ગ્રંથાલયની મુલાકાત.. Shefali દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગ્રંથાલયની મુલાકાત..

ગ્રંથાલયની મુલાકાત

આજે રવિવારનો દિવસ હતો એટલે સ્કૂલમાં રજા હતી. તો પણ યશ સવારે વહેલો ઊઠીને તૈયાર થઈ ગયો. રોજ બૂમો પાડતા પણ ના ઉઠતા યશને આમ તૈયાર થતાં જોઈને એના મમ્મી પપ્પા સહેજ આશ્ચર્ય તો પામ્યા પણ આજે એનો દસમો જન્મ દિવસ હતો એટલે વહેલો ઉઠ્યો હશે એમ માની લીધું. તૈયાર થઈને યશ મમ્મી પપ્પા અને દાદા દાદીને પગે લાગ્યો. બધાએ એને આશીર્વાદની સાથે સુંદર ગિફ્ટ પણ આપી પણ યશની નજર ચારેબાજુ કંઈક શોધતી હતી. એક દાદા સિવાય બધા જ આશ્ચર્યથી યશની હરકતો જોઈ રહ્યા હતા.

ત્યાં જ હળવું સ્મિત કરતાં દાદા બોલ્યા, "ધીરજ રાખ યશુ, દસના ટકોરે તને તારી ગિફ્ટ મળી જશે."

પછીનો સમય કાઢવો યશ માટે ખૂબ મુશ્કેલ થઈ ગયો. એની નજર વારેઘડીએ દીવાલ પર લગાવેલી ઘડિયાળ પર જતી. દસ વાગવામાં થોડી વાર હતી અને દાદાએ યશનો હાથ પકડ્યો અને કહ્યું, "ચલ યશુ મારી સાથે આવને બાજુના નાકે મારે કામ છે."

"પણ દાદુ સરપ્રાઈઝ ગિફ્ટનો ટાઈમ થવા જ આવ્યો છે તો પછી જઈએ." યશે લાડ કરતાં કહ્યું...

"એના માટે જ જવાનું છે યશુ.' રહસ્યમયી સ્મિત કરતા દાદા બોલ્યા...

પછી તો એકદમ ઉત્સાહિત થઈને યશે દાદાનો હાથ પકડી લીધો અને બંને બે નાકા છોડીને આવેલા એક મકાનમાં પહોંચ્યા. અંદર જઈને યશ જોવે છે તો ચારે બાજુ બસ પુસ્તકો જ પુસ્તકો. એણે નવાઈથી એના દાદા સામે જોયું.

"જો યશુ કેવો મોટો ખજાનો છે ને અહીંયા.!" દાદા બોલ્યા...

"આતો બધા પુસ્તકો છે, ખજાનો થોડો છે.!? અને તમે તો કહેતા હતાને મારી ગિફ્ટ માટે જઈએ છીએ તો અહીંયા તો એવું કશું દેખાતું નથી.!?" નિરાશ સ્વરે યશે કહ્યું...

"અહીંયા જ છે યશુ તારી એ સરપ્રાઈઝ ગિફ્ટ..." કહેતા દાદા યશને ગ્રંથાલયના એકદમ છેડે આવેલા બાળકોના વિભાગ તરફ લઈ ગયા. આમ તો આખા ગ્રંથાલયમાં એકદમ શાંતિ હતી અને ઠેરઠેર બોલવાની મનાઈના બોર્ડ લાગેલા હતા પણ અહીંયા થોડું જુદું વાતાવરણ હતું. ઉડીને આંખે વળગે એવી રીતે આ આખો વિભાગ જાણે ગ્રંથાલયનો હિસ્સો ના હોય એમ અલગ પડતો હતો. થોડા બાળકો અહીંયા જુદી જુદી ચોપડીઓ ઉથલાવતા અને એના વિશે ધીમા અવાજે ચર્ચા કરતા સંભળાતા હતા.

દાદા યશને ત્યાં દોરી ગયા ને વારાફરતી જુદી જુદી બળવાર્તાઓની ચોપડી હાથમાં લેતા ગયા અને યશને એના વિશે કહેતા ગયા. "જો આ અકબર અને એના ચતુર રત્ન બિરબલની વાર્તાઓ." અને દાદા અકબરના નવ રત્નો વિશે ટૂંકમાં માહિતી આપવા લાગ્યા. "જો આ તેનાલી રામાની વાર્તાઓ.." અને દાદાએ તેનાલીની ચતુરાઈનો એક ટચૂકડો પ્રસંગ સંભળાવી દીધો. "જો આ પંચતંત્રની વાર્તાઓ જેમાં પ્રાણીઓની વાર્તાઓથી સુંદર બોધ આપવામાં આવે છે. અને જો આ પરીઓની વાર્તા, આ બાળગીતની ચોપડી આ મહાભારત, આ રામાયણ..."

દાદા ઉત્સાહથી યશને બધી ચોપડી બતાવતા હતા અને એના વિશે જાણકારી આપતા હતા. પહેલા તો યશને થોડો રસ પડ્યો પણ એનું બાળસહજ મન હજી સમજી નહતું શકતું કે અહીંયા એની ગિફ્ટ ક્યાં હશે. એને આજે દાદા અને એમની વાતો બહુ રહસ્યમયી લાગતી હતી.

"અહીંયા મારી ગિફ્ટ ક્યાં છે દાદુ.? આખરે કંટાળીને એણે દાદાને પૂછ્યું...

"આજે હું તને ગિફ્ટમાં આ ગ્રંથાલયનું વાર્ષિક સભ્યપદ આપવાનો છું. હવે આ પુસ્તકો તારા મિત્ર બનશે. અકબર બીરબલ, પંચતંત્ર, પરીઓ, રાક્ષસો બધા તારા જીવનનો એક હિસ્સો બનશે. છે ને એકદમ મઝેદાર સરપ્રાઈઝ.?" યશના હાથમાં સભ્યપદનું કાર્ડ મૂકતાં એકદમ ઉત્સાહિત સ્વરે દાદા બોલ્યા...

"હુહ.. આવી તો કોઈ ગિફ્ટ આપે..!?" કહેતા દાદાનો હાથ છોડીને યશ ઘર તરફ ભાગ્યો. દાદાએ પણ એની પાછળ રીતસર દોટ મુકવી પડી. મનગમતી ગિફ્ટ ના મળતા ઘરે પહોંચીને યશ એની મમ્મીને વળગીને રડવા લાગ્યો. એને આમ રડતાં જોઈને દાદાને એમનું યશને પુસ્તકના મિત્ર બનાવવાનું પગલું ઉતાવળિયું લાગ્યું. સાંજ સુધીમાં તો યશ એ ગિફ્ટની વાત ભુલીને રમવામાં પડી ગયો હતો પણ દાદા ઉપર એની નારાજગી ઓછી ના થઈ. રોજ દાદા જોડે સૂતો યશ આજે મમ્મી પપ્પા જોડે ઊંઘવા ચાલ્યો ગયો.

ઊંઘતા ઊંઘતા પણ એ એના મમ્મી પપ્પાને દાદાની ગિફ્ટને લઈને ફરિયાદ કરતો રહ્યો. એના મમ્મી પપ્પાએ પણ એને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ યશ આજે કાંઈ પણ સમજવાના મૂડમાં નહતો. આખરે થાકીને એ લોકો પણ ઊંઘી ગયા. જ્યારે યશને વિચારોમાં ને વિચારોમાં ક્યારે ઊંઘ આવી ખબર જ ના પડી.

ઊંઘમાં ને ઊંઘમાં એ સપનાની દુનિયામાં પહોંચી ગયો. જ્યાં એ એક સફેદ ઘોડા પર સવાર રાજકુમાર હતો અને કોઈ રાજકુમારીને રાક્ષસ પાસેથી બચાવીને લાવી રહ્યો હતો. જોતજોતામાં એ રાજકુમારી પરી બની જાય છે અને એને પોતાની સાથે પરીલોક લઈ જાય છે. ત્યાં દરેક પ્રાણી મનુષ્યોની જેમ વાત કરતા હોય છે એ જોઈને એને મઝા પડી જાય છે. આમતેમ ફરતાં એને ભૂખ લાગે છે ને એ ઝાડ પરથી ફળ તોડવા જાય છે ત્યાંજ ઝાડ બોલી ઉઠે છે, "રાજકુમાર એ ફળ હજી કાચું છે તમે તેની ઉપરનું ફળ લો." આ સાંભળીને એ ઝાડ તરફ ધ્યાનથી જોવે છે તો એને તેમાં એના દાદાનો ચેહરો દેખાય છે. એનું મન આશ્ચર્યથી ભરાઈ જાય છે. એને હવે આ પરીલોક, ચિત્ર વિચિત્ર પ્રાણીઓ બધું ગમવા લાગ્યું હોય છે અને એટલામાં સવારના એલાર્મથી એની ઊંઘ ઊડી જાય છે. એ સફાળો ઉભો થઈને દાદા જોડે જાય છે.

"દાદા પેલું તમે કહ્યું હતું ને એ ફળ બહુ મિઠ્ઠું હતું હોં.!" આંગણામાં બેસીને છાપું વાંચતા દાદાના ગાળામાં હાથ નાંખતા એ બોલે છે. "અને હા તમારી સરપ્રાઈઝ પણ મને બહુ ગમી.!" દાદા હજી કંઈ સમજે એ પહેલા દાદાને ગાલે પપ્પી ભરતા એ બોલે છે અને ત્યાં એની મમ્મી આવીને એને સ્કૂલે જવા માટે તૈયાર કરવા લઈ જાય છે.

એના જતાં જ દાદાને યશુને ગ્રંથાલયની મુલાકાત કરાવવાના પોતાના નિર્ણય પર ગર્વ થાય છે અને એ છાપુ વાંચવામાં પડી જાય છે.

જય જિનેન્દ્ર
©શેફાલી શાહ