ગેરસમજ ...!!
સિત્તેર વર્ષની વૃદ્ધાવસ્થા ધરાવતાં શારદાબા ઘરમાં એક વડીલનું સ્થાન ભોગવતાં હતાં. પોતાના પતિના અવસાન બાદ તેઓએ ઘણા જ કપરા સંજોગોનો સામનો કરીને એકના એક દીકરાને માવજત કરી ઉછેર્યો હતો. તેને ભણાવી-ગણાવી સમાજમાં એક ઈજ્જદાર વ્યક્તિ બનાવ્યો હતો. દીકરો કરણ પણ તેની મમ્મીનો ખૂબ જ આદરભાવ રાખતો અને મમ્મીના દિલને ક્યારેય ઓછું ના આવે તેનું ખાસ ધ્યાન રાખતો.
સમય થતાં દીકરાનાં પોતાના સમાજના એક સુખી પરિવારની ગુણિયલ અને સમજદાર કન્યા કિરાતી સાથે લગ્ન પણ કરાવી દીધાં. દીકરો હવે પોતાની એક નવી જવાબદારી સાથે ગૃહસંસારમાં રત રહેલા લાગ્યો. આથી તેની મમ્મી તરફનું તેનું ધ્યાન થોડું ઓછું થવા લાગ્યું. શારદાબા મનમાં થયું કે વહુ આવતાં દીકરાની મારી સાથેની લાગણીમાં ઉણપ આવી રહી છે પરંતુ તેઓ ચૂપ રહેતાં
એવામાં એક દિવસ તેઓને સખત ઉધરસ સાથે તાવ આવવા લાગ્યો. ડોક્ટર સાહેબની દવાથી તેમનો ઝીણો તાવ મટવાનું નામ લેતો નહોતો. આથી ડોક્ટરને વહેમ પડ્યો કે કદાચ ટી.બી. હોઈ શકે. બાનો રિપોર્ટ કઢાવવો પડે. આથી શારદાબા ટી.બી. નિદાન માટેની હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં એમના ગળફા તથા લોહીનાં સેમ્પલ લેવામાં આવ્યાં તેમજ
ઘરમાં તેઓની તમામ વસ્તુઓ અલગ રાખવા સૂચના આપવામાં આવી.
ઘરના તમામ સદસ્યોને હવે તેમનાથી અંતર રાખવા લાગ્યા. સાવચેતીના પગલાંરૂપે તેમને ભોજન અને પાણી પણ દૂરથી આપવામાં આવતું. એવામાં એક દિવસ દીકરાની નાની દીકરી દિયા જેને તેઓ ઘણું વ્હાલ કરતાં હતાં તે તેમની પાસે આવી. વહુની નજર પડતાં જ તેણી તેનું કાંડું પકડીને દિયાને દૂર ખેંચી ગઈ. દિયા રડતી રહી. આનાથી તેઓ ઘણા દુઃખી થયાં પણ તે કંઈ બોલી શક્યાં નહીં. તેઓએ ઘરમાં બધા સાથે વાત કરવાનું બંધ કરી દીધું. તેઓને એમ થઈ ગયું કે હવે ઘરમાં બધાં મને ધિક્કારી રહ્યાં છે.
કેટલાક દિવસો પછી ડોક્ટરે રિપોર્ટ મોકલ્યો જે સંપૂર્ણ નેગેટિવ હતો. આ દરમિયાન દવા તો ચાલુ જ હતી. આથી ઝીણો તાવ ઊતરી ગયો તથા ઉધરસ પણ ઓછી થઈ ગઈ. પરંતુ તેમના મનમાં જે ગરસમજની જે ગાંઠ પડી હતી કે , હવે ઘરમાં મારી કોઈ કદર જ કરતું નથી. આથી તેઓ સદા ઉદાસ રહેતાં અને કોઈ સાથે કામ વિના બોલતાં નહોતાં.
દીકરા કરણ અને તેની પત્ની કિરતીએ તેમના વ્યવહાર પરથી અનુમાન કરી લીધું કે બાના મનમાં કોઈ ઠેસ પહોંચી છે. પરંતુ તેઓ શું કરી શકે? વહેમનું કોઈ ઓસડ ના હોય તથા શંકાનું કોઈ સમાધાન ના મળે.
આજે બાનો ૭૧મો જન્મદિવસ હતો. પરંતુ ઘરમાંથી કોઈએ તેમને વધામણી પણ ના આપી. બપોરે તેઓ નિરાશા સાથે પોતાના બેડરૂમમાં સૂતેલાં હતાં. એવામાં એકાએક તેમની પૌત્રી રિયા દોડતી આવી. તેણે દાદીને ઉઠાડ્યા અને કહેવા લાગી લાગી કે, "દાદી ચાલોને, મારે પેલા બગીચામાં ફરવા જવું છે. રિયાને પણ સાથે જ લઈ જઈશું," ઘણી આનાકાની બાદ તેમની ઈચ્છા ન હોવા છતાં રિયા અને દિયાને લઈને સોસાયટીની બહાર આવેલા મહાદેવ મંદિરે દર્શન કરીને પાસેના બગીચામાં ગયાં.
સંધ્યાનું અંધારુ ઉતરતાં તેઓ બન્ને છોકરીઓ સાથે ઘર તરફ પાછાં ફર્યાં. ઘર પાસે આવતાં જ તેમણે જોયું કે આખું મકાન રંગબેરંગી રોશનીથી ઝળહળી રહ્યું હતું. બેઠકરૂમના મધ્ય ભાગમાં સજાવટ કરેલા એક ટેબલ પર મોટી કેક રાખવામાં આવી હતી અને તેની આસપાસ તેમની ઉંમર ધરાવતા પડોશીઓ પણ હાજર હતા.
શારદાબા દીકરીઓ સાથે ઘરમાં પ્રવેશ્યાં ત્યાંજ કરણ અને કિરાતીએ ઊભા થઈને તેઓના ચરણસ્પર્શ કરી, "હેપીબર્થડે મમ્મા" કહેતા જ તેમના મનની બધી જ ગેરસમજની ગાંઠો ઉકલી ગઈ. તેમની બધી ફરિયાદોની શંકાનું મૂળ તેમને મળી ગયું. તેમને અહેસાસ થયો કે છોકરા અને વહુને ખરેખર મારી ઘણી દરકાર કરે છે. આ સમયે કિરાતીએ ટી.બી. ગંભીરતાની વાત શારદાબાને સમજાવી અને રિયાને પોતે કેમ ખેંચી ગઈ હતી તેનું કારણ જણાવ્યું.
આ સાથે જ કેક કાપતાં તેમની આંખોમાંથી એક અનેરા આનંદની ગંગા-જમુના વહેવા લાગી. આજે તેઓને સમજાયું કે આ ઘરમાં પોતે એક મહત્વનું સ્થાન ધરાવે છે. દીકરો તેમજ વહુ મારી નજીક હતા, પરંતુ હું પોતે જ તેમનાથી દૂર થતી જતી હતી.
"મમ્મી, અમે બધા અહીં આપના કારણે જ અસ્તિત્વ ધરાવીએ છીએ." આમ કહીને બધા જ તેમને ભેટી પડ્યા.
તેણીની બધી જ ગેરસમજ દૂર થઈ ગઈ હતી અને હવે તે સંપૂર્ણપણે તણાવ મુક્ત હતી.
****************************
Mahendra R. Amin 'mrudu'
Bushnell, Florida (USA)
****************************
09/12/2023, Tuesday at 16:05