સુનહરી નથણી ...!! Mahendra R. Amin દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુનહરી નથણી ...!!

સુનહરી નથણી ...!!

(મિત્રો, મારી સ્વરચિત વાર્તામાં કેટલાક સમાજમાં આજે પણ ચાલતા કરિયાવરના કુરિવાજના દૈત્યના સાતત્યની કથની રજૂ કરવા નમ્ર પ્રયાસ કર્યો છે. આ વાર્તામાં આવતાં પાત્રો તથા સ્થાન કાલ્પનિક છે. આ બાબતે કોઈ એ બંધબેસતી પાઘડી પહેરવી નહીં.)
💐💐💐💐💐💐💐💐💐💐💐💐9💐
આજે સુભાષભાઈના દીકરા સુમનના લગ્ન લેવાઈ ગયાં. ઘરમાં ભણેલીગણેલી એવી સુનિતા નામની વહુ પણ આવી ગઈ હતી. લગ્નમાં આવેલા સૌ સગા અને સંબંધીઓની હાજરી હતા. અહીં દરેક હાજર સ્ત્રીની નજર મોટે ભાગે સુનિતાના ગળા, નાક તથા હાથ પર પહેરેલાં ઘરેણાં પર હતી. સૌ ભેગા મળીને ચર્ચા કરતાં રહેતાં હતાં.
સુમનની મામીએ તેની નણંદ શોભનાબહેનને કહ્યું, "આ તમારી વહુના ગળાનો હાર, નાકની નથણી કે હાથ પરની બંગડીઓ જોઈ, તેમાં સ્હેજ પણ ચમક નથી. મને તો બધું પિત્તળ જ લાગે છે." આ સાંભળી સુનિતાનાં સાસુ પણ અવાક થઈ ગયાં. તેમણે આ વાત સુમનના પપ્પાને કરી તો તેમણે જણાવ્યું કે, "મને ખબર જ હતી, એ ભિખારી દહેજમાં કંઈ આપે તેમ નથી. આપણો સુમન પણ સુનિતા પાછળ જ પાગલ હતો, મારે આ લગ્ન કરવા મજબૂર થઈને કરાવવા પડ્યા છે."
સુનિતાને સાસુ-સસરાની આ વાત કાને પડી. તે અત્યંત દુઃખી થઈ. તેના પિતા નયનભાઈ સાદગીને વરેલા એક સરળ ઈન્સાન હતા. તે તલાટીની નોકરી કરી જીવનનો નિર્વાહ કરતા હતા. તેમણે તેમની નોકરી દરમિયાન નથી કોઈનું અહિત કર્યું કે નથી કોઈની પાસેથી એક પૈસાનીય લાંચ લીધી. એ ભલા ને એમનું કામ ભલું. આથી તો નોકરીમાં અનેક બદલીઓનો પણ તેમને સામનો પણ કરવો પડ્યો છે.
સુનિતા તેમનું એક માત્ર સંતાન હતી. તે ભણવામાં ઘણી હોશિયાર હતી. 12 ધોરણનો અભ્યાસ તેણે પોતાના ગામની શાળામાં જ કર્યો હતો. આગળના અભ્યાસ માટે તે તેની માસીના ઘેર આવી હતી. તેણે સુરતની એન. કે. કૉમર્સ કોલેજમાં પ્રવેશ લીધો હતો. અહીં તેનો સુમન સાથે સંપર્ક થયો હતો. અહીં તે અનેકવાર મળતા અને બહાર ફરવા પણ જતા. તેમણે આ દરમિયાન ક્યારેય મર્યાદાનું ઉલ્લંઘન કર્યું નથી જે સુનિતાને આભારી હતું. તેનું ધ્યાન ફરવા કરતાં ભણવામાં જ રહેતું હતું.
સુમન પણ તેના વર્ગમાં જ અભ્યાસ કરતો હતો અને ચરોતરનો લેઉઆ પાટીદાર સમાજના અમીન ધરાનામાંથી હતો. તો સામે સુનિતા પણ ચરોતરના સત્યાવીસ ગામ લેઉઆ પાટીદાર સમાજના પટેલ પરિવારમાંથી હતી.
સુનિતા અને સુમનની આ મૈત્રી ધીમે ધીમે પ્રેમમાં
પરિવર્તન પામતી ગઈ. જો કે સુનિતાને સુમનની મૈત્રી કરતાં પણ વધારે રસ ભણીને કારકિર્દી બનાવવા પર હતો.
તેને B. Com.ની પરીક્ષા ઉચ્ચ પ્રથમ વર્ગમાં પાસ કરી લીધી અને M. Com. શરું કર્યું. સુમને પણ બેન્કની પરીક્ષા પાસ કરી સુરતની જ એક બેન્કની શાખામાં નોકરીએ લાગી ગયો. હવે સુમનના પિતા તેને લગ્ન માટે કન્યાઓ જોવા આગ્રહ કરવા લાગ્યા. તો સુમને પોતે સુનિતાને ચાહે છે અને તેની સાથે જ લગ્ન કરશે તેવું સ્પષ્ટ ઘરમાં જણાવી દે છે
આ બાજુ સુનિતાએ M. Comની પરીક્ષા પ્રથમ વર્ગમાં Distinction સાથે પાસ કરી દીધી અને પોતાની જ કોલેજમાં ટ્યુટર તરીકે નોકરી મળતાં તે પણ કામ પર લાગી ગઈ. તેના પપ્પાએ તેને ભણાવવા માટે તેમના અનેક મિત્રો પાસેથી તેમજ ચરોતર સહકારી બેન્ક પાસેથી લોન લીધી હતી. હવે પિતાનું આ દેવું પણ નોકરીમાંથી જ તેને ચૂકવવાનું હોવાથી તે સુમનને સ્પષ્ટ જણાવે છે કે, "સુમન, તમારા રીત-રિવાજ મુજબ તારાં કે મારાં લગ્ન થાય એવી કોઈ શક્યતા મને જણાતી નથી તથા મારા પિતાજી તમને કરિયાવર આપી શકે એવા શક્તિમાન પણ નથી. હું પોતે પણ ભાગીને લગ્ન કરવામાં મનતી નથી. તેથી તારા જ ભલા માટે તું મને ભૂલી જા. પણ સુમન એકનો બે થતો નથી. આથી કેટલીક શરતોને આધીન તે લગ્ન કરવા માટે તૈયાર થાય છે. તેમાં એક શરત કંકુ અને કન્યાની હતી. સુમન કોઈપણ ભોગે સુનિતા સાથે લગ્ન કરવા મક્કમ હોવાથી તેના પિતા ઝૂકી ગયા અને લગ્ન પણ કરાવી દીધાં.
આવતે અઠવાડિયે સુમનની બહેન શાલિનીનાં પણ લગ્ન હોવાથી બધાં સગાંવહાલાં તો રોકાયેલાં જ હતાં અને ભાતભાતની વાતો કરતાં. બધાં સુનિતા અને તેના પરિવાર વિશે ઘસાતું બોલતાં હતાં. શાલિનીના લગ્નમાં 25 તોલા સોનું અને ₹ 1,00,000 રોકડા દહેજમાં આપવાની તૈયારી થઈ ચૂકી હતી. આજે સુમને બેન્કમાંથી રજા લીધી હતી તેનું કારણ એ હતું કે આજે દહેજનાં એ ઘરેણાં જોવાનો પ્રસંગ હતો.
સુમન સુનિતા ને લેવા માટે કૉલેજ ગયો. આવતાં બન્ને સોનીને ત્યાં બનાવવા આપેલી બંગડી, ગળાની સેર, નાકની સુનહરી નથણી તથા પગ માટે ચાંદીના પાયલ લઈને ઘેર આવ્યાં. સૌ જમી પરવારી દહેજ-દર્શન પ્રોગ્રામ માટે તૈયારી કરતા હતાં. ત્યારે આજે સુનિતા પોતાનું દહેજ દર્શન કરાવવા મક્કમ હતી. સમય થતાં સૌ હાજર થાયાં. સૌ દહેજનાં સોનાનાં ચકચકિત ઘરેણાં જોઈ આશ્ચર્ય પામ્યાં પણ આ પ્રોગ્રામમાં સુનિતાવહુની ગેરહાજરી સૌને ખટકી ખાસ કરીને સુમનના મમ્મી-પપ્પાને તેમજ તેની મામીને.
એટલામાં દ્વાર પર રૂપરૂપના અંબાર સમી જાણે આકાશમાંથી ઊતરી આવેલી અપ્સરા ... હાથ પર સોનાની ચમકતી ચાર બંગડીઓ, ગળામાં સોનેરી સેર, પગમાં રૂપેરી પાયલની છમછમ અને નમણા નાકે હીરાનાં તેજ પાથરતી સનહરી નથણી સાથે પ્રવેશતી સુનિતાને જોઈ સૌ અવાચક થઈ જાય છે. ધરમાં આવી તે તેના પગારના ભાગ રૂપે ₹ 10,000 નો એક ચેક તેના સસરા સુભાષભાઈના ચરણે ધરી તેમને પગે લાગે છે. તેમણે તે ચેક લેવનો ઈન્કાર કરી દીધો તો સુનિતાએ તે ચેક પર્સમાં મૂકી દીધો. બધાની નજર હવે શાલિનને દેવાના દહેજ પર ન રહેતાં આ દર માસે આવતા ખનકદાર કરિયાવર પર મંડાઈ અને બધાની બોલતી બંધ થઈ ગઈ.
શાલિનીના લગ્નને બે દિવસ બાકી હતા. મેંદીની રસમ પણ આજે પુરી થવા જઈ રહી હતી. રાતનો ભોજન સમારંભ પૂરો થયો. મંડપ પણ તૈયાર થયો. ઉનાળો હોવાથી સૌ ગરમીથી બચવા અગાશીમાં કે ખુલ્લાં સૂતા હતા. સવારે ઊઠીને સુભાષભાઈ નીચે આવ્યા તો ચીસ પાડીને નીચે ઢળી પડ્યા. સૌ ભેગા થઈ ગયા અને જોયું તો બધું લૂંટાઈ ગયું હતું. રોકડા રૂપિયા સહિત બધું જ ચોરાઈ ગયું હતું. સુમન અને સુનિતાને પણ જાણ થતાં તે તરત જ ઘેરથી આવ્યાં અને ઘરની આ સ્થિતિ પર ઘણા દુઃખી થયા. હવે કોઈ રસ્તો ન હતો. આવતીકાલે વેવાઈ જાન લઈ આવશે. સુનિતા એક વાત જાણતી હતી કે તેની નણંદ શાલિનીની સાસુ પોતાની દૂરની ફોઈ થાય છે. તેણે તરત જ આ વાત તેના પપ્પાને ફોનથી કરી અને જણાવ્યું કે ફોઈ, ફૂવા, ભાઈ અને આ સાથે માત્ર તમે એમ ચાર જ જણ જાન લઈને આવજો.
પોલીસને ફરિયાદ કરવામાં જોખમ હતું. દહેજ વિરોધી કાયદો નડે તેમ હતો. હવે આ લગ્ન મોકુફ રાખવાની ઘરમાં તૈયારી બાબત સૌ અવઢવમાં છે તો સુનિતા પોતાનાં ઘરેણાં શાલિનને આપશે તેમ પણ જણાવે છે. આજે લગ્નનો દિવસ છે, સૌને ચિંતા કોરી ખાય છે. શું કરવું કોઈને તેની કોઈને સમજ પડતી નથી. એટલામાં એક લાલ રંગની મારૂતિ વૅગનાર કાર ઘરના બારણે આવીને ઊભી રહે છે.
આ કારમાંથી ચાર જણ બહાર આવ્યા. તેમાં એક વરરાજા પોતે હતા. વેવાઈ-વેવાણે આવીને કન્યાની માગણી કરી તો સુભાષભાઈ શરમિંદા થઈ ગયઃ અને કહેવા લાગ્યા કે, "મારી પાસે કરિયાવરમાં દેવા કશું જ નથી." તો વેવાઈએ સામે કહ્યું કે, "આપણી વચ્ચે કરિયાવર કે દહેજ બાબતે ક્યારેય વાત નથી થઈ અને હું તો મારી દીકરી તમારા ઘરે અનામત હતી તે લેવા આવ્યો છું. સારું થયું તમારી આ દીકરી સુનિતાએ મને બધી વાત જણાવી દીધી હતી. એટલે અમે ચાર જણ જ અહીં દીકરીને લેવા આવ્યા છીએ. મારી પત્ની અને શાલિનીનાં સાસુ સુનિતાનાં ફોઈ છે. ત્યાં જ સુનિતા બધાને જમવા બોલાવવા આવે છે ત્યારે સુનિતાની સાસુ "દીકરા મારા આ ઘરનું સાચું ઘરેણું તો તું છે. અમે તને ના ઓળખી શક્યા." તે ચોધાર આંસુએ રડે છે. સનિતા અને તેની ફોઈ તેમને શાંત્વના આપી છાનાં રાખે છે.
જમણવાર કાર્યક્રમ પતાવી લગ્ન રજિસ્ટારની ઓફિસમાં બ્રાહ્મણ તેમજ વર-કન્યાના માતા-પિતાની હાજરીમાં લગ્નની નોંધણી થાય છે. ઘેર આવી બધાને પેડા ખવડાવી સુમન ગળ્યું મોઢું કરાવે છે. ત્રણેક વાગે
વેવાઈ માત્ર કંકુ-કન્યા લઈ ઘેર જવા તૈયાર થાય છે ત્યારે વેવાણ પોતાની સાથે લાવેલાં ઘરેણાંમાંથી એક હીરાની ચમક ધરાવતી સુનહરી નથણી પહેરામણીના પ્રતીક રૂપે શાલિનીના નમણા નાકે પહેરાવે છે ત્યારે તે દેદીપ્યમાન લાગે છે. આ પછી સૌ વર-કન્યા સાથે વેવાઈ-વેવાણને વળાવે છે.
સુનિતાના પપ્પા સૌના આગ્રહને વશ થઈ એક દિવસ માટે રોકાઈ જાય છે. આ સમયે સભાષભાઈ સુનિતા ને વિનંતી કરે છે કે, "વહુબેટા, તમને બન્નેને આ ઘરથી અલગ કરવાની મોટી ભૂલ હતી. તમારી આવડત અને હોશિયારીએ મને ઘણું મળી ગયું છે. આજથી આ ઘર તારું જ છે. આ ઘરમાં જ તું મારા મિત્ર નયનભાઈને જમાડ અને બે-ત્રણ દિવસ રોકાય તેવી વિનંતી કર. શોભનાબહેને પણ નયનભાઈને વધુ રોકાવા આગ્રહ કરતાં તેઓ રોકાઈ ગયા. સુમન બધો સામાન તેના ઘેરથી લઈને આવ્યો. સૌ સાથે મળી હેત ભાથી જમ્યા. હવે ઘરની દીકરીનું સ્થાન સુનિતાએ ગ્રહણ કરી લીધું હતું. પૈસાની કોઈ કમી ન હોવાથી સુનિતાના ભણતરનો ખર્ચ પણ સુભાષભાઈએ ચુકવી દીધો અને નયનભાઈને ઋણ મુક્ત કર્યો.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
આપણા સમાજમાં વહુ અને દીકરી માટે જે ભેદ છે સૌએ ભૂલવો પડશે. આજે સરસ ભણેલી ગણેલી દીકરીઓ આપણા પરિવાર ની સુનિતાઓ છે એ કેમ ભૂલાય. દીકરો ઘરનું નાક ગણતા હોઈએ તો વહુ યાને દીકરી પણ ઘરની ચમકદાર સુનહરી નથણી છે. એને વહુ ના ગણતાં દીકરી ગણીને રાખશો તો ઘર એ ઘર નહીં પણ સ્વર્ગ બનશે.
💐💐💐💐💐💐💐💐9💐💐💐💐💐💐💐💐💐💐
મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ'.
સુરત (વીરસદ/આણંદ)
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
માત્ર વૉટ્સ ઍપ (No Call) :87804 20985.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐