Memorial books and stories free download online pdf in Gujarati

સ્મૃતિકાળ



સાચું કહું તો આજે મને ખુબ જ શરમ આવતી હતી.
મારા પતિ રાજેશ મને પિયરમાં મુકવા આવ્યા હતા.
મને પેટમાં અચાનક દુઃખવા લાગ્યું અને થોડીક બેચેની થવા લાગી એટલે દવાખાને ગયા. ત્યાં ડો. સીમાબહેને કહ્યું ,"લિપિ, તું મા બનવાની છે."

અજીબ ઝણઝણાટી થઈ હતી તે વખતે. મારા પતિ રાજેશ તો મને પિયરમાં મૂકીને ઘેર ગયા.

પણ હું અહી આવી છું, એ જાણીને જનાર્દન(મારા સખા) મને મળવા જરૂર આવશે.

જનાર્દન મારા મોટાભાઈ નિલેશના મિત્ર હતા. અને મારા તેઓ અનુપમ સખા હતા.

એક અજીબ આત્મીયતાથી હું તેમની સાથે જોડાઈ ચુકી હતી.
તેઓ આવે એટલે કોઈ પણ ચર્ચામાં પોતાનો મત પ્રગટ કરી દે. તેમનો દ્રષ્ટિકોણ અલગ જ હોય, વિશિષ્ટ હોય. તેઓ મને ખુબ જ ગમતા.

મારે તેમને કૈક પૂછવું હોય તો , હું તેમની પાછળની બાજુ રહીને જ પૂછું.

શી ખબર કેમ, મને તેમની ખૂબ શરમ આવતી. મારા લગ્નમાં સૌથી વધુ દોડાદોડ તેમણે જ કરેલી.

તેઓ મને ઘણી બધી બાબતે અદ્ભૂત લાગતા. મારા પ્રત્યેની તેમની અપાર લાગણી મને વર્તાતી.

મને તેમની એટલી શરમ લાગતી કે, હું કયારેય તેમની સામે આવતી જ નહીં. અને હવે આજે સ્થિતિમાં તો જયારે હું મા બનવાની છું. હું તેમની સામે જઈશ જ કેવી રીતે ? અરે.. કોઈક આવ્યું લાગે છે. હું પછી વાત કરું...હો ને..

* * *

અને તેઓ જ આવેલા. હું સંતાઈ ગયી. તેમણે મને કહ્યું," બહાર આવ, હું તને જોવા માંગુ છું.મને ખબર છે, તું આજે ખૂબ જ સુંદર લાગવાની...!!
હું તેમની વાત સમજી નહીં અને બહાર ય ના નીકળી.

તેમણે કહ્યું,"ભલે, પણ પાણી તો આપ. બહુ તરસ લાગી છે."

ખલાસ.

પાણી આપવા માટે તો બહાર જવું જ પડશે.
એમ ય ઘરમાં કોઈ જ નહોતું. અને હોત તો ય મારે જ આપવા જવું પડત.
તેઓ જયારે અમારા ઘેર આવે ત્યારે મારા હાથે જ પાણી પીતા.
મારા ઘરના બધા જ સભ્યોની સામે જ જનાર્દન હમેશા કહેતા,"લિપિ આપશે તો જ હું પાણી પીશ, કોને ખબર કદાચ તેના હાથનું પાણી પીને મારો અવાજ પણ તેના જેટલો સુંદર બની જાય..!"

લો બોલો.
આવા અજીબ તર્કના નામે તેઓ બીજા કોઈના હાથનું પાણી ના પીતા.
પણ હકીકત એ હતી કે, હું તેમને માત્ર ત્યારે જ જોવા મળતી.
અન્યથા હું છુપાઈ જ રહેતી.

ને, હું પાણી લઈને ગયી.
તેઓ મારી સામે જોઈ રહ્યા.
હું નીચી નજરે ઉભી રહી. તેઓ ગ્લાસને અડયા જ નહીં.

હું શરમથી રડવા જેવી થઈ ગયી.,"લઇ લો ને પાણી...!," મારાથી એટલું જ બોલાયું.
જનાર્દન બોલ્યા ,"મારી સામે જો ."
મેં જોયું.
હું શરમથી રડી પડી અને તેમના પગ પાસે બેસી ગયી.
તેઓ ધીમું હસીને બોલ્યા,"હું જાણું છું , મને બજારમાં રાજેસજી મળ્યા, તેમણે મને જણાવ્યું."

ખલાસ.

હું ઉભી થવા ગયી.

તેમણે મને બેસાડી દીધી અને બોલ્યા,"હવેથી તારી સુંદરતામાં વધારો થવાનો.. સખી, આજથી તું એક શ્રેષ્ઠ સુંદર અનુભવનો સામનો કરીશ. ઈશ્વરે આ વરદાન અને ક્ષમતા માત્ર સ્ત્રીને જ આપી છે. માટે રડીશ કે શરમાઇશ નહીં. ચાલ, હું જાઉં છું. તને બહુ હેરાન નહીં કરું, બસ ? અને આટલું બોલીને તેઓ ગયા.

* * *

વળી પાછા કોઈ દિવસ આવીને મને કહેતા,"ચાલ, ગીત ગા જો."
અને વળી અચાનક જ બોલતા ,"જો તું તો જતી રહીશ તારી સાસરીમાં, પણ તારી દીકરીને તો હું જ રાખીશ ."

હું એમની પાછળ લપાઈને પૂછતી,"મારી દીકરી..? કેમ જાણ્યું કે દીકરી જ આવશે ?"

તેઓ કહેતા,"કેવી વાત કરે છે.. તારી આંખોમાં અત્યારથી તારી સુંદર દીકરીને હું જોઈ રહ્યો છું, વળી તેમાં મારો સ્વાર્થ પણ છે . દીકરી આવશે એટલે તે ગાશે પણ તારા જેટલું સુંદર જ. તેથી હું એને મારી પાસે જ રાખી લઈશ." બોલીને તેઓ ભાઈ જોડે ગયા.

* * *

મને તેમની વાતો ખૂબ જ ગમતી.

એક વાર આવીને જનાર્દને કહયુ ,"જો આ સમયે તારે એકલા એકલા ય ગાવું, બને તો શાસ્ત્રીય સંગીત આધારીત ગાવું , જેથી તારો અવાજ બાળકને વારસામાં મળે..!"

હજુ આવુ બોલીને ગયા.

અને, બીજે જ દિવસે મારો નાનો ભાઈ સુરજ મને એક પૅકેટ આપીને ગયો,"જનાર્દનભાઈ તારા માટે આ આપીને ગયા છે."

પેકેટમાં જોયું તો સંગીતના વાદ્યોની કેસેટ્સ હતી. જેમાં માત્ર સંગીતના વાદ્યો જ વાગે.
કોઈ ગાયકનો અવાજ ના હોય.
મેં આ વિશે તેઓ આવ્યા ત્યારે પૂછ્યું તો કહેવા લાગ્યા કે ,"મને તારો અવાજ અતિ પ્રિય છે, એટલે અન્ય કોઈના અવાજમાં ગીતો સાંભળવાનો તો સવાલ જ નથી. તું આ સાંભળજે અને ગાજે."

મારા અવાજ પ્રત્યેની તેમની ઘેલછા મારા પતિ રાજેશ કરતા ય વધુ હતી. જનાર્દન તેમની એ ઘેલછા બહુ જોરદાર રીતે વ્યક્ત કરતા.

* * *

ને આખરે એવું બન્યું.
હું એક સુંદર બાળકીની માતા બની.
શુ ખરેખર તેમને મારી આંખોમાં મારુ બાળક દેખાઈ ગયું હતું ?"

મારી પ્રસુતિ સરળ નહોતી. પેટ ચીરવું પડ્યું હોવાથી શરીરમાંથી સારા એવા પ્રમાણમાં લોહી વહી ગયેલુ. લોહીની જરૂર પડશે તેવું ડોકટર બોલ્યા જ હતા, અને જનાર્દન હાજર. તેમણે લોહી જમા કરાવેલું.

ખેર,
આ બધી વાતો મને બાદમાં હું દવાખાનેથી રજા લઈને ઘેર આવેલી ત્યારે મારી માએ કહેલી.

મેં જનાર્દનને આ વિશે પૂછ્યું તો તેઓ બોલ્યા," થોડુંક ઊલટું થઈ ગયું, ખરેખર તો તારી પાસેથી મારે લોહી લેવાનું હતું. એમ કરવાથી મારો અવાજ તારા અવાજ જેટલો સુંદર થઈ જાત, અને તારા જેવુ લાગણી ભરેલું લોહી મારી રગોમાં દોડતું થઈ જાત, તે નફામાં.."

તેમની આવી વાતો મારા આત્માને ખૂબ જ આનંદ પમાડતી.
જનાર્દન સાચે જ વિશિષ્ટ હતા.

* * *

જનાર્દન મારી દીકરીને રમાડવા આવતા.
હજુ દસ દિવસની મારી દીકરીને કહેતા,"એ ય સ્મૃતિ, ચાલ ગા જો...મધુબન મેં રાધિકા નાચે રે...મારે તારો અવાજ સાંભળવો છે."

મેં પૂછયું ,"સ્મૃતિ..?

જનાર્દન બોલ્યા ," હા, મેં એનું નામ સ્મૃતિ રાખ્યું છે." કહીને ચાલતા થયા.

* * *
વળી બીજા દિવસે આવીને મને કહેવા લાગેલા ,"મને ગોળ મોઢાવાળી દીકરી જ જોઇયે હો. "

મેં પૂછ્યું ,"કેમ ?"

તેઓ કહે ,"એટલી ય નથી ખબર ?, ગોળ મોઢાવાળી સ્ત્રીનો અવાજ સુંદર હોય, તું પણ ગોળ મોઢાવાળી જ તો છે.."

લો કરો વાત.

તેમની આટલી સુંદર વાત સાંભળીને હું હસી પડી, અને બોલી ,"સખા, તો તમારે લોચો પડવાનો. સ્મૃતિ તો લંબગોળ મુખ ધરાવે છે ને ?"

તેઓ બોલ્યા ,"હજુ તે નાની છે, તું જોયા કર. બાળકના ચહેરાનો આકાર તો બે વરસ સુધી બદલાય."

અને સાચે જ જન્મે લંબગોળ મોઢું ધરાવતી મારી સ્મૃતિ નવમા મહિને ગોળ મુખ ધરાવતી ખૂબ જ સુંદર બાળકી બની ગઈ.
આટલી નાની વયે પણ તે પલંગ પર પડી પડી પોતાની નજર વડે બધાની વચ્ચે જનાર્દનને શોધીને એમને જ જોયા કરે છે.

"તારી છોકરી મને ધારીને જુએ છે, મને એની નજર લાગશે હો."જનાર્દન એવું બોલતા અને સ્મૃતિને ઉંચકીને કહેતા, "એ ય સ્મૃતિ ,ચલ ગા જો.. ફૂલો કા.. તારો કા.. સબકા કહેના હૈ...અરે..અરે..જો સ્મૃતિ હસીને હોઠ હલાવીને કૈક ગાવા માંગે છે.."

અને પછી અચાનક જ ગંભીર બનીને જનાર્દન બોલી ઉઠ્યા,"તારી આ સ્મૃતિ એક દિવસ સાચે જ મારા માટે સ્મૃતિ (યાદ) તો નહીં બની જાય ને. ? એ પણ તારી જેમ , તારા મીઠા અવાજની જેમ મને છોડીને સમાજની આ ભીડમાં ખોવાઈ તો નહીં જાય ને ? "

ઉદાસવદને તેઓ ગયા.

હું સ્મૃતિને ખોળામાં લઈને વિચારવા લાગી. કોઈપણ સંબંધને સામાજિક સંબોધનના નામ વડે જ જોડવા માંગતા આ સમાજને અમારી આ આત્મીયતાના સમીકરણો કેમ કરીને સમજાવવા..?મને મારા આ સખા એટલા તો ગમતા હતા કે મારું ચાલત તો હું તેમને દહેજમાં મારી સાથે મારી સાસરીમાં લઇ ગયી હોત.
પણ, આત્મિક સંબંધોને સમજે તેટલો ઉદાર આ સમાજ કયારેય થશે જ નહીં. અને ત્યાં સુધી કંઈ કેટલીય સ્મૃતિ અને લિપિ સમાજની ભીડમાં ખોવાતી જ રહેવાની.

-- અનિરુદ્ધ ઠક્કર "આગંતુક"


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED