ઘર એક મંદિર ... એક સત્યકથા Mahendra R. Amin દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઘર એક મંદિર ... એક સત્યકથા


(મિત્રો, અહીં રજુ કરવામાં આવેલી આ વાર્તા સત્ય ઘટના છે. વાર્તામાં મુખ્ય પાત્રોનાં નામ ફેરબદલ કરવામાં આવ્યો છે. દિલની લાગણીથી બંધાયેલા બે પરિવારની સ્નેહકથા છે. અહીં પરિવારને 'ધર મંદિર' બનાવવાનું કામ સ્ત્રી જ કરી શકે એનું જ્વલંત ઉદાહરણ દર્શાવવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. સૌ વાચક બહેનો વિચારે તો આપ પણ 'ઘર એક મંદિર' બનાવી એ જ ઘરમાં સ્વર્ગની અનુભૂતિ પામી શકો.)

ઘર એક મંદિર.

નીલીમા આજે પોતાના સગાભાઈ સમા મોટાભાઈ શશાંકભાઈ મળવા સુરતથી વડોદરા મળવા આવી હતી. ભાભી તો વરસો પહેલાં એક સુખી પરિવારને મૂકી અનંતની યાત્રાએ ચલ્યાં ગયાં હતાં. ભત્રીજો રાજુલ અને તેની પત્ની સુહાસી ફોઈ આવે છે તે વાત જાણીને અત્યંત ખુશ હતાં. નીલીમા, તેના પતિ નિલેશભાઈ તથા તેમનો પુત્ર નિલય ત્રણે જણ 52, શિવકૃપા સોસાયટીમાં આવી પહોંચ્યા. પાંચ વર્ષ બાદ આજે મળી રહ્યા હતા તેનો ઘણો આનંદ હતો. બધા ભેગા મળ્યાં. ઘણી બધી વાતો થતી રહી. આમ જ પુરાણી વાતો ઉકેલાતી રહી.
વાતો કરતાં કરતાં એકબીજાના ખબર અંતર પૂછાયા. ચા અને નાસ્તાને ન્યાય અપાયો. જુની વાર્તા કિતાબ ખુલતી ગઈ. આ વાતોનો સળવળાટ બેઠો થયો અને નિલેશભાઈને ભૂતકાળના ચિત્તપટ તરફ દોરી ગયો. તે સમય, જ્યારે પોતે નવા નવા પોતાના ગામની હાઈસ્કૂલમાં ગણિત અને વિજ્ઞાનના તાલીમી શિક્ષક તરીકે 24 વરસની ઉંમરે જૂન 1968માં જોડાયા હતા. નોકરીને એક વરસ પૂર્ણ થતાં 8મી મે, 1969ને ગુરુવાર, પોતાના લગ્નનો એ અનેરો દિવસ હતો. શાળામાં અમદાવાદના જે બે શિક્ષકો, જેમની નિમણૂંક થઈ હતી તે બંન્ને પણ સામાન લઈને આવ્યા હતા. તેમને રહેવા ધરની વ્યવસ્થા પણ આ નાનકડા ગામમાં થઈ જ ગઈ હતી. શાળાના વરિષ્ઠ શિક્ષકોએ તેમને લગ્નમાં શાળા સ્ટાફમાં જ જમણવાર હોવાથી જમવા માટે આવવા વિનંતી કરી.
શશાંકભાઈએ ચુસ્ત બ્રાહ્મણ હોવાને નાતે વરિષ્ઠ શિક્ષકને કેટલાક પ્રશ્નો પૂછ્યા, "લગ્નની જાન ક્યા ગામ અને કોને ત્યાં જવાની છે ?" તેમણે જ્યારે જાણ્યું કે જાન તો તેમના મોસાળ જ જવાની છે ત્યારે તેમને ઘણો આનંદ થયો. શશાંકભાઈના મોસાળના ગામના માનીતા માસ્તરકાકાના ઉપનામથી ઓળખાતા અને સાત દીકરીઓના બાપ એવા સનતભાઈને ત્યાં જઈ રહી હતી. તેમણે નિલેશભાઈના પિતાજી મનહરભાઈ સાહેબને અભિનંદન આપ્યા.
મનહરભાઈ સાહેબ એટલે ગામની સ્કૂલના જ એક જાણીતા અને માનીતા શિક્ષક, શાળાની શરૂ થઈ ત્યારથી તે આ શાળામાં. માત્ર શિક્ષક જ નહીં પણ ખરા અર્થમાં એ ગામની હાઈસ્કૂલ માટેના રખેવાળ હતા. તેમના વિના શાળા અધૂરી જ લાગે. એ સમજે બધું પણ જરૂરી જણાય તો જ હળવાશથી ટકોર કરે. કેળવણી મંડળનો સઘળો વહીવટ તે પોતે જ સંભાળે. કોઈ પણ આચાર્ય આવે તો તેમના વિના અધૂરો રહે. આમ ગામની શાળાને શરીર બે પણ ચાલે તો એકાત્મકતાથી.
પછી તો જૂન મહિનામાં શરૂઆત પણ થઈ ગઈ.
શશાંકભાઈના પરિવારમાં તેમનાં પત્ની ઈલાબહેન, મોટી દીકરી કામાક્ષી, બીજી દીકરી હેમાક્ષી અને એક દીકરો રાજુલ. સાથે મા ... નીલીમા તેમને ફોઈ કહેતી ... નર્મદા ફોઈ, નાનો ભાઈ જનક અને બહેન દક્ષા. આ પરિવારનું સમગ્ર સંચાલનનું એક સફળ પૈડું એટલે શશાંકભાઈ અને ઈલાબહેન બીજું પૈડું.
શશાંકભાઈએ ઈલાબહેનના સહયોગથી ભાઈ જનકને BASM સુધી ભણાવી ડોક્ટર બનાવી નજીક જ આવેલા ગામડામાં નાનકડુ દવાખાનું પણ બનાવી દીધું. જનકને પરણાવી ગામમાં જ અલગ રહેવાની ગોઠવણ પણ કરી આપી. બહેન દક્ષાને પણ ભણાવી ગણાવી તેમજ સારું ઘર જોઈ પરણાવી. સમય થતાં દીકરી કામાક્ષી ઉંમરલાયક થતાં તેને પણ પરણાવી. નર્મદાફોઈને તો તન અને મનથી દુ:ખી ન થાય તેનું બંને સતત ધ્યાન રાખતા.
સંસાર સાગરમાં આવક અને જાવક જળવાય, માની મમતા જળવાય, ભાઈ-બહેનમાં હેત ભળાય, બાળકોની આશા સમાય તથા પતિ-પત્નીનો સ્નેહ પણ સચવાય. આ સઘળી જવાબદારી ઈલાબહેન પોતે નિભાવતાં. ઘરમાં દરેકનો પડતો બોલ ઝીલતાં. દરેકને સાચવતાં. એટલું નહીં પણ હું (નિલેશ) જ્યારે જ્યારે તેમને ઘેર જાઉં ત્યારે સ્કૂલના સંબંધે નહી પણ એક પટેલનો દીકરો હોવા છતાં આ બ્રાહ્મણના ઘરમાં જમાઈને જે માન મળે એટલું જ માન મને મળતું. ત્યારે મારા જ મનમાં ઘણી વાર એવો અનુભવ થતો કે ખરું મંદિર તો આ જ છે. આ મંદિરની દેવી ઈલાબહેન સૌને કેવા એકમેક સાથે જોડાયેલા રાખી પોતે પણ દરેક સાથે જોડાયેલાં રહે છે. તેમના મુખ પરના હોઠ સદાય મલકતા રહેતા.
શશાંકભાઈ લગભગ દરેક રક્ષાબંધનના દિવસે નીલીમાને રક્ષાબંધનની ભેટ રૂપે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે ભેટ ધરતા. આજે પણ નીલીમા જ્યારે વડોદરા આવે ત્યારે બહેનને ભેટ ધરી, જેના પ્રતીક સ્વરૂપ આજે ₹. 100 આગ્રહ સાથે આપ્યા.
સમય પસાર થતો હતો. જોતજોતામાં 1982નું વર્ષ શરૂ થતાં જૂન માસમાં હું (નિલેશ) ગામની શાળામાં સરપ્લસ થવાથી ખેડાની હાઈસ્કૂલમાં નિમણૂંક પામ્યો. મારી ઘરવખરી અને સામાન ભરાયો. અમને વળાવવા બધા સાથે ઈલાબહેન પણ આવ્યાં હતાં. તેમના એ શબ્દો, "નિલેશભાઈ, મારી હેમાક્ષી માટે કોઈ સારો છોકરો મળે તો જો જો." જો કે આ શબ્દોનો ભાર મને (નિલેશને) તે સમયે વરતાયો ન હતો. તેથી હસતાં હસતાં ઈલાબહેનને એવું કહેલું કે,"લગ્ન જેવી બાબતમાં મને શું સમજ પડે ? તેમાં પણ હું પટેલનો દીકરો અને તમે બ્રાહ્મણ." પણ જ્યારે થોડા જ સમયમાં મારા (નિલેશ) થકી જ હેમાક્ષીનો વિવાહ ખેડાના વિજેન્દ્ર ભટ્ટની સાથે ગોઠવાયો ત્યારે મારા મનમાં થયું કે ... "સાક્ષાત દેવીના મુખેથી ઉચ્ચારણ પામેલા આ શબ્દો હશે !". કુદરતે નક્કી કરેલું હોય તો જ ઉચ્ચારણ થાય." ત્યાર બાદ તો હેમાક્ષી અને વિજેન્દ્રનાં લગ્ન પણ સારી રીતે સંપન્ન થઈ ગયાં.
એટલામાં જ નિલેશભાઈને ઊભા થવાની બૂમ પાડીને પોતે ઊભી થવા જતાં પોતાનો પગ પકડાતાં, દુઃખાવો થતાં એકદમ પાડેલી નીલીમાની ચીસ સાંભળતાં જ નિલેશભાઈ તરત જ તંદ્રામાંથી બહાર આવ્યા. તેમણે ઊભા થઈને નીલીમાનો હાથ પકડી લીધો. નિલય પણ ઊભો થઈને આવી ગયો. રાજુલ અને તેની પત્ની સુહાસી પણ નજીક આવી ગયાં. સુહાસી તો રીતસર ફોઈની સેવામાં લાગી ગઈ. થોડી વાર પછી નિલય તેમજ નિલેશભાઈ સુરત જવા માટે બહાર આવ્યા. સાથે શશાંકભાઈ અને રાજુલ પણ બહાર આવ્યા. સુહાસી તો ફોઈની સેવામાં હતી.
આ જોઈને નિલેશભાઈના માનસપટ પર ફરીથી સુહાસીના ચહેરામાં એક ચહેરો ઉભરાતો હતો. એ જ મંદિર, એ જ મૂર્તિ, એ જ મુખ પરનો મલકાટ અને એ જ આવકાર. વાહ, ધન્ય છે એ દેવીને આજે જેણે આટલા વરસો પછી પણ આભાર વશ બની પોતાની પુત્રવધુના ચહેરે દર્શન દઈ મને ધન્યતાનો અનુભવ કરાવ્યો ત્યારે ...
નિલેશભાઈના દિલેથી અનેરા શબ્દોની સરવાણી વહી રહી હતી ...

સૌ માને છે કે ધરતીનો છેડો રહ્યું આ ઘર,
સંસારમાં સૌને સાચવે છે હર્યુંભર્યું એ ઘર.

દિલને મંદિર સૌ માને છે પ્રેમાળ આ ઘર,
કાવાદાવા રચે રોજ સાસુને વહુનું એ ઘર.

પ્રેમ જ્યોત જલે તો 'ઘરમંદિર' છે આ ઘર,
હળી મળીને રહો તો સુખ સમુ છે એ ઘર.

'મૃદુ'ના શબ્દે માનવતાની મહેક વહે આ ઘર,
દિલે વસાવો સૌ 'ઘરમંદિર' સ્વર્ગ બને એ ઘર.
- 'મૃદુ' અમીન

આજે આ પ્રસંગે પ્રત્યેક સાસુ અને દરેક વહુને એટલું જ કહીશ કે આ માનવ જન્મ મળ્યો છે એ મોંઘેરી કુદરતની બક્ષિસ માનજો. આ મારી વહુ કે આ મારી સાસુ સંબંધને ત્યાગજો. સૌ સાથે મળી પરિવારને હંકારજો. પોતાના ઘરને માત્ર ઘર જ નહિ 'ધર મંદિર' બને એ સ્નેહની સાંકળ જ અપનાવજો. મંદિરની મૂર્તિમાંથી આવતા કાનુડાને દિલડાના દ્વારે રોકશો ના કોઈ. તેને તો હ્રદયાસન પર સ્થાપિત કરીને 'ઘર મંદિર'ના દિપકનો પ્રકાશ ઘેર ઘેર પથરાય તેવી આહલેક જગાવજો.


મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ'.
સુરત (વીરસદ/આણંદ).
માત્ર વૉટ્સ ઍપ (No Phone) : 87804 20985.