અધિકાર
ક્યારેય સાંભળ્યું નદી એ માંગ્યો કોઈ અધિકાર પર્વત જોડે ?
જેમ એક સ્ત્રી નથી માંગતી કોઈ અધિકાર માવતર જોડે..!!
એ તો બસ જન્મથી માંડીને મરણ સુધી વ્હાલના વાવેતર જ કરે જાય છે..!!
ક્યારેય સાંભળ્યું કે ઝાંકળે માંગ્યો કોઈ અધિકાર પુષ્પ જોડે ?
જેમ એક સ્ત્રી નથી માંગતી અધિકાર એના પિયુ જોડે..!!
એ તો બસ પિયુ માં ભળી અસ્તિત્વ ઓગાળી લાગણીઓનું વાવેતર જ
કરે જાય છે..!!
ક્યારેય સાંભળ્યું કે ધરતીએ માંગ્યો કોઈ અધિકાર મનુષ્ય જોડે ?
જેમ એક સ્ત્રી નથી માંગતી કોઈ અધિકાર એના બાળક જોડે..!!
એતો બસ પેટમાં પાંગળ્યા ત્યારથી પ્રેમ થી સિંચ્યા જ કરતી જાય છે..!!
ક્યારેય સાંભળ્યું સૂરજે માંગ્યો કોઈ અધિકાર બ્રહ્માંડ જોડે ?
જેમ સ્ત્રી નથી માંગતી કોઈ અધિકાર આ દુનિયા જોડે..!!
એતો બસ નવસર્જન કરીને સંસાર ને આગળ જ ધપાવે જાય છે..!!
ભાવ
મારે તારી આંખ ના ભાવ ઉકેલવા છે,
મારી નજર થી !!!
મારે તારા શબ્દો ના ભાવ જાણવા છે,
મારી સમજ થી !!!
મારે તારી લાગણી ના ભાવ પામવા છે,
મારા હૃદય થી !!!
મારે તારા ભાવ ની સફરમાં સાથે ચાલવું છે,
તારા જ સાથ થી !!!
મારે તારી આ પૂર્ણતાની દુનિયામાં
સમાવું છે,
તારા આ સ્નેહ થી !!!
મારે તારી સાથે આ બધુંજ શક્ય
બનાવવું છે,
શું એ બનશે, આ ભાવ ભર્યા
તારા સાથ થી..!?
મર્મ
શબ્દો નો મર્મ પામીને શું કરશો ?
એના કરતાં એને અનુભવી જાણો !
લાગણી નો મર્મ પામીને શું કરશો ?
એના કરતાં એને આપી જાણો !
સંબંધ નો મર્મ જાણી ને શું કરશો ?
એના કરતાં એને સાચવી જાણો !
કર્મો નો મર્મ પામીને શું કરશો ?
એના કરતાં સારા કર્મ કરી જાણો !
જીવન નો મર્મ પામી ને શું કરશો ?
એના કરતાં એને જીવી જાણો !
મૃત્યુ નો મર્મ પામી ને શું કરશો ?
એના કરતાં એને જીતી જાણો !
વિશ્વાસ
માનવી તું ખુદનો જ સહારો બનીને ખુદ પર તો વિશ્વાસ કર,
કણકણ માં વસુ છું હું એ વાતનો તો વિશ્વાસ કર..!!
મારા વિશ્વાસે જ ચાલતી આ દુનિયા એ વાતનો તો વિશ્વાસ કર,
દુનિયાની આ દુનિયાદારીમાંથી હું જ ઉગારું એ વાતનો તો વિશ્વાસ કર..!!
કહો છો પોતાને માટીના માનવ પણ એની માનવતા પર તો વિશ્વાસ કર,
માનવતા થકી ટકી રહેલા સોના જેવા સંબંધો પર તો વિશ્વાસ કર..!!
કંઈ નઈ તો તારામાં રહેલી લાગણીઓ અને ઉર્મીઓનો તો વિશ્વાસ કર,
એ લાગણીઓ અને ઉર્મિઓ થકી તારામાં રહેતી જીવંતતા પર તો વિશ્વાસ કર..!!
ભલે પત્થર એટલે ના પુંજ તું દેવ પણ અગમ્ય શક્તિ છે એટલો તો વિશ્વાસ કર,
એટલુંય ના થાય તો કંઈ નઈ માનવતા પર તો વિશ્વાસ કર..!!
મિલન
આખરે આવી ગઈ એ પળ...
જેને સજાવી હતી મેં મારા સપનામાં !
હું બેઠી હઈશ સુંદર સેજમાં
રાહ જોતી
શરમાતી
ગભરાતી
સપનાઓ લઈને
ત્યાંજ ધીમેથી દરવાજો ખોલીને
આવશે પિયુ
હાથમાં ગુલાબ
આંખોમાં શરારત
હોઠોમા તરસ લઈને
પછી,
રચાશે આંખોનું ઐક્ય
સંભળાશે દિલની ધડકન
બહેકશે યૌવન
એક થશે તનમન
અને,
અનાવૃત થશે શરીર
ભળશે અમારા તન
રચાશે એક પ્રેમ યુગ્મ
તૃપ્ત થશે અમારા મન
આખરે આવી ગઈ એ મારી પિયુ મિલન ની પળ !
પરિવર્તન
પાણીનું થયું બાષ્પમાં પરિવર્તન ,
અને થયા વરસાદના એંધાણ...!
બીજનું થયું અંકુરમાં પરિવર્તન ,
અને થયા નવા તરુંના એંધાણ...!
કળીનું થયું પુષ્પમાં પરિવર્તન ,
અને થયા નવસર્જનના એંધાણ...!
પત્થરનું થયું મૂર્તિમાં પરિવર્તન ,
અને થયા નવી શ્રદ્ધાના એંધાણ...!
આમ પરિવર્તન લાવે નવચેતન ,
અને એ જ સંસારનો નિયમ...!
તો... હે, મનુષ્ય !
ક્યારે થશે તારામાં પરિવર્તન ?
અને થશે ફરી હરિયાળા ઉપવનના એંધાણ...!
ધરતી
ધરતીની આભ સાથેની પ્રીત એટલે જ ક્ષિતિજ,
આભની રાત સાથે મુલાકાત એ જ એની રીત,
રાતને તો વળી ચાંદ સાથે છે અનોખી પ્રીત,
આ ધરતીનો ખુણે ખુણે ચાહે આવીજ અનોખી પ્રીત !
સાથી
સવારની આ શીતળતા..
એના સાથની યાદ અપાવી જાય છે..!!
ઠંડો મંદ પવન જાણે એના આગોષમાં હોવાનો એહસાસ કરાવી જાય છે..!!
આ નિરવ શાંતિમાં પણ...
એના દિલના ધબકારા કાંઈક કહી જાય છે..!
"હું છું ને તારી સાથે", એવું...
કાનમાં ગણગણી જાય છે..!!
કહેતાવેત જ એના હોઠ...
મારા કપાળને ચૂમી જાય છે,
જાણે સ્વર્ગ સુખ સમો આનંદ...
મને આવી જાય છે..!!
ત્યાંજ,
મારું નાદાન મન,
વિચલિત થઈ જાય છે...
"શું, આ બનશે જન્મો જન્મ નો
સાથી...મારો..!!??
એવું પૂછી જાય છે..!!
ત્યારેજ,
એક અદમ્ય જોડાણ એનું...
કામ કરી જાય છે,
દ્વારે કોઈ આવી
દસ્તક દિધે જાય છે..!!
ત્યા જઈને જોતાજ...
મારું મન ભરાઈ જાય છે..!!
મારા સુખ દુઃખ નો સાથી,
મારી સામે જ આવી જાય છે..!!
મારી આંખમાં ઝળકેલા આસુ,
એને વિચલિત કરી જાય છે..!!
"હું છું ને તારી સાથે...!!!" એવું,
મારો સાથી...
બોલ્યાવિના જ સમજાવી જાય છે...!!!
અને, આ અમારો સુંદર સહવાસ અમને...
એક નવી જ દુનિયા તરફ દોરી જાય છે..!!
સંકલ્પ
વેરઝેર ના આતંક થી
કરીશ ધરાને મુકત,
માનવી કર સંકલ્પ તું..!!
જાતપાત ના વાડા તોડી
કરીશ ધરાને મુકત,
માનવી કર સંકલ્પ તું..!!
ઊંચનીચ ના સીમાડા તોડી
કરીશ ધરા ને મુકત,
માનવી કર સંકલ્પ તું..!!
મારૂતારુ ના બંધનમાંથી
કરીશ ધરા ને મુકત,
માનવી કર સંકલ્પ તું..!!
આખરે માનવ થઈ બતાવી
કરીશ ધરાને સુખરૂપ,
માનવી કર સંકલ્પ તું..!!
જિંદગી
ક્યારેક મજાની તો ક્યારેક સજાની
લાગે છે...
જિંદગી, તોય મને તારી આ રીત અનજાની લાગે છે...!
ક્યારેક હાસ્ય તો ક્યારેક રુદન
આપે છે...
જિંદગી, તોય મારી દુઆ તું કબૂલ
રાખે છે...!
ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ
આપે છે...
જિંદગી, તોય મને તું જીવવા લાયક
લાગે છે...!
ક્યારેક વફા તો ક્યારેક બેવફા
લાગે છે...
જિંદગી, તોય મને તું ચાહવા લાયક
લાગે છે...!
ક્યારેક ફિક્કી તો ક્યારેક લઝીઝ
લાગે છે...
જિંદગી, તોય મને તું દિલથી અઝીઝ
લાગે છે...!
ક્યારેક રંગીન તો ક્યારેક બેરંગી
લાગે છે...
જિંદગી, તોય મને તું સંવેદનાથી છલકાતી લાગે છે...!
ક્યારેક નાસમજ તો ક્યારેક સમજદાર લાગે છે...
જિંદગી, તોય મને તું વ્યવહારુ
લાગે છે...!
ક્યારેક તડકો તો ક્યારેક શીળી છાયા
લાગે છે...
જિંદગી, તોય મને તારી મૌસમ ખુશનુમા લાગે છે...!
ક્યારેક કોયડો તો ક્યારેક ઉકેલ
લાગે છે...
જિંદગી, તોય મને તું ગણિત નો પ્રમય
લાગે છે...!
ક્યારેક ભ્રમ તો ક્યારેક હકીકત
લાગે છે...
જિંદગી, તોય મને તું હસિન સપનું
લાગે છે...!
ક્યારેક રહસ્યમય ક્યારેક માયામય
લાગે છે...
જિંદગી, તોય મને તું તેજોમય
લાગે છે...!
ક્યારેક કહાની તો ક્યારેક કવિતા
લાગે છે...
જિંદગી, તોય મને તું રચયતાની લાગણી લાગે છે...!
ક્યારેક તારામાં તો ક્યારેક મારામાં
લાગે છે...
જિંદગી, તોય મને તું વ્હાલી આપણામાં લાગે છે...!
ઘૂંઘટ
તળાવની પાળે બેઠો તો...
એ શહેરી છોકરો...
હાથમાં લઈ પેન્સિલ અને
કઈ દોરતો હતો, એ છોકરો...
ત્યાં જ ! ગાય ચરાવતો આવ્યો...
એક "ઘૂંઘટ" મઢ્યો ચહેરો..!!
ભલે ઘૂંઘટ થી ઢાંકેલું હતું...
એનું અડધું મુખ...
પણ, અધબીડ્યા અરધથી...
જાણે, આમંત્રાતો હતો
એ છોકરો..!!
વસંત હતી એ "ઘૂંઘટ"ના ડીલે,
જે જોઈ આકર્ષાતો હતો, એ છોકરો..!!
ગોધુલી નો સમય અને
વહેતો હતો મંદ વાયરો..!!
"શું મુખડું પણ હશે કામણગારૂ?"
એવું વિચારી મૂંઝાતો હતો એ છોકરો..!!
અચાનક આવી લહેરખી પવનની,
અને ઘૂંઘટ ની કરવટ માં...
દેખાયો એક નમણો ચહેરો..!
કામણગારી આંખો અને
નજાકાતભર્યો એ ચહેરો,
એ ગામઠી ચહેરાને જોઇ
વશીભૂત થયો...
એ શહેરી છોકરો..!!
એ નવયૌવના ને નીરખવામાં...
ભાન ભૂલ્યો એ છોકરો..!!
પેન્સિલ,કાગળ બધું જ ભૂલી...
ઘૂંઘટના એ ચાંદને પામવા...
વિવશ બન્યો એ છોકરો...!!
રસ્તો
રસ્તો ભલે હો લાંબો,
તું એક એક ડગ ભર !
મંઝિલની તલાશમાં,
તું આમ જ આગળ વધ !
પથરાળો હોય રસ્તો,
તો સંતુલન રાખી વધ !
કાંટાળી ડગર માં,
મજબુત ઈરાદો રાખી વધ !
ઠોકર જો વાગે,
તો સ્થિર થઈને તું વધ !
આવશે ઘણા જ રોડા,
એને પાર કરીને વધ !
ખુદની જ ભૂલમાંથી,
બોધ લઈને તું વધ !
રસ્તો બંધ લાગે,
તો એ બદલીને તું વધ !
તારી મંઝીલને તારો,
ધ્યેય બનાવીને વધ !
સંકલ્પ સિદ્ધિની તલાશમાં,
તું યોગ્ય રસ્તે આગળ વધ !
દીવાની
પરોઢ ની પહેલી કિરણ તારો,
સંદેશ લઈને આવે છે !
હવામાં રહેલી તાજગી તારો,
અહેસાસ લઈને આવે છે !
પક્ષીઓ નો કલરવ તારું જ,
મિઠું ગીત સંભળાવે છે !
ઝાંકળ ના ટીપાં માં તારી,
લાગણી ની ભીનાશ લાગે છે !
મંદિર ના ઘંટારવ માં તારા,
અવાજ ની ખનક લાગે છે !
આ પ્રકૃતિમાં હવે મને તારી,
જ ઝલક લાગે છે !
તારી દિવાનગી માં આ દીવાની ને,
બધે તારી જ અસર લાગે છે !
ગઝલ
તારી લાગણી બની જીવવું છે,
તારો જ એહસાસ બની રહેવું છે !
વ્યક્ત થવું છે મારે તારા જ થકી,
તારી ગઝલ બનીને જ હવે રહેવું છે !
મારા પ્રણય ને તું સજાવ તારી કલમથી,
આપણા મિલન ને તું વર્ણવ તારી નઝ્મથી !
મારા સહવાસને માણ તું વિલીન થઈ,
એને તું સજાવ તારા શબ્દોમાં તલ્લીન થઈ !
જીવનમાં રહી છે હવે એક જ આશ,
તારી ગઝલ માં હું બની ને રહુ તારો શ્વાસ !
સમય (ચાલ ને સમય...)
ચાલ ને "સમય" આજે તારી જોડે એક રેસ લગાવી જોવું !
અશક્ય લાગતાં આ કામનો એક પ્રયત્ન કરી જોવું..!!
જૂના નવા સંબંધ નો એક મેળ
બેસાડી જોવું !
થોડી લાગણી થી સીંચી એને ફરી
જીવંત બનાવી જોવું..!!
અવનવા ક્યાસ ને નવા પ્રાસ માં
બેસાડી જોવું !
તારા આ અહેસાસ ને શ્વાસ માં
ભરી જોવું..!!
વર્ષો જૂના સપનાની ધૂળ
ખંખેરી જોવું !
જૂની આ આંખે નવા સપના
સજાવી જોવું..!!
એ ચંચળ હરણી ને ફરી સજીવન
કરીને જોવું !
અને એની વિસ્મય ભરી આંખેથી જ આ દુનિયાને જોવું..!!
ફરી એ મારામાં રહેલી "હું" ને
જગાડી ને જોવું !
મુરજાયેલી એ વેલ ને નવપલ્લવિત
કરી જોવું..!!
તારી જોડે રેસ લગાવતા જીવન નો નવો જ હેતુ પામી જોવું,
એ હેતુ ને જ પછી જીવન નો સેતુ
બનાવી જોવું..!!
અશક્ય લાગતાં આ કામનો એક પ્રયત્ન કરી જોવું !
ચાલને "સમય" આજે તારી જોડે એક રેસ લગાવી જોવું..!