આકાશ વિરુદ્ધ આકાશ અનિરુદ્ધ ઠકકર આગંતુક દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આકાશ વિરુદ્ધ આકાશ

*🌹આકાશ વિરુદ્ધ આકાશ 🌹*

*આખરે પ્રેમ શું છે..? આ સવાલનો જવાબ આપતી અને માનવીય મનની છેક ભીતરમાં રહેલી લાગણીઓ તેમ જ પ્રેમના તાણાવાણાને રજૂ કરતી આગંતુકની વાર્તા....*

આકાશ અખાણીની મથરાવટી મૂળથી જ મહિલાઓની બાબતમાં ખૂબ મેલી હતી. અનેક મહિલા સાથે તેના સંબંધો રહ્યા હતા.
તે બેફામ અને બિન્દાસ્ત જીવતો. સોશિયલ સાઇટ પર તેના પર કોમેન્ટ્સની ભરમાર ચાલતી, પણ તે તેની દરકાર ન કરતો.
કારણ કે તે પોતે એક મોટો પત્રકાર, વિવેચક, સ્ક્રિપ્ટ રાઇટર અને સારો હોસ્ટ પણ હતો.
વળી, તે બેહદ હેન્ડસમની સાથે સાથે સારી એવી મિલકતનો માલિક પણ હતો. જિંદગીની મજા લૂંટવી તેનો મંત્ર હતો.
કીર્તિ, પ્રતિષ્ઠા, પૈસો બધું જ તેની પાસે હતું.
અને, હા તે સિંગલ હતો. લગ્નના બંધનમાં પડવા માંગતો નહોતો. એ વાત અલગ હતી કે રાધા નામની એક યુવતી સાથે તેના બાળપણમાં જ લગ્ન થઈ ગયા હતા. પણ તે વર્ષો પહેલા યુવાવયમાં રાધાને છોડીને અમદાવાદમાં આવી ચુક્યો હતો. જયારે રાધા હજુ પાંત્રીસ વર્ષની ઉંમરે તેની રાહ જોઇને બેઠી હતી.
તે વર્ષોથી આકાશને પત્રો લખ્યા કરતી. તેણે લખેલા તમામ પત્રો કવર ખુલ્યા વિના જ આકાશના કબાટમાં જમા થાય કરતા હતા. આકાશ અખાણી સુંદર સ્ત્રીઓનો બંધાણી હતો.
તે મુક્ત પ્રેમમાં માનતો. તે હમેશા જાહેરમાં કહેતો, "સંસારમાં સૌથી લોભામણી લાગણી કોઈ હોય તો તે બે વિજાતીય શરીરોની એકબીજા પ્રત્યેની આકર્ષણની લાગણી છે..!"

આવી પ્રકૃતિ ધરાવતો આકાશ અખાણી આજે વિશેષ ખુશ હતો, ને કેમ ના હોય ? ગુજરાતની સર્વશ્રેષ્ઠ એવી ત્રણ પ્રતિભાશાળી, વિખ્યાત અને સુંદર મહિલાઓનો તે ઇન્ટરવ્યૂ લેવાનો હતો.
ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓના સંયુક્ત ઉપક્રમેં યોજાયેલા યુવક મહોત્સવના સમાપન સમારંભમાં આકાશ અખાણી આ મહિલાઓની સાથે એક પ્રેમ અને લાગણી વિષય પર ચર્ચા કરવાનો હતો.
આકાશ અખાણી તેઓને પોતાની તરફ આકર્ષવાનો એક પણ મોકો છોડવા માંગતો નહોતો.
અને સવાલ પણ તેની પાસે તૈયાર જ હતો ને? એ જ તેનો પસંદગીનો સવાલ. લોભામણી લાગણી એટલે શું ? શરીરના પ્રેમ અને મનની લાગણી/પ્રેમમાં ફરક શુ..?
અને, આકાશ અખાણી રુઆબ, અભિમાન અને તેની ગૌરવપૂર્ણ અદાઓ સાથે સમારંભ સ્થળે પહોંચ્યો હતો.

** ** **

આખો હોલ શ્રોતાઓથી ખીચોખીચ ભરેલો હતો.
હાસ્તો... અને હોય જ ને..?
આકાશ અખાણી ભલભલા સેલિબ્રિટીસને સ્પષ્ટ અને બેબાક સવાલો પૂછવા માટે મશહૂર હતો.
આજે અહીં અતિથિવિશેષ તરીકે પહેલા હતા ગુજરાતી સિનેમાના મુખ્ય અભિનેત્રી લિપિ વિરાણી, બીજા મહેમાન હતા ગુજરાતી સાહિત્યરત્ન એવોર્ડ વિજેતા લેખિકા આશકા ચૌધરી. ને ત્રીજા અતિથિવિશેષ હતા ચિત્રકાર રજની ત્રિવેદી. તેમના ચિત્રો લાખો રૂપિયામાં વેચાતા.
અને...
શ્રોતાઓની ઉત્તેજના વચ્ચે આકાશ અખાણીએ આભાર વચનો પૂર્ણ કર્યા બાદ લિપિ વિરાણીને ઉદ્દેશીને પૂછ્યું, "સૌ પહેલા હું માનનીય લિપિ વિરાણીને પૂછીશ કે મનની કંઈ લાગણી તેમને વિશેષ લોભાવે છે ? વળી, સ્ત્રી અને પુરુષના પ્રેમમાં શરીરનું મહત્વ કેટલું..?"
લિપિજીએ હાથમાં માઇક લઈને બોલવાનું શરૂ કર્યું, " સૌની જેમ હું પણ માનું છું કે સૌથી લોભામણી લાગણી પ્રેમ છે, એ વાત અલગ છે કે મને પ્રેમ થયો કોઈના શરીરની લોભામણી લાલચ સ્વરૂપે. હું મારાથી ઉંમરમાં દસ વર્ષ મોટા વ્યક્તિ પૃથ્વી તરફ આકર્ષિત થઈ હતી. તે અત્યંત રૂપાળો હતો. તે તેની હેરસ્ટાઇલ બદલતો રહેતો. મારી જિંદગીની પ્રથમ ખુશનુમા સવાર બનીને તે આવેલો. તે મારા પર મનોવૈજ્ઞાનિક અધિકારો જતાવતો. મારી જિંદગીને સફળ બનાવવાનું ભૂત મારાથી વધુ તેના પર ચડેલું રહેતું. તે અલૌકિક વાતો કરતો. હું તે હદે તેનાથી આકર્ષાયેલી કે હું ઇચ્છવા લાગી હતી કે તે જ મારો પ્રથમ પુરુષ અનુભવ બને. પણ શારીરિક પ્રેમની વાતથી તે ભાગતો અને માનસિક અધિકારો ભોગવતો. પરિણામે, તેને ના પામી શકવાની હતાશાને લીધે હું તેનાથી દૂર થઈ ગયી. તેણે મારા માટે કરેલા પ્રયત્નોથી જ આજે હું સફળ છું. એ અદભુત હતો, પણ કૈક હદે વિચિત્ર હતો, તે મારી મીઠી તડપ હતો અને છે."
લિપીજીના જીવન અનુભવની રજૂઆતને શ્રોતાઓએ તાળીઓથી વધાવી લીધી.
આકાશ અખાણી કંઈક બોલવા માઇક હાથમાં લેવા જઈ રહ્યો હતો, પણ તે પહેલાં આશકા ચૌધરીએ કહ્યું કે, "માફ કરજો, આકાશ, હું લિપીની વાતથી ઉત્પન્ન થયેલાં લયને આગળ વધારવા માંગુ છું, કેમ કે મારો અનુભવ પણ કંઈક આવો જ છે. મારા શરૂઆતના જીવનમાં સાગરનો ખૂબ જ ફાળો હતો. હું ખુશ હતી કે મારે આવો સ્વજન હતો. તે દોસ્ત, પિતા અરે છેલ્લે મા પણ બની જતો. મને યાદ છે કે તે કાળા રંગના કપડાં વધારે પહેરતો. કાળો રંગ આંતરિક ખુશીને પ્રગટ કરે છે, એવું તે માનતો. મનોમન હું તેના જેવો પતિ ઈચ્છતી. ને યુવાન થતાં મને ખબર પડી કે હું ચાર વર્ષની અનાથ બાળકી હતી ત્યારે તેણે રસ્તામાંથી ઉઠાવીને એક નિઃસંતાન પરિવારને સોંપેલી. મારા ઉછેરનો ખર્ચ તેણે જ ઉઠાવેલો. આ માહિતી મળતા હું તેના જ પ્રેમમાં પડી ગઈ હતી. પણ, મારી ચાહતના ઇઝહારથી તે મારા પર સખત ગુસ્સે ભરાયો. મેં બચાવમાં તેને કહેલું કે હું કંઈ તેની દીકરી કે સગી નહોતી. પણ, તે મારા તર્કને સમજવા તૈયાર નહોતો, અને તે મને છોડીને હંમેશા માટે જતો રહ્યો. મને નિખાલસતાથી કહેવા દો કે તેને પામવાની લોભામણી લાગણી આજે ય મને તડપાવે છે. તેણે મને પામવી હોત તો તેના માટે સાવ આસાન કાર્ય હતું. પણ..તે અલગારી હતો, અલગ હતો, એક રીતે કહું તો અમુક બાબતોમાં તે સાવ નિર્મોહી હતો...!"આટલું બોલીને આશકાજીએ ઊંડા નિસાસા સાથે વાત પૂર્ણ કરી.
બાદમાં ,
આકાશ વિરાણીના આગ્રહથી રજનીજીએ માઈક હાથમાં લઈને પોતાનો અનુભવ કહેવાનું શરૂ કર્યું, "હું પણ મારા પ્રથમ પ્રેમાનુભવને જ મારી લોભામણી લાગણી કહીશ. શરૂશરૂમાં હું નોકરી કરતી ત્યારે અચલ મને મળેલો. અજીબ રંગોના ચશ્માં અને ભડકીલા રંગના કપડાંનો તે શોખીન હતો. તે શબ્દોથી અજીબ શ્રુષ્ટિ રચતો. તે મારુ ખૂબ ધ્યાન રાખતો. કયારેક ચાલતા ચાલતા હું થાકી જાઉં તો રીતસર મને તેના ખભે ઊંચકીને તે ચાલતો. હું તેના ગાલ ખેંચતી. તે જોરથી ફુંદરડી ફરાવીને મને ડરાવતો. ડરની મારી હું રડી પડું તો મને હસાવવા તે ગલીપચી કરતો. ને હું ખૂબ હસતી, તેના સ્પર્શથી ઉઠેલી સંવેદનાઓ મને તેના તરફ આકર્ષતી. પણ, તે નિર્દોષ મસ્તી કર્યા કરતો. હું માનસિક રીતે તેની સાથે શરીરથી જોડાવા સજ્જ હતી છતાં એ બાબતે તે નિર્લેપ બની જતો. તે ધારત તો મારો શારીરિક ઉપયોગ કરી શક્યો હોત.પણ,તે અજીબ હતો. માત્ર બે મહિનાની ટૂંકી દોસ્તી બાદ કોઈ નાનકડી બાબતને અહમનો પ્રશ્ન બનાવીને તે જતો રહ્યો. મને લાગે છે કે પ્રેમ વિશેના મારા દબાણથી જ તે જતો રહેલો. પણ કંઈક તો હતું તેનામાં... કે મને તેની યાદ અપાવ્યા કરતું હતું, તે મારી અધૂરી તડપ હતો અને છે..!"આટલું બોલીને ઊંડા શ્વાસ સાથે રજનીજીએ પોતાની વાત પુરી કરી. સૌએ તાળીઓથી તેમની રજૂઆતને વધાવી.


પ્રેમ અને લોભામણી લાગણીઓ સાથે સંકળાયેલી આ ત્રણેય સન્નારીઓના જીવનના પ્રસંગો એકબીજાથી એવી રીતે જોડાયેલા હતા કે આકાશ અખાણી તેઓને ઉદ્દેશીને પૂછી બેઠા," શું આપ સૌ એકબીજાને અગાઉથી જાણો છો..? ભૂતકાળના મિત્રો છો..? આપ સૌ કદાચ કોઈ એક જ વ્યક્તિની વાત તો નથી કરી રહ્યાને ?"
ત્રણેય મહિલાઓ સાથે શ્રોતાઓ ય હસવા લાગ્યા.
આશકા બહેન બોલ્યા," ના.. ના.. સંસારમાં એક જ વ્યક્તિ થોડો એવો હશે..? એવા ઘણા હશે, વળી અમે ત્રણેય ક્યારેય જીવનમાં કોઈ દિવસ એકબીજાથી એ રીતે કનેક્ટ થયા નથી, હા અમે એકબીજા વિશે સાંભળ્યું જ છે..!!"


આકાશ અખાણીના મનમાં આ મહિલાઓના જીવનમાં આવેલા પુરૂષે ઇર્ષ્યાનો ભાવ જગાડ્યો હતો. પણ તેણે ખૂબ જ શિષ્ટતાપૂર્વક સૌનો આભાર માન્યો અને કાર્યક્રમની આગળ વધાર્યો હતો.
સમારંભ પૂરો થતાં સૌ ઘેર ગયા.

** ** **
પણ ,
આકાશ અખાણી બેચેન હતો.
તેની અંદરનો પત્રકારજીવ તેને કહેતો હતો કે, ' માનો ના માનો, ત્રણેય મહિલાઓની વાતો કોઇ એક જ વ્યક્તિના સંદર્ભમાં થઈ હતી. ભલે તે ત્રણે સ્ત્રીઓએ અલગ અલગ નામ દર્શાવ્યા હોય પણ જરૂર તે કોઈ એક જ વ્યક્તિ હતો. પણ તો પછી તે આવો કેમ હતો ? શા માટે તે સૌના દિલમાં પ્રેમ જગાવીને બાદમાં તેમને છોડી રહ્યો હતો? તે કેમ પોતાના નામ બદલીને જીવન જીવ્યા કરતો હતો ? આ રીતે તે કઈ લાગણી જીવતો હતો ? મારે શોધવું જ પડશે.!" વિચારતો તે નિંદ્રાધીન થયો.

અને....
એક અઠવાડિયામાં જ આકાશ અખાણીને તે વ્યક્તિને સંલગ્ન ઘટના મળી. મેઘાણીનાગર પોલીસ સ્ટેશનમાં બે સ્ત્રીઓએ ફરિયાદ નોંધાવેલી કે તેમનો પ્રેમી ભાગી ગયો હતો. પોલીસ એટલા માટે અવઢવમાં હતી કે બંને સ્ત્રીઓ એક જ પુરુષને પોતાનો પ્રેમી જણાવતી હતી અને તે વ્યક્તિને શોધવાની ફરિયાદ લખાવવા આવી હતી.

** ** ** **
આકાશ અખાણી તે બન્ને યુવતીઓની કહાની ય સાંભળી આવ્યો અને સમજી ગયો હતો કે આ તે જ વ્યક્તિ હતો. આકાશ અખાણી એ બંને યુવતીઓ પાસેથી તે વ્યક્તિ વિષે ઘણી માહિતી લઈ આવેલો. જેમ કે , તે વ્યક્તિ અત્યંત ખુબસુરત હતો. કાળા કપડાં પહેરવા વધુ પસંદ કરતો. તે સતત હેરસ્ટાઇલ બદલતો હતો. ચશ્માં અને કોન્ટેક્ટ લેન્સમાં રંગ બદલતો. ટૂંકમાં, તે પોતાનો દેખાવ બદલવામાં માહિર હતો.

વ્યક્તિગત રીતે આકાશ અખાણી રોમિયો જુલિયટ, દેવદાસ અને લૈલા મજનુના પ્રેમની મશ્કરી ઉડાવતો. તે પ્રેમને રમત સમજતો.
પણ હવે તે નવાઈપૂર્વક વિચારવા મજબૂર બની રહ્યો હતો, 'કેમ કે આ શહેરમાં જ એક એવો વ્યક્તિ પણ હતો જે સ્ત્રીઓના મનમાં પ્રેમ તો જગાડતો હતો, પણ તેઓના શરીરથી દૂર ભાગતો હતો....કેમ.? કોઈ આવી લોભામણી લાગણીને અંકુશમાં કેવી રીતે રાખી શકે.? અન્ય કઈ લાગણીની લાલચમાં તે આવું કરતો હતો.? એને શુ જોઈતું હતું ? આવું કરીને તેને શુ મળતું હતું?"

** ** **

અને ,
બીજી જ સવારે એક નવીન ઘટના બની. તે અજ્ઞાત અજનબીએ કુરિયર દ્વારા આકાશને એક પત્ર અને ડાયરી મોકલ્યા હતા. આકાશે તે પત્ર વાંચવાની શરૂઆત કરી.

"મહાશય આકાશ...
હું જાણું છું કે આપ મને શોધી રહ્યા છો. ગયા અઠવાડિયે હું પણ એ હોલમાં જ હતો, જ્યાં તમે આશકા, રજની અને લિપિના ઇન્ટરવ્યુ લઈ રહ્યા હતા. તમારી નજરમાં રહેલી જિજ્ઞાશાથી મેં પારખી લીધેલું કે તમને શક થઈ ગયો છે કે આશકા ,લીપી અને રજનીના જીવનમાં આવેલ અચલ, સાગર અને પૃથ્વી કોઈ એક જ વ્યક્તિ છે. તેથી મને વિશ્વાસ હતો કે આપ મને શોધવાનો પ્રયત્ન કરશો જ. ને આપ સાચા છો. હું જ પૃથ્વી, સાગર, અચલ અને પેલી બે યુવતીઓનો પ્રકાશ અને સૂરજ છું. તમને થતું હશે કે હું કેમ આવું કરું છું, નહિ.. ? તો સાંભળો, મારી બાળપણની ચાહત નંદિનીનીને મેં અમારા લગ્નના દિવસે જ એક અકસ્માતમાં ગુમાવી દીધી. જીવનભર હું તેનો જ રહીશ એવું વચન મેં આપેલું. પણ, પેલું કહે છે ને...કેટલીક લોભામણી લાગણીઓ. મને લાલચ હતી કોઈકના માસૂમ સાંનિધ્યની. હા..મારે કોઈનો કોમળ હાથ પકડીને બાગમાં ચાલવું હતું, કોઈક સાથે બાઇક પર લાંબી રાઈડ પર નીકળવું હતું, કોઈની સાથે તહેવારો ઉજવવા હતા. તેથી હું સ્ત્રી દોસ્ત બનાવતો. પણ, મારી મિત્રતાને તે સ્ત્રીના હૃદયમાં પ્રેમ જગાડતી ને હુ ભાગતો. કેમ કે મારા માટે શરીર ગૌણ છે. હું શરીરથી બંધાઈને કોઈની સાથે બેઇમાની કરવા નહોતો માંગતો. મારી લોભામણી લાગણી હતી, કોઈનું સાંનિધ્ય..., તમને સમજાય છે..? તમને નહિ જ સમજાય. કેમ કે હું પ્રેમ માટેના તમારા તર્કને જાણું છું. તમારા માટે પ્રેમ એટલે સ્ત્રીના શરીરનો ઉપભોગ છે, એ પણ હું જાણું છું. હવે તમને નવાઈ લાગે તેવી વાત કહું..? મારૂ સાચું નામ આકાશ છે. હા, આકાશ પૂજારા...મારુ ઓરિજિનલ નામ છે. એકસમાન નામ ધરાવતા હોવા છતાં આપણે કેટલા અલગ છીએ નહિ..? પણ, તમને એટલું કહીશ કે બની શકે તો તમારા સાચા પ્રેમને જાણજો, અને તે પ્રેમને પામવા પ્રયત્નશીલ રહેજો. મારી લૈલા તો આ જીવનમાં નથી રહી, શક્ય છે તમને તમારી લૈલા મળી જાય. અને હા, હવે હું તમને કયારેય નહિ મળું, કોઈની અધૂરી પ્રેમકહાનીરૂપે પણ નહીં મળું. કેમ કે હવે હું થાકી ગયો છું, ભાગીભાગીને. હવે મારે મારા આત્મા સાથે સાંનિધ્ય કેળવવુ છે... તો હવે આ પત્ર અહીં જ પૂરો કરું છું, આવજે મિત્ર. અને હા.. પત્ર સાથે મોકલેલી ડાયરીમાં મારી બાકીની જીવનકથા મળી જશે , કેટલાક સત્યો તેમાંથી મળી જશે..

એજ લિ.
છોડો...
નામ નથી લખતો. હાસ્તો..નામમાં શુ રાખ્યું છે, નહિ..?

પત્ર પૂરો થતાં જ આકાશ અખાણીનું આખું મનોજગત ફરી ગયું. ઊંડો શ્વાસ લેતા તે અંદરના રૂમમાં ગયો. બિન્દાસ્ત ,બેફામ જીવન જીવતા આકાશ અખાણીને આ આકાશની જીવનકથા ખૂબ જ સ્પર્શી ગયી. તે આખો દિવસ પોતાના રૂમમાં પડી રહ્યો. બાદમાં જાગીને તેણે પોતાની ઓફિસમાં એક મહિનો પોતે રજા પર જાય છે, એમ જાણ કરતો mail કરી દીધો.
અને,
થોડીકવાર પછી...
કાળા કપડામાં સજ્જ થતો આંખ પર રંગીન ગોગલ્સ ચડાવતો આકાશ અખાણી પોતાની બાળપણની પ્રેમિકા પત્ની રાધાને તેડવા માટે નીકળી પડ્યો. હંમેશા ચપટા વાળ ઓળતા આકાશ અખાણીએ આજે પોતાની હેરસ્ટાઇલ પણ બદલી નાખી હતી.

*-- અનિરુદ્ધ ઠકકર "આગંતુક"*
*09328947741, અમદાવાદ*