અધૂરું સપનું..
જીવીની ખુશી આજે કેમે'ય કરીને સમાતી નહતી. આખી હોસ્પિટલમાં ચોકલેટ વહેંચતા વહેંચતા એ એક જ વાત કહ્યા જતી હતી, "મારું અધૂરું સપનું આજે પૂરું થયું." જીવીના સપના વિશે જાણનાર હોસ્પિટલનો સ્ટાફ પણ જીવી જેટલો જ ખુશ હતો. જોકે કેમ ના હોય.!? આમ તો જીવી એક સામાન્ય સફાઈ કામદાર જ હતી પણ એની કામ પ્રત્યેની ઇમાનદારી, મોઢા પર સદાય રહેતા હકારાત્મકતાના ભાવ અને આંખોમાં ડોકાતી દયાની સાથે સાથે જ એનો હસમુખો અને વાતોડિયો સ્વભાવ એની હાજરી પુરાવવા પૂરતા હતા. એના જેવા નાના સફાઈ કામદારથી માંડીને મોટા ડૉકટર સુધી બધાને એ એના સપના વિશે વાત કરી ચૂકી હતી, તો સારવાર લેવા આવનારા દર્દીઓ પણ ક્યાં એમાંથી બાકાત રહેતા.
"ઘડીક ઊભા રહો જીવીબેન. આટલી ખુશી વહેંચો છો તો કારણ પણ કહેતા જાવ. કયું અધૂરું સપનું પૂરું થયું તમારું.?" ત્રણ દિવસ પહેલા સારવાર માટે દાખલ થયેલા વાતોડિયા કરસનકાકાએ એક્સપ્રેસની જેમ ખુશી વહેંચવા દોડતી જીવીને ટકોર કરી.
"મારી છોડીને ભણાવવાનું કાકા." આનંદિત સ્વરે જીવીએ જવાબ આપ્યો.
"અરે વાહ.. શું ભણી તમારી દીકરી.?" કરસનકાકાએ વળતો પ્રશ્ન કર્યો..
"નર્સિંગ કર્યું કાકા.. હવે એ નર્સ બનીને લોકોની સેવા કરશે." ગર્વ સાથે જીવી બોલી..
"તો તમારે નર્સ બનવું હતું એવું ને?" કાકાએ પૂછ્યું..
"ના.. મારે તો ભણવું હતું." જીવીની આંખોમાં પળભર માટે ઉદાસી આવી ગઈ.
"તો શું ગરીબાઈના કારણે ના ભણી શકી.?" નવરા કરસનકાકાને સમય પસાર કરવા એક મુદ્દો મળી ગયો હોય એમ જીવીની વાતોમાં ઉંડો રસ લઈ રહ્યા..
"ગરીબાઈ તો હતી કાકા પણ સાવ એવું'ય ન'તું કે નિસાળે ભણવા ના બેહાડી હકે." જાણે દવાનો કડવો ઘૂંટ ગળે ઉતારતી હોય એમ જીવી બોલી.
"તો શું દિકરી થઈને જન્મ લેવાની સજા હતી આ.?" કરસનકાકાએ જાણે આજે જીવીની જીંદગી જાણી લેવી હોય એમ પૂછ્યું..
"ના રે.. મારા પસી આવેલી બે બહેનોને તો ભણાવી. પણ એતો એની પેટની જણી હતીને અને હું રહી સાવકી. જનમ લેતા જ જનેતાને ભરખી ગઈ હોય એવી કમભાગી." જીવીએ કહ્યું..
કરસનકાકાએ ખાલી હોંકાર ભર્યો અને જીવીએ પોતાની વાત આગળ વધારી.
"તેં હેં કાકા, એમાં મારો હું વાંક કે મારા બાપા મારી પ્રસૂતિની વેદનાથી તડપતી માને ઇસ્પિતાલ ના લઈ ગ્યાં. ચ્યાંય હુધી હું'ય જાતને જ માની ખૂની જ માનતી રઈ. આતો એક દા'ડો મારી માની ખાસ બેનપણી અહીંયા જ સારવાર માટે આવેલી તો મળી ગઈ. વાતમાંથી વાત નીકળી અને એને ખબર પડી કે હું કમુની છોડી છું તો મને ભેટી પડી. અને તાર એણે કહ્યું તો ખબર પડી કે એ દિવસે મારો બાપ દારૂપીને ચ્યાય પડ્યો હતો એટલે એને ટેમસર ઈસ્પિતાલમાં ભર્તી ના કરાવી સક્યો ને એ બચારી મને જનમ આપતા જ હરિના ઘરે જતી રહી, અને મારા નસીબે આ સાવકી ભટકાઈ." જીવીની આંખમાં આંસું તગતગી રહ્યા.
"હશે જીવીબેન. હવે તો બધું સારું છે ને.? શું કરે છે તમારો ઘરવાળો.?" કરસનકાકાએ પૂછ્યું..
"એય આંયાં જ કામ કરે છે. પેલો રાજલો છે ને જે કાલે તમને હાથ ઝાલીને દાગતર જોડે લઈ જતો હતો, એ..." બોલતા બોલતા જીવી શરમાઈ ગઈ.
અને કરસનકાકાની નજર સામે એકદમ કાળા, મોઢા પર ચાઠાંવાળા, બદસૂરત રાજલાની છબી ઉપસી આવી. એમને જીવી પર દયા આવી ગઈ અને એમણે પૂછ્યું, "એ તને સારું રાખે છે ને.? કોઈ તકલીફ નથીને એની જોડે.?"
જીવી કરસનકાકાનો કહેવાનો અર્થ સમજી ગઈ હોય એમ બોલી, "કાકા એનો દેખાવ ભલે જમ જેવો લાગે પણ દિલનો રાજા છે રાજા મારો રાજલો. એણે જો ખરા સમયે હાથ ના ઝાલ્યો હોત તો પેલી સાવકી માએ રૂપિયાની લાલચમાં મને એક બુઢ્ઢા માણસને વેચી દીધી હોત." જીવી સહેજ રોકાઈ..
"બે ઘર છોડીને રાજલાનું ઘર હતું. નાનપણથી અમે એકબીજાને જાણતા. દેખાવના લીધે બધાથી અતડો રહેતા રાજલાને મારી હારે પહેલેથી ભળતું. મારા સુખ દુઃખનો એક માત્ર સાથી હતો એ. એને જેવી ખબર પડી કે મારી મા મારા લગન પૈસા માટે કોઈ બુઢ્ઢા જોડે કરાવે છે તરત હાથ ઝાલીને મને મંડપમાંથી એના ઘરે લઈ ગયો. ઘર તો સું કેવાય કાકા ઓરડી જ હતી. મને ઓરડીમાં રાખતો અને એ બહાર ખુલી જગ્યામાં રાતે પડ્યો રહેતો. અઠવાડિયા સુધી આવું ચાલ્યું, પછી મારી ધીરજનો અંત આવ્યો તો મેં નફ્ફટ થઈને એને સીધું એમ જ પુસ્યું કે, અલા પુરુસમાં નથ કે સુ.?" સાડીનો એક છેડો મોઢામાં દબાવતા શરમાઈને જીવી બોલી..
"જીવી તું તો જબરી નીકળી હોં.." કરસનકાકા હેતથી બોલ્યા..
"તે હુ ચરતી કાકા.! એની આંખોમાં પ્રેમ તો હું સમજણી થઈ ત્યારથી જ ભાળી ગયેલી, પણ એના મોઢેથી ફૂટે ત્યાર વાત આગળ વધે ને. ચેટ-ચેટલા પેતરા કર્યા મુઆને બોલાવવા, પણ રોયો ફાટે જ નહીં.. લોકોની નજર સામે હાથ ઝાલીને ઘરમાં બેહાડી પછી ચેટલી રાહ જોવી મારે'ય. એમ તો હુંય કહી સકતી હતી એને, પણ એમાં હુ મઝા. મઝા તો ત્યાર આવે જ્યાર એ સામેથી લાગણી કબૂલ કરે પણ એના મનમાં એના દેખાવની પાક્કી ગાંઠ હતી અને એને ખોલવાનો મને આ એક જ રસ્તો દેખાયો. અને એ કામ પણ કરી ગ્યો બોલો કાકા." શરારતી અવાજે જાણે એ પળોને જીવતી હોય એમ જીવી બોલે જતી હતી.
"પછી તો એક વર્ષની અંદર મારી આ રમીલા અને બે વર્ષ પછી આશા ખોળામાં રમતા હતા. બંને દીકરી જન્મી ત્યારે જ નક્કી કર્યું હતું દીકરી અને દીકરામાં ક્યારેય ભેદ નહીં રાખીએ ને બંનેને જેટલું ભણવું હસે એટલું ભણાવસુ." અવાજમાં સુખી લગ્નજીવનના પડઘા પડતા હોય એવા અવાજે જીવીએ કહ્યું...
જીવીએ આપેલી ચોકલેટ ખોલીને જીવીના મોઢામાં મૂકતા કરસનકાકાએ જીવીને એનું અધૂરું સપનું પૂરું થવા બદલ અભિનંદન આપ્યા અને સાથે જ ખીસામાંથી સોની બે નોટો કાઢીને આશીર્વાદ પણ.. ઘણી આનાકાની પછી આખરે જીવીએ કરસનકાકાની ઉંમર અને સ્નેહ આગળ નમતું મૂકી રૂપિયાનો સ્વીકાર કર્યો અને બોલી, "હાર ચલો હું જાઉં હવે.. હજી ઘણે ચોકલેટ આપવાની બાકી."
કરસનકાકા ખુમારી ભરેલી ચાલે જતી જીવીને જતા જોઈ રહ્યા અને મનોમન એની ખુમારીને વંદી રહ્યા.
જય જિનેન્દ્ર
©શેફાલી શાહ