કુળદીપક Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કુળદીપક

આખી રાત ધીમી ધીમી ધારે વરસાદ વરસ્યો હતો એટલે સવારના પહોરમાં વાતાવરણમાં ઠંડક પણ સારી હતી. દિવ્યાબેન ના દિલમાં પણ અત્યારે એવી જ ઠંડક પ્રસરી હતી.

થોડીવાર પહેલા જ અમેરિકાથી ધર્મેશભાઈ નો ફોન આવી ગયો હતો કે કૈવલને એરપોર્ટ જઈને લઈ આવ્યો છું. તમે લોકો કોઈ ચિંતા ના કરશો. ધર્મેશ દિવ્યાબેનનો મામાનો દીકરો ભાઈ હતો. ધર્મેશ વર્ષોથી બોસ્ટન સિટીમાં સ્થાયી થયો હતો.

" હાશ!! દીકરો પહોંચી તો ગયો !!" ફોન ઉપર સમાચાર સાંભળીને દિવ્યાબેનને હાશકારો થયો. ત્યારે મોબાઇલ યુગ શરૂ થયો નહોતો. ઘરના લેન્ડલાઇન અથવા એસ.ટી.ડી પી.સી.ઓ થી ઇન્ટરનેશનલ વાતો થતી.

જશુભાઈ અને દિવ્યાબેનનો કૈવલ એકનો એક દીકરો હતો. એમને બીજું કોઈ સંતાન ન હતું. કૈવલ સોફ્ટવેર એન્જિનિયર થઈ ગયો હતો અને વધુ અભ્યાસાર્થે સ્ટુડન્ટ વિઝા ઉપર અમેરિકા ગયો હતો.

એમના બહોળા કુટુંબમાં કૈવલ એક જ એવો હતો જે અમેરિકા જઈ રહ્યો હતો. મા-બાપને એના માટે ખુબ જ ગર્વ હતો. કૈવલ પહેલેથી જ ભણવામાં ખૂબ જ હોંશિયાર હતો.

બે દિવસ પહેલાં જ અમદાવાદથી રાત્રે ગુજરાત મેઈલમાં કૈવલ મુંબઈ જવા રવાના થયો ત્યારે સ્ટેશન ઉપર એને વળાવવા માટે કુટુંબીઓ અને મિત્રોની સારી એવી ભીડ જામી હતી. સવારે 7 વાગે મુંબઈ પહોંચીને એ ત્યાંથી ફ્લાઇટ પકડવાનો હતો.

માતા માટે દીકરા ની વિદાય ખૂબ જ વસમી હોય છે. ટ્રેન ઊપડી ત્યારે દિવ્યાબેન પોતાના આંસુ રોકી શક્યા નહોતા. ઘરમાં સૌનો લાડકો હતો એ.

"અમેરીકા પહોંચી જાય એટલે તરત જ મામાને કહેજે કે મને ફોન કરે. " દિવ્યાબેને ભાર દઈને કૈવલને કહ્યું હતું.

દિવ્યાબેનની સરખામણીમાં જશુભાઈ ખુબ જ પરિપક્વ હતા. જીવનમાં બનતી ઘટનાઓને એ સહજ ભાવે સ્વીકારી લેતા. જો કે એકના એક દીકરા માટે તેમણે ઘણું મોટું જોખમ ઉઠાવ્યું હતું.

જશુભાઈ ની પોતાની ગાંધી રોડ ઉપર નાનકડી પ્રિન્ટીંગ પ્રેસ હતી. ડિજિટલ જમાનો આવ્યા પછી ધીમે ધીમે ટ્રેડલ મશીનો આઉટ ડેટેડ થતા ગયા અને પ્રિન્ટીંગ પ્રેસ નો ધંધો કથળતો ગયો. ક્યારેક ચોપાનિયા છપાવવા માટે આવતા તો ક્યારેક કંકોત્રી. કોઈ મોટું કામ એમની પાસે આવતું નહીં. એક જમાનામાં તો એમની પ્રેસમાં એટલું બધું કામ રહેતું કે ગ્રાહકોને ના પાડવી પડતી. નાછૂટકે હવે એમણે એક ઝેરોક્ષ મશીન વસાવ્યું હતું જેના કારણે થોડા ખર્ચા નીકળતા.

દીકરાને અમેરિકા ભણાવવા માટે 35 લાખ રૂપિયાની જરૂર હતી. ધંધો નબળો ચાલતો હોવાથી એમના પોતાના ખાતામાં હવે એવી કોઈ ખાસ મૂડી નહોતી. 35 લાખ ભેગા કરવા માટે એમણે પોતાના સેટેલાઈટ ના ફ્લેટ ઉપર બેંક લોન લેવી પડી. ફ્લેટ ઉપર 25 લાખ રૂપિયા મળતા હતા. હજુ 10 લાખ ખૂટતા હતા.

સ્ટુડન્ટ વિઝા મળી ગયા પછી 2 મહિના સુધી ઘરમાં ઘણી બધી ચર્ચાઓ થયેલી. આટલું મોટું જોખમ લેવા માટે જશુભાઈ નું મન માનતું નહોતું. પરંતુ કૈવલે કહ્યું કે પોતે અભ્યાસની સાથે જોબ કરીને જે પણ હપ્તા બેંકના આવશે તે મોકલી દેશે. દિવ્યાબેને પણ કૈવલની વાતમાં સાથ પુરાવ્યો.

" બસ થોડા મહિના સહન કરી લો. એકનો એક દીકરો છે. આપણા આખા કુટુંબમાં આ એક જ કુળદિપક પાકયો છે. દીકરાના ભવિષ્ય માટે થોડીક તકલીફ તો વેઠવી પડે ને ? અને આપણું જે પણ કંઈ છે એ આખરે તો એનું જ છે ને ? તમે ખોટી ચિંતામાં પડી ગયા છો. એ બિચારો કહે છે કે એને ત્યાં જોબ મળી જશે એટલે બેંકના હપ્તા એ જ ભરતો રહેશે."

છેવટે જશુભાઈ તૈયાર થઈ ગયા અને ફ્લેટ ગીરવે મૂકીને બેંકની 25 લાખની લોન લઈ લીધી. મંથલી ઇન્સ્ટોલમેન્ટ ના એડવાન્સ ચેક આપી દીધા. બેંક માંથી બહાર નીકળતાં જશુભાઈ ના પગ ભારે થઈ ગયા પણ એ ભાર એમણે કોઈને કળાવા દીધો નહીં.

ગાંધીરોડ ની પ્રેસની જગ્યા પાઘડી ઉપર હતી. બીજા 10 લાખ માટે એમને પ્રેસની જગ્યા વેચી દેવી પડી. તાત્કાલિક વેચવી પડી એટલે 15 લાખથી વધારે રકમ ના મળી. 35 લાખ ફી ભરી દીધી. બાકીના 5 લાખમાંથી ફ્લાઇટની ટિકિટ અને બીજા ખર્ચા કાઢતાં 4 લાખ વધ્યા એ ઘર ખર્ચ માટે બેંકમાં મૂક્યા.

અમેરિકા જવાની તમામ વિધિ પતાવી દીધી અને કૈવલ અમેરિકા પહોંચી પણ ગયો.

શુક્રવારે અમેરિકા પહોંચી ગયેલા કૈવલને શનિ-રવિની રજાઓમાં મામાએ બોસ્ટનમાં અમેરિકાની ઝલક બતાવી. ટાકો અને પીઝા નો રસાસ્વાદ કરાવ્યો. વોલમાર્ટ જેવા બે મોટા મોલ પણ બતાવ્યા. બોસ્ટનની ફેમસ હાર્બર ક્રુઝની સફર પણ કરાવી. બે દિવસ ખૂબ જ આનંદમાં વીતી ગયા. કૈવલ ને અમેરિકા અદ્ભુત લાગ્યું !!

જો કે ત્યાંની વાસ્તવિકતા એને ત્રણ જ દિવસમાં સમજાઈ ગઈ. ભારતીય સંસ્કૃતિમાં જે સંબંધો છે તેનાં સમીકરણો અમેરિકામાં સંપૂર્ણપણે બદલાઈ જાય છે. લાગણી તત્વની બાદબાકી થઇ જાય છે.

" જો કૈવલ, આ અમેરિકા છે. અહીં દરેક વ્યક્તિ આત્મનિર્ભર છે. અહીંની કેટલીક રીતભાત પણ તારે શીખી લેવી પડશે. અહીં ડગલે ને પગલે થેન્ક્સ અને સોરી કહેવાનો રિવાજ છે. તારા મામાએ પોતાનો સમય બગાડી ને તારા માટે આટલો ભોગ બે દિવસ સુધી આપ્યો એના માટે તારી પાસેથી થેન્ક્સ ની અપેક્ષા અમને હોય જ !! " સોમવારે સવારે મામા ઓફિસ ગયા પછી મામી એ સલાહ આપવાની શરૂઆત કરી.

" સંબંધો ગમે તે હોય પણ આભાર વ્યક્ત કરી જ દેવાનો. રેસ્ટોરન્ટમાં વેઇટર પીરસવામાં આવે તો એને પણ થેન્ક્સ કહેવાનું. આ અહીંનું કલ્ચર છે. "

" અને જો તું અહીં અભ્યાસ માટે આવ્યો છે. એડમિશન તને મળી ગયું છે. યુનિવર્સિટીની હોસ્ટેલમાં પણ રહેવાની વ્યવસ્થા હોય છે. અને રૂમ શેરિંગમાં પણ હાઉસ મળી જાય છે. મામા એ બાબતમાં તને મદદ કરશે. એક મહિનામાં આ બધી વ્યવસ્થા કરી દેવી પડશે. પૈસા ના હોય તો ઘરેથી મંગાવી લે. એક મહિનો તું અમારે ત્યાં છે ત્યાં સુધીમાં તું બધું જાણી લે."

" તારે અહીંયા ડ્રાઇવિંગ પણ શીખી લેવું પડશે. અહીંની સિસ્ટમ ઇન્ડિયાથી જુદી છે. થોડા સમય પછી તારે પણ રેન્ટ ઉપર કાર લઈ લેવી પડશે. તારે સેલ્ફ ડિપેન્ડન્ટ બની જવું પડશે. અહીંયા કોઈને કોઈના માટે ટાઈમ નથી હોતો. તારાં બધાં જ કામ તારે જાતે કરવાં પડશે. તારાં કપડાં વોશિંગ મશીન માં તારે જ ધોવાનાં અને પ્રેસ કરી લેવાનાં. ડીશ વોશિંગ મશીન પણ સમજી લેજે. "

" ભલે મામી " કૈવલ વધારે કંઈ બોલી શક્યો નહીં. એ મામીનું આ નવું સ્વરૂપ જોઈ રહ્યો. ઘરમાં એ એકનો એક લાડકો દીકરો હતો એટલે ખૂબ જ લાડ માં ઉછર્યો હતો. ઘરના કોઈ પણ કામમાં આજ સુધી એણે હાથ અજમાવ્યો નહોતો.

એને એમ હતું કે મામાના ઘરે રહીને જ એ કોલેજનો અભ્યાસ કરશે પણ મામીએ તો સ્પષ્ટ ના પાડી દીધી એટલે હવે મકાન ભાડા નો કે હોસ્ટેલનો નવો ખર્ચ ઉપાડવાનો પોતાના માથે આવ્યો. આ તો એણે વિચાર્યું જ નહોતું. સાંજે મામા આવ્યા ત્યારે આ બાબતની કોઈ ચર્ચા એણે કરી નહીં. એ સમજી ગયો હતો કે મામી ની વાતમાં પણ મામા ની સંમતિ હશે જ.

અમેરિકા આવતા પહેલા આ બધી બાબતો ક્લિયર કરી દીધી હોત તો વધારે સારું. મમ્મી બિચારી બહુ જ ભોળી છે. કૈવલ ખૂબ જ ટેન્શનમાં આવી ગયો. મમ્મી પપ્પા ને હમણા આ વાત કરવી નથી.

હોસ્ટેલમાં તો એડવાન્સમાં ફોર્મ ભરાઈ ગયાં હતાં એટલે કોઈ રૂમ ખાલી ન હતો. છેવટે રૂમ શેરિંગમાં રહેવાનું નક્કી કર્યું. વીસ દિવસ પછી એણે મામાનું ઘર છોડ્યું અને કોલેજની નજીકના એરિયામાં રૂમ શેરિંગ માં શિફ્ટ થઈ ગયો.

કોલેજ ચાલુ થઈ ગઈ. બધું જ પ્રોફેશનલ હતું અહીંયા. પ્રોફેસરો લેક્ચર આપીને જતા રહેતા. વિદ્યાર્થીઓમાં કોઈ પ્રોફેસર અંગત રસ લેતા નહોતા. જેને ભણવું હોય તે ભણે.

સમય વીતતો ગયો. ત્રણ મહિના પછી મામાની ઓળખાણથી નાઇટ શિફ્ટમાં એક મોટેલ માં જોબ તો મળી ગઈ પણ જોબની તમામ આવક રૂમના ભાડામાં અને ખાવાપીવાના ખર્ચામાં વપરાઇ જતી. કોઈ બેંક બેલેન્સ થતું નહોતું કે જેથી એ બેંકના હપ્તાની રકમ પપ્પા ને મોકલી આપે.

આમને આમ એનો અભ્યાસ પૂરો થઈ ગયો રીઝલ્ટ પણ સારું આવ્યું. એને શિકાગો ની એક સારી કંપનીમાં જોબની ઓફર પણ આવી. વિઝા બદલવા માટે બે વર્ષના સમયગાળા પછી એણે ફરી ઇન્ડિયા આવવું પડ્યું.

દીકરો બે વર્ષ પછી પંદર દિવસ માટે વતન આવ્યો હતો. આ બે વર્ષમાં દીકરાએ બેંકનો એક પણ હપ્તો ભર્યો ન હતો. મા-બાપ બધું જ સમજતાં હતાં. દીકરો ખરાબ ન હતો પણ બધી ગણતરી ખોટી પડી હતી. અભ્યાસ પૂરો થઈ ગયો હતો અને જોબ પણ મળી હતી તો હવે દીકરો ચોક્કસ કંઈક મદદ કરશે. આશા અમર છે.

વિઝા લઈને કૈવલ ફરી અમેરિકા ગયો અને શિકાગોમાં સ્થાયી થયો. એક સારી સોફ્ટવેર કંપનીમાં એને જોબ મળી હતી. સૌથી પહેલું કામ હાઉસ લેવાનું હતું. ડ્રાઇવિંગ તો એણે બોસ્ટનમાં જ શીખી લીધું હતું એટલે એણે એક જૂની કાર ઇન્સ્ટોલમેન્ટ ઉપર ખરીદી લીધી.

શિકાગો ગયા પછી એણે છ મહિના સુધી તો બેંકના હપ્તા પપ્પાને મોકલાવ્યા પરંતુ લાંબો સમય એ હપ્તા ના ભરી શક્યો. મકાનના હપ્તા, કાર ના હપ્તા અને બીજા નાના મોટા ખર્ચામાં એ કંઈ પણ બચાવી શકતો નહીં.

એક વર્ષ પછી એની જ કંપનીમાં નોકરી કરતી વિશ્વા પટેલ સાથે એને પ્રેમ થઈ ગયો. વિશ્વા ના પપ્પા કિરણભાઈ પટેલ શિકાગોમાં ડેવોન એવન્યુમાં પોતાની માલિકીનો મોટો સ્ટોર ધરાવતા હતા.

દીકરી માટે સારું પાત્ર શોધતા કિરણ પટેલને કૈવલ ખૂબ જ ગમી ગયો. સંસ્કારી પણ ખૂબ જ હતો. સીટીઝન છોકરી વિશ્વા સાથે કૈવલે કિરણભાઈના થોડા મહેમાનોની હાજરીમાં સાદાઈ થી લગ્ન કરી લીધાં.

ત્રણ વર્ષમાં કૈવલને પણ અમેરિકાનું કલ્ચર લાગી ગયું. કૈવલના હૃદયમાં મા-બાપની પ્રેમાળ તસવીરો હવે ઝાંખી થતી જતી હતી. લગ્ન જેવા પ્રસંગે પણ એણે માત્ર ફોનથી આશીર્વાદ માંગ્યા હતા. પોસ્ટમાં એણે લગ્નની તસવીરો મોકલી આપી હતી.

કૈવલ અને વિશ્વાનો સંસાર શરૂ થઈ ગયો હતો. બે વર્ષમાં કૈવલ કિરણભાઈનો જાણે કે ઘર જમાઈ બની ગયો હતો. વિશ્વા ખૂબ જ લાડમાં ઉછરી હતી અને એકદમ મોડર્ન હતી એટલે એના ખર્ચા પણ ભારે હતા.

આ તરફ જશુભાઈ અને દિવ્યાબેનની ઈચ્છા હતી કે એકવાર અમેરિકા જઈને દીકરાના ઘેર થોડા દિવસ માટે રહી આવે. એ બહાને અમેરિકા પણ જોઇ લેવાય. દિવ્યાબેને બે થી ત્રણ વાર આ બાબતે કૈવલ સાથે વાત કરેલી પરંતુ દર વખતે કૈવલ ટાળતો રહ્યો.

" મમ્મી અહીં અમેરિકામાં બહુ જ ખર્ચા છે. મારે પણ મારું ફેમીલી મેઈનટેન કરવું પડે છે. તમારા બે જણની આવવા-જવાની ટિકીટ પણ હમણાં મને પોષાય તેમ નથી. વિશ્વા પણ હમણાં પ્રેગ્નેન્ટ બની છે એટલે ઘરકામ માટે એક બાઈ રાખી છે. જો તમને બોલાવું તો મારે એ બાઈને છૂટી કરવી પડે અને આ ઉંમરે તમારી પાસે હું ઘરકામ ના કરાવી શકું. પ્લીઝ મને સમજો. "

" વહુ મા બનવાની છે અને તે હજુ સુધી અમને વાત જ ના કરી ? " દિવ્યાબેને એકદમ આનંદમાં આવી જઈને દીકરાને મીઠો ઠપકો આપ્યો.

" હું તમને લોકોને કહેવાનો જ હતો . હજુ ચાર દિવસ પહેલાં જ ટેસ્ટ કરાવ્યો. "

" ઠીક ઠીક... વહુ નું ધ્યાન રાખજે હવે " અને દિવ્યાબેને ફોન મૂકી દીધો. એમણે જશુભાઈ ને બધી વાત કરી.

" હવે અમેરિકા જવા માટે ફરી ક્યારે એની સાથે વાત ના કરીશ" જશુભાઈ એટલું જ બોલ્યા.

જશુભાઈએ સમજી લીધું કે આપણા અંજળપાણી દીકરા સાથે એ દિવસે જ પૂરા થયા કે જે દિવસે ગુજરાત મેઈલ માં આપણે એને વિદાય આપી.

જશુભાઈ બેંકના હપ્તા ભરી ભરીને તૂટી ગયા હતા. જે પણ ચાર લાખ રૂપિયા એમની મૂડી હતી એ ત્રણ વર્ષમાં ધીમે ધીમે ખર્ચાઈ ગયા અને ગાંધી રોડ ઉપર આવેલી એક પુસ્તક પ્રકાશનની ઓફિસમાં એમણે દસ હજારના પગારમાં નોકરી લીધી.

દીકરો વિદેશમાં સેટલ થયો હતો અને જશુભાઈ અહીંયા દસ હજાર માટે મજૂરી કરતા હતા. કરકસર કરી કરીને મોંઘવારીમાં ઘર ચલાવતા હતા. ધીમે ધીમે એમની તબિયત કથળવા લાગી. બીપી ના દર્દી તો હતા જ પણ હવે કિડનીના પ્રૉબ્લેમ પણ ચાલુ થયા હતા. દીકરો એક રૂપિયો પણ મોકલતો નહોતો. નોકરી પણ છોડી દેવી પડી.

છ મહિનામાં તો જશુભાઈ ડાયાલિસિસ ઉપર આવી ગયા. સિવિલ હોસ્પિટલના ધક્કા ચાલુ થયા. પૈસાની કોઈ બચત નહોતી એટલે પ્રાઇવેટ ટ્રીટમેન્ટ તો શક્ય જ નહોતી.
એકના એક દીકરાની કાયમી જુદાઈ થઈ ગઈ હતી. વધુ દુઃખ તો એ વાતનું હતું કે દીકરાને માતા-પિતાની કોઈ ચિંતા જ નહોતી !!

દિવ્યાબેને ફોન કરીને દીકરાને પપ્પાની તબિયત ની જાણ કરી તો પણ દીકરાને કોઈ મોટો આઘાત લાગ્યો હોય એવું ન લાગ્યું.

" મમ્મી પપ્પાની હવે ઉંમર થઈ એટલે કોઈને કોઈ તકલીફ તો થવાની જ ને ! મારી પાસે કોઈ મોટી બચત નથી. આ અમેરિકા છે. અહીંના ખર્ચા પણ ડોલરમાં જ થાય છે. તેમ છતાં બે દિવસ માં હું 25000 ટ્રાન્સફર કરી દઉં છું. "

દિવ્યાબેન કંઈ બોલ્યા નહીં, ફોન મૂકી દીધો.
- ' દીકરા પાસેથી કોઈ અપેક્ષા રાખવી જ નકામી છે. પૈસા તો ઠીક પણ જેમણે પોતાની જિંદગીનું બલિદાન આપીને, ફ્લેટ ગીરવી મૂકીને અને દુકાન વેચીને દીકરાને અમેરિકા સેટલ કર્યો એના માટે એ દીકરાને કોઈ લાગણી જ નથી !! એ તો દીકરા માટે આટલું મોટું જોખમ લેવા તૈયાર જ નહોતા પણ મેં જ દીકરા ઉપર ભરોસો કરીને એમને લોન લેવા અને પ્રેસ વેચવા મનાવ્યા.'

એ પછીના ત્રણેક મહિનામાં જશુભાઈ એ દેહ છોડી દીધો. મરતી વખતે દીકરાનું મોં પણ જોઈ ના શક્યા. અને પિતાની ચિતાને દાહ દેવા માટે દીકરો પણ આવી ન શક્યો. બસ ફોન ઉપર ખરખરો કરી દીધો !!

જશુભાઈ ની વિદાયના બરાબર મહિના પછી કૈવલની પત્ની વિશ્વાએ પુત્રને જન્મ આપ્યો.

" મમ્મી તું દાદી બની ગઈ છે. ગઈકાલે રાત્રે વિશ્વાએ દીકરાને જન્મ આપ્યો છે. એ બેબી બોય !! ત્રણ ચાર મહિના માટે બાબા ની સંભાળ લેવા માટે તું અમેરિકા આવી શકીશ ? પપ્પા તો હવે રહ્યા નથી. અહીં આવીશ તો તું પણ રીલેકસ થઈશ "

" કેમ ? તેં જે બાઈ રાખી છે એ સંભાળ નહીં રાખે ? આઠ મહિના પહેલાં અમારો ખર્ચો તને પોષાતો નહોતો. "

" કેવી વાત કરે છે મમ્મી ? એના માટે બીજી બાઈ રાખવી પડે . ઘરકામ માટે જે બાઈ રાખી છે એ બાબા ની સંભાળ ના રાખે. અહીં કલાક પ્રમાણે ડોલર ચૂકવવા પડે છે. તારા ગ્રાન્ડ સનનું મોં જોવાનું અને એને રમાડવાનું તને મન નથી થતું ? "

" થાય છે ને !! કેમ ના થાય ? તારા પપ્પા મરણ પથારીએ હતા ત્યારે તારું મોં જોવાનું એમને પણ બહુ મન હતું. એકનો એક દીકરો હતો ને !! તને મન થયું બાપનું મોં જોવાનું ? તારા માટે એમણે પોતાની આખી જાત ઘસી નાખી !! તને આબાદ કરવા પોતે બરબાદ થઈ ગયા !! "

" તારે માં ની જરૂર નથી પણ એક આયા ની જરૂર પડી છે હવે. મને બહુ બોલાવીશ નહી ભાઇ ! આખી જિંદગી હું તને કંઈ બોલી નથી અને હવે મારે કંઈ બોલવું પણ નથી. નકામી કડવાશ આવી જશે. "

" તારા પપ્પાની સાથે સાથે તારા ને મારા ઋણાનુબંધ પણ પૂરા થઈ ગયા ! અમેરિકા તને મુબારક બેટા !! તું તો એવો કુળદીપક પાક્યો કે સગા બાપને અગ્નિદાહ દેવા પણ ના આવ્યો !! " કહી ને દિવ્યાબેને ફોન મૂકી દીધો.

ફોન ઉપર તો દીકરાને જે સંભળાવવાનું હતું તે સંભળાવી દીધું પરંતુ પછી કૈવલના ફોટા સામે જોઈ ને એ ખૂબ રડ્યાં. માં ની મમતા આંસુની ધારે એમણે વહેવા દીધી.

અશ્વિન રાવલ ( અમદાવાદ )