ડ્રીમ ગર્લ - 19 Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડ્રીમ ગર્લ - 19

ડ્રીમ ગર્લ 19

જિગરે સાયકલ ઉંચકી રેલવે લાઈન ક્રોસ કરી અને તરત જ સાયકલ લઈ નીચે ઝૂકી ગયો. રેલવે લાઈન સ્હેજ ઉંચી હતી. આજુબાજુમાં નાના ઝાડવા પણ હતા. ત્યાંનો રોડ થોડો અવાવરું હતો એટલે સ્ટ્રીટ લાઈટ પણ ખૂબ દૂર દૂર હતી. જિગરે અંધારામાં સામે રેલવે લાઈન પાસેના રોડ પર નજર નાખી. એક સાયકલ સવાર ઉભો રહી કંઈક જોઈ રહ્યો હતો. જિગરનું હદય જોર જોરથી ધડકતું હતું. હાથ પગમાં પરસેવો વળતો હતો. પહેલા કોઈ દિવસ એ આવી પરિસ્થિતિમાં મુકાયો ન હતો. એ માણસ બે મિનિટ ઉભો રહ્યો અને પછી ચાલ્યો ગયો. એ માણસને શિકાર હાથમાંથી છટકી ગયાનો બેહદ અફસોસ હતો.
પાંચ મિનિટ પછી જિગર ઉભો થયો અને સાયકલ રવાના કરી. એ રોડ પર આગળ આડો આશ્રમ રોડ આવતો હતો અને ત્યાંથી થોડે આગળ જ એ પોસ્ટનો ડબ્બો હતો. વચ્ચે એક આખો દિવસ જતો રહ્યો હતો. જો ટપાલી બધી ટપાલ લઈ ગયો હશે તો કશું જ મળવાનું ન હતું. પણ જિગર એક ચાન્સ લેવા માંગતો હતો. જો કોઈ કારણથી ટપાલી ટપાલ લઈ ના ગયો હોય તો સારું. પોસ્ટના ડબ્બાથી થોડે દુર એણે સાયકલ ઉભી રાખી અને એક થાંભલા સાથે સાયકલ લોક કરી.
રોડ પર ખૂબ આછી અવરજવર હતી. હજુ અંધારું હતું. છાપાં વાળાની આછી અવરજવર ચાલુ થઈ ગઈ હતી. હજુ હવે પોણા પાંચ જેવું થવા આવ્યું હતું. હજુ છ વાગ્યા સુધી તો અંધારું જ રહેવાનું હતું. જિગરે બે આંટા ત્યાં માર્યા. કોઈ એની પર નજર રાખી રહ્યું હોય એવું ના લાગ્યું. પોસ્ટના એ ડબ્બાની આસપાસ અંધારું જ હતું. જિગરની નજર ટેવાઈ ગઈ હતી. જિગર એ પોસ્ટના ડબ્બા પાસે બેઠો. ટ્રાઉઝરના બેલ્ટમાં ફસાવેલ પાનાને પોસ્ટના એ દરવાજાના લોકમાં ફસાવી ઝટકો માર્યો અને લોક તૂટી ગયું.
ગજવામાં વાળીને મુકેલ મોટી પ્લાસ્ટીકની થેલીમાં બધી ટપાલ ભરી, ડબ્બાનો દરવાજો આડો કરી જિગર ઉભો થયો. એણે ચારે તરફ નજર કરી. કશું જ ચિંતાજનક ન હતું. જિગર બાજુના કોમ્પલેક્ષની દિવાલ ચડ્યો અને અંદર કૂદી ગયો. ત્યાં રાતપાલીમાં રોકાયેલ લોકોના વાહનો હતા. બે કારની વચ્ચે જિગર બેઠો. સામેની દિવાલ પરની લાઈટનું અજવાળું જિગર પર પડતું હતું. સિક્યુરિટી ગાર્ડ બહાર દરવાજા પાસે દરવાજો બંધ કરીને બેઠો હતો. જિગર બે કારની વચ્ચેની જગ્યામાં બેઠો હતો એટલે કોઈ એને દૂરથી જોઈ શકે એમ ન હતું.
જિગરે પ્લાસ્ટીકની થેલી ખાલી કરી. લગભગ 80 થી 90 કવર હતા. જિગરે એ કવર ધ્યાનથી જોયા. એમાં એક જાડું કવર અને એક ડાયરી હતી , જેના ઉપર કશું જ લખ્યું ન હતું. પોસ્ટના કવર પર કોઈનું સરનામું તો હોય જ. તો આ કવર પર કેમ ન હતું? મતલબ આ જ કવર અને ડાયરી એ માણસે એ લોકોથી બચાવવા આ ડબ્બામાં નાંખ્યા હશે. જિગરે એ ડાયરી અને કવર અલગ કર્યા. ડાયરી વાંચવાનો કે જોવાનો અત્યારે સમય ન હતો અને એને વિચાર આવ્યો. કોઈ માણસ એનો પીછો કરતો હતો.મતલબ કોઈ એના પર નજર રાખતું હતું. જો એને આ વસ્તુ મળી ગઈ તો ? ના.. ના...
જિગરે કોઈ કંપનીની એડનું કવર ખોલ્યું, એ કવર ખાલી કર્યું અને ડાયરી એમાં મૂકી દીધી. ગજવામાંથી સોલ્યુશનની ડબ્બી કાઢી કવર સિલ કર્યું. બીજા કવર પરની પોસ્ટની ટિકિટો સાચવીને ઉખાડી અને આ બે કવર પર લગાવી. બન્ને કવર પર પોતાના ઘરનું સરનામું લખ્યું અને બન્ને કવર ટીશર્ટ માં નાંખ્યા. બાકીની ટપાલ પ્લાસ્ટીકની થેલીમાં નાખી અને ચારે બાજુ નજર નાંખી. ગેટ પર ચોકીદાર ચ્હા પીતો હતો. એની નજર જિગરથી વિરુદ્ધ દિશામાં હતી. જિગરે દિવાલ પકડી અને દિવાલ પર ચઢી બહારની તરફ કુદયો.
બહાર હજુ અવરજવર ખૂબ ઓછી હતી. ઘડિયાળ 5.20 નો સમય બતાવતી હતી. જિગર પોસ્ટના ડબ્બા પાસે આવ્યો. જિગરે ગજવામાંથી સોલ્યુશન કાઢી પોસ્ટના ડબ્બાના લોક પર લગાવી દરવાજો પાંચ મિનિટ દબાવી રાખ્યો. લોક ચોંટી ગયું હતું. જિગરે ટીશર્ટમાં સંતાડેલ બે કવર સિવાયની તમામ ટપાલ, પોસ્ટના ડબ્બામાં નાંખી દીધી....

** ** ** ** ** ** ** ** ** ** **

જિગર સાયકલ લઈ ઝડપથી ઘર તરફ ગયો. રસ્તામાં એણે જોયું, કોઈ એનો પીછો કરતું ન હતું. મતલબ પેલો માણસ ગુમરાહ થઈ ગયો હતો. જિગરે રસ્તામાં આવતા બીજા એક પોસ્ટના ડબ્બા આગળ સાયકલ ઉભી રાખી અને બન્ને કવર એમાં નાખી દીધા. જિગરની ગણતરી એવી હતી કે કાલે કે પરમદિવસે એ કવર એને જરૂર મળી જશે.
જિગરના હદય પરથી એક ભાર હળવો થયો. શરીર અને મનની આજુબાજુ વીંટળાયેલો ભયનો માહોલ દૂર થયો. એણે સાયકલ ઘર તરફ રવાના કરી. મેઈન રોડથી એના ઘર તરફ જવાનો એક જ રસ્તો હતો. ત્યાં પણ વૃક્ષો સ્ટ્રીટ લાઈટથી રિસાઈને એના અજવાળાને રોકી ને ઉભા હતા. જિગર ત્યાં આવ્યો અને અંધારામાં ઉભેલા કોઈએ એની સાયકલને લાત મારી. આવા અણધાર્યા હુમલા માટે જિગર તૈયાર ન હતો. જિગર સાયકલ લઈને નીચે પડ્યો....

(ક્રમશ:)

04 ફેબ્રુઆરી 2021