હાઇવે રોબરી 28
રાઠોડ સાહેબે, પટેલ અને પોતાના સ્ટાફની સાથે હાઇવેથી અંદરના રસ્તે થઈ વસંતના ગામ તરફ જતા રસ્તા પર પૂરતો બંદોબસ્ત રાખ્યો હતો. બપોરે દિલાવરના માણસોની એ રોડ પરની હલચલની માહિતી મળ્યા પછી લગભગ એક કલાકમાં જ આખો રસ્તો કોર્ડન કરવામાં આવ્યો હતો. પરંતુ બપોર પછી કોઈ હરકત નજરમાં આવી ન હતી.
દિલાવરની ગાડીઓ હાઇવે પરની એક હોટલ પાસે પાર્ક થયેલી હતી. રાઠોડ સાહેબે એ હોટલમાં તપાસ કરાવી લીધી. ત્યાં ગાડીના ડ્રાયવર સિવાય કોઈ ન હતું. રાઠોડ સાહેબે એ ગાડીઓ પર પૂરતો બંદોસ્ત કરાવ્યો હતો. અંદરના રસ્તે જઇ ત્રણ રસ્તેથી વસંતના ગામ સુધી અને ત્રણ રસ્તાથી ખન્ડેર મન્દિર સુધી તપાસ રાઠોડ સાહેબે જાતે કરી. પણ કંઈ નજરમાં આવ્યું નહતું. ત્યાં સુધીમાં જવાનસિંહ ઝાડ પર છુપાઈ ગયો હતો. અને નાથુસિંહ ખન્ડેર મંદિર ચેક કરી ત્યાંથી નદી તરફ રવાના થઈ ગયો હતો.
રાતના બાર વાગી ગયા હતા. પણ કોઈ પ્રકારની હિલચાલ નજરમાં ના આવી. હેડક્વાર્ટર પર દર કલાકે રિપોર્ટિંગ ચાલુ હતું. રાત્રે બાર વાગે હેડક્વાર્ટર તરફથી મેસેજ આવ્યા કે બંદોબસ્ત હટાવી લો..
રાઠોડ સાહેબે એનો વિરોધ કર્યો પણ હેડક્વાર્ટર નો સ્પષ્ટ આદેશ હતો કે હવે બંદોબસ્તની કોઈ જરૂર નથી. આખરે લોકલ પોલીસે પોતાનો સ્ટાફ હટાવી લીધો. પણ રાઠોડ સાહેબે રોય સાહેબ જોડે વાત કરી અને એ લોકો હાઇવે પરની દિલાવરની ગાડીઓ પર નજર રાખીને બેઠા. રાઠોડ સાહેબને ખબર હતી કે હવે આનો કોઈ અર્થ ન હતો. પણ જ્યાં સુધી દિલાવરની ગાડીઓ અહીં ઉભી છે ત્યાં સુધી એમને એક આશા હતી.
*************************
નાથુસિંહ એક ઝાડની પાછળ નાના છોડવાઓની વચ્ચે છુપાઈને બેઠો હતો.એણે દિલાવરના તમામ માણસોને આખા એરિયામાં ફેલાવી દીધા હતા. એનું મન કહેતું હતું કે એ માણસને દૂર ભાગવાનો મોકો મળ્યો જ નથી. એટલે એ હશે તો આટલામાં ક્યાંક જ હશે. એણે નક્કી કર્યું હતું કે એ સવાર સુધી રાહ જોશે. અને જો સવાર સુધીમાં કંઈ ના મળે તો એ એકવાર ફરી આ એરિયા ચેક કરી નીકળી જશે.
રાત્રે એની આશંકા સાચી પડી. એક ઓળો ક્યાંક થી આવ્યો. અને નદી તરફ ચાલ્યો. એ ક્યાંથી આવ્યો એ ખબર ના પડી. પણ આ ભૂતિયા ખન્ડેર મંદિર આગળ એની હાજરી સ્પષ્ટ કરતી હતી કે એ પોતાનો શિકાર જ છે. નાથસિંહે એના ચાર મેઈન માણસોને મિસકોલ કરી એલર્ટ કર્યા. આખી ટીમ એલર્ટ મોડ પર આવી ગઈ હતી. એ માણસ નદીમાં ગયો અને નાથુસિંહેના માણસો આગળ વધ્યા.
એ માણસ બધીબાજુ થી ઘરાયેલ હતો. હવે એના ભાગવાના કોઈ ચાન્સ ન હતા. પણ અચાનક એ ભાગ્યો. પહેલા નદીના સામેના કિનારે અને પછી ત્યાંથી નદીના વ્હેણની દિશામાં. નાથુસિંહની કલ્પના બહાર હતું એ કે કોઈ માણસ નદીના પાણીમાં આટલું ઝડપથી દોડી શકે. બધા એની પાછળ પાણીમાં દોડ્યા. પણ એ માણસ અંધાધૂંધ દોડ્યો હતો. એક પળ તો નાથુસિંહને એવું લાગ્યું કે એ માણસ હાથ માંથી છટકી જશે. અને નાથુસિંહે બાજુમાં દોડતા માણસના હાથ માંથી લોંખડનો રોડ લઈ એ માણસના માથામાં છુટ્ટો માર્યો. અને એ માણસ લથડયો. અને હોશ ગુમાવી પાણીમાં પડ્યો..
નાથુસિંહ માટે હજુ એ નકકી કરવાનું બાકી હતું કે આ માણસ કોણ હતો. દિલાવરના માણસો એને ઉંચકીને કિનારે લાવ્યા. નાથસિંહે એ માણસના ચહેરા પર ટોર્ચનો પ્રકાશ કર્યો અને ગજવા માંથી એક કાગળ કાઢી ચેક કર્યું.. યસ, જવાનસિંહ જ હતો..
નાથુસિંહે દિલાવરના માણસોને ગાડી લઈને ખન્ડેર મંદિર પર આવવા સૂચના આપી. અને નાથુસિંહની સાથેના માણસો એ જવાનસિંહને ઉંચકી લીધો અને એ લોકો ખન્ડેર મંદિર તરફ ચાલ્યા..
************************
નાથુસિંહનો ફોન આવ્યો. અને હાઇવે પરની હોટલ માંથી દિલાવરની ગાડીઓ એક પછી એક રવાના થઈ. એક સલામત અંતર રાખી રાઠોડ સાહેબ અને પટેલ બે પોલીસ જીપ લઈ રવાના થયા.
દિલાવરની ગાડીઓ સીધી ખન્ડેર મંદિર તરફ ગઈ. એ બાજુ આગળ કોઈ રસ્તો ન હતો. એટલે એ નક્કી હતું કે આ ગાડીઓ પાછી જરૂર આવશે. પણ ક્યાં જશે એ નક્કી ન હતું. રાઠોડ સાહેબે ત્રણ રસ્તેથી વસંતના ગામ તરફ પટેલને જીપ લઈને મોકલ્યા અને પોતે હાઇવે તરફ સાઈડમાં જીપ ઉભી રાખી. રાઠોડ સાહેબે, રોય સાહેબ અને હેડક્વાર્ટર પર રિપોર્ટિંગ કર્યું. અને લોકલ પોલીસ ફોર્સ મંગાવી...
***********************
નાથુસિંહ અને એની સાથેના માણસો ખન્ડેર મંદિર તરફ આવ્યા. અને મંદિરના દરવાજાની બહાર ઉભા રહ્યા.
જવાનસિંહને ધીમે ધીમે હોશ આવી રહ્યું હતું. પણ એ ચુપચાપ પડી રહી પરિસ્થિતિને સમજવાની કોશિશ કરી રહ્યો હતો. એને લાગતું હતું કે આ લોકો પોલીસના માણસો તો નથી જ. કેમકે આ લોકો બિલકુલ ચુપકીથી કાર્યવાહી કરી રહ્યા હતા. અને જો આ લોકો પોલીસના માણસો ના હોય તો એ એને માટે વધારે ખરાબ પરિસ્થિતિ હતી. કેમકે પોલીસ જ્યારે રિમાન્ડ પર લે છે ત્યારે એને કેટલીક કાયદાકીય બાબતો નડે છે. પણ જ્યારે ગુંડાઓ કોઈને પકડે છે ત્યારે એમને અત્યાચાર કરવામાં કોઈ નિયમો નડતા નથી.
સુમસાન અને ખન્ડેર મંદિર એકદમ જીવંત બની ગયું હતું. સામાન્ય સંજોગોમાં ડર લાગે એવું ભયાનક વાતાવરણ ચંદ્રના અજવાળામાં વગર બોલે કામ કરતા ઓળાઓને કારણે વધારે ભયાવહ બની ગયું હતું. એવું લાગતું હતું જાણે એકસાથે અનેક ભૂતો ઉભા થઇ ગયા હોય..
દસ મિનિટમાં દિલાવરની ગાડીઓ આવી ગઈ. જવાનસિંહને એક ગાડીમાં પાછળની સીટ પર નાંખ્યો અને નાથુસિંહ એ ગાડીની આગળની સીટ પર ગોઠવાયો. દિલાવરના માણસો પણ ગાડીઓમાં ગોઠવાયા અને એક પછી એક ગાડીઓ રવાના થઈ...
***********************
વસંત પ્લેટફોર્મના છેડા પાસે અટકી ગયો. ત્યાંથી પ્લેટફોર્મની લાઈટનું અજવાળું ચાલુ થતું હતું. એ પ્લેટફોર્મની સામેની બાજુમાં અંધારામાં નાના છોડવાઓની પાછળ બેસી ગયો. ગાડી આવે પછી જ આગળ જવાય એમ હતું..
ધીમે ધીમે અજવાળું થવાની શક્યતા વધતી જતી હતી. વસંત વિચારતો હતો કે અજવાળું થાય એ પહેલાં ગાડી આવી જાય તો સારું. કેમકે અહીં વધુ સમય સંતાવામાં કોઈના જોઈ જવાનો ડર હતો અને અજવાળું થઈ જાય તો પ્લેટફોર્મ પરના પોલીસની નજરે ચડી જવાનો પણ ડર હતો.
લગભગ વીસ પચીસ મિનિટનો સમય વીતી ગયો. વસંતનો ઉચાટ વધતો જતો હતો.. આખરે ગાડીની વ્હિસલનો અવાજ સંભળાયો. અને એક આનન્દની લહેર વસંતના હદયમાં આવી. ગાડી સડસડાટ આવી અને પ્લેટફોર્મ પર જઈને ઉભી રહી. પણ વસંતની ગણતરી અહીં ખોટી પડી. એ પ્લેટફોર્મના છેડા પર સામેની બાજુ હતો. અને ગાડી ઘણી જ નાની આવી. વસંતથી દુર પ્લેટફોર્મ પર જઈ ઉભી રહી હતી. વસંતે એ ગણતરી રાખી નહતી કે ગાડી આટલી દૂર જઇને ઉભી રહેશે...
ગાડી જઇને ઉભી રહી એની 30 સેકન્ડ સુધી તો વસંત સમજી જ ના શક્યો કે શું કરવું જોઈએ. આખરે એ પ્લેટફોર્મની વિરુદ્ધ સાઈડથી ઝડપથી ગાડી તરફ ચાલ્યો. હજુ એ ગાડીના અડધા અંતરે જ પહોંચ્યો હતો અને ગાડીની વ્હિસલ વાગી. હવે જો ગાડી ના મળે તો એના ભાગવાનો રસ્તો બંધ થવાનો હતો. પ્લેટફોર્મ પર ઉભેલા પોલીસ અને એની વચ્ચે હાલ તો ગાડી હતી પણ ગાડી ગયા પછી પોલીસથી બચવું મુશ્કેલ હતું. એ દોડ્યો. જીવ પર આવીને દોડ્યો. હજુ એ ઘણો દૂર હતો અને ગાડી ચાલુ થઈ ગઈ.... એ દોડ્યો....
(ક્રમશ:)
17 જૂન 2020