હાઇવે રોબરી 29
નાથુસિંહ ગાડીઓ સાથે રવાના થયો. જવાનસિંહ ગાડીમાં પાછળ પડ્યો પડ્યો પરિસ્થિતિનો તાગ લેવાની કોશિશ કરતો હતો. સૌથી પહેલા એક અન્ય ગાડી હતી. પછી પાછળ નાથુસિંહની ગાડી હતી. એની પાછળ બીજી ગાડીઓની લાઈન હતી...
પટેલ વસંતના ગામ તરફના રોડની સાઈડમાં જીપની લાઇટો બંધ રાખી રાહ જોતા ઉભા હતા. એમણે ખન્ડેર મંદિરથી મેઈન રોડ તરફ લાઈનસર જતી ગાડીઓને જોઈ. અને રાઠોડ સાહેબને મેસેજ મોકલ્યા. રાઠોડ સાહેબે આડા રોડને બન્ને બાજુથી લોકલ પોલીસ દ્વારા બ્લોક કરાવ્યો હતો. રાઠોડ સાહેબે લોકલ પોલીસને એલર્ટ કરી...
નાથુસિંહની ગાડીઓ બહારના રોડ ઉપર આવી અને જમણી બાજુ વળી ગઈ. એક સલામત અંતર રાખી પટેલ એમની પાછળ જ હતા. પટેલની પાછળ રાઠોડ સાહેબની જીપ પણ રવાના થઈ. રાઠોડ સાહેબે બન્ને સાઈડની લોકલ પલીસને ઈનફોર્મ કર્યું હતું. આગળની પોલીસ એલર્ટ હતી. અને પાછળની પોલીસ રાઠોડ સાહેબની પાછળ ફોલો કરી રહી હતી. લગભગ પાંચ સાત મિનિટમાં પાછળની પોલીસ રાઠોડ સાહેબ પાસે પહોંચી જવા સક્ષમ હતી.
હાઇવે નજીક ચાર રસ્તા પર નાથુસિંહ પહોંચ્યો. અને આગળની ગાડી ઉભી થઇ ગઇ. નાથુસિંહે માથું બહાર કાઢી આગળ જોયું. આગળનો રોડ પોલીસે બ્લોક કરેલ હતો. ચંદ્રના અજવાળામાં બધું સ્પષ્ટ દેખાતું હતું.
નાથુસિંહના મગજમાં હજુ પોતે ક્રાઇમ પોલીસ હોવાનું અભિમાન હતું. રજા ઉપર ઉતારવાની સાથે એની સર્વીસ રિવોલ્વર તો સાથે ન હતી. પણ દિલાવરે આપેલી જર્મન બનાવટની રિવોલ્વર એના પેન્ટમાં ખોસેલી હતી. પોતાને અને દિલાવરની ટીમને રોકવાની આ લોકલ પોલીસની હિંમત કેવી રીતે થઈ ?
નાથુસિંહ ગુસ્સામાં ગાડીની બહાર ઉતર્યો. અને રોડ બ્લોક કરી ઉભેલી પોલીસ કંપનીના ઓફિસર જોડે પોતાનો અને દિલાવરનો રોફ ઝાડવા લાગ્યો. એ પોલીસ ઓફિસર પણ વિચારમાં પડ્યો. આવડી મોટી બાબત હશે એ એના કલ્પના બહારની વાત હતી. પણ એક વાત સ્પષ્ટ હતી કે આખી વાત રાઠોડ સાહેબના અન્ડરમાં હતી. એને એટલી ખબર હતી કે રાઠોડ સાહેબ કે હેડક્વાર્ટરની પરમિશન વગર આમને જવા દેવાના નહતા...
રાઠોડ સાહેબે પાછળથી આવેલી પોલીસ વડે પાછળ નો રસ્તો બ્લોક કરાવી પટેલ સાથે આગળની બાજુ જીપ લઈ ગયા. નાથુસિંહની આખી ટીમ બન્ને બાજુથી ઘેરાઈ ગઈ હતી. નાથુસિંહની આખી ટીમ શસ્ત્રોથી સજ્જ હતી. પણ એ એક વાત પણ જાણતો હતો કે પોલીસ પર શસ્ત્ર ઉગામવાનો અર્થ એ હતો કે આખા રાજ્યની પોલીસને પોતાની દુશ્મન બનાવવાની. એના કરતાં વાટાઘાટોથી કંઇક રસ્તો કરવો વધુ યોગ્ય હતો. અને આ કામ દિલાવર સારી રીતે કરી શકે એમ હતો. નાથુસિંહે દિલાવરને ફોન લગાવ્યો...
નાથુસિંહની ગાડીનો ડ્રાયવર ક્યારનોય આ તમાશો જોતો હતો. અચાનક એની બાજુમાંથી બે પોલીસ જીપ આગળ ગઈ. એ સમજી ગયો કે આખો મામલો ગંભીર છે. એણે ગાડીની અંદરની લાઈટ ચાલુ કરી. જવાનસિંહ તરફ જોયું. જવાનસિંહના માથામાંથી નીકળેલું લોહી એના ચહેરા પર થઇ શર્ટ પર આવી જામી ગયું હતું. જામેલું લોહી જવાનસિંહને વિકૃત બનાવતું હતું. જવાનસિંહના શ્વાસ જોર જોરથી ચાલતા હતા. નાથુસિંહના ડ્રાયવરે જવાનસિંહના ઇજાગ્રસ્ત માથામાં ફરી એક ઝાપટ મારી. જવાનસિંહ સ્થિર પડી રહ્યો. નાથુસિંહના ડ્રાયવરને ખાત્રી થઈ ગઈ કે આ માણસ હજુ બેહોશ છે. એણે દરવાજો ખોલ્યો અને એ ગાડીની બહાર નીકળ્યો અને આગળની બાજુ નાથુસિંહની તરફ ગયો...
જવાનસિંહે દરવાજો ખુલી બંધ થવાનો અવાજ સાંભળ્યો અને આંખો ખોલી. માથામાં ભયંકર દર્દ થતું હતું. પણ એ જાણતો હતો કે અત્યારે ભાગવાનો મોકો છે. પછી ભાગવાનો મોકો નહિ મળે. અને પકડાવાનો એક જ અર્થ હતો.. ફાંસી....
જવાનસિંહે સહેજ ઉંચા થઈને જોયું. ગાડીમાં આગળ કોઈ ન હતું. એણે ધીરેથી રોડની વિરુધ્ધ સાઈડનો દરવાજો ખોલ્યો અને ઝડપથી ગાડીમાંથી ઉતરી દરવાજો બંધ કરી દીધો.
રોડ બનાવતી વખતે આજુબાજુની માટીનો ઉપયોગ કર્યો હશે કે કેમ, પણ રોડની સાઈડનો ભાગ ખાડા જેવો હતો. એમાં નાના છોડવાઓ ઉગેલા હતા. જવાનસિંહ ધીમેથી એ ખાડામાં ઉતરી ગયો. ખાડામાં એણે જોયું પાછળની બાજુ ગાડીઓની લાઈન હતી. આગળની બાજુ એક ગાડી હતી. પછી થોડા માણસો હોય એવું લાગ્યું. પછી તરત જ આડો રોડ હોય એવું લાગ્યું. ત્યાં જતા આવતા વાહનોની અવરજવર એની લાઈટથી દેખાતી હતી. જવાનસિંહ ખાડામાં જ આગળની બાજુ ચાલ્યો...
રાઠોડ સાહેબની જીપ આગળ જઇ ઉભી રહી. કેટલાક માણસો લોકલ પોલીસ જોડે ચડસાચડસી કરતા હોય એવું લાગ્યું. રાઠોડ સાહેબ, પટેલ અને એમની ટીમ ઉતરી અને આગળ ચાલી. રાઠોડ સાહેબને એ ઉગ્ર ચર્ચા કરનારનો અવાજ પરિચિત લાગ્યો. રાઠોડ સાહેબ તરફ એ વ્યક્તિની પીઠ હતી. રાઠોડ સાહેબે પોલીસ ઇન્ચાર્જને પૂછ્યું...
' વોટ્સ હેપન્ડ ? '
અને એ સાથે એ માણસ પાછળની તરફ ફર્યો.
' ઓહ, નાથુસિંહ. વોટ્સ પ્રોબ્લેમ? '
નાથુસિંહે કલ્પના નહતી કરી કે રાઠોડ સાહેબ અહીં હોઈ શકે. એ પોતે અને એના બધા માણસો શસ્ત્ર સજ્જ હતા. પણ એ જાણતો હતો કે પોલીસ સાથે શસ્ત્ર અથડામણનું પરિણામ કેટલું ભયંકર આવી શકે તેમ હતું. નાથુસિંહને સુજ્યું નહિ કે શું બોલવું. રાઠોડ સાહેબની નજર નાથુસિંહે શર્ટ નીચે છુપાયેલી રિવોલ્વર પર પડી....
' પટેલ, નાથુસિંહને ચેક કરો. નાથુસિંહ શસ્ત્ર રાખવાનો ગુનો પોલીસ સામે શસ્ત્ર ઉઠાવવા કરતાં ઓછો છે... ધ્યાન રહે.. '
નાથુસિંહના ગાત્રો ઢીલા થઈ ગયા. પટેલ આગળ વધ્યા. નાથુસિંહના શર્ટ નીચેથી રિવોલ્વર હાથમાં રૂમાલ રાખી લઈ લીધી અને નાથુસિંહને ચેક કર્યો. નાથુસિંહ પાસે બીજું કોઈ શસ્ત્ર ન હતું.
પટેલે રાઠોડ સાહેબ સામે રિવોલ્વર ધરી...
' સર, જર્મન રિવોલ્વર... પ્રાઇવેટ... '
' પટેલ અરેસ્ટ નાથુસિંહ. નાથુસિંહે કોઈ ચાલાકી નહિ. કોર્ટમાં રિવોલ્વરનું લાઇસન્સ રજૂ કરજો... '
*************************
જવાનસિંહ ખાડામાં લપાતો આગળ ચાલ્યો. એક ગાડીથી આગળ ગયા પછી એણે જોયું.. પોલીસ જીપો રસ્તો રોકી ઉભી હતી. અને કેટલાક લોકો ભેગા થઈ કંઈક માથાકૂટ કરી રહ્યા હતા. આગળ ખાડો પૂરો થતો હતો. એની આગળ આડો હાઇવે હતો. જવાનસિંહના માથામાં ભયંકર દર્દ થતું હતું. એણે વિચાર્યું, અહી જ થોડો સમય છુપાઈ રહું. પણ પછી વિચાર આવ્યો કે ગાડીમાં આ લોકો મને નહિ જુએ તો તરત મારી તલાશી શરૂ કરશે. આખરે એણે નક્કી કર્યું કે એ ખાડામાંથી બહાર નીકળી ધીમેથી ડાબી બાજુ વળી જાય તો રસ્તો ક્રોસ કરવાની કોઈ માથાકૂટ નહિ અને આ લોકોમાંથી કોઈ જોઈ જાય એનો પણ ડર નહી. બસ પછી પોતે આ લોકોની નજરથી દુર. અને કોઈ વાહન મળે તો એમાં ભાગી જાઉં. એ ધીમેથી ખાડામાંથી હાઇવે બાજુ નીકળી ડાબી બાજુ વળી ગયો.
**************************
ગાડી રવાના થઈ ગઈ હતી. વસંત દોડ્યો. પણ ગાડી ધીરે ધીરે સ્પીડ પકડતી જતી હતી. હજુ ગાડી અને વસંત વચ્ચે અંતર હતું. વસંતને શ્વાસ ચડતો જતો હતો. પણ એ દોડ્યો. ગાડી કોઈપણ હાલતમાં પકડવી જરૂરી હતી. ગાડીની બિલકુલ નજીક એ આવી ગયો હતો. ગાડીનું હેન્ડલ એના હાથવેંત દૂર હતું. પણ ગાડીની સ્પીડ વધી ગઈ હતી. એનો શ્વાસ ધમણની જેમ ચાલતો હતો. એણે હેન્ડલ પકડવા હાથ લાંબો કર્યો. પણ એને લાગ્યું કે ગાડીની ગતિ ખૂબ જ વધી ગઈ છે.....
(ક્રમશ:)
19 જૂન 2020