઈક ભાળી ગયેલો રૂપલો ગભરાટમાં, "લાશ ,લાશ..."નામની બુમો પાડતો ગામ તરફ આવ્યો. ગામલોકો આશ્ચર્યચક્તિ થઈને રૂપલાએ બતાવેલી જગ્યા તરફ તેની પાછળ દોડ્યા. માંડ પચાસ સાઈઠ ઘર અને ત્રણસો જણની આબાદીવાળા એ ગામમાં વિચિત્ર દોડાદોડ શરૂ થઈ ગયી.
કેટલાક લોકો ગભરાટના લીધે ટોળા પાછળ ધીમે ધીમે જવા લાગ્યા તો કોઈકોઈ સૌથી પહેલા લાશ જોઈ લેવાની હોડમાં દોડતા દોડતા પડતા આખડતા ત્યાં પહોંચ્યા.
છેવટે બધા ઘટના સ્થળે પહોંચ્યા. હજુ કેટલાક ડરપોક લોકો ટોળાંની પાછળ ઉભા રહીને જોતા હતા કે હકીકત શું છે ? તો વળી કેટલાક, રખેને કંઈ આડુઅવળું કે મેલી વિદ્યા વાળું કઈ તુત હોય તો અવળી પૂંઠે ભાગવું કે ગામના લોકોને સાથ આપવો એ વિચારતા માથું ખંજવાળતા ઉભા રહ્યા હતા.
છેવટે ,
બધાય પેલા માનવશરીરથી થોડુંક અંતર બનાવીને ગોળ ફરતા ઉભા થઈ ગયા. અવાવરૂ જગ્યા પર પડેલી એ પુરુષ આકૃતિના કપડા ખરાબ રીતે ફાટેલા અને લોહીલુહાણ હતા. તેના વ્યક્તિના હાથપગ પણ ત્રણ ચાર જગ્યાએ છોલાયેલા હતા, તેમ જ ઘા ની જગ્યાએ લોહી જામેલું હતું. તે વ્યક્તિના હોઠ, મોઢા પર પણ ક્યાંક ક્યાંક ઘાવ અને લોહી હતું.
પણ કોઈ નજીક જઈને લાશને અડવા માંગતું નહોતું. રખેને કોઈ વાતે ફસાઈ જવાય..?
બધા બરાબરના ગભરાયા હતા. હવે શુ કરીશું..?
ગામના સૌથી ડાહ્યા અને ઘરડા વ્યક્તિ એવા જીવાકાકા બોલ્યા, "કોઈ નેનજી વૈદ્યને બોલાવો, ખબર તો પડે કે આ માણસમાં હજુ જીવ છે કે મરી ગયો છે..?"
નેનજીનું નામ સાંભળીને ગામનો યુવાન રમલો બોલ્યો, " નાનજીકાકાનું તો નામ જ ના લેશો. આ ઉંમરે એ પોતે જ એટલા ધ્રૂજે છે કે મારી બીમાર બૈરીની નસ જોવા હાથ પકડ્યો તો મારી ઘરવાળી ધ્રુજવા લાગેલી. તેથી લોક સમજેલું કે મારી ઘરવાળીને માતા આવી છે. હું તો દવાના ચક્કરમાંથી નીકળીને ભુવાના ચક્કરમાં પડેલો..!"
રમલાની વાતમાં ટાપસી પુરાવતો ભુરિયો બોલ્યો, "સાચી વાત છે, નેનજીકાકો લાશનો હાથ પકડશે તો લાશ ય ધ્રુજવા મંડશે અને લાશ ધુણવા મંડી તો નક્કી લોક ભૂત માનીને ભાગશે, એટલે વૈદ્યકાકાને તો રહેવા જ દ્યો..!"
તેની આ વાતમાં પાછો ઘણા લોકોનો "હમમમ" કરતો સામુહિક હોંકારો આવ્યો.

એટલામાં ગામનો સૌથી અવળચંડો જુવાનિયો કાનજી બોલ્યો, "પોલીસને બોલાવો, આ કામ પોલીસનું છે, પોલીસ જ લાશ કોની છે એ ય શોધશે, ખૂનીને ય પકડશે ..!"
તેની વાત સાંભળતા જીવોકાકો તેના પર બગડયો, "તારો બાપ પોલીસ આવશે તો આખા ગામની મેથી મારશે, જો પોલીસને કોઈના પર શક પડશે તો ગામના પીપળે ઉંધા લબડાવીને મારશે, ખબર છે તને ? અક્કલ તો કઈ છે નહીને પાછો નવાઈનો સલાહ આપવા આવ્યો છે, નીકળી અહીંથી...!"

કાનજી ફરી અવળચંડાઈએ ચડ્યો અને બોલ્યો, "ડોહા, હું તો નહીં બોલું, પણ ગમે તે રીતે પછી પોલીસને ખબર પડી તો હું જ પોલીસને કહીશ કે સૌથી પહેલા તમને ઉંધા લબડાવીને દંડા મારે...સાચું કહું છું..!" તેની વાત સાંભળીને બીજા જુવાનિયા ઠઠ્ઠા મશ્કરી કરવા લાગ્યા.
જીવોકાકો ફરી બગડ્યો. તેણે કાનજીના બાપને ગાળો કાઢતા કહ્યું, "તારા છોકરાને ચૂપ કરાવ નહીં તો અહીં બીજી લાશ પડશે...!"
કાનજીના બાપે કાનજીને થોડોક ઠમઠોર્યો. લાશની વાત બાજુમાં રહી અને આ બાપદીકરાની લડાઈ જામી.
ખેર...
મનના ડર, ચર્ચા, ઝગડા અને આ બધી ધમાલમાં લોકોએ તે શરીરની અન્ય કોઈ તપાસ કરવાનું ધ્યાનમાં જ ના લીધું.
અને ...
નાનકડા ગામના ભોળા અને ડરપોક લોકો એમની બુદ્ધિ પહોંચે એવી જાતજાતની ચર્ચાઓ કરીને, છેલ્લે નીચે મુજબના નિષ્કર્ષ પર આવ્યા.
આપણે કોઈને કઈ કહેવું નથી. આપણે સૌ નિર્દોષ છીએ. પણ લાશની અંતિમવિધી કરવી પડે, જે કરીશું. બિચારાના આત્માને શાંતિ મળશે. નહીં તો એનો દેહ ગીધડા ખાશે અને પાપ ગામને ચડશે. પોલીસને કશું કહેવું નથી. પોલીસ નિર્દોષ લોકોને રંજાડે તે આપણા ગામ માટે સારું નહીં. પોલીસને કહીયે તો પેલુ ડોશી મરે એનો વાંધો નહીં પણ જમ ઘર ભાળી જાય... એવું થશે, ફરી કોઈવાર પંથકમાં આવી લાશ મળશે તો પોલીસ આપણા ગામના લોકોને જ પહેલા ઉપાડી જશે. માટે હાલ આપણે જ અગ્નિસંસ્કાર કરવો. આગળ ઉપર ભગવાન જાણે, આમે ય ગામના કોઈએ ખૂન કર્યુ નથી.
આમ, બીજા દિવસે વહેલી સવારે અગ્નિસંસ્કાર કરવાનું નક્કી કરતા સૌ પોતપોતાના ઘેર ગયા.
જોકે ત્યારે કોઈએ પૂછેલું, "સવારે કેમ ? રાત્રે જ અગ્નિસંસ્કાર કરી નાખીએ તો..?"
જેનો જવાબ મળેલો, "રાત્રે અગ્નિસંસ્કાર કરીયે તો પાપ ચડે. વળી, આ તો પારકી લાશ...રખેને ભૂત થાય તો કોઈની શરમ ના ભરે અને આખા ગામને રંજાડે તો..?" એ બોલનારની આવી અવળવાણીથી ડરીને લોકો ચૂપ થઈ ગયેલા.
જીવકાકાએ બધાને સુચના આપી હતી, જેની જેવી સગવડ હોય એ પ્રમાણેની વસ્તુ લાવીને સવારે અગ્નિસંસ્કાર માટે લાશ જોડે મૂકી દેવી. આવી જ કોઈક સુચનાને લીધે સૌથી પહેલાં કોઈએ એ શરીર પર સફેદ ચાદર ઓઢાડી દીધી હતી.
અને...
રાત્રીએ ગતિ પકડી હતી...
ગામમાં એકાકી જીવન જીવતા રૂખી ડોશી પડખા ઘસતા હતા. તેમને રહીરહીને પેલી લાશના વિચાર આવતા હતા.
શી ખબર કેમ તેમને એવો વિચાર આવ્યો, "હું રહી બાઈ માણસ, મારાથી સ્મશાને જવાશે નહિ, કદાચ વહેલા ઉઠાય પણ નહિ એના કરતાં ઘરમાં પડેલું ઘી ત્યાં મુકતી આવું, થોડુંક ગંગાજળ પણ લાશના મોઢે ધરતી આવું. જે થોડું ઘણું પુણ્ય મળ્યું તે..!" અને તેઓ ગયા.
પેલા શરીરના મુખમાં ગંગાજળ રેડીને પાછી ચાદર ઓઢાડીને બાજુમાં ઘી ભરેલું ઠામ મુકીને પાછા વળ્યાં.
પણ, કમનસીબી જુઓ.
તેઓની જેમ આવું જ કંઇક વિચારીને લાશ જોડે દૂધ મુકવા ગયેલો રમલો રૂખી ડોશીને ફળિયાના વળાંકમાં જોઈને છુપાઈને ગયો. ડોશી ઉંમર અને અંધારાના લીધે જાળવીને ચાલતા હતા. તેઓ ગયા પછી રમલો, 'આ ડોશી અત્યારે કેમ નીકળી હશે: વિચારતો લાશ જોડે દૂધ મૂકી આવ્યો.
પણ, હાય રે કિસ્મત...
તે પાછો વળ્યો ત્યારે ગામની રૂપાળી વિધવા ગજરી રાત્રે દિશાએ જવા નીકળી હતી, તે રમલાને ગેબી અને છાની ચાલે ચાલતો જોઈ ગઈ.
અને 'આ ગામના ઉતાર જેવો રમલો અડધી રાત્રે આમ ક્યાંથી આવતો હશે.?' એવું વિચારતી ગજરી દિશાએ ગઈ હતી.
વળી, થોડીકવારમાં જયારે તે પાછી વળતી હતી ત્યારે ભસતા કૂતરા ભગાડવા જાગેલો કોદર પટેલ ગજરીને જોઈ ગયો.
અને, બાકીના બધાની જેમ કોદરનું મગજ પણ ચકરાવે ચડ્યું હતું.
એક તો અજાણી લાશના લીધે ગભરાટ, બાકી હતું તે બધાએ રાત્રે કોઈ અજીબ સંયોગથી એકબીજાને છુપાઈને પ્રવૃત્તિ કરતા જોયા હતા.
તેથી બધા જ પાત્રોએ ઘેર જઈને પોતપોતાની કલ્પનાઓના ઘોડા દોડાવ્યા હતા. અડધી રાતની એકબીજાની એવી છાની હરકતોને તેઓએ પેલા વ્યક્તિના મૃત્યુ જોડે સાંકળી રહ્યા હતા.
બરાબર એ જ વખતે ગામની બીજી બાજુ તળાવના છેડે બેઠેલ પેલો વંઠેલ કાનજી તેના ભાઈબંધોને કહી રહ્યો હતો, "ચોક્કસ આ કામ રૂપલાનું જ છે, એમેય એ દેવામાં ડૂબેલો છે, પંદર દહાડા પહેલા જ એ મારી પાસે ઉધાર પૈસા માંગવા આવેલો. પૈસાની તંગીના લીધે એ કૈક રસ્તો શોધતો હશે, એમાં આ અજાણ્યો જણ જોયો હશે, અને તેને લૂંટવા ગયો હશે, લૂંટની એ બબાલમાં પેલો અજાણ્યો વ્યક્તિ રૂપલાના હાથે મરાયો હશે, પછી રૂપલાએ પોતે એ ગુનાથી બચવા લાશ મળી એવું નાટક આદર્યું હશે...!"
આમ...
ગામના તમામ પાત્રો પોતપોતાના ઠેકાણે પહોંચ્યાં પછી ય પેલી વ્યક્તિનો ખૂની કોણ હશે તે માટે અજીબ તર્ક લડાવતા હતા.
અને આમ જ સવાર પડી.
પણ...સવારે એક નવુ તુત શરૂ થયું.
કોઈએ બૂમ પાડી, "અરે દોડો દોડો...નવાઈ થઈ..!"
આખું ગામ હુડુડુડુ હુટ...કરતું ઘટનાસ્થળે પહોંચ્યું હતું.
જોયું તો...પેલી લાશ ગાયબ હતી.
પેલું માનવશરીર ત્યાં હતું જ નહીં.
ભોળા ગામલોક ડરી ગયા.
કોઈ કહેવા લાગ્યું, " જનાવર લાશ લઈ ગયું..!"
તો કોઈ કહે કે, "એ લાશનો કોઈ સગો તેને શોધતો આવ્યો હશે...!"
અવળચંડો કાનજી બોલ્યો, "તો..તો..ચોક્કસ પોલીસ આવવાની અને પછી તો...!'' આવું બોલીને તે રૂપલા અને મુખી સામે હસવા લાગ્યો.
પોલીસનું નામ સાંભળતા જ ઝગડો ચાલુ થયો..
સૌથી પહેલા જ...
રમલાએ રૂખી ડોશીના નામનો ભાંડો ફોડ્તા કહ્યું, "આ ડોસીનો જ કૈક હાથ છે, મેં રાત્રે એને અહીંથી લપાતી છુપાતી ગામમાં આવતા જોઈ હતી..!"
પોતાનું નામ આવતા જ રૂખી ડોશીએ મોટેથી પોક તાણી. ડરના માર્યા તેમના શ્વાસ ફૂલી ગયા,અને ડોશી જમીન પણ બેસીને કપાળ કુટતી બોલવા લાગી, "મારે તો ધરમ કરવા જાત ધાડ પડી..!"
પણ રૂખી ડોશીનું નામ આવતા ગજરીથી ના રહેવાયું ને તેણે રમલાના નામની રાડ નાખીને કહ્યું, "રમલો ખોટું બોલે છે, મેં મારી સગી આંખે રાત્રે તેને આ બાજુથી ગામમાં આવતા જોયો હતો.!"
રમલો ગુસ્સામાં બરાડતાં બોલ્યો, "ગજરી.. બંધ કર તારું મોઢું , તું બાઈ માણસ ના હોત તો આ આરોપ માટે તારા દાંત તોડી નાખત..!'"
રમલાની વાતમાં ટાપસી આપતો કોદર બોલ્યો, "ખોટી સફાઇયો ના માર ગજરી, નક્કી તે અને તારા કોઈ સગલાએ આ કાવતરા કર્યું હશે. મેં જાતે તને ભાળી છે..!"
પછી તો... ગજરીએ કોદર અને રમલાને તેમની સાત પેઢી સુધીની ગાળો ચોપડવાનું શરૂ કર્યું.
બધી મગજમારી વધેલી જોઈને કાનજીએ પાછો પેલો ફણગો મુક્યો, "બધા અંદરોઅંદર ઝઘડયા વગર એટલી બુદ્ધિ લગાડો કે રૂપલો અડધા ગામનો દેવાદાર છે, તેને પૈસાની જરૂર હતી, એટલે રૂપલાએ જ આને લૂંટીને મારી નાખ્યો હશે. બાકી તમે જ વિચારો. રૂપલો જંગલ બાજુ કેમ ગયેલો? એ તરફ એનું કોઈ ખેતર જ ક્યાં છે..?
કાનજીની આવી અવળવાણીથી હવે રૂપલો અને એની વહુ કાગારોળ કરવા લાગ્યા.
એટલામાં ગામનો એકમાત્ર ભુવો ભીમજી ક્યાંકથી આવી ચડ્યો અને બોલ્યો, " કંઈ નહિ, મારી માતા તેનો ન્યાય કરશે. રૂપલો ઉકળતા તેલમાં હાથ નાખે, જો તે સહેજ પણ દાઝે નહિ તો એ નિર્દોષ...!"
ભુવાની વાતમાં બધાએ હાજીયો પૂરાવ્યો.
પણ, એમ થતાં....મુખીને પોતાનો વટ ઓછો પડતો લાગ્યો.
એટલે મુખી તરત બોલ્યા, "એ પહેલાં ભુવાજી પોતે એ તેલમાં હાથ નાખીને પોતાના સતનો પરચો આપશે, હે ને ભુવાજી..!'"
મુખી આવું બોલ્યા કે ભુવો બગડ્યો.
હવે ભુવો અને મુખી ઝગડવા લાગ્યા.
ભુવો બોલ્યો , "તમનેય મારી માતા જોઈ લેશે,"
મુખીએ વળતું સંભળાવ્યું, "જાને છાનોમાનો, ખોટા ધતિંગ કર્યા વિનાનો..!"
બધી ધમાલની મજા લેતો કાનજી બોલ્યો, "મુકો બધી માથાકૂટ, હું હમણાં મોટા ગામના થાણેથી પોલીસ લઈ આવું છું., પોલિસ જાતે જ શોધી કાઢશે કે ખૂની કોણ છે અને લાશ ક્યાં ગયી..!"
પોલીસનું નામ સાંભળતા હવે રૂપલો ગભરાયો.
તેણે મનોમન વિચાર્યું, "પોલીસ આવશે તો નક્કી આ બધા મારુ જ નામ લેવાના, મેં સૌ પ્રથમ લાશ જોઈ એજ મારો ગુનો, મારી પણ ક્યાં મતિ મારી ગયી હતી..?' એટલે મનોમન પોતાના નસીબને દોષ દેતા તેણે કહ્યુ, "હું દીવો ઉપાડવા, ઉકળતા તેલમાં હાથ નાખવા તૈયાર છું, પણ પોલીસ ના બોલાવશો.!'
રૂપલાની મક્કમતા જોઈ જીવાડોસા બોલ્યા, "બધી માથાકૂટ મુકો, આપણે કંઈ કરવું નથી, પોલીસને બોલાવવી નથી, અને લાશ હવે છે નહીં...પણ જે ઘટનાઓ ઘટી એના આધારે દોષી રૂપલો કહેવાય. પોલીસને બોલાવ્યા કરતા આપણે ગામવાળાએ જ આનો ન્યાય કરવો પડશે. માટે સાંભળો.. આપણે સગી આંખે રૂપલાને આ કાળું કર્મ કરતા જોયું નથી. પણ, તેનું ખેતર એ બાજુ ના હોવા છતાં તે એ બાજુ ગયો એટલે શકના આધારે તેને ગુનેગાર ગણીને તેને ચબૂતરે બે મણ બાજરી નાખવાની સજા કરવામાં આવે છે, તેમ જ બાર મહિના સુધી દર પૂનમે બ્રાહ્મણને તેણે સીધું આપવું અને ગામના બન્ને મંદિરે કચરા પોતું અને સાફ સફાઈ કરવી..!"
રૂપલો બોલ્યો, "કચરા પોતું અને સીધુ કબૂલ...પણ ,બે મણ બાજરી ક્યાંથી લાઉ ? પછી હું ખાઈશ શુ..? અહીં ધાન જ માંડ પાકે છે તો...!',
જીવાકાકા બોલ્યા , "એ તું જાણે અને તારું નસીબ જાણે, તારું ખેતર નહોતું તોયે તું લાશ પડી હતી એ બાજુ ગયો જ કેમ...?
લાચાર રમલાએ આ અજીબ ન્યાયાલયની સજા સ્વીકારી.
પછી તો,
લોકોએ રૂપલાને ખોડીયાર માતાની દેરીએ લઈ જઈને તેની જોડે ઉપરોક્ત બાબતના સમ પણ લેવડાવ્યા.
પણ,
પેલો કાનજી એમ અવળચંડાઇ છોડે..? તેને આ બધી ક્રિયાઓમાં ગમ્મત પડતી હતી.
તે બોલ્યો, " પણ,તો લાશ ક્યાં ગયી..? તેનું શુ થયું..?

જીવકાકાએ મહાન ન્યાયશાસ્ત્રીની જેમ કહ્યું, "જે શરીરના ખૂન માટે ખૂની મળી ગયો હોય, તેમ જ તે માટે ખૂનીને સજા પણ જાહેર કરી દેવામાં આવી હોય, તેં મૃત શરીરને શોધવાની બાદમાં કોઈ જરૂર રહેતી નથી..!"
લોકોને હજુ જીવકાકાની વાત મગજમાં ઉતરી જ હતી એટલામાં કા'ભાઈ ગોરે પોતાનું ધર્મજ્ઞાન ડહોળતા બોલ્યા, "આ તો થઈ ન્યાયની વાત, પણ આપણાં ગામમાં માણસ મર્યો, તેની સજા પણ નક્કી થઈ. લાશ ના મળવાથી તેની અંતિમવિધિ ભલે ના થઇ પણ...કારજ તો કરવું જ જોઈએ. નહિ તો ગામ આખાને પાપ ચડશે અને છપ્પનીયા કાળ જેવા દુકાળના વર્ષો બેસશે...!"
ફરી ભોળા ગામલોકો વચ્ચે ચર્ચાઓ થઈ.
આખું ગામ કામધંધો છોડીને દુષ્કાળ જેવી કુદરતી હોનારતથી બચવા અને આવી પડેલા પાપના પ્રાયશ્ચિત માટે આગળ શું કરવું તે અંગેના સૂચનો માટે બેસી ગયું.
આખરે..
મુખી, કા'ભાઈ ગોર અમે બીજા એક-બે વડીલોના મંતવ્યના આધારે નક્કી થયું કે ગામમાં ઉઘરાણુ કરીને તે મરી ગયેલ વ્યક્તિ પાછળ બારમું ,તેરમું બધી વિધિ કરવામાં આવશે, એ બાબતે કોઈનો વિરોધ ચાલશે નહિં. વળી, તે પૂજામાં યજમાન તરીકે રૂપલાએ બેસવું એવું પણ નક્કી થયું.
નાનકડા ગામના એ ભોળા લોકો પોતાની જ રીતે ન્યાય, ધર્મ અને સમાજ વ્યવસ્થાની ચર્ચા કરતા છુટા પડ્યા.
** ** **

હવે એ રાતની વાત જુઓ..
અચાનક વહેલી પરોઢે એ વ્યક્તિ હોશમાં આવ્યો હતો. તેણે જોયું, કોઈએ તેના માથે ચાદર ઓઢાડી હતી. તેની બાજુમાં ઘી અને દૂધ, ગોળ પડ્યા હતા. એમેય તેને બરાબરની ભૂખ લાગી હતી. ભગવાનનો પાડ માનતો તે આ બધું આરોગી ગયો. હવે તેનામાં થોડી શક્તિ આવી. તેને યાદ આવ્યું. હા, પોતે શહેરથી પોતાના શેઠની બાઇક લઈને વતન જવા નીકળ્યો હતો. રસ્તામાં બે ગુંડાઓને તેને રોક્યો હતો. તેઓથી બચવા તે ઝાડીઓમાં ભાગેલો પણ ગુંડાઓએ તેને પકડીને માર મારીને લૂંટી લીધેલો. અને બાદમાં બચવા માટે અંધાધૂંધ દોડતો તે સખત મારના લીધે જડવત થઇને આ જગ્યાએ બેભાન થઈ ગયો હતો. છેક હવે ભાનમાં આવ્યો હતો. તેણે ગામ તરફ અને ઝાડીઓ તરફ જોયું . તેને મુખ્ય ધોરી માર્ગની દિશા યાદ આવી.
તે ગામથી મુખ્ય રસ્તા તરફ ચાલ્યો. ચાલ્યો નહિ..લગભગ દોડવા લાગ્યો.
હા... તેનું જલ્દી પોતાના ગામ પહોંચવું જવું જરૂરી હતું. કારણ કે તેનો બાપ મૃત્યુ પામ્યો હતો. સવારે તેણે અગ્નિસંસ્કાર કરવાના હતા. પોતે બાપના મૃત્યુ પાછળના કારજ માટેના પૈસા લઈને જ નીકળ્યો હતો અને લૂંટારાઓનો ભોગ બન્યો હતો.
ખેર, જેમ તેમ કરીને તે મુખ્ય ધોરી માર્ગ અને બાદમાં સવાર સુધી પોતાના ગામ પહોંચ્યો હતો. ત્યાં પોતાના ગામલોકોની સહાયથી તેણે બાપના અગ્નિસંસ્કાર કર્યા હતા. તેણે પોતાની ઘાયલ અવસ્થાના ખુલાસારૂપે પેલી લૂંટવાળી વાત જણાવી હતી. ગામના અત્યંત ગરીબ બાપના એ છોકરાને એક વડીલે કહ્યું કે , "બેટા પ્રકાશ, થવાનું હતું તે થઈ ગયું. ભગવાને તારો જીવ બચાવ્યો, છતાંયે તું તારા બાપના અગ્નિસંસ્કાર કરી શક્યો એ શું ઓછું છે.? તારી પુંજી લૂંટાઈ ગયી છે, તેથી તારે તારા બાપ પાછળ કોઈ ખોટું કારજ કરવાની જરૂર નથી, અમે જાણીએ છીએ કે તું શહેરમાં કોઈ શેઠના ઘેર કચરા પોતા કરીને ગુજરાન ચલાવે છે. તું તારે નિશ્ચિત થઈને શહેર જા, પણ બીજું કાંઈ ના કરે તો કઈ નહિ, પણ બની શકે તો તારા બાપની પાછળ દર મહિનાની પૂનમે કોઈ ગરીબ ગુરબાને જમાડજે..!"
ગામલોકોનો આભાર માનતો, સૌને હાથ જોડીને પગે લાગતો પ્રકાશ શહેર જવા રવાના થયો હતો.
** ** ** **
આ બાજુ..
પેલા ગામમાં...
બરાબર બારમા દિવસે રૂપલો યજમાન બનીને પેલી અજાણી લાશની પાછળ બારમું - તેરમું કરી રહ્યો હતો. અને ગામલોકો લાડવા જમી રહ્યા હતા. કા'ભાઈ ગોર મનોમન દક્ષિણામાં મળેલા રૂપિયા ગણતા હતા.

બીજી તરફ શહેરમાં...
પેલો યુવક પ્રકાશ પોતાના બાપની પાછળ કારજ ના કરી શકવાથી આંસુ સારી રહ્યો હતો.
** ** ** **
એ પછી એક વર્ષ સુધી દર પૂનમે..
રૂપલાએ ગામના બંને મંદિરે કચરા, પોતું ય કર્યું અને કા'ભાઈ ગોરને સીધુ ય આપ્યું.
તો, પેલી તરફ શહેરમાં...
પ્રકાશ પણ આખું વર્ષ દર પૂનમે...
શેઠના ઘેર કચરપોતું પતાવીને પોતાના પગારની બચતમાંથી ખાવાનું ખરીદીને ગરીબોને ખવડાવતો રહ્યો.
*** *** **
આખું ગામ રાજી હતું.
કેમ કે આ વર્ષે ખેતીમાં સરસ પાક ઉતર્યો હતો. વળી વરસ દરમિયાન આખા ગામમાં કોઈ બીમાર નહોતું પડ્યું એ નફામાં.
આમ, બાકી બધું તો ઠીક રહ્યું પણ...
કરમની કઠણાઈ કહો કે વિધિ વક્રતા કહો...
પ્રકાશના મરેલા બાપનું તો બારમું ના થયું પણ...પ્રકાશ જીવતો હતો તો ય તેનું બારમું થઈ ગયું.
એક રીતે કહો તો જાણે કે તેની જીવતચર્યા થઈ ગયી હતી.


*-- અનિરુદ્ધ ઠક્કર "આગંતુક"*
*09328947741*