ઉપેક્ષા Shefali દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ઉપેક્ષા

રાતના અગિયાર વાગ્યા છે... ઊંઘ ના આવવાથી સેવંતીલાલ પથારીમાં આમથી તેમ પડખા ઘસી રહ્યા છે. આખરે કંટાળીને એ ઊભા થાય છે અને રસોડામાં પાણી પીવા જાય છે. આમ તો આ સમયે એમનું ઘર પોતપોતાના રૂમમાં જાગતું જ હોય પણ હવે દસ દિવસ એ સુમસાન જ રહેશે, આજથી નવરાત્રી જો ચાલુ થઈ ગઈ. જોકે બધા હોય તોય સેવંતીલાલને કંઈ ખાસ ફેર કયાં પડવાનો હતો. પત્ની સુશીલાના સ્વધામે ગયા પછી એકલતા જ એમની કાયમી સાથી હતી.

પાણી પીને સેવંતીલાલ પાછા પોતાની રૂમમાં આવ્યા. દીકરા વહુએ સેવંતીલાલની સગવડનું કહો કે પોતાના રૂમમાંથી એ બહુ બહાર ના આવે એનું કહો પણ ખૂબ જ ધ્યાન રાખ્યું છે અને એમના રૂમમાં બધી જ વ્યવસ્થા કરી આપી છે. એટેચ બાથરૂમ વાળો થોડો નાનો પણ મંદિર, ટીવી સહિતની સુવિધા વાળો રૂમ જેમાં સેવંતીલાલ અને સુશીલાની આદમ કદની ફોટો ફ્રેમ લગાવી છે. બહારથી આવનાર વ્યક્તિને એમ જ લાગે કે નક્કી આખા બાસમતી ચોખાની એમણે ભગવાનને પૂજ્યાં હશે તો આટલો પ્રેમ કરવા વાળા અને સંભાળ કરવા વાળા દીકરો વહુ મળ્યા, પણ હકીકત શું છે એતો ખાલી સેવંતીલાલ જ જાણતા હતા. જ્યાં સુધી સુશીલા હતી ત્યાં સુધી તો બધું બરાબર જ ચાલતું હતું. સેવંતીલાલના કડક સ્વભાવને જાણનારી સીધી ને સરળ સુશીલા એના પતિના દરેક કહ્યા, વણ કહ્યા વચનોને સમજી જતી અને એમને જરાય ઓછું ના આવે એનું ધ્યાન રાખતી.

પણ પાંચ વર્ષ પહેલાં અચાનક આવેલા હૃદયરોગના હુમલાના લીધે એણે હોસ્પિટલ જતા પહેલા જ દમ તોડ્યો અને ઘરની પરિસ્થિતિ બદલાઈ ગઈ. પહેલા હસી ખુશીથી જોડે જમતા પરિવારને હવે સેવંતીલાલની ડાઇનિંગ ટેબલ પર હાજરી ખલવા લાગી ને સવાર સાંજ એમની થાળી એમના રૂમમાં પહોંચી જવા લાગી. ટીવી જોવા કે ઘરમાં બનાવેલા પૂજા રૂમમાં પણ એમની હાજરી નહિવત્ થઈ જાય એટલે એ બધી વ્યવસ્થા પણ એમને રૂમમાં જ કરી આપવામાં આવી.

રહી રહીને એમને હવે સુશીલાના એ શબ્દો યાદ આવતા હતાં જે સુશીલા કાયમ કહેતી, "હવે આ ઉંમરે બહુ આકરો સ્વભાવ સારો નહીં, થોડું જતું આવતું કરતા શીખી જાવ અને તમારી અપેક્ષા ઓછી કરો. અત્યારેતો હું છું તમારી સંભાળ લેવા પણ જ્યારે હું નહીં હોઉંને ત્યારે આ કોઈ તમારા આ નખરા નહીં ઉઠાવે."

"તું ભૂલે છે સુશી, મારા દીકરાઓમાં મારું લોહી વહે છે.. મારું.! મારા પ્રત્યેની લાગણી અને આપણા કુટુંબના સંસ્કાર તો એમનો પીંડ તારા ગર્ભમાં આકાર લઇ રહ્યો હતો એ પહેલા એમને મળી ગયા હોય.! એ લોકો ક્યારેય આપણી ઉપેક્ષા નહીં કરે." ગર્વિષ્ઠ અવાજે સેવંતીલાલ કાયમ આજ વાક્ય બોલતા.

પહેલા તો સુશીલા એમને સમજાવવાનો પ્રયત્ન કરતી કે હવે દુનિયા ધીમે ધીમે બદલાઈ રહી છે અને સાથે જ બદલાઈ રહ્યા છે પરિવારના મૂલ્યો, પણ પછી એણે પણ સેવંતીલાલને સમજાવવાનું છોડી દીધું. "આજે હવે સમજાય છે કે કેટલી સાચી હતી સુશી. હું જ મારા અહંકારમાં અને પુત્ર પ્રેમમાં ધૃતરાષ્ટ્ર બની રહ્યો." સેવંતીલાલ સ્વગત જ બોલ્યા.

પછી એમણે એમના અને સુશીલાના આદમ કદ ફોટા સામે જોયું, "સુશી.. સુશી.. મને લાગતું કે મને મારા હકનો પ્રેમ મળતો પણ હવે ખબર પડે છે એતો મારા ગવર્મેન્ટના ક્લાસ વન ઓફિસરના હોદ્દાને મળતો અને બીજું તારા બધાને જોડી રાખવાના સફળ પ્રયાસના કારણે મળતો. તારા ગયા પછી એ સાંકળ તૂટી ગઈ અને હું એકલો છુટો પડી ગયો. મારા અહમ્ આગળ હું ક્યારેય તારી એ ચિંતા અને થોડા ઘણા અંશે તારી કિંમત ના સમજી શક્યો, પણ હવે મને સમજાય છે કે તું હંમેશા મારા લગ્નજીવનનું બીજું પૈડું બનીને રહી અને તોજ મારો સંસાર રથ આટલી સુંદર રીતે આગળ વધી શક્યો." જાણે સુશીલા જોડે વાતો કરતા હોય એમ સેવંતીલાલ બોલ્યા.

આખરે મન બીજે વાળવા એમણે ટીવી જોવાનું વિચાર્યું અને સાઇડ ટેબલ પર પડેલું ટીવીનું રીમોટ હાથમાં લઈને એને ચાલુ કરવા બટન દબાવ્યું. બે-ત્રણ વાર બટન દબાવ્યા પછી પણ ટીવી ચાલુ ના થતા એમણે રીમોટને પોતાના બીજા હાથની હથેળીમાં બે થી ત્રણ વાર પછાડ્યું. "લાગે છે આ રીમોટના સેલનો પણ મારી જેમ અંત નજીક આવી ગયો છે." નિરાશાના સ્વરમાં એમના મોઢામાંથી નીકળી ગયું.

અને ટીવી ચાલુ થતાં એમના એકાંતને ચીરતો એક ગરબો મધુર સ્વરમાં રેલાઈ રહ્યો...

"એક પાટણ શહેરની નાર પદમણી,આંખ નચાવતી ડાબી ને જમણી,
સૂરત જાણે ચંદા પૂનમની, બીચ બજારે જાય.. ભાતીગળ ચૂંદલડી લહેરાય,
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય.."

ને એક ઝાટકે એ સેવંતીલાલમાંથી પચ્ચીસ વર્ષનો સેવલો બની ગયો. "સેવલા ચલને હવે આ નવ દિવસ તો જલસા કરવા મળે છે પછી બેસી રહેજે તારા થોથામાં માથું ઘાલીને." ઝભ્ભા લેંઘામાં તૈયાર થઈને ગરબે જવા આવેલા એના મિત્ર હરીશે એની ચોપડી ખેંચતા કહ્યું.

"તમે બધા જઈ આવો મારે નથી આવવું, હજી કેટલું બધું ભણવાનું બાકી છે. એકવાર ક્લાસ વન ઓફિસર બની જાઉં એટલે જલસા જ છે." સાફ નન્નો ભણતાં સેવંતીએ કહ્યું.

"આજે તારી એક વાત સાંભળવામાં નહીં આવે, એવું હોય તો કાલે ના આવતો બસ." શશીકાંતે એનો હાથ પકડીને ઊભા કરતા કહ્યું.

"સારુ તો આજે છેલ્લો દિવસ હો, કાલથી તમારે કોઈએ મને બોલવા નથી આવવાનું." દોસ્તોની જીદ આગળ નમતું જોખતા સેવંતી બોલ્યો.

આછા પીળા કલરના ઝભ્ભાના ઊંચો, પાતળો સેવંતી એકદમ સોહામણો લાગતો હતો. ગામની ભાગોળે આવેલા માતાજીના મંદિરની બહાર મોટા ચોગાનમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આબાલ-વૃદ્ધ સહિત આખા ગામનું યૌવન અહીંયા હિલોળે ચઢ્યું હતું. નજીકના ગામમાંથી લોક કલાકારોની ટોળી ગરબા ગાવા બોલાવવામાં આવી હતી જે એક પછી એક બધાની ફરમાઈશ પર નવા જૂના ગરબા રજુ કરે જતી હતી.

માંડ બસ્સો ઘર ધરાવતું એમનું ગામ આમ તો નાનું હતું પણ બધા ખોરડા સુખી કહી શકાય એવા હતા. લગભગ દરેક ગામવાસી એકબીજાને ઓળખતા જ હતા તોય આજે ભાતીગળ કપડામાં દરેકની એક અલગ જ છટા દેખાતી હતી. ગરબાનો બહુ ખાસ શોખ ના ધરાવતો સેવંતી એક ખૂણામાં ઊભો રહીને ગરબા જોવાનો આનંદ લૂંટતો હતો એવામાં એના કાને ઝાંઝરનો અવાજ પડ્યો. હજી એ જોવા જાય ત્યાંજ એક દુપટ્ટો આવીને એના માથે પડ્યો. આંખ સહિત એનું માથું ઢંકાઈ ગયું અને એ વખતે આજ ગરબાની આગળની પંક્તિઓ રેલાઈ રહી હતી.

"રંગમાં નખરો, ઢંગમાં નખરો,રૂપ એવું અંગ અંગમાં નખરો;
પાતળી કેડને ભાર જોબનનો જીરવ્યો ના જીરવાય,
ભાતીગળ ચૂંદલડી લહેરાય,
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય.."

એના માથેથી દુપટ્ટો ખેંચતા એક અલ્લડ યૌવનાએ એની માંફી માંગી. એનું રૂપ અને એનો ઠસ્સો જોઈને સેવંતી કંઈ પણ બોલવાના હોશ ખોઈને બસ આભો જ બની ગયો હતો. જાણે આ ગરબાના એક એક શબ્દો આના માટે જ લખાયા હોય એમ એ આંખોથી એની સુંદરતાનું પાન કરતા એને જતી જોઈ રહ્યો. ત્યાં જ દૂરથી આ નજારો જોઈ રહેલા એના મિત્રો હરીશ અને શશીકાંત નજીક આવ્યા. "ઓહો સેવલા, તારીતો લોટરી લાગી આજે ને કંઈ." સેવંતીની મજાક ઉડાવતા બંનેએ કહ્યું.

"એવું કંઈ જ નથી અને મને હમણાં એમાં કોઈ રસ પણ નથી, બસ મારે તો ક્લાસ વન ઓફિસર બનવું છે." સેવંતીએ કહેતા તો કહી દીધું પણ એ અલ્લડ તરુણી એના દિલોદિમાગ પર છવાઈ ગઈ હતી. એ પછી તો નવરાત્રિના નવે નવ દિવસ એ ગરબા જોવા પણ ગયો અને બધાની જોડે રમ્યો પણ ખરો. એના દિલની વાત જાણી ગયેલા એના મિત્રો ગમે તેમ કરીને એ યુવતી જોડે જ સેવંતીની જોડી બનાવી દેતા અને દશેરા સુધીમાં તો એના ઘરેથી સુશીલાના ઘરે માંગુ નંખાઈ ગયું હતું.

દિવાળી પછી આવતા પહેલા મુહર્તમાં બંનેના લગન લેવાઈ ગયા અને બંનેનો સંસાર શરૂ થયો. શરૂઆતના સંઘર્ષના વર્ષોમાં સુશીલા એક આધારસ્તંભ બનીને રહી. એણે એના પોતાના બધા જ શોખ અને સગવડોને વિસરી જઈને એક એક પૈસાની બચત કરી પણ પછી જ્યારે સુખનો સૂરજ ઊગ્યો ત્યારે સેવંતીલાલે એક કસર બાકી ના રાખી. મરતા સુધી સુશીલાનો ઠસ્સો એવો જ અકબંધ રહ્યો.

સેવંતીલાલ પાછા વર્તમાનમાં આવ્યા અને ઊભા થઈને કબાટમાંથી ફોટાના થોડા આલ્બમ કાઢીને પથારીમાં મૂક્યા. એક પછી એક આલ્બમ જોતા ગયા ને સાથે સાથે વિતેલા દિવસોની સુમધુર યાદ દિલમાં ભરતા ગયા. ફોટા જોતા જોતા આજ પહેલા ક્યારેય ના લાગી હોય એવી સુશીલાની કમી એમને મહેસુસ થવા લાગી. એમની સજળ આંખોમાં ઝાંખપ ફરી વળવા લાગી અને એમનો જમણો હાથ આપોઆપ છાતીની ડાબી બાજુ મુકાઈ ગયો. એમણે આદમ કદની એમની અને સુશીલાની ફોટો ફ્રેમ પર નજર કરી ના કરી ને પળવારમાં તો એ એમની સુશીલા સાથે અલગ દુનિયામાં પહોંચી ગયા, જ્યાં નહતી કોઈ ઉપેક્ષા કે નહતી કોઈ અપેક્ષા.!

©શેફાલી શાહ

તમે ઈન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરી શકો છો.
Insta - : shabdone_sarname_

જય જીનેન્દ્ર...


રેટ કરો અને રિવ્યુ આપો

Anjana

Anjana 3 વર્ષ પહેલા

M shah

M shah 2 વર્ષ પહેલા

Umakant

Umakant માતૃભારતી ચકાસાયેલ 2 વર્ષ પહેલા

Kamini Shah

Kamini Shah 2 વર્ષ પહેલા

Nitin Gosalia

Nitin Gosalia 2 વર્ષ પહેલા