સુહાગી સેજની ધીરજ Mahendra R. Amin દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુહાગી સેજની ધીરજ

સુહાગી સેજની ધીરજ ...!!

સુકન્યા સોળ શણગાર સજીને ફૂલોથી સજાવેલા એવા મઘમઘતા સુહાગી ઓરડામાં સુકેતુની રાહ જોતી, મોંઢું ઢાંકીને સેજ પર બેઠી હતી. તેના દિલમાં કેટલીય આશાઓ ભરેલી હતી. સહેજ અવાજ થતાં જ સુકેતુ આવ્યા હશેના ખ્યલે તેના દિલની ધડકનો વધી જતી. આમ જ સુકેતુની રાહ જોતાં જોતાં સુકન્યા ક્યારે ઊંધી ગઈ તેની તેને ખબર જ ન રહી. ફરીથી અવાજ આવતાં જ સુકન્યા ઊંઘમાંથી જાગી ગઈ. જોયું તો રાતનો 1:૩0 વાગ્યો હતા. સુહાગીએ જોયું તો સુકેતું હતા. પરંતુ સુકેતુ તો પોતાનું ઓશીકું અને ચાદર લઈને ચુપચાપ સોફા પર જઈને સૂઈ ગયા. સુકન્યાને કંઈ ન સમજાયું કે એની શુ ભૂલ છે જેથી સુકેતુ પોતાની સાથે આવો વ્યવહાર કરી રહ્યા હતા.
સુકન્યા આખી રાત બેસી રહી અને વિચાર કરતી રહી. અંતે થાકીને તે ઊંઘી ગઈ પરંતુ વહેલી સવારે
અવાજ થતાં તેણે જોયું કે સુકેતુ તેમની બેગમાં સામાન ગોઠવતા હતા. સુકન્યાએ પૂછ્યું, "તમે ક્યાં જાવ છો?" પરંતુ સુકેતુ તો કોઈ જવાબ આપ્યા વગર બેગ લઈ ઓરડામાંથી બહાર નીકળી ગયા. સુકેતુને બેગ લઈને બહાર આવતો જોઈ તેની ભાભીએ તેની
મશ્કરી કરતાં કહ્યું, "અરે વાહ, મારા દિયર હનીમૂન પર જવાની તૈયારી પણ કરી લીધી કે શું ?" સુકેતુએ ઘણી નારાજગી સાથે જવાબ આપ્યો, "નહીં, સુરત નોકરી પર પાછા જવાનું છે અને ત્યારબાદ પરદેશ જવા માટે વીઝાનુ કામ પણ પતાવવાનું છે.
સુકન્યા પણ સુકેતુની પાછળ પાછળ ગઈ, સુકેતુ પોતાના મમ્મી-પપ્પાના ઓરડામાં ગયો, સામાન જોઈ
સુકેતુના પપ્પા નરેન્દ્રભાઈએ પૂછ્યું, "આ સામાન લઈ સવાર સવારમાં ક્યાં જાય છે ?" સુકેતુએ કહ્યું કે, "સુરત નોકરી પર પાછો જાઉં છું." સુકેતુના મમ્મી નિલમબહેને કહ્યું, "સુકન્યાને સાથે લઈને જા." સુકેતુ ગુસ્સામાં બોલ્યો, "પછીથી લઈ જઈશ, પહેલા મને તો પહોંચવા દો. શું કામ પાછળ પડ્યાં છો. લગ્ન કરાવવાં હતાં તો મેં તમારી ખુશી માટે લગ્ન કરી લીધાં.હવે તો મને શાંતિથી રહેવા દો." નરેન્દ્રભાઈ અને સુકેતુ વચ્ચે કેટલીક વાર સુધી ઘર્ષણ પણ થયું. ત્યાં જ ડ્રાઈવરે આવીને કહ્યું, "સાહેબ, આપને લેવા માટે ગાડી આવી ગઈ છે." સુકેતુએ પોતાનો સામાન ગાડીની ડીકીમાં મૂકાવ્યો અને ગાડીમાં બેસી સુરત ચાલ્યો ગયો.
સુકેતુએ સુકન્યા તરફ નજર સુદ્ધાં ન કરી. તે ઓરડાની બહાર ઊભી ઊભી બધુ જ સાંભળી રહી હતી. તેને મનમાં થતું હતું કે તે મોટેથી રડે, શુ ભૂલ છે એની ? તેને કઈ બાબતની સજા મળી રહી છે " તેના પપ્પા રાજેન્દ્રભાઈએ કહ્યું હતું, "મારી દીકરી તું ધીરે ધીરે બધાંનાં દિલ જીતી લેશે. બધુ જ સારું થઈ જશે." પરંતુ જેનું દિલ જીતવાનું હતું તે તો સુરત ચાલ્યા ગયા અને બે અઠવાડિયા પછી પરદેશ પણ ચાલ્યા જશે. આ પછી સુકન્યા પોતાના ઓરડામાં આવી ગઈ. ઘણીવાર સુધી બેસીને આ સુહાગી ઓરડો, તેની સજાવટ, સુહાગી સેજને નિરખતી રહી અને પોતે ભૂતકાળમાં સરી ગઈ.
પપ્પાનો પણ શો દોષ, તેમણે તો મારા સુખ માટે જ આ બધું કર્યું છે. સુકેતુ તો મારો બાળપણનો દોસ્ત અને નજીકના ગામના જ નરેન્દ્રકાકાનો દીકરો. તેઓ જ્યારે પપ્પાને મળવા આવતા કહેતા, "રાજેન્દ્ર, તારી દીકરી ઘણી વહાલી લાગે તેવી છે." હું પણ કાકાની સરસ રીતે આગતાસ્વાગતા કરતી રહેતી. સુકેતુનો અભ્યાસ ચાલુ હતો દરમિયાન જ વડીલોએ અમારો સંબંધ નક્કી કરી દીધો હતો. નરેન્દ્રકાકાએ પોતે જ
પોતાના દીકરા સુકેતુ માટે પપ્પા પાસે મારો હાથ માગ્યો હતો. ત્યારબાદ સગાઈની વિધિ પણ કરવામાં આવી. સગાઈ પછી મારી અને સુકેતુ વચ્ચે કોઈ જ વાતચીત ન થઈ કારણ કે તે સુરત ચાલ્યો ગયો હતો. બે વરસ બાદ સુકેતુનું ભણવાનું પૂરું થયું અને તે નોકરીમાં પણ લાગી ગયો.એટલે મારા પપ્પાએ લગ્ન લેવાની વાત નરેન્દ્રકાકાને કરી તો તેમણે જણાવ્યું કે, "સુકેતુ હમણાં લગ્ન કરવા તૈયાર નથી." પપ્પાની લાચારી એ હતી કે મારા પછી મારી બે બહેનોની પણ જવાબદારી નિભાવવાની હતી.
મારા પપ્પા ચિંતિત થઈ વિચારે આવું કેમ ચાલે ?
વડીલો દ્વારા નક્કી કરવામાં આવેલો આ સંબંધ તથા જ્યારે સગાઈ કરી ત્યારે તો સુકેતુને કોઈ જ સવાલ નહોતો તો હવે શું થયું ? પપ્પાએ પત્ર લખ્યો પણ તેનો કોઈ પ્રત્યુત્તર ના આવ્યો. પછી તો સુકેતુને મળવા સુરત ગયા તો તેણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "તે હાલ લગ્ન કરવાની ઈચ્છા નથી ધરાવતો. હું મારી કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું." પપ્પા સુરતથી પાછા આવ્યા ત્યારથી દુઃખી રહેવા લાગ્યા તો મેં તેમને કહી દીધું કે, "એ લગ્ન કરવા નથી માગતો તો શું કરવા એની પાછળ પડ્યા છો?" પપ્પાએ દિલ પર પથ્થર મૂકીને કહ્યું, "ઠીક છે બેટી, પરંતુ આ વાત નરેન્દ્ર કહેશે તો ફરીથી આ લગ્ન માટે દબાણ નહીં કરું."
એટલામાં જ નરેન્દ્રકાકાને હાર્ટએટેક આવ્યો અને તેમણે સુકેતુને લગ્ન માટે દબાણ કરતાં કહ્યું કે, "હું જીવતે જીવ આ લગ્ન જોવા ઈચ્છું છું તથા મારા મિત્રને આપેલું વચન નિભાવવા માગું છું." એટલે સુકેતુએ અનિચ્છાએ પણ લગ્નની હા પાડી દીધી. ઘરમાં ખુશીનો માહોલ સર્જાયો. પપ્પાએ કહ્યું, "જોયું, મને ખબર હતી મારો મિત્ર બધુ યોગ્ય કરી દેશે." પરંતુ ઘરમાં બધાના દિલ અવ્યક્ત આશંકાઓથી ધડકન ઘડકી રહી હતા. મમ્મી-પપ્પાએ કહ્યું કે જોજે તો ખરી, તું તારા સ્વાભાને કારણે બધાનાં દિલ જીતી લેવાની.
પછી તો ઢીંગલા ઢીંગલીના ખેલની જેમ અમારાં લગ્ન લેવાયાં. આ લગ્ન દરમ્યાન સુકેતુ નિરાશ વદને બેઠો હતો. આ સૂના ઓરડામાં સૂની સેજ પર બેઠેલી સુકન્યાને પોતાના ખભે કોઈના હાથનો અહેસાસ થયો. તે ભૂતકાળની તંદ્રામાંથી બહાર આવીને જોયું તો તેની સામે તેની નણંદ ધારા હાથમાં ચાનો કપ લઈને ઊભી હતી. તેણે પોતાની આંખનાં આંસુ લૂછ્યાં. તેની સાસુમા નિલમબહેને કહ્યું, "દીકરા, તું કશું જ દિલે ના લાવતી, બઘું ઠીકઠાક થઈ જશે." ત્યાં તો સુકેતુનો પરદેશ પહોંચ્યાનો બાજુની દુકાને ફોન આવ્યો, ઘરના બધા સાથે વાત કરી પરંતુ સુકન્યાને યાદ પણ ન કરી. પરંતુ સસરાએ સુકન્યાને ફોન આપ્યો તો સુકેતુએ ફોન મૂકી દીધો.
ઘરમાં સાસુ-સસરા, નણંદ ધારા અને તેનાં બે બાળકો છે. બધાં સુકન્યાનું ઘણું ધ્યાન રાખે, તેને જરા પણ ઓછું ન આવવા દે. તેના મનના આનંદ માટે તેનાં સાસુ તેને ઘણીવાર બજારમાં તો ઘણીવાર મહાદેવના દર્શને લઈ જતાં. તેને પોતાની સાથે રસોડામાં વ્યસ્ત રાખતાં. આ રીતે દિવસો પસાર થઈ રહ્યા હતા. થોડા દિવસ પછી ધારા પણ પોતાના સાસરે ચાલી ગઈ. ઘણી વાર સુકન્યાને પણ મનમાં થતું કે પોતાની પિયર ચાલી જાય, પરંતુ તે ત્યાં જઈને તેના પિતાને દુઃખી કરવા નહોતી માગતી.
બે મહિના જેટલો સમય પસાર થઈ ગયો. એક દિવસ ફરીથી સુકન્યાના સસરાને હાર્ટએટેક આવ્યો અને તેમનું મૃત્યુ થયું. સુકેતુ એક અઠવાડિયા માટે ઘેર આવ્યો હતો. ઘરમાં સગાસંબંધીઓની હાજરી તથા રીતરિવાજને કારણે સુકન્યાથી તેની જોડે કોઈ જ વાત ન થઈ શકી. જ્યારે તેનો પરદેશ પાછા જવાનો સમય થયો તો તેની મમ્મીએ તેને કહ્યું, "બેટા, હવે તો સુકન્યાને તારી સાથે લઈ જા," તો સુકેતુએ તેની મમ્મીને કહ્યું, "મમ્મી, તમે એકલાં પડી ગયાં છો, સુકન્યાની તમને જરૂરિયાત પડશે, માટે તેને અત્યારે અહીં જ રહેવા દો."
સસરા નરેન્દ્રભાઈના અવસાન પછી સુકન્યાનાં સાસુમા એકલાં પડી ગયાં હતાં. સાસુમા અને સુકન્યાનો સંબંધ એકદમ મજબૂત થતો જતો હતો. તે સુકન્યાને પોતાની દીકરીની જેમ જ રાખતાં હતાં. કેટલાક દિવસ પછી એક દિવસે દરવાજો ખખડવાનો અવાજ આવ્યો, જોયું તો ધારા આંખોમાં આંસુ સાથે દરવાજે ઊભી હતી. અંદર આવીને તે જોરથી રડવા લાગી. તેણે કહ્યું કે તેના દીકરા દેવના હ્રદયમાં છિદ્ર છે તેથી તેનું ઓપરેશન કરાવવું પડશે. આ માટે રૂપિયાની જરૂર છે. આટલા બધા રૂપિયા હું ક્યાંથી લાવીશ.
નીલમબહેને પોતાની પસેનાં ઘરેણાં આપ્યાં અને કહ્યું, "આને વેચી દેજે." તો ધારાએ કહ્યું કે, આના તો વધારે રૂપિયા નહીં આવે." એટલામાં સુકન્યા પોતાનાં ઘરેણાંની પોટલી લઈને આવી અને તે ધારાને આપતાં કહ્યું, "તમે આને પણ વેચી દેજો." ત્યારે તેનાં સાસુમા નીલમબહેન બોલ્યાં, "અમે તારાં ઘરેણાં કેવી રીતે લઈ શકીએ સુકન્યા?" તો સુકન્યાએ કહ્યું, "અત્યારે જરૂર છે એટલે વેચી દઈએ છીએ, ઘરેણાંનું તો શું, તે તો નવાં પણ આવી જશે, પણ એક જિંદગી ... "
આ સાંભળી નીલમબહેન આશ્ચર્યમાં ડૂબી જાય ગયાં. તેમને પોતાની વહુમાં સાક્ષાત માનવતાની દેવીનાં દર્શન ભાળ્યાં. તેમણે સુકન્યાને કહ્યું, "બેટા, તું તો સાક્ષાત દેવીનો અવતાર છે, ખબર નહી મારો દીકરો ક્યારે આ સાક્ષાત લક્ષ્મી સ્વરૂપ દેવીને સમજશે." સુકન્યા મનમાં વિચારી રહી હતી, મારો નહી તો કોઈ બીજાનો પરિવાર તો સુખ પામશે. આમેય આ સાજ-શણગાર મારે શા કમનાં! ધારાના દીકરા દેવનું ઑપરેશન ઘણી સરસ રીતે પાર પડ્યું.
કેટલાક દિવસ પછી સુકેતુ પરદેશથી પોતાના ઘેર આવ્યો. આવતાની સાથે જ સવાલોનો દોર ચાલુ કરી દીધો. મા તું કેવી છે તું ? દેવને શું થયું હતું ? તમે મને જણાવ્યું કેમ નહીં ? માતા નીલમબહેને કહ્યું, "બેટા, મને સારું છે. વચ્ચે મારી તબીયત ઘણી ખરાબ હતી. પરંતુ વહુએ મારી બહુજ કાળજી લીધી અને દેવના ઑપરેશન માટે વહુએ તેનાં ઘરેણાં પણ વેચી દીધાં. મેં વહુને તને ફોન કરવા કહ્યું હતું પણ તે તને હેરાન કરવા નહોતી ઈચ્છતી." એટલામાં સુકન્યા આવી અને તેણે સાસુમાને પૂછ્યું, "મા રસોઈમાં આજે શું બનાવું." મા એ કહ્યું, 'આજે સુકેતુની પસંદગીની રસોઈ' બનાવજે."
જમીને સુકેતુ પોતાના મિત્રના ધરે જવા નીકળ્યો.
મન તો નહોતું, તેના મનમાં તો એક જ વિચાર ચાલતો હતો આ છોકરીએ મારી બહેનના દુ:ખમાં પોતાનાં ઘરેણાં પણ વેચી દીધાં ! હું તેને અને તેના પિતાને તો ઘણા સ્વાર્થી સમજી રહ્યો હતો, જ્યારથી સુકન્યાના પપ્પાએ તેના પપ્પાને કહીને લગ્ન માટેનું દબાણ કરાવ્યું હતું ત્યારથી હું સુકન્યા અને તેના પરિવાર મતલબી છે એમ જ મનતો હતો અને તેમની નફરત કરતો હતો. તેનું મુખ્ય કારણ એ હતું કે મારી બે-ત્રણ વર્ષ સુધી લગ્ન કરવાની ઈચ્છા જ નહોતી. આ લોકોએ જ ચાલાકીથી મારા પપ્પાને ભરમાવી દીધા છે. અત્યાર સુધી હું એમ જ વિચારતો હતો. પરંતુ હું કેટલો બધો ખોટો છું.
સુકેતુ મિત્રના ધરેથી આવ્યો તો સુકન્યા રસોડામાં કામ કરી રહી હતી અને તેની મા સૂઈ ગઈ હતી. સુકેતુ ચુપચાપ પોતાના ઓરડામાં ચાલ્યો ગયો. થોડી વાર પછી સુકન્યા પણ ઓરડામાં આવી તેણે જોયુ કે આજે સુકેતુ પલંગમાં સૂઈ ગયા છે, તો તે જઈને સોફા પર સૂઈ ગઈ. ખરેખર સુકેતુ સૂઈ નહોતો ગયો પણ સૂવાનું નાટક કરતો હતો. તેનું મન તો ક્યારનું સુકન્યા સાથે વાતો કરવા આતુર હતું પણ વાત કેવી રીતે કરે ! તે વિચારવા લાગ્યો કે આ ઘરનો પોતે સગો દીકરો હોવા છતાં આ ઘરનું ધ્યાન ન આપી શક્યો
આ સુકન્યા તો પરાયા ઘરની, એને શું જરૂર હતી આ બધું કરવાની ? અત્યાર સુધી તેને તો મેં મારી પત્નીના રુપમાં સ્વીકાર પણ નથી કર્યો. તે ઈચ્છતી હોત તો પોતાના ધરે ચાલી ગઈ હોત. બીજા દિવસે સવારે તે પોતાની બહેન ધારાના ધરે જવા માટે તૈયાર થયો. તેણે મમ્મી નીલમબહેનને પણ સાથે આવવા જણાવ્યું. પછી ધીમા અવાજે સકન્યાને પણ કહ્યું કે, "તું એકલી અહીં રહીને શું કરીશ ? તું પણ સાથે જ ચાલ." સુકન્યા અચંબામાં પડી ગઈ. લગ્નના વર્ષો પછી પહેલી વાર સુકેતુએ તેની સાથે વાત કરી. ત્રણેય ધારાને ધેર ગયા. ત્યાંથી પાછા આવતાં આવતાં રાત પડી ગઈ.
રાત્રે સુકન્યા રસોડામાં સાસુમા માટે દૂધ ગરમ કરી રહી હતી ત્યારે સુકેતુએ ઓરડામાંથી મોટેથી બૂમ પાડીને સુકન્યાને કહ્યું, "સુકન્યા, મારા માટેએક કપ ચા બનવજે." સુકન્યાએ ચા બનાવી અને ચા આપવા તે ઓરડામાં લઈને ગઈ, ચા ટેબલ પર મૂકી પાછી ફરતી હતી ત્યાં સુકેતુએ સુકન્યાને કહ્યું, "અહીં બેસ." એણે સુકન્યાની માફી માગી અને પોતાના મનમાં જે કાંઈ હતું તે સઘળું સુકન્યાને ખુલ્લા દિલે જણવી દીધું. આ સાથે તેણે સુકન્યાને એમ પણ પૂછ્યું કે, "તું અને મારી સાથે પરદેશ આવશે ને ?" સુકન્યાએ સુકેતુને માફ કરી દીધા અને જવાબમાં કહ્યું, "હા" સુકન્યાને કેટલાય સમયથી આ ક્ષણનો ઈન્તજાર હતો. તેને આ બધું અત્યારે સ્વપ્ન સમુ ભાસતું હતું. પછી તો તે સાસુમાને દૂધ અને દવા આપવા ચાલી ગઈ.
થોડીવાર પછી ઓરડામાં પાછી આવી તો તેણે જોયો પોતાના સપનનો મઘમઘતો એ જ સુહાગી ઓરડાને તથા ફૂલોથી સજાવેલી એ સુહાગી સેજ. જે વર્ષો પછી આજે ફરી સજાવટ પામી હતી. આજે એજ સેજ પર સુકન્યાને તેના સુહાગે ધીમેથી પોતાની બાહોમાં ભરી લીધી. આજે સુકન્યા બધુ જ ભૂલીને સુકેતુના સુમધુર સહવાસની પળોમાં વિલીન થઈ ગઈ. બંને એકમેકમાં વિલીન થઈ ગયાં.
******************************************
મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ'. સુરત (વીરસદ).
માત્ર વૉટ્સ ઍપ પર સંદેશ માટે : 87804 20985.
******************************************