Nabadi - 13 books and stories free download online pdf in Gujarati

નબળી: રાજવીની સંઘર્ષ કથા - 13

(13)

"રાજવી ખૂબ મહેનત કરી રહી હતી ખૂટતી કડી મેળવવા છેલ્લે મળતી નહોતી. પણ હવે તો લાવણીની નણંદ સૌમ્યા પણ લાવણીના પક્ષમાં છે એટલે કેસ આગળ વધશે, નહીં તો કેસ એમને એમ જ રહેત." અને નયનાબેને અત્યાર સુધી થયેલી વાતો કરી.

"લાવણીના સસરાએ ધમકી આપી ગયા પછી પણ પપ્પા કંઈ ના બોલ્યા." તેણે પૂછ્યું.

"ના ખાસ બોલ્યા તો કંઈ નહીં પણ ગુસ્સે જરૂર થયા હતા." તેમણે કહ્યું.

"પણ મમ્મી રાજવીને ધ્યાન રાખવાનું કહેજે નહીંતર સજાથી બચવા માટે લાવણીના સાસરી વાળા કંઈ પણ કરી શકે છે..." નિહાલે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.

"તું ચિંતા ના કર, આમ પણ તારા પપ્પા તારા ગયા પછી થોડા કૂણાં પડયાં છે અને રાજવીનું ધ્યાન પણ રાખે છે. તું તારું ધ્યાન રાખ અને વનિતા નથી તો કેવી રીતે બધું કરે છે? નયનાબેન બોલ્યા.

"મમ્મી બસ થઈ જાય છે અને તેની ટ્રેનિંગ પણ સારી ચાલી રહી છે." તેને કહ્યું.

"બસ તો... તું વનિતાને સપોર્ટ કરજે. બેટા, કલેકટર જેવા પદ પર આવે પછી ઘણું બધું બદલાઈ જાય અને વનિતાને કંઈ તકલીફ ના પડે એ જોજે. અને રાજવી ચિંતા ના કરતો, તેના માટે તો તારી મા બેઠી જ છે, ચાલ મૂકું." નયનાબેને કહ્યું.

"મમ્મી... દાદી.... અને રાજવી..." નિહાલે પૂછ્યું.

"હા, દાદીનો સ્વભાવ નથી બદલાયો પણ પપ્પા કંઈ જવાબ નથી આપતા એટલે એમનું કંઈ ચાલતું નથી." તેમણે કહ્યું.

"હા, મમ્મી આવજે તારા દીકરાનું ઘર જોવા કોઈવાર, રાજવીએ જોયું છે." તે બોલ્યો.

"રાજવી કયારે આવી ત્યાં..." નયનાબેન બોલ્યા.

"અરે મમ્મી ઘર ગોઠવવામાં મદદ કરવા આવી હતી. હજી પણ કયારેક તારા હાથનો કોઈ કોઈ વખત નાસ્તો આપી જાય છે." તે બોલ્યો.

"સારું તો તારી ભાવતી પૂરણપોળી બનાવીને એની સાથે મોકલીશ. આવજે દીકરા અને જો તને યોગ્ય લાગે તો એકવાર પપ્પાને મળવા આવી જા. કદાચ તને માફ કરીને ઘરે બોલાવી પણ લે." નયનાબેને કહ્યું.

"ના મમ્મી, હાલ નહીં. ચાલ મૂકું." તેને બોલીને ફોન મૂકયો.

"આજકાલના છોકરોઓને આટલો ઈગો કેમ હોય છે, એ જ ખબર નથી પડતી." ફોન પકડીને તે બોલ્યાં.

રમેશભાઈએ તેમને ટોકતાં કહ્યું કે, "ફોન પકડીને એકલી એકલી શું બબડે છે?"

"આ તો નિહાલનો ફોન હતો, એટલે..." નયનાબેન બોલ્યા.

"સારું... ચા મૂક." રમેશભાઈ કહીને હીંચકે બેઠા. નયનાબેન ચા બનાવી તેમને આપી અને પાછા જવા ગયાં

તો રમેશભાઈએ પૂછ્યું કે, "વનિતાનો ઈન્ટરવ્યૂ સારો ગયો અને તેની ટ્રેનિંગ કેવી ચાલી રહી છે?"

"તમને બધી ખબર છે?" તે બોલ્યા.

"હાસ્તો છોકરાની ખબર રાખવી જ પડે ને અને એમાંય તે ભાડાની એક રૂમમાં રહે છે ત્યારે. રાજવી પણ વારંવાર મળે છે અને તારા હાથનો નાસ્તો આપી આવે છે. હોય... મારું લોહી છે એટલે મને બળે છે. ચાલ ઓફીસમાં જાવ, લે આ કપ." કહીને તે નીકળી ગયા. નયનાબેનની આંખો ભીની થઈ ગઈ પણ તે કામે વળગ્યા.

કેસની પહેલી ઈયરિંગ થઈ, તેમાં ઘણી બધી દલીલબાજી, પાડોશીઓની સાક્ષી અને ખાસ કરીને સૌમ્યાની સાક્ષી તરીકે રજૂ પણ કર્યા.

જયારે અભિષેકની બાજુથી લાવણીના પપ્પાને જ સાક્ષી તરીકે બોલાવ્યા અને તેમને 'તેમના દાગીના સાસરીમાં થી ચોરીને પાછાં આપી ગઈ' એમ કહીને કેસને ગેરમાર્ગે દોર્યો.

જજે કહ્યું કે, "હજી આ કેસને સાબિત કરવા માટે બંને બાજુના પક્ષ મજબૂત નથી માટે હવે આવતા મહિને બીજી દલીલો અને સાક્ષીઓ રજૂ કરો. નહીંતર આ કેસમાં 'લાવણીએ આત્મહત્યા કરી છે' સાબિત થઈ જશે અને બંધ કરી દેવામાં આવશે.'

'આવતા મહિનાની ૯મી તારીખે આ કેસ ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે." કહીને જજે બીજી ઈયરિંગ પાડી.

વનિતાની ટ્રેનિંગ પૂરી થઈ ગઈ અને તેનું સિલેકશન ડેપ્યુટી કલેકટર તરીકે આ જ શહેરમાં થઈ ગયું. તે જોઈન્ટ કરવા માટે આજની ટ્રેનથી આવવાની હતી.

તેને વેલકમ કરવા રાજવી, નિહાલ સ્ટેશન પર ગયા અને ટ્રેનની રાહ જોવાઈ રહી હતી.

ડેપ્યુટી કલેકટરને વેલકમ કરવા પોલીસ ફોર્સ અને પીએ પણ ઊભા જ હતા. ટ્રેન આવતાં જ વનિતા ઉતરીને તે પહેલાં નિહાલને મળી. પોલીસ ફોર્સ અને પીએ બુકેથી તેમનું વેલકમ કર્યું. અને કહ્યું કે,

"મેમ તમારા માટે બહાર એક કાર છે, તે તમને ડ્રોપ કરી દેશે."

"ઈટસ ઓકે, આજે હું મારા પતિ સાથે જઈશ. તમે જઈ શકો છો." વનિતા બોલી.

"ઓકે મેમ, એઝ યૉર ચોઈસ." કહીને વનિતાનો પીએ જતો રહ્યો. પોલીસ ઓફિસર પણ જવા નીકળ્યા ત્યાં જ રાજવીને નિશાન બનાવી બંદૂકમાંથી ગોળી નીકળી પણ રાજવીનો મોબાઈલ પડી જતાં લેવા નીચે ઝૂકી એટલે ગોળી નિશાન ચૂકી ગઈ પણ તેના માથામાં ઘસરકો કરીને થાંભલાને અથડાઈ.

અવાજ પરથી લોકો ગભરાઈ ગયા, પોલીસ ફોર્સે તરતજ વનિતાને કવર કરી લીધી.

જયારે નિહાલ રાજવીને જોવા લાગ્યો, તો તેના માથામાં લોહી નીકળતું હતું. એ જોઈ વનિતાએ તેને હોસ્પિટલ પહોંચડવાનું પોલીસને કહ્યું. એમ્બ્યુલન્સથી તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવી.

ડૉકટરે ચેકઅપ કરીને તેને કહ્યું કે, "માથામાં ગોળી અડીને નીકળી ગઈ છે. બચી ગયા તમે, પટ્ટી બાંધી દઉં છું અને આ દવા લખી આપી છે. જો તમને દુખાવો થાય તો લેજો."

આ સાંભળીને વનિતા અને નિહાલે રિલેકસનો શ્વાસ લીધો અને બંને તેને ઘરે મૂકવા ગયા. નયનાબેન અને રમેશભાઈને સમજાવી, વનિતા ડેપ્યુટી કલેકટર બની ગઈ છે એ સમાચાર આપીને પોતાના ઘરે પાછા ગયા.

નયનાબેન બજારમાં શાક લેવા નીકળે છે, શાક લેતાં એમને રમીલાબેન મળે છે. તેમણે નયનાબેને પૂછ્યું કે, " નયનાબેન કેમ છો, રાજવી... મજામાં?"

"હા, તે મજામાં અને કેમ કંઈ કામ હતું એનું?" તે બોલ્યા.

"ના... બસ લાવણીના કેસ કેટલે પહોચ્યો એટલું જ...." તે છોભીલા અવાજે બોલ્યા.

"કેવું નહીં તમારે, તમારી દીકરી.. એનો કેસ... પણ એની માહિતી બીજા જોડેથી લેવાની. એક કામ કરો ને તમે રાજવીને જ પૂછી લો." તે બોલતાં જ,

"ના...ના, હું તો એની સાથે નજર મેળવવા લાયક પણ નથી તો પછી પૂછવાની હિંમત કયાંથી..." તે બોલ્યા.

"હા, કયાંથી હોય હિંમત નહીં, એવડી છોકરી હિંમત કરીને પોતાની બહેનપણીને ન્યાય અપાવવા કેસ કર્યો, પણ મા તરીકે તમે ના કરી શકયા." તે બોલ્યા.

"સાચી વાત છે, એટલે જ તો હું તેને મ્હોં દેખાડવા લાયક પણ નથી, પણ તમે જે જાણતાં હોય તે કહો ને..." તેમના અવાજમાં માની મમતા જોઈને નયનાબેન પીગળી ગયા અને બોલ્યા કે,

" માફ કરજો, હું તમને ઠેસ નહોતી પહોંચાડવા માંગતી પણ રાજવી જોડે એવું બન્યું એટલે બોલાઈ ગયું. હું સમજું છું કે તમે લાવણીની સાથે બીજા બાળકોની મા પણ છો. એકના લીધે બીજાને જોખમમાં ના મૂકાય." કહીને તેમણે રાજવી પર ચાલેલી ગોળી અને તેને લાગેલા ઘાવની પણ વાત કરી.

વાત સાંભળીને રમીલાબેન ભીની આંખે ઘરે ગયા. રંજનભાઈએ તેમનો ઉતરેલો ચહેરો જોઈને તે પૂછે છે, તો તે બધી જ વાતો કરે છે.

રંજનભાઈ કહે છે કે, "મેં કહ્યું હતું તેને કે બેટા, કેસ ના લડ. જીવને જોખમમાં ના મૂક, પણ તે છોકરીએ મારી વાત માની જ નહીં."

રમીલાબેન બોલ્યા કે, "હા કદાચ તમે સાચા પણ હશો કે તેને આપણી વાત ના માની. પણ એવડી એ છોકરી જે ફકત આપણી દીકરીની મિત્ર છે, એને ન્યાય અપાવવા કેસ કરી દીધો. જયારે આપણે હાથ પકડીને બેસી રહ્યા.'

"પાછા એને મદદ કરવાની હોય, એની જગ્યાએ હાથ ઊંચા કરી દીધા, પણ હવે હું એને સપોર્ટ કરીશ. હું અભિષેક અને લાવણીના સાસરિયા વિરુદ્ધ સાક્ષી પણ આપીશ."

"તું ભાવુક ના થા, તે બીજા છોકરાઓના ભવિષ્યનો વિચાર કર્યો છે કે પછી એમને પણ 'રાજવીની જેમ ગોળી વાગી તેમ' એમ જ તેના માટે છોડી દેવાના છે." રંજનભાઈ ગુસ્સામાં બોલ્યા.

"હા પપ્પા, છોડી દેવાના. મમ્મી લાવણીદી ને ન્યાય અપાવજે... લાવણીદી ની તકલીફ પહેલાં મમ્મીએ ના દેખી અને હવે તમે ગણી નથી રહ્યા એટલે જ તમે તેના માટે કંઈ નથી કરતા. અરે સૌમ્યાબેન પણ દીને સપોર્ટ કરે છે. આપણે મા બાપ, ભાઈ થઈને નહીં કરવાની. મમ્મી તું કોર્ટમાં સાક્ષી બનજે." લાવણીનો ભાઈ બોલ્યો.

"કરો જેમ મનમાં આવે તેમ..." રંજનભાઈ ગુસ્સે થઈને ઘરેથી નીકળી ગયા.

રાજવીને ગોળીના વાગવાથી તે માણસે અભિષેકને ફોન કર્યો. અભિષેક રિયાની જોડે તેની રૂમ પર હતો. રીંગ વાગતાં તેને ફોન લીધો અને પૂછ્યું કે, "ઈમરાન કામ થઈ ગયું?"

"ના શેઠ, મેં નિશાન તો બરાબર લીધું હતું પણ ખબર નહીં કેમ પણ તે અચાનક જ નીચા નમ્યાને, હું નિશાન ચૂકી ગયો..." તે માણસ બોલ્યો.

"શું તું નિશાન ચૂકી ગયો. ડફોળ, તને ખબર પડે છે હવે તે લોકોની શંકા મારા પર જશે. એક કામ બરાબર નથી થતું, ગધેડા જેવો. તારા બોસને જ કહેવું પડશે કે આવો બેવફૂક શાર્પ શૂટર શું કામનો." તે ગુસ્સામાં જેમ તેમ બોલે જતો હતો.

"શેઠ એ છોકરીનું નસીબ હશે એટલે આવું બન્યું, પણ આમ ગાળો ના બોલો." ઈમરાને કહ્યું.

"કેમ ગાળો ના આપું, મારા પૈસા પાછા આપવાના છો કે તેને ફરીથી મારવા જવાનો છે? તે કહે છે ગાળો ના બોલો. શાનશેઠ જોડે વાત કરાવ, ચાલ છાનોમાનો." તેને કહ્યું.

"હા, શેઠ" કહીને તે તેના બોસ શાનભાઈને ફોન આપ્યો.

રિયાએ પૂછ્યું કે, "શું વાત છે ડાર્લિંગ? કેમ આટલો ગુસ્સામાં?"

"કંઈ નહીં, આ ડોબો નિશાન ચૂકી ગયો અને પેલી રાજવી બચી ગઈ. તે મરી જાત તો કેસ બંધ થઈ જાત. આમ પણ તે ડોન જેવી જ હતી એટલે તેના પક્ષમાં કોઈ ના બોલત. હવે તે વિફરશે અને કેસ લંબાશે વધારામાં?" તેને ફોન પર જ હાથ રાખીને કહ્યું.

ત્યાં સુધી માં શાનભાઈ ફોન પર આવ્યા એટલે તેણે પૂછ્યું કે, " શાનભાઈ આગળ શું કરશો?"

"હા મેરે છોકરેને બોલા. કોઈ બાત નહીં ફીર સે ઉસે મારને કો ભેજતા હું. ઈસ બાર આગે કે જૈસી ગલતી નહીં હોગી." શાનભાઈએ કહ્યું.

અભિષેક બોલ્યો કે, "સારું આ વખતે ગમે તેમ થાય પણ તે મરી જવી જોઈએ જ.." ફોન મૂકીને તેણે નાથાભાઈને બધું જણાવ્યું.

રિયા બોલી કે, "અભિ ડાર્લિંગ કયાં સુધી લગ્ન માટે રાહ જોવી પડશે. આ કેસ જલ્દી પતે એવું કર."

"હા, હું પણ એવું જ.... એટલે જ તો આ શોર્ટકટ લીધો યાર. ચાલ અંદર આરામ...." બોલતાં જ તે અને રિયા રૂમમાં ગયા.

રમીલાઆન્ટી સાક્ષી બનવા તૈયાર છે એ ખબર પડતાં રાજવીએ જણાવવા તે સ્મિતને મળવા ગઈ. રાજવીએ પૂછયું કે, "આન્ટીને સાક્ષી બનાવી કેવી રીતે અને કયા સમયે રજૂ કરીશું, જેથી કોર્ટમાં આપણી તરફેણમાં ચુકાદો આપે."

"આપણે ઈયરિંગ ના વચ્ચેના સમયમાં હું તક જોઈને રજૂ કરીશું. આમ તો મંજૂરી લેવી પડે પણ અચાનક સાક્ષી તરીકે રજૂ કરીશું તો ઉપાધિ નહીં થાય. અને એ લોકોને તેમને ડરાવવાનો સમય પણ નહીં મળે, બરાબર." તે બોલ્યો.

"ઓકે સર, હું જવું" રાજવી બોલી.

"એક મિનિટ જો વાંધો ના હોય તો આપણે કોફી પી શકીએ." સ્મિતે એવું પૂછતાં રાજવીએ હા પાડી.

સ્મિત કયારનો રાહ જોઈ રહ્યો હતો કે તે પોતાના મનની વાત કરે, પણ તે સમય નહોતો મળતો. રાજવીને ગોળી વાગતાં બચી ગઈ, તેને ખોવાના ડરથી તે વધુ ડરી ગયો. એટલે જ તેને રાજવીને પ્રપોઝ કરવાનું વિચારી લીધું અને આજે તક મળતાં તેણે ઝડપી લીધી.

સ્મિત અને રાજવી મોલના કાફેમાં ગયા.

સ્મિત અને રાજવી મોલના કાફેમાં જાય છે. બધા જ ટેબલ પર કપલ્સ વાતો કરતાં બેઠા હતા. એક યુવક ગિટાર વગાડીને બધાનું મનોરંજન કરી રહ્યા હતા. રાજવી આ એટમોસ્ફિયર માણતાં કોલ્ડ કોફી પી રહી હતી. સ્મિત રાજવીને આ બધું નાના બાળકની જેમ એન્જોય કરતી જોઈ રહ્યો હતો. રાજવીની જેવી નજર એના પર પડી તો તે અચકાઈને બીજી બાજુ જોવા લાગ્યો.

પછી વાત શરૂ કરવા માટે રાજવીને પૂછ્યું કે, "સેન્ડવીચ યા સ્નેકસ?..."

"હા, ગ્રીલ સેન્ડવીચ." તે બોલી.

"બે ગ્રીલ સેન્ડવીચ" કહીને સ્મિતે ઓર્ડર આપ્યો.

રાજવીએ પૂછ્યું કે, "તમે કંઈ કહેવા માંગો છો?"

"ના...હા... અરે, કંઈ નહીં." તે બોલ્યો.

"હમમમ.. પણ તમારા આ શબ્દો પરથી જ લાગે છે કે કંઈક કહેવાનું છે, તમારે?" તે બોલી.

સ્મિતે ઊંડો શ્વાસ લઈને બોલ્યો કે, "હા... બસ તમને જોયા ત્યારથી એવું લાગે છે કે તમે મને ગમો છો, તમારી આ નિડરતા, હાસ્ય, બિન્દાસપણું પણ મને ગમવા લાગ્યું છે. શું તમે મારી જોડે લગ્ન કરશો? શું તમે આ જીદ્દી, અડિયલ વકીલ સાથે જીવનભરનો સાથ નિભાવશો?" તેણે બધું એકી શ્વાસે બોલી નાખ્યું.

રાજવી એકદમ જ ચૂપ અને સ્તબ્ધ થઈ ગઈ અને તેની સામે જોઈ જ રહી.

સ્મિતે કહ્યું કે, "તમે એમ જ મારા વિશે ખરાબ વિચારો ના કરતાં. આજસુધી કોઈ છોકરી સામે જોયું નથી, મારે તો લગ્ન પઙ નહોતા કરવા પણ તમને જોયાં પછી બધું જ બદલાઈ ગયું. બસ મને તમે ગમો છો, હું તમને જીવનસાથી બનાવવા માંગું છું એટલે પૂછ્યું. જો તમે એવું ના વિચારતા હોય તો વાંધો નહીં, પણ તમે ખોટું ના લગાડતા."

રાજવી પોતાની જાતને સંભાળીને બોલી કે, "આ વિશે મેં કાંઈ જ વિચાર્યું નથી."

"રાજવી હું વકીલ છું, ખોટું જલદી પકડી લઉં છું અને તમારી આંખો હાલ તો ખોટું બોલી રહી છે. હા, પણ તમે ના કહેવા માંગતા હોય તો વાંધો નહીં." સ્મિતે કહેતાં જ રાજવી અસમંજસમાં પડી. આંખો બંધ કરીને મનથી વિચારવા લાગી.

પાંચ મિનિટ પછી આખરે આંખો ખોલીને તે બોલી કે, "સ્મિત તમે એકવાર મારા વિશે જાણી લો, હું આ બંધનમાં પડવા કરતાં નબળી સંસ્થા માટે કંઈ કરવા માંગું છું. એટલે... પણ મને તમારા માટે મારા મનમાં..."

અચાનક જ એક ગોળી સનનન કરતી આવી અને તેના માથામાં વાગી અને રાજવીએ પોતાનું માથું ટેબલ પર જ નાખી દીધું.

અચાનક બનેલી આ ઘટના સ્મિતના સમજમાં ના આવી. બેસૂધ અવસ્થામાં જ તે ઊભો થઈ રાજવીને ઊંચકીને હોસ્પિટલ દોડવા ગયો તો રાજવીનો હાથ નીચે પડી ગયો.

જેમતેમ કરીને તે હોસ્પિટલ પહોંચ્યો અને ડૉકટરે રાજવીને ચેક કરીને કહ્યું કે, "આઈ એમ સોરી, શી ઈઝ નો મોર..."

આ સાંભળીને સ્મિત ચૂપ થઈ ગયો. પોલીસે પહોંચીને રાજવીના ફોનથી નિહાલને ફોન કર્યો અને કહ્યું કે, "તમે રાજવીબેનના શું સગા થાવ?"

નિહાલે કહ્યું કે, "હું તેનો ભાઈ થાવ..."

"એમનો જબરદસ્ત એકસિડન્ટ થયો છે, હાલ તે સીટી હોસ્પિટલમાં છે, તો તમે ત્યાં પહોંચો." કહીને ફોન મૂક્યો.

નિહાલે રમેશભાઈ અને વનિતાને ફોન કરીને જણાવ્યું. રમેશભાઈ દમયંતીબા અને નયનાબેનને લઈને પહોંચ્યા અને વનિતા બધા જ ત્યાં પહોંચી ગયા. 'રાજવી નથી રહી' સમાચાર સાંભળીને બધાના પગ નીચેની જમીન ખસી ગઈ. નયનાબેન અને વનિતા તો બેભાન થઈ ગયા.

હોસ્પિટલમાં હોવાથી તરત જ ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ. વનિતા તો ઝડપથી ભાનમાં આવી. સુધીરભાઈએ તેને સમજાવ્યું કે, "જો બેટા, આ ઘરની તું વહુ છે અને આ સમયે મજબૂત તારે જ બનવું પડશે. ઘરના બધા જ લોકોને સંભાળવા પણ તારે પડશે, ખાસ કરીને વેવાણને. પ્લીઝ બેટા, કાઢી થા અને ઊભી થઈને જમાઈ, દાદી અને વેવાઈને સંભાળી લે."

વનિતા ઊભી થઈ અને યોગ્ય લાગે તેમ નિહાલને સમજાવ્યો. નયનાબેન ભાનમાં આવ્યા નહતા. જેમજેમ બધાને ખબર પડી તેમતેમ લોકો આવવા લાગ્યા. રંજનભાઈ અને રમીલાબેન પણ પહોંચી ગયા.

તે લોકો તો આ લોકોની સામે આંખ મેળવી શકે તેમ જ નહતા, એમને લાગતું હતું કે 'તેમના લીધે જ આ લોકોને પોતાની દીકરી ગુમાવી પડી.'

પોસ્ટમોર્ટમ કરીને પોલીસે બોડી આપી, રાજવીને ઘરે લાવવામાં આવી. અત્યાર સુધી રમેશભાઈ અને દમયંતીબા ચૂપચાપ બધું જોઈ રહ્યા હતા. પણ ઘરમાં બોડી આવતાં, અંતિમ સંસ્કારની તૈયારી ચાલુ થઈ ગઈ. નિહાલે પપ્પાને ચૂપ જોઈને જ તે રમેશભાઈનો હાથ પકડીને તેની જોડે લઈ ગયો અને કહ્યું કે, "પપ્પા... રાજવીને છેલ્લી વારની વિદાય આપો અને હાર પહેરાવો..."

રમેશભાઈ તો ચોધાર આસુંએ રડી પડ્યા અને કહેવા લાગ્યા કે, "રાજવી... ઓ રાજવી બેટા... એકવાર ઉઠી જા. તારા પપ્પાનો સાદ તો સાંભળ. તું કહેતી હતીને કે તમે મને કયારેય પ્રેમથી નથી બોલાવી. જો બેટા આજે બોલાવી તો ઉઠને બેટા, રાજવી..."

જયારે દમયંતીબા તો બબડવા લાગ્યા કે, "એ છપ્પરપગી કેટલી વાર તારા પપ્પાએ કહ્યું કે ઉઠી જા, તો ઉઠી જા. અને હંમેશા તું મારું કહ્યું કરે છે ને તો પછી આજે કેમ મારી વાત નથી માનતી. મને કેમ કાલાવાલા કરાવે છે.'

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED