PREMRAH NA MUSAFARO books and stories free download online pdf in Gujarati

પ્રેમરાહના મુસાફરો

*💐પ્રેમરાહના મુસાફરો💐

મારી દોસ્ત અંજલિ તેના મંગેતર જોડે મોબાઈલમાં વાતો કર્યા કરતી. અમે બન્ને બસમાં સાથે અપડાઉન કરતા. અમે બન્ને એક જ શહેરમાં ખાનગી નોકરી કરતા અને આ બસમાં રોજ આવતા જતા. સગાઈ તો મારી ય થયેલી હતી. પણ મારો થનારો પતિ કંટાળાજનક સ્વભાવ ધરાવતો હતો. મારી સાથે ફોનમાં વાત કરવી, મને સરપ્રાઈઝ આપવી, મારી પ્રશંસા કરવી..આવું બધું એને ગમતું નહોતું , અથવા કહો કે આવડતું નહોતું.
હું એકદમ ચંચળ સ્વભાવની અને મારો થનાર પતિ સાવ જ શાંત હતો. મારો થનાર પતિ મનીષ ભણવામાં હોશિયાર હોવાથી સરકારી નોકરીમાં સીધો ઓફિસર તરીકે લાગેલો.
તે દેખાવમાં ખૂબ સાધારણ હતો જયારે મારા માટે લોકો કહેતા, "તૃપ્તિ, તું બેહદ ખુબસુરત છે,ભગવાને તને ખોબલે ખોબલે રૂપ આપ્યું છે..!"
અરે,
લોકોની વાત જવા દો ને..? લોકો શું કહે.?હું જ કહી દઉં લો..કે હું ખૂબ જ ખુબસુરત હતી. લોકો તો કંજૂસ છે. એમને ધરાઈને વખાણ કરતા ય જોર આવે છે. હું માનતી કે તેઓએ મારી ખૂબસુરતીના હજુ ખૂબ વધારે વખાણ કરવા જોઈએ. જો હું પુરુષ હોત અને મારા જેવી ખુબસુરત યુવતીના મારે વખાણ કરવાના હોત તો હું વખાણમાં સેંકડો કથાઓ લખી નાખત.
પણ , એ જે હોય તે..
હું બસમાં પગ મુકું એટલે બધી નજરો મારી પર આવીને અટકતી અને પછી મારી પર જ ટકી રહેતી. તેમનું મને આમ જોઈ રહેવું મને ગમતું.
હું ખૂબ જ ગર્વથી મારી સીટ પર જઈને ગોઠવાતી. મારી અંગત દુનિયાની જાણે કે હું રાજકુંવરી હતી. મને મળેલા રૂપ માટે હું મને ખુશનસીબ માનતી...
પણ..
જયારથી મારી સગાઈ થયી છે, મને મારા કરતાં વધુ નસીબદાર મારી દોસ્ત અંજલિ લાગતી. મને રીતસરની તેની ઇર્ષ્યા થતી હતી.
તેનો ફિયાન્સ તેઓની ખૂબસૂરત મુલાકાતો ગોઠવતો. અમે ઉતરવાના હોય તે બસ સ્ટેન્ડ પર તે ફૂલો લઈને સરપ્રાઈઝ આપતો ઉભો હોય, મારી દોસ્ત તેની આ સરપ્રાઈઝથી ખુશ થતી અને ફૂલો લેતી તેને વળગી પડતી. તેઓ બન્ને સાથે ખૂબ ફરતા, ખૂબ મસ્તી કરતા.
શરૂઆતમાં અંજલિ મારી સાથે ખૂબ વાતો કરતી પણ હવે તે તેના મંગેતર જોડે ચેટ કે કોલમાં જ વ્યસ્ત રહેતી.
અને..
હું બેચેન બનીને બારીની બહાર ખૂબ ઝડપથી ભાગ્યા કરતા વૃક્ષો, રસ્તાઓ જોઈ રહેતી. એક અજીબ બેચેની મારા તનમનને ઘેર વળતી. હવે મને બસની મુસાફરી યંત્રવત લાગતી. પણ શુ કરું ? મારા લગ્નને હજુ વાર હતી. ત્યાં સુધી આ મારે નોકરી કરવી પડે એમ હતી.

અને એ દિવસોમાં જ...

બસમાં એક અજીબ યુવાન આવતો થયો. તેનું નામ આકાશ હતું. કદાચ તે ય અમારી જેમ શહેરમાં ખાનગી નોકરીએ લાગ્યો હતો. બે દિવસમાં જ તેણે રોજીંદા અને નિયમિત આ બસમાં બેસીને નોકરીએ જતા મુસાફરો સાથે દોસ્તી કરી લીધી. તે બધાને હસાવતો રહેતો. કયારેક સૌને ચોકલેટ્સ આપતો તો વળી કયારેક બસમાં ય બલૂન ફુલાવીએ બધાને પકડાવી દેતો. તે આવી ઘણી અવનવી સરપ્રાઈઝ આપ્યા કરતો.
કોઈક પૂછે , "આકાશ, આ ચોકલેટ કઈ ખુશીમાં..?
એ કહેતો,"આજે મારો જન્મદિવસ છે..!"
પૂછનાર સામે પૂછે ,"પણ..એ તો ગયા મહિને હતો ને..?
તે કહેતો ," ઓહ, એવું હતું..? મને તો ખબર જ નહોતી..બોલો.., પણ, કઈ નહીં આજે ગુજરાતી તિથિ પ્રમાણે મારો જન્મદિવસ છે, તમે એમ સમજો..!" કહીને ખડખડાટ હસતો. બધા તેની આ અદા પર ખુશ થતા હસતા.
આ રીતે તમામ ધર્મ મુજબની તમામ તિથિઓ પોતાના જન્મદિવસના નામે વટાવીને તેણે બધાને અવનવી પાર્ટીઓ આપી હતી.
તેની આ અદાઓથી તે મારો ય દોસ્ત બની ગયો . તેનામાં એ બધા ગુણ હતા જે હું મારા મંગેતરમાં શોધતી હતી. હવે હું ખુશ રહેવા લાગી હતી. આ નવો અજીબ વ્યક્તિ મને ગમવા લાગ્યો હતો. એક રીતે કહું તો હું મનોમન તેને ચાહવા લાગી હતી. પણ, હું મને પોતાને જ મારી આ ચાહતનો એકરાર કરતા રોકતી. હા , કેમ કે મારી સગાઈ મારી મરજીથી થઈ હતી. એક બે સામાજિક મિટિંગ બાદ મેં જાતે જ મારા મંગેતર પર પસંદગીની મહોર લગાવી હતી. હવે હું પાછી વળી શકું તેમ નહોતી.
વળી, સમાજવ્યવસ્થાનો પ્રશ્ન ય હતો જ. હા..કેમ કે મારા પછી મારે નાની બે બહેનો ય હતી. તેથી મારા આ સંબંધનું ભવિષ્ય શું ? એ સવાલ પણ મને સતાવતો હતો. કોઈક ચમત્કાર જ મારા જીવનમાં આકાશને લાવી શકે એમ હતો. અન્યથા હું કોઈપણ રીતે આ સંબંધમાં આગળ વધી શકું તેમ નહોતી જ. તેથી મારી એ ચાહતને હું દોસ્ત માનીને તેની સાથે હસી લેતી. એ પળોને જીવી લેતી.
આકાશ મને ખુબ હસાવતો.
મારા ગાલ દુ:ખી જાય એટલું બધું હસાવતો. હું તેને કહેતી, "બસ હવે આકાશ મારા ગાલ દુઃખી ગયા, હસી હસીને મારુ પેટ ભરાઈ ગયું..!"
તે કહેતો, "પણ મારું દિલ નથી ભરાયું તેનું શું..? અને હસીહસીને ગાલના સ્નાયુઓ દુઃખે એ તો સારી નિશાની છે..તું બસો વર્ષની થઈશ ને તો ય તારા ગાલ આવા જ મસ્ત મસ્ત રહેશે.. ગુલાબી..ગુલાબી...!"
હું થોડીક શરમાતી અને પછી મસ્તીમાં બોલતી, "બસો વર્ષ.? ના રે... બાબા.. હું ખૂબ અશક્ત અને ઘરડી થઈ જાઉં પછી તો...!"

આકાશ બોલતો, "નદીની ઉંમર કોઈ દિવસ ના વધે, તૃપ્તિ.,અને સરિતા ઘરડી ય ના થાય.તે સદા યુવાન જ રહે..તું નદી જેવી છે, તું હમેશા આટલી જ ખુબસુરત રહેવાની..અને હું તો શરત લગાવવા તૈયાર છું કે આખી જિંદગી તને હસાવનાર કોઈ મળે તો..તું ચિરયૌવના જ બની રહીશ ...પાંચસો વર્ષ સુધી...!"
હું તેની આવી વાતોથી અચંબિત અને રોમાંચિત થતી. તે દિવસે આટલી વાતો કરીને અમે છુટા પડ્યા. હા...અમારું સ્ટેશન આવી ગયું હતું. તેના શબ્દો તેની વાતો હૃદયમાં ઝણઝણાટી જગાવતા હતા.
મેં કયારેય અંજલિને મારી આ લાગણી વિશે જણાવ્યું નહોતું. એમ પણ તેની પાસે સમય જ ક્યાં હતો કોઈની લાગણી કે વાત જાણવાનો, જોવાનો કે સમજવાનો.?તે ય પોતાની દુનિયામાં એકદમ મસ્ત હતી.
અને એક દિવસે..
આકાશે મને કહ્યું, "હું તને ચાહું છું, તૃપ્તિ.!"
સાથે સાથે આકાશની એવી ઇચ્છા હતી કે હું પણ તેની ચાહતનો એકરાર કરું..
ખલાસ...
હું હા પાડી શકવાની નહોતી અને મારી ના તેને ગમશે નહિ એ મને ખબર હતી. તેનો મારા પ્રત્યેનો અપાર સ્નેહ મેં અનુભવ્યો હતો.
હું જવાબ આપ્યા વગર બસમાંથી ઉતરીને ઘેર આવી ગઈ. મેં બીજા દિવસે ય તેને કોઈ જ જવાબ ના આપ્યો.જેટલી વાર મેં તેના તરફ નજર નાંખી. તેની આંખોમાં મને તે પ્રશ્ન જ વંચાયો.
મેં બે ત્રણ દિવસ સુધી તેને કોઈ જવાબ આપ્યો જ નહીં અને તેની સાથે હું બોલી જ નહીં.
તેથી તે મનોમન રિસાઈ ગયો. તેણે મારી સાથે બોલવાનું બંધ કર્યું , અને સદાય હસતો રહેતો તે ય હવે ઉદાસ રહેવા લાગ્યો.
હું એવી સમાજવ્યવસ્થા અને કુટુંબમાંથી આવતી હતી કે મારે મારી સગાઈ નિભાવવી પડે તેમ હતી. કોઈ ક્ષણીક સુખ મેળવવા માટે તેની સાથે હંગામી સંબધમાં બંધાઈને બાદમાં આખું જીવન હું દુઃખી થવા નહતી માંગતી કે તેને દુઃખી કરવા ય નહોતી માંગતી.
અને આમ જ...
અમે અલગ થયા..
હવે અમે બંને દુર દુરની સીટોમાં બેસીને બસની બારીની બહારની દુનિયા જોયા કરીએ છીએ ,ખાલીપાથી ભરેલું દિલ લઈને.
હવે બસમાં કોઈ કોઈપણ ધર્મની કોઈપણ તિથિ પ્રમાણે તેનો જન્મદિવસ ઉજવાતો નથી. મારુ અને તેનું જ નહીં બસના તમામ મુસાફરોનું જીવન યંત્રવત બની ગયું છે.
આ બસની જેમ જ યંત્રવત.
અમારી પાસે કાઈ વધ્યું નહોતું , બસ વધ્યું હતું તો..
એકબીજાની યાદો સાથેનો ઊંડો અધુરો ખાલીપો...!
મને હવે આ બસ ખાવા દોડતી હતી. મેં પિતાજીને અને મારી ઓફિસના સાહેબને વહેલી નોકરી છોડવા માટે મનાવી લીધા. મેં નોકરી છોડી દીધી.

** ** **

બીજા જ મહિનામાં મારા લગ્ન થઈ ગયા. લગ્નમાં છેક મારી વિદાયના સમયે અંજલિ આવી. મને વળગીને તે ખૂબ જ રડી. તેની મારા તરફની આટલી બધી લાગણી અને સ્નેહ જોઈને હું પણ ખૂબ રડી.
બાદમાં એકબીજાને છાના રાખતા અમે છુટા પડ્યા. હું પરણીને સાસરે આવી ગયી , મનીષ સાથે રહેવા..

લગ્નના એ દિવસની એ ધમાલમાં મને કંઈ નહોતું સમજાયું પણ....
હવે રહી રહીને મને એવું કેમ લાગે છે કે અંજલિના રુદનમાં કોઈ અલગ જ દુઃખની કથા હતી.?
તે આંસુ સામાન્ય આંસુ કરતા કેમ જુદા હતા..?
કયા દુઃખના હતા..?
તે આંસુમાં કયા વિયોગની કહાની હતા..?
તે આંસુ મને શુ કહેવા માંગતા હતા..?

** * **

લગભગ અઢી મહિના બાદ..

એક અજાણ્યા ભાઈની મદદથી બે મોટી બેગો જેટલો સામાન બસમાં ચડાવતીકને હું ગીતામંદિર બસસ્ટેન્ડથી મારા ગામ તરફ જતી બસમાં પ્રવેશી હતી.
હા ! હું મનિષને ,તેના ઘરને અને તેની દુનિયાને હંમેશની માટે છોડી આવી હતી.
તેના કાંટાળાજનક સ્વભાવને અનુરૂપ થવા મેં બહુ પ્રયત્ન કર્યો હતો. પણ ઉલ્ટાનો તે મને જ્ઞાન આપતો. પરિણામે અમારા બંને વચ્ચે ખૂબ ઝગડા થતા. તેથી મેં કંટાળીને કાયમી છુટા પડવાની વાત કરી તો મનિષે ખૂબ આરામથી મને કહી દીધું, "તૃપ્તિ ,તું તારી જિંદગી જીવી શકે છે, પણ..અલગ થઈને.. તારા મોમ ડેડ આગળ હું સામે ચાલીને છુટાછેડાનો પ્રસ્તાવ મુકીશ, તે માટેના કારણો દર્શાવીને દોષ હું મારા માથે લઈ લઈશ. એ સિવાય અન્ય કોઈ અપેક્ષા મારી પાસે ના રાખતી. બીજી એક શરત એ છે કે છૂટાછેડા પછી મારા જીવનમાં ફરી કયારેય સ્થાન નહીં મળે. હું જેવો છું તેવો બરોબર છું. મને આમ જ જીવતા ફાવે છે, એમ સમજ કે મારો આ જ અંદાજ છે..., 'તેના આવા અલ્ટીમેટમ પછી મેં ય એડજસ્ટ થવાનો ઘણો પ્રયત્ન કર્યો. પણ, જીવન આકરું લાગતું હતું. સ્નેહ ,અદા, અંદાજ અને લાગણી વગર વળી જીવન કેવું...?
ને અમે અલગ પડ્યા હતા. મનિષે એવી રીતે રજુઆત કરી હતી કે મારા માબાપને મારો કોઈ જ દોષ જ ના જણાયો. બધા 'નસીબના ખેલ છે' વિચારીને મારા માબાપે મને હંમેશ માટે ઘેર પાછા આવવા કહી દીધું .
અને,
હું આ બસમાં આવી હતી. મોટા ભાગની સીટો પર પેસેન્જર્સ હતા. મારી નજર છેક છેલ્લી છ જણની સીટ પર પડી .
ત્યાં મારી દોસ્ત અંજલિ અને આકાશ બેઠા હતા. અંજલિ અને મારી આંખ એક થઈ. હું તેની પાસે ગયી. મને ભેટીને અંજલિ ખૂબ જ રડી. તેના ગળામાં મંગલસૂત્ર લટકતું હતું. આકાશે ઇશારાથી અંજલિને કઈક કહ્યું. અંજલિએ હકારમાં માથું ધુણાવ્યું અને તે સાચવીને સીટ પર બેઠી. હવે મને સમજાયું કે અંજલિ પ્રેગનન્ટ હતી .
મારી આંખોમાં ઘણા સવાલો હતા. હું ઘડીક આકાશ અને ઘડીક અંજલિને જોઈ જ રહી હતી એટલામાં અંજલિએ પોતાની વાત કહેવાનું શરૂ કર્યું, "તૃપ્તિ ,આકાશને તો તું ઓળખે છે ને..? એ આપણી સાથે બસમાં જ મુસાફરી કરતો હતો..તે કદાચ જોયો ય હશે...
હું થોડુંક અટકીને જાણે યાદ કરતી હોય તેમ બોલી," હા.. એને જોયા હોવાનું મને યાદ આવે છે..!"
અંજલિ બોલી, "એ જ તો...આકાશને કોઈ એક વાર જુએ પછી કયારેય તેને ભૂલી જ ના શકે ને, એટલો અદભુત છે...એ..
હું બોલી, "ઓહ..એમ..? મને ખાસ તો કઈ યાદ નથી. પણ એક બે વખત એના જન્મદિવસની ચોકલેટ ખાધી છે...!"હું બોલી. આકાશ નિર્લેપતાથી બધું સાંભળી રહ્યો હતો.
તે એકદમ શાંતિથી બેઠો હતો.
બસમાં કૈક જર્ક(આંચકો) આવે તો તે અંજલિને પકડી સાચવીને પકડતો. તે મેં જોયું.
છેવટે આ બન્નેને આમ સાથે જોઈને મારાથી ના રહેવાયું એટલે મેં સીધું જ અંજલીને પૂછી લીધું, "તું અને આકાશ કેવી રીતે જોડે..?
અંજલિ બોલી, "ઓહ ..હા.. લે...તને મળવાની ખુશીમાં મુખ્ય વાત કહેવાની તો ભૂલી જ ગયી , આકાશ મારો પતિ છે. મેં અને આકાશે લગ્ન કરી લીધા. તને તો ખબર છે ને કે મારી સગાઈ થઈ હતી પણ મારા એ મંગેતરને તેની કંપનીએ ફોરેન મોકલ્યો , તે ત્યાં જ સેટ થઈ ગયો, ને એક દિવસ તેણે ફોનમાં જ અમારી સગાઈ તોડી નાખી. હું બસ રડયા જ કરતી, વળી મારી હાલત પણ એવી હતી કે..!" આટલું બોલતા બોલતા તેની આંખોમાં આંસુ ઉભરાયા.
આકાશે તેને પોતાના હાથે તે આંસુ લૂછયા અને ઇશારાથી શાંત રહેવા કહ્યું અને વોટરબેગમાંથી કાઢીને પાણી પીવા આવ્યું.
મેં જોયું આકાશ અંજલીની ખૂબ જ સંભાળ રાખતો હતો.
મારા ગામ પહેલા આકાશ અને અંજલિનું સ્ટેન્ડ આવ્યું ફરી વાર મને ભેટતી અને મારી વિદાય લેતી ને મને તેના ઘેર આવવાનું કહેતી અંજલિ ગયી.
આકાશ ખૂબ જ સાચવીને તેને લઈ ગયો.
હું તેઓને જતા જોઈ રહી. અંજલિ ખૂબ ખુશ લાગી રહી હતી. અંજલિ સાચે જ નસીબદાર હતી.
ઊંડો નિસાસો નાખતી બસની બહારથી ઝડપથી દોડી રહેલા વૃક્ષો હું જોઈ રહી. મનોમન આકાશ માટે હું એક ધારણા બનાવી રહી હતી કે ભલે ને તે અંજલીને સાચવાતો હતો.પણ હું તેના જીવનમાંથી ગયી કે થોડાક જ મહિનામાં મારી મિત્રને પટાવીને તેની સાથે પરણી ગયો. પુરુષ આખરે પુરુષ જ હોય છે...
પણ...
પણ.....હા...
મને તે વખતે ક્યાં ખબર હતી કે...
મારી દોસ્ત અંજલિને બે મહિનાનો ગર્ભ આપીને તેના મંગેતરે સગાઈ તોડી નાખી હતી. તે ક્યાંય નહોતો ગયો આ દેશમાં જ હતો. અન્ય કોઈ સાથે સગાઈ કરીને તે છોકરીને સરપ્રાઈઝમાં ફૂલો અને ગિફ્ટસ આપી રહ્યો હતો.
અને, આત્મહત્યા કરવા નીકળેલી અંજલીને આકાશે બચાવી હતી. અને ઇવન તે અંજલિના પેટમાં રહેલા કોઈ અન્ય પુરુષના બાળકનો બાપ બનવા પણ તૈયાર થઈ ગયો હતો.
મારા લગ્નમાં મારી વિદાય વખતના અંજલિના આંસુ મને છેક હવે સમજાયા હતા, પણ થોડીક જ વારમાં અંજલિ અને આકાશનો પ્રેમ યાદ આવતા મને એ આંસુ બનાવટી લાગવા લાગ્યા હતા.


*-- અનિરુદ્ધ ઠક્કર "આગંતુક"*
*09328947741*

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED