દહેશત - 21 - છેલ્લો ભાગ H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દહેશત - 21 - છેલ્લો ભાગ

21

મેલિસાના પ્રેતે જાણે કોઈ અદૃશ્ય શક્તિના હાથમાંથી પોતાનો હાથ છોડાવી લીધો અને જોશભેર સબ ઈન્સ્પેકટર જિમીના પેટમાં ચપ્પુ ખોંપી દીધું. ખચ્‌....!

‘નહિ....!’ જિમીની બાજુમાં ઊભેલી સોફિયાના મનમાં ચીસ સાથે આ શબ્દ ગૂંજ્યો, પણ તેની જીભ તાળવા સાથે ચોંટી ગઈ હતી, એટલે તેના મોઢામાંથી આ ચીસ-આ શબ્દ નીકળી શકયો નહિ.

તો પેટમાં ચપ્પુ ખૂંપતાં જ જિમીની આંખો અને ચહેરા પર પીડા ઊતરી આવી.

જ્યારેે મેલિસાના પ્રેતના ભયાનક ચહેરા પર ક્રૂરતાની સાથે જ ખૂની ખુશી ઝળકી રહી હતી.

મેલિસાના પ્રેતે એક અટ્ટહાસ્ય કરતાં જિમીના પેટમાંથી ચપ્પુ બહાર ખેંચ્યું.

જિમીએ પીડાથી કણસતાં લોહી, નીંગળતા પેટ પર પોતાના બન્ને હાથ દબાવ્યા.

મેલિસાના પ્રેતે ફરી જિમીના શરીરમાં ચપ્પુ ખોંપવા માટે હાથ પાછળ લીધો, અને આ વખતે પણ જાણે કોઈ અદૃશ્ય શક્તિએ પાછળથી મેલિસાનો હાથ પકડી લીધો હોય એમ મેલિસાનો હાથ પાછળની તરફ રોકાયેલો રહેવાની સાથે જ એના ચહેરા પર રોષ અને ગુસ્સો આવી ગયો.

સોફિયા જોઈ રહી !

મેલિસાના પ્રેતે એક તીણી ચીસ પાડી. આ વખતે મેલિસાનું પ્રેત એ અદૃશ્ય શક્તિના હાથમાંથી પોતાનો હાથ છોડાવી શકયું નહિ. અને બરાબર આ પળે, અચાનક જ મેઈન દરવાજા બહારથી જોરદાર વાવાઝોડું આવ્યું ને જિમી તેમ જ સોફિયા બન્ને જણાં અધ્ધર ઊંચકાઈને દરવાજાથી દૂર.., પાછળની તરફ જમીન પર પટકાયાં.

જિમી અને સોફિયાની હાલત ઓર વધુ ખરાબ થઈ ગઈ.

જિમીના પેટમાંથી લોહી વહી રહ્યું હતું અને તેની આંખો મિંચાઉં-મિંચાઉં થઈ રહી હતી. જિમીએ મિંચાઉં-મિંચાઉં થઈ રહેલી આંખે દીવાલ ઘડિયાળમાં જોયું, તો મેલિસાના પ્રેતે તેના મોતનો જે એક વાગ્યા ને અઠ્ઠાવન મિનિટનો સમય આપ્યો હતો, એમાં ફકત પાંચ સેકન્ડની વાર હતી !

જિમીએ મિંચાઉં-મિંચાઉં થઈ રહેલી આંખોને ખુલ્લી રાખવાનો પ્રયત્ન કર્યો, પણ તેે સફળ થઈ શકયો નહિ. તેેની આંખો મિંચાઈ ગઈ !

તો તેની ડાબી બાજુ પડેલી સોફિયા ફાટેલી આંખે મેઈન દરવાજા તરફ જોઈ રહી હતી.

મેઈન દરવાજા પાસે ઊભેલા મેલિસાના પ્રેતે અત્યાર સુધીમાં એ અદૃશ્ય શક્તિના હાથમાંથી પોતાનો ચપ્પુવાળો હાથ છોડાવી લીધો હોય એમ હવે એનો ચપ્પુવાળો હાથ આગળ આવી ગયો હતો અને મેલિસાનું પ્રેત હવે સોફિયા તરફ આવી રહ્યું હતું !

મેલિસાના પ્રેતનો ભયાનક ચહેરો ઓર વધુ ભયાનક બની ગયો હતો. એના લીલા રંગની ચમકી રહેલી આંખોમાંનું ખૂન્નસ બેવડાઈ ગયું હતું. એના મોઢાની બહાર નીકળેલા લાંબા અને અણિદાર દાંત વચ્ચેની જીભ જાણે કોઈ ઝેરીલી નાગણની જીભ હોય એમ લપક-લપક થઈ રહી હતી.

મેલિસાનું પ્રેત સોફિયાની બિલકુલ નજીક આવીને ઊભું રહ્યું

ખણીંગ...!

મેઈન દરવાજા બહાર ફૂંકાઈ રહેલા વાવાઝોડાનું જોર એકદમથી વધી ગયું અને બન્ને બાજુની બારીના કાચ ફૂટીને આસપાસમાં વિખરાયા.

મેલિસાના પ્રેતે ફરી તીણી ચીસ પાડી.

સોફિયા મેલિસાના પ્રેતને જોઈ રહી.

મેલિસાના પ્રેતને-તેના મોતને આમ એકદમ નજીક આવી ગયેલું જોઈને સોફિયાના મન-મગજ કામ કરતા બંધ થઈ ગયા હતા !

તે હવે હિંમત હારીને, નિરાશ થઈને જાણે ચુપચાપ મોતના મોઢામાં ચાલી જવા માટે તૈયાર હોય એમ મેલિસાના પ્રેત સામે જોઈ રહી.

મેલિસાના પ્રેતે સોફિયાના હૃદયમાં ચપ્પુ ખોંપી દેવા માટે પોતાનો ચપ્પુવાળો હાથ અદ્ધર કર્યો અને જોશભેર સોફિયા તરફ આગળ વધાર્યો.

સોફિયાની આંખો પીડા ને મોતના ભયથી મીંચાઈ ગઈ.

એક પળ....બે પળ...., ત્રણ અને ચાર પળો વીતી...!

સોફિયાના હૃદયમાં ચપ્પુ ખૂંપ્યું નહિ. સોફિયાએ આંખો ખોલી નાંખીને જોયું તો મેલિસાના પ્રેતનો ચપ્પુવાળો હાથ સોફિયાના હૃદયથી થોડેક જ દૂર હતો !

મેલિસાના પ્રેતનો એ ચપ્પુવાળો હાથ જાણે કોઈ અદૃશ્ય શક્તિએ પકડી રાખ્યો હોય અને એ અદૃશ્ય શક્તિના હાથમાંથી મેલિસાનું પ્રેત પોતાનો હાથ છોડાવવા માટે જોર લગાવી રહ્યું હોય એવા ભાવ મેલિસાના પ્રેતના ચહેરા પર દેખાતા હતા !

આ જ પળે સોફિયાની નજર મેલિસાના પ્રેતના પાછળના ભાગમાં ગઈ.

મેલિસાના પ્રેતની પાછળ એનાબેલ..., એનાબેલનું પ્રેત ઊભું હતું ! એનાબેલના પ્રેતે મેલિસાના પ્રેતનો હાથ પકડી રાખ્યો હતો !

‘તો આનો મતલબ એ કે, તેને મારી નાંખવા માટે આવેલા મેલિસાના પ્રેતથી તેને બચાવવા માટે એનાબેલનું પ્રેત આવી પહોંચ્યું હતું !’ આ વિચાર સાથે જ સોફિયા બેઠેલી હાલતમાં જ પાછળની તરફ હટી.

અને આ વખતે સોફિયા સહેજ પાછળ હટી શકી !

મેલિસાના પ્રેતે સોફિયાના ચહેરા તરફ ખૂન્નસભરી નજરે જોઈ રહેતાં એક તીણી ચીસ પાડી અને એનો ચપ્પુવાળો હાથ એનાબેલના પ્રેતના હાથમાંથી છોડાવવા માટે જોરથી ખેંચ્યો, અને...

...અને આ વખતે એનાબેલના પ્રેતે જ્યાંથી મેલિસાના હાથને પકડી રાખ્યો હતો, ત્યાંથી મેલિસાના પ્રેતનો હાથ તૂટી ગયો અને એ હાથ જાણે રેતનો બનેલો હોય એમ ફૂંકાઈ રહેલા વાવાઝોડામાં વિખરાઈને અદૃશ્ય થઈ ગયો ! !

કોઈ માનવીનો હાથ તૂટે અને એ જે રીતના પીડાથી ચીસો પાડવા માંડે એમ મેલિસાનું પ્રેત ચીસો પાડવા માંડયું.

એનાબેલના પ્રેતે મેલિસાના પ્રેતને બરાબરનું પકડી રાખ્યું હતું. મેલિસાનું પ્રેત એનાબેલના પ્રેતના હાથમાંથી છૂટવા માટે ધમપછાડા કરી રહ્યું હતું, પણ એ એનાબેલના પ્રેતના હાથમાંથી છૂટી શકતું નહોતું. ઉપરથી એના ધમપછાડા કરવાની સાથે જ, એનું શરીર.., રેતના કણોનું બનેલું હોય એમ એક પછી એક એના શરીરના અંગો તૂટતા જતા હતા અને હવામાં વિખરાતા જતા હતા !

છેલ્લે મેલિસાના પ્રેતનો ચહેરો બાકી રહ્યો અને એ પણ બીજી જ પળે રેતના કણની જેમ વાવાઝોડામાં વિખરાઈને અદૃશ્ય થઈ ગયો !

અને આની સાથે જ જાણે સ્વિચ દબાવો અને વાવાઝોડું ફૂંકાવાનું બંધ થાય એમ એક જ પળમાં વાવાઝોડું શાંત થઈ ગયું. વાતાવરણમાં એકદમથી જ શાંતિ-સન્નાટો છવાઈ ગયો.

સોફિયા એ રીતના જ બેઠી- બેઠી જોઈ રહી.

સામે એનાબેલનું પ્રેત હજુ પણ ઊભું હતું. એનાબેલનું પ્રેત સોફિયા સામે હેતનીતરતી નજરે જોઈ રહ્યું હતું.

સોફિયાએ એનાબેલના પ્રેત સાથે વાત કરવા માટે મોઢું ખોલ્યું, ત્યાં જ એનાબેલનું પ્રેત ધુમાડાની જેમ હવામાં વિખરાઈ ગયું અને દેખાતું બંધ થઈ ગયું.

સોફિયા એ રીતના જ બેસી રહી-મનોમન વિચારી રહી, ‘તેની નજર સામે જે કંઈ બન્યું હતું, એનાથી શું તેણે એ માની લેવું જોઈએ કે, તેને મારી નાંખવા આવેલા મેલિસાના પ્રેતને એની સાવકી મા એનાબેલના પ્રેતે હંમેશ માટે ભગાવી મૂકયું હતું !’

સોફિયા ઊભી થઈ. તેણે જોયું તો જિમી થોડાંક પગલાં દૂર જ લાશની જેમ પડયો હતો. એની આસપાસ લોહી રેલાઈ રહ્યું હતું.

તે જિમી તરફ આગળ વધી જવા ગઈ, ત્યાં જ તેના કાને મેલિસાના પ્રેતના મિસ્ડ્‌ કૉલવાળી રિંગ પડી,

‘ના મૈં જાનું...,

ના તુ જાને...,

કિસ ઘડી મેં...,

હોના હૈ કયા...?

જિંદગી કે...,

ઈસ જુએ મેં...,

પાના ક્યા હૈ ?

ખોના હૈ ક્યા...?

સોફિયાએ ચોંકી ઊઠતાં આસપાસમાં નજર દોડાવી.

જિમીથી થોડેક જ દૂર, જિમીનો મોબાઈલ ફોન પડયો હતો. એ મોબાઈલ ફોનમાંથી જ અત્યારે આ ગીત ગૂંજી રહ્યું હતું !

‘તો.., તો શું આનો મતલબ એ કે, હજુ સુધી મેલિસાના પ્રેતે તેનો પીછો છોડયો નથી ? ! ?’ સોફિયાના મગજમાં આ વિચાર દોડી જવાની સાથે જ તે જાણે આપમેળે જ જિમીના મોબાઈલ ફોન તરફ આગળ વધી ગઈ.

તે મોબાઈલ ફોન પાસે પહોંચી.

તેણે મોબાઈલ ફોન તરફ હાથ આગળ વધાર્યો. તેણે મોબાઈલ ફોન ઉઠાવ્યો અને કાન પર મૂકયો : ‘બોલ, મેલિસા...!’ સોફિયા બોલી : ‘તું...’

‘સોફિયા...!’ મોબાઈલ ફોનમાં સામેથી જાણે કોઈ બીજી દુનિયામાંથી આવતો હોય એવો એનાબેલનો અવાજ સંભળાયો : ‘મેલિસા હવે કદિ તારી સામે નહિ આવે. એ કોઈની પણ સામે નહિ આવે. હવે મેલિસા કોઈને મોબાઈલ ફોન પર મિસ્ડ્‌ કૉલ નહિ કરી શકે, અને કોઈને મોતના મોઢામાં નહિ ધકેલી શકે !’

‘થૅન્કયૂ, એનાબેલ..,’ સોફિયાનો અવાજ ગળગળો થઈ ગયો, તેની આંખોમાં આંસુ આવી ગયાં : ‘...તમે મને બચાવી. હું તમારો ઉપકાર જિંદગીભર નહિ ભૂલું.’

મોબાઈલ ફોનમાં એનાબેલ તરફથી કોઈ જવાબ સંભળાયો નહિ, અને પછી સામેથી કૉલ કટ્‌ થઈ ગયો.

સોફિયાએ કાન પાસેથી મોબાઈલ ફોન હટાવ્યો, ત્યાં જ તેના કાને જિમીનો પીડાથી દબાયેલો અવાજ પડયો : ‘સોફિ..., જલદી ઍમ્બ્યુલન્સ બોલાવ...!’

‘હા-હા.., બોલાવું છું.’ જિમી હજુ જીવતો હતો, એ વાતની ખુશીએ સોફિયાની આંખોમાં આંસુઓનું પૂર લાવી દીધું. તે ઍમ્બ્યુલન્સ બોલાવવા માટે મોબાઈલ ફોન લગાવવા લાગી.

૦ ૦ ૦

‘મિસ્ડ્‌ કૉલ’વાળી આ આખી ઘટનાને આજે દસ મહિના વીતી ચૂકયા છે.

સોફિયા અને જિમીના લગ્ન થઈ ચૂકયાં છે. બન્ને ખુશી-મજામાં છે, અને સુખેથી જીવી રહ્યાં છે !

( સમાપ્ત )