શ્રાપિત કન્યા Real દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રાપિત કન્યા

આજે ગઢને કાંગરે કાંગરે તોરણ બંધાણા છે, ચોક માં રંગોની અને ધાનની રંગોળી રચાણી છે, ચારે બાજુ કેવડા અને અતર ફોરી રહ્યા છે, લોકો જાણે છે ઘડી ની રાહ જોતા હતા એ આવી પહોંચી છે, આજે કુંવરસા ની તમામ મનોકામનાઓ પૂર્ણ થવાની છે, લગ્નના ૨૫ વર્ષે અને એમની બીજી મહારાણી તેજમતી ને પ્રસવ પીડા શરૂ થઈ ગઈ છે.
એ પીડા એ જાણે આખાય ગઢની પીડા હરી લીધી હતી.. આજે કુંવરસા નો વારસ આવશે અને ગઢ અને ગઢ ની પ્રજા ને નવો કુંવર મળશે એવી ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે....પણ કુલગુરુ ના જીવને ક્યાંય શાંતિ નથી... આટલાં વર્ષો નું વાંઝીયા મેણું ભાંગવાનું છે, ત્યારે એ કુંવરસા ને કેવી રીતે આવી વાત કરી શકે.... છતાં તેઓ ગઢમાં આવ્યા.. ત્યાં જ એમને અમંગળ ના એંધાણ વર્તાઇ ગયા.. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા છે,ઘુવડે અને ચીબરીઓ એ ગઢને કાંગરે ડેરો જમાવ્યો છે, દિવા ની જ્યોત દક્ષિણમાં વળી ગઈ છે...હે પ્રભુ...આ શું અનર્થ થવા બેઠું છે,હે પ્રભુ આ શું જોઈ રહ્યો છું...હે તારણહાર...આવી ગતિ આવશે એવું તો ક્યારેય ભાખ્યું ન હતું...એક ઊંડાં નિસાસા સાથે એ ગઢની બહાર નીકળી ગયાં...

તેજમતી, બે-ચાર દાસી અને બે સૂયાણી ખડે પગે ઉભી છે, ત્યાં જ એક અદ્રશ્ય પણ કાળી શક્તિ એ ગઢ ને પોતાના વશમાં કરી લીધો, કાગડાઓની રડારોળ મચી ગઇ..ગઢ જાણે મૃત્યુ નાં ઓથાર હેઠળ હતું..આવા એંધાણ જોઈ કુંવરસા ગભરાયા, એ તેજમતી ના ઓરડા બહાર અધ્ધર શ્વાસે ઊભાં રહી ગયા....અને એક અવાજ એમનાં કાનમાં અથડયો...આતો પ્રેત છે...કે કોઈ નું કાળું કળતર છે....કુંવરસા બચાવો..
દરવાજો ખુલતાં જ કુંવરસાને જે વધામણી ની આશા હતી એ તમામ માતમ માં ફેરવાઇ ગઇ,

જન્મનાર કોઈ પુત્ર ન હતો..કે ન હતી પુત્રી એ કોઈ ની મેલી વિદ્યા નું ફળ હતું, જે તેજમતી ને ભોળપણ માં ભેળવી ખવડાવી દેવામાં આવ્યું હતું... જન્મનાર કન્યા કાળને પણ ગ્રસી જાય એવી કાળી અને શરીર પર ની ચામડી જાણે મરેલા ઢોર ની ખાલ ભાસતી હતી....જેને પીઠ હતી જ નહીં ફક્ત માંસ જ અને લોહી થી તરબતર.. પોચાં હ્રદય નો માણસ તો જોઇને જ છળી મરે...

કુંવરસા તો પોતાની તલવાર થી જ પોતાનું માથુ વાઢી નાખ્યું, હવે વાંઝિયો થઈ ને જીવવાની કે આવી કન્યા નાં પિતા બનવા કરતાં એણે પળનો પણ વિલંબ કર્યા વગર પોતાનું માથુ ધડ થી અલગ કરી દિધું... જ્યારે તેજમતી ભાનમાં આવી ત્યારે એણે પોતાના કારણે પતિ ગુમાવ્યો અને ગઢ માટે વારસ આપવા ના બદલે કાળને જન્મ આપ્યો એવાં વસવસા સાથે એણે ઝરુખે થી છલાંગ મારી આત્મહત્યા કરી લીધી... કન્યા નાં જન્મની સાથે જ મા-બાપ નાં કમોત થયાં.. એટલે એ કન્યા ને જીવતી દફન કરી દેવામાં આવી... જ્યારે આ વાતની જાણ કુલગુરુ ને થઈ ત્યારે એમણે કહ્યું કોઈ જેમને પોતાનું જીવન વહાલું હોય એ તત્કાળ ગઢ છોડી ને ચાલ્યા જાઓ.. નહીં તો મોતનું તાંડવ ખેલાશે જેમાં કેટલાંય નિર્દોષ જીવ હણાય જાશે.... અડધાં લોકો કુલગુરુ ની વાત સાંભળી ત્યાંથી ચાલ્યા ગયા અને અમુક લોકો ગઢને પોતાની જાગીર સમજી ત્યાં જ રહી ગયા...પણ એ લોકો વધારે દિવસ સુખ ન ભોગવી શક્યા...એ દરેકની બલી ચડાવી દેવાય અને એ ગઢ પર એ શ્રાપિત કન્યા ની વસાહત સ્થપાઈ ગઈ..

કુંવરસા ના લગ્ન ભદ્રામતી સાથે થયા હતા..પણ લગ્ન ના વીસ વર્ષ પછી પણ ઘોડિયું ન બંધાયું એટલે કુંવરસાએ તેજમતી સાથે લગ્ન કર્યા,. તેજમતી...ભદ્રામતીને પોતાની મોટી બહેન સમજતી પણ ભદ્રામતી ની આંખો માં તેજમતી માટે ફક્ત ઝેર હતું.. કેમકે એ ગઢને નવી રાણી જ નહીં પણ ગઢને વારસદાર આપશે એવી આશાએ એ કુંવરસાની જ નહીં પરંતુ ગઢની દરેક વ્યક્તિ માટે વધારે વિશેષ બની ગઇ હતી..જે ભદ્રામતીને આંખ માં કણા ની જેમ ખુચતુ પણ એ કંઈ કરી ન શક્તી.... પણ એ તકેદારી જરૂર રાખતી કે એ માં ન બની શકે..એટલા માટે એ એને જુદા જુદા ઓસડ પાયા કરતી...આમને આમ પાંચ વર્ષ વીત્યા...એક વખત ભદ્રામતી થોડાં દિવસો પોતાના પીયર ગઈ જ્યાં એને એક દાસીએ મેલી વિદ્યા વિશે કહ્યું...કે તમે ધારો એ મળશે પણ એના માટે તમારે જોખમ ખેડવું પડશે..બલી ચડાવવી પડશે..જો તમારાથી થાય તો હું તમારી સાથે આવું....અને એક શ્રાપિત કન્યા ની વિધિ શરૂ થઈ....

ભદ્રામતીને ફક્ત પોતે જ વારસદાર આપે એવી ઝંખના હતી..પણ એ જે રસ્તે નીકળી પડી હતી, ત્યાં એ વિધિ કોઈ બીજા વ્યક્તિ માટે કરવા ની હતી.. એને તો પહેલા થી જ તેજમતી કાંટો લાગતી હતી અને હવે એને એક કાંકરે બે શિકાર મળી જશે...દર અંધારી સપ્તમી ની રાત્રે એક કુંવારી કન્યા નાં લોહી વાળું કપડું,વાળ કે એના સણગાર ની વસ્તુ લાવવા ની..ભદ્રામતી માટે એ ખૂબ આસાન હતું..એ મહેલની દાસી ને કહેતી અને વસ્તુ હાજર... વસ્તુ ની રાખ કોઈ પણ રીતે તેજમતી ને ખાવાં માં કે પાણી માં પીવડાવી દેવામાં આવતી... એને સારાં દિવસો રહ્યા એટલે ભદ્રામતી એનું વિશેષ ધ્યાન રાખવા લાગી.... સાથે સાથે એ જે જે કન્યાઓની વસ્તુઓનો ઉપયોગ કરતી હતી એ એક પછી એક કન્યા મરવા લાગી.... કોઈ ના શરીર પર લોહી રસી ના ફુદ્દા નીકળતાં તો કોઇની ચામડી અકાળે ઘરડા વ્યક્તિ જેવી થવા લાગી... કોઈ ના શરીરનું લોહી ઉડી ગયું....પણ આ ઘટનાઓ એક ક્રમ પ્રમાણે થતી હતી જેને બધાએ કોઈ રોગ કે મહામારી નું નામ આપી દીધું... કુલગુરુ એ ત્યારે પણ ચિંતા વ્યક્ત કરતાં કુંવરસાને ચેતવ્યા હતા..પણ.. થશે એ જોયું જાશે એવું કહી એણે વાત ટાળી દીધી હતી..પણ એનું જે પરિણામ હશે એને કોઈ ટાળી નહીં શકે....બધુ ધાર્યા મુજબ થતું હતું.. પરંતુ સાતમા માસે તેજમતી ને જે ખાવાં માટે થાળી તૈયાર કરી હતી તેનાં પર દિવો પડતા થાળી નું ધાન બળી ગયું...એ ધાન આવનારી કન્યા નું રુપ હતું... પણ હવે કંઈ થઇ શકે એમ ન હતું... જેની કિંમત ભદ્રામતી ને પોતાના કમોતે આપવી પડી... જ્યારે એ વિધિ કરવા ગઈ ત્યારે આપેલ ધાનને સળગાવી દેવાની સજા રૂપે એનાં શરીરમાં પ્રેતો એ કબજો કરી લીધો અને પોતાની વાસના સંતોષી ભદ્રામતીને મારી નાંખી... અને છેલ્લી બે માસની વિધિ અધુરી રહી ગઈ.. જેનાં કારણે જન્મનાર કન્યા અધુરાં શરીર અને બળેલી ચામડી સાથે જન્મી.... પ્રેતો દ્વારા કમોતે મરેલી ભદ્રામતીએ પેલી શ્રાપિત કન્યા નાં શરીર પર કબજો કરી લીધો અને આખાય ગઢ પર એની મેલી વિદ્યા નો કહેર વર્તાવ્યો જેનો ભોગ નિર્દોષ લોકો અને વારસદાર ની ઉમેદ માં જીવતા કુંવરસા અને તેજમતી બન્યા... આજે પણ ગઢ પર કાગડા,ગીધ અને ઘુવડ ના ટોળા ઉમટે છે... કેમકે એ શ્રાપિત કન્યા ને મુક્તિ નથી મળી.. હજી પણ એ કન્યા નાં શરીર માં રહેલી ભદ્રામતી પેલા પ્રેતો ની તાબેદારી માંથી છૂટવા ઝૂરે છે....