નબળી: રાજવીની સંઘર્ષ કથા - 7 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નબળી: રાજવીની સંઘર્ષ કથા - 7

(7)

"શું કામ હું હજી છું ને? હું બે રાખીશ." આમ બોલીને અભિષેક હસવા લાગ્યો. એની સાથે સાથે બધા ખડખડાટ હાસ્ય જોડાયા. ડીનર પૂરું કરીને બધા છૂટા પડયાં.

આ બધી વાતો સાંભળી લાવણી મનમાં જ સમસમી ગઈ કે, "મારા પહેલાં તેમને રિયા પસંદ હતી એટલે મારાથી દૂર દૂર ભાગે છે. આ વાત મારાથી છૂપાવી પણ રાખી.

મેનેજર કયારનો લાવણીને જોઈ રહ્યો હતા. આ બધું જ અભિષેકનો એક મિત્ર અને નિહાલ કયારના નોટીસ પણ કરી રહ્યા હતા.

પાર્ટીમાં બધાની વાતો સાંભળીને લાવણી રિયાને જોવા ઉત્સુક થઈ એટલે તેણે બીજાને પૂછ્યું કે, "રિયા કોણ છે?"

તેને મ્હોં બગાડીને બતાવી અને કહ્યું કે, "સંભાળજે તેનાથી, તારે શું કામ છે?"

લાવણી તો રિયાને જોઈ તો તેને જોતી જ રહી ગઈ.

'એ એકદમ જ સ્ટાઈલિશ, વેસ્ટર્ન વન પીસ પહેરેલું. હાથમાં રિયલ ડાયમંડનું બ્રેસલેટ, આગંળીમાં નાની એક ડાયમંડની રીંગ, કાનમાં એ જ ડિઝાઈનની ટોપ અને ગળામાં પ્લેટિનમ ચેન અને પેડન્ટ. ડ્રેસના મેચિંગ ઊંચી હીલના સેન્ડલ પહેર્યા હતા. જેવું તેનું ડ્રેસિંગ સેન્સ હતું, એવું જ તેનો મેકઅપ સુંદર રીતે કરેલો હતો. એકદમ જ પરફેક્ટ રીતે કરેલો હતો કે કોઈપણ તેને જોઈને આર્કિષત થઈ શકે તેવો હતો. રિયા તેની સામે આશ્ચર્યથી જોઈ રહી તો તે બોલી કે, "આઈ થિન્ક તમે રિયા છો, બરાબરને?"

રિયા બોલી કે, "હા અને તમે?"

તેણે જવાબ આપ્યો કે, "હું લાવણી..."

રિયા બોલી કે, "પણ ઓળખાણ ના પડી? આઈ થિન્ક તમે કંઈ કહેવા માંગો છો?"

"ના... અને હા...હું લાવણી અભિષેક શાહ છું. હવે તમને ખબર પડી ગઈ કે હું શું કહેવા માંગું છું." તેણે જવાબ આપતાં કહ્યું.

રિયા તો ધૂવાપૂવાં તો થઈ ગઈ છતાંય બોલી કે, "તેમાં હું શું કરું?" આટલું બોલીને ફોનથી મેસેજ કરતી કરતી જતી રહી.

લાવણી અને અભિષેક પાર્ટી પતાવીને ઘરે જવા નીકળ્યા. લાવણી થોડીવાર તો અસમંજસમાં બેસી રહી, પણ આખરે તેને પૂછ્યું કે, "અભિષેક, તમને એક વાત પૂછું?"

અભિષેક કંઈ જ ના બોલ્યો કે ના તેના સામું જોયું. છતાંય લાવણીએ મન મક્કમ કરીને બોલી કે, "તમને રિયા ગમે છે?"

તેણે એકદમ જ ગાડી રોકી દીધી અને સામું જોઈને કહ્યું કે, "એવું કશું જ નથી."

લાવણીએ ડઘાઈ પડી પણ કહ્યું કે, "એવું હોત ને તો અત્યાર સુધી મારી ઉપેક્ષા કરતા હતા ને તો મને જવાબ જ ના આપતાં અને પાર્ટીમાં બધા એ જ વાત કરતાં હતાં. આમ પણ તમારા મનમાં ચોર છે, એટલે જ તમે જવાબ પણ આપ્યો."

અભિષેક ગાડીનો દરવાજો જોરથી ખોલી અને બહાર નીકળી પછાડયો.

લાવણીએ ચીસ પાડીને પૂછ્યું કે, "શું થયું, જવાબ આપો?"

તે બોલ્યો કે, "તારે જે સમજવું હોય તે સમજ."

લાવણી પણ બહાર નીકળી અને તેની જોડે ગઈ અને કહ્યું કે, "તો પછી મારી વાત સાંભળીને તમારી આંખો કેમ સંતાડો છો? જે બધું જ બોલી દે છે."

અભિષેક પાછો ચૂપ થઈ જતાં લાવણી ફરી બોલી કે, "મને ખબર છે કે તમે મમ્મી પપ્પાના કહેવાથી અથવા તેમના દબાણથી મારી જોડે લગ્ન કર્યા છે. પણ તે હજીય તમારા મનમાં વસી હોવાથી એટલે જ મને ખાસ બોલવાતાં નથી."

અભિષેક બોલ્યો કે, "હા, મને રિયા જ ગમતી હતી, છે અને રહેશે. તારી જોડે લગ્ન તો મમ્મી પપ્પાના દબાણને વશ થઈને કહો કે રિયાને હાલ લગ્ન નહોતા કરવા એટલે કરવા પડયા. હા, તું સાચું વિચારે છે કે 'મારા મનમાં તે છે એટલે જ હું તારી સાથે કોઈ સંબંધ નથી રાખવા માંગતો. બસ તું મારા મમ્મી પપ્પાની વાત માન, સેવા કર અને મારી જોડે રાતે સૂઈ જા. અને એના બદલે હું તને બધી જ સુખ સગવડો આપું છું, એ જ ઘણું છે."

લાવણીને રડતી જોઈને અભિષેક ગાડીમાં બેસવા ગયો અને બોલ્યો કે, "એય, ગાડીમાં બેસી જા. મારે... હવે છૂપાવું પણ શું કામ પડે, તને આમ પણ બધી ખબર જ છે તો, મારે રિયા જોડે જવું છે. ચાલ જલ્દી કર."

લાવણીએ અવાજને સાંભળ્યો ના સાંભળ્યો કરીને ચાલવા લાગી તો અભિષેકે તેને વાળથી પકડીને ગાડીમાં બેસાડીને બોલ્યો કે, "હવે વધારે નાટક નહીં કરવાનાં, અહીં તારું કોઈ સગલું નહીં થાય. બાકી તો બધી જ તને ખબર જ છે?"

લાવણીને ઘર આવી જતાં અભિષેકે તેને ઈશારાથી ઉતરી જવા કહ્યું અને લાવણી રડતી રડતી પોતાના રૂમમાં જતી રહી.

લાવણીએ રડતાં પોતાની મમ્મીને ફોન કર્યો. ફોનમાં તેનો રોવાનો અવાજ સાંભળીને તે ગભરાઈ ગયા અને બોલ્યા કે, "લાવણી બેટા... શું થયું? કેમ આટલું બધું રડે છે? કંઈ ઝઘડો થયો છે, કુમાર જોડે?"

લાવણી બોલી કે, "ના મમ્મી, પણ મારું બધું જ લૂંટાઈ ગયું."

રમીલાબેન બોલ્યા કે, "બેટા વાત શું છે, એ તો કહે?"

લાવણી ખાસી વાર તો રડતી જ રહી પછી જાતે જ કંઈક શાંત થઈને કહ્યું કે, "મમ્મી, હું કયાંની ના રહી! મને દગો મળ્યો અભિષેકે..."

મમ્મી બોલી કે, "એ છોકરી શું બોલે છે? સરખી રીતે વાત તો કર."

"મમ્મી અભિષેકને રિયા કરીને બીજી કોઈ ગમે છે, હું નથી ગમતી." લાવણીએ પાર્ટીમાં શું બન્યું તે કહ્યું, પછી બોલી કે, "મમ્મી, હું શું કરું?"

રમીલાબેને જવાબ આપ્યો કે, "જો લાવણી આવું તો ચાલ્યા કરે, આજે જે તારી કદર નથી કરતો તે કાલ કરશે. અને આમ પણ આવી છોકરી તો ઉછાંછળી હોય, તેનાંથી પુરુષનું મન જલદી ધરાઈ જાય અને એમને તો પત્ની તરીકે ઘર સાચવે એવી જ જોઈએ, સમજી. આમ નાની નાની વાતો માટે પિયરમાં ફોનના કરવો જોઈએ તારે. દરેક છોકરીમાં તો પોતાના પતિનું દિલ જીતવાની આવડત હોવી જોઈએ ને. તું એને તારો કરી લે પછી કોઈ તકલીફ નહીં પડે. આજકાલની છોકરીઓ નાની નાની વાતોથી બહુ જલ્દી ગભરાઈ જાવ છો!"

લાવણી બોલી કે, "મમ્મી આટલી જ વાત નથી. મારા સાસુ સસરા પણ 'અભિષેકના પ્રમોશન માટે મને દસ લાખ પિયરથી લઈ આવ' એવું કહે છે."

"જો લાવણી છોકરીને પરણાવીએ એટલે પિયરની જવાબદારી પૂરી. છોકરી તો લગ્ન પછી પિયરમાં હસતી આવે અને બે ચાર દિવસ મહેમાનની જેમ જતી રહે તે જ સારું લાગે. પછી તારું ઘરએ જ કહેવાય અને તે પ્રોબ્લેમ્સ તારી જાતે જ સોલ્વ કરવાનાં હોય, પણ યાદ રાખજે છોકરીની વિદાયની ડોલી પિયરથી ઉઠે અને સાસરેથી અર્થી. મારે પણ આગળ તારા ભાઈનો પણ વિચાર કરવો કે નહીં? ચાલ મૂકું."

વનિતાના અને નિહાલના ઘરમાં લગ્નની જોરશોરથી તૈયારી ચાલુ થઈ ગઈ હતી. આજે વનિતા પોતાના પલ્લાના કપડાંની પસંદગી કરવા સાસરીવાળા જોડે જવાની હતી. તેઓ એક દુકાને પહોંચ્યા અને ઘરચોળું, સેલું, બાંધણી, લહેરિયું અને નવી નવી ફેશનની એક બે સાડી બતાવવાની કહી.

દુકાનદારે બતાવ્યાં એમાંથી બાંધણી તો ઝડપથી સિલેક્ટ થઈ ગઈ. સેલાની ફેશનના હોવાથી તે ના લીધું એની જગ્યાએ ચણિયાચોળી, ઘરચોળું અને લહેરિયું લીધું. પછી લેટેસ્ટ ફેશનની સાડીમાં તો વનિતા અને નયનાબહેનને ફિરોઝી કલરની સુંદર એન્ટિકવર્કની સાડી ખૂબજ ગમી, આમ ત્રણેક સાડી લીધી.

બધી પસંદગી પતાવીને તેનું પેમેન્ટ કરવા નિહાલ આવ્યો. નિહાલે જીદ કરીને નયનાબહેનને નવી સ્ટાઈલનું ઘરચોળું, દાદી માટે સેલા જેવી સાડી અને રાજવી માટે નવી સ્ટાઈલની ચણિયાચોળી લેવડાવી પછી પેમેન્ટ કરીને બહાર નીકળ્યા.

પછી એક નાસ્તાની દુકાને દાળવડાં અને આઈસ્ક્રીમનો નાસ્તો કરીને દાદી, નયનાબેન અને રાજવી રીક્ષામાં ઘરે જવા નીકળ્યા. વનિતાને નિહાલ બાઈક પર મૂકવા ગયો.

નિહાલે એક સાયબર કાફેમાં ઊભું રાખ્યું તો વનિતાએ આશ્ચર્યથી તેની સામે જોયું, તો તે બોલ્યો કે, "એક એક કૉફી પીએ ઉતાવળ શું છે?"

તેને આંખના ઈશારે જ પૂછ્યું કે, "થોડી થોડી કૉફી....!"

"હા, કેમ બીજો કોઈ વિચાર છે તારો?" તેણે કહ્યું.

વનિતા અંદર જઈને ટેબલ પર બેઠી. નિહાલે જયુસનો ઓર્ડર આપ્યો અને વેઈટરને ટ્રીપ આપીને ગિટાર વગાડનાર, કેક વિગેરે લઈ આવવાનું કહ્યું.

બધું આવી જતાં વનિતાએ પૂછ્યું પણ ખરું કે, "આ શું છે, નિહાલ?"

મ્યુઝિક વાગવા લાગ્યું, જયુસમાં છૂપાવીને રીંગ નાખી હતી તે વનિતાના હાથમાં આવતાં જ નિહાલે નીચે બેસીને વનિતાનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું કે, "વીલ યુ મેરી મી માય લવ....?"

વનિતાએ શરમાઈને હા પાડી અને બંને જણાએ એકબીજાને કેક ખવડાવીને સેલિબ્રેટ કર્યું. કાફેમાં બેઠેલા બધાએ તાળીઓ પાડીને વધાવી લીધા. બંને જણા ડીનરનો ઓર્ડર આપી વાતો કરવા લાગ્યા.

"નિહાલ, તમે આ બધું પ્લાન કયારે કર્યું!" વનિતાએ પૂછ્યું.

"કયારનું કરવું હતું પણ મોકો નહોતો મળતો

આજે મળે એટલા માટે રાજવીએ મને મદદ કરી." તે બોલ્યો. થોડી વાર પછી પૂછ્યું કે, "વનિતા મેરેજ પછી આપણે કયાં ફરવા જઈશું?"

"વિચાર્યું જ નથી." વનિતાએ કહ્યું.

તે બોલ્યો કે, "આપણે દેશમાં કે ફોરેન જવું છે?"

"ફોરેન ના...ના... દેશમાં જ જઈએ. ઘણા બધા ફરવાના સ્થળ છે." વનિતા જવાબ આપતાં કહ્યું.

નિહાલે કહ્યું કે, "તો પછી દાર્જિલિંગ કે ઊટી કે શિમલા મનાલી..."

"શિમલા મનાલી કેવું રહેશે?" વનિતા બોલી.

"સુપર પ્લેસ યાર, હું આજે બધું બુકિંગ કરી લઉં. વનિતા એક વાત...." કંઈક કહેવા જતો હતો પણ નિહાલ ચૂપ રહ્યો.

"શું વાત છે? તમે અચાનક ચૂપ થઈ ગયા." વનિતાએ નિહાલનો અચકાતા જોઈને બોલી.

નિહાલ બોલ્યો કે, "કંઈ નહીં, મને લાગી રહ્યું છે પણ કદાચ હું ખોટો હોઉં પણ ખરો, લાવણી અને અભિષેક વચ્ચે કંઈક તો બરાબર નથી."

વનિતા બોલી કે, "મને પણ એવું જ લાગે છે, હું તેને કાલે અભિષેક ઓફિસે જાય પછી ફોન કરીને હું તેની સાથે વાત કરવા પ્રયત્ન કરું."

"ઓકે, ડીનર આવી ગયું છે. તે કરી લઈએ પછી હું તને ઘરે મૂકી જાવ." નિહાલે કહ્યું પણ તે મનમાં ને મનમાં લાવણી વિશે વિચારવા લાગ્યો.

લગ્નમાં ત્રણેક દિવસ જ બાકી રહ્યા હતા. ઘરમાં ધીમે ધીમે મહેમાનો આવી રહ્યા હતા. કાલે તો ગણેશ, પીઠી ચોળવાનું ફંક્શન હતું. નયનાબેનના પિયરયા નિમેષભાઈ, સોનલભાભી, નીતાબેન અને કીર્તિકુમાર વિગેરે મામેરું લઈને આવ્યા હતા.

નયનાબેન બોલ્યો કે, "આવો... આવો... ભાઈ, ભાભી, નીતા, કીર્તિકુમાર આવો. બા મારા પિયરયા આવ્યા છે."

દમયંતીબાએ તો મ્હોં મચકોડયું, પણ રમેશભાઈ બોલ્યો કે, "આવો..આવો.. બેન, કુમાર. આવો નિમેષ, સોનલભાભી. રસ્તામાં કોઈ તકલીફ નહોતી પડી ને. નયના ચા નાસ્તાની તૈયારી કર. પછી પેલી કાળમુખીને કહે કે બાજુનું ઘર બતાવે."

નિમેષભાઈ બોલ્યા કે, "જીજાજી કેવી તૈયારી ચાલે છે, ભાણિયાના લગ્નની?"

"એ માટે તો વહેલા આવું પડે, પણ એ માટે નવરાશ કયાં છે?" દમયંતીબા બોલ્યા.

"હા, એ તો છે જ પણ અમારા લાયક કામકાજ બતાવો, ભેગા થઈને કામ કરીશું તો ફટાફટ પતી જશે." કીર્તિ કુમાર બોલ્યા.

"એ તો આવા દીધા એ જ ... બાકી તો..." દમયંતીબા રોફમાં બોલ્યા.

રમેશભાઈને નયના સિવાય કે કહો તો નયનાથી પણ ફરિયાદ નહોતી. એટલે વાત બદલતાં કહ્યું કે, "તમે આવ્યા છો તો બધા કામ ફટાફટ પતી જવાનાં જ છે, પણ પહેલાં ચા નાસ્તો કરીએ. આવો..આવો... પછી તમે મુસાફરીનો થાક ઉતારો એટલે કામે વળગાય. નિહાલ જાગ્યો કે નહીં? એને બોલાવો."

નિહાલ એટલામાં જ બહાર આવ્યો અને બધાને પગે લાગ્યો. "કેમ છો મામા, માસા? તબિયત સારી ને?" પૂછયું.

નિમેષભાઈ બોલ્યા કે, "હા ભાણાભાઈ, બસ તમને ઘોડે ચડાવા જ આવ્યા છીએ."

"હા ભાઈ હો, સોનાનો ઘોડો મોસાળામાં લાવ્યા છે તારા મામા!" દમયંતીબા એ તપાકથી જવાબ આપ્યો.

બધાએ ચા નાસ્તો પતાવીને ફ્રેશ થયા પછી રમેશભાઈ, નિમેષભાઈ અને કીર્તિકુમાર સાથે બેન્ડ અને હોલની વ્યવસ્થા જોવા નીકળ્યા. ભાભી અને બેન નયનાબેનને રસોડામાં મદદ કરવા લાગ્યા. દમયંતીબા માળા કરવા હીંચકા પર બેઠા, એટલામાં જ રાજવી શણગારેલી છાબો લઈને આવતી હતી તે તેમને અથડાણી તો તે બોલવા લાગ્યા કે, "એય છપ્પરપગી, તને કંઈ કામ કરતા આવડે છે કે પછી... આખા ઘરમાં તને જોવાથી અપશુકન જ થાય છે. મારા પૌત્રના લગ્નમાં અપશુકન કરીશને તો મારાથી વધારે ખરાબ કોઈ નહીં થાય, સમજી."

નયનાબેન અવાજ સાંભળીને બહાર આવ્યા એ જોઈને દમયંતીબા ફરીથી બોલ્યા કે, "નયના મેં તને કેટલી વાર કહ્યું કે આ છપ્પરપગીને અહીંથી અને આ લગ્નમાં હાજર નહીં રાખ. પણ તું અને નિહાલ માનો તો ને!"

નયનાબેન કંઈજ બોલ્યા નહીં અને રાજવીને અંદર જવાનો ઈશારો કર્યો.

અભિષેકને મેનેજરે પોતાની ઓફિસમાં બોલાવ્યો અને પૂછ્યું કે, "અભિષેક સેલ્સ ડિપાર્ટમેન્ટની ફાઈલ રેડી છે કે નહીં?"

"હા સર" અભિષેકે જવાબ આપ્યો.

"તો મને આપો અને અભિષેક શું વિચાર્યું તે?" મેનેજરે કહ્યું.

અભિષેક સમજી ગયો હતો છતાં અજાણ થઈને બોલ્યો કે, "શેના વિશે વિચારું, સર?"

"દસ લાખ?...પ્રમોશન વિશે? તમે જો મને દસ લાખ ના આપી શકો તેમ હોય તો બીજા રેડી જ છે. તેમનું નામ રેકમેન્ડ કરી દઈશ." મેનેજરે હસીને કહ્યું.

"સર પ્લીઝ, મારી પાસે આટલા રૂપિયા નથી. હું મેનેજ પણ કરી શકું તેમ નથી." તે ઢીલા અવાજે બોલ્યો.

મેનેજરે જાળમાં ફસાવા માટે બોલ્યા કે, "ઓકે, તો હું બીજાનું નામ રેકમેન્ડ કરીશ. પણ તમે આશાસ્પદ યુવાન છો, એટલે હું તો તમારા માટે સારું વિચારી રહ્યો હતો, પણ કંઈ વાંધો નહીં...?"

"સર પ્લીઝ... તમે મને પ્રમોશન માટે રેકમેન્ડ કરી દો ને, આ પ્રમોશન મારા માટે ખૂબજ ઈમ્પોર્ટન્ટ છે." અભિષેક ગળગળા અવાજે કહ્યું.

વળી સમજાવતાં કહ્યું કે, "સર, હું ધીમે ધીમે તમને દસ લાખ આપી દઈશ. મારી પાસે હાલ આટલા બધા રૂપિયા નથી. નહીંતર તમને ફરિયાદનો મોકો ના આપતો."

મેનેજરે કહ્યું કે, "જો અભિષેક કોઈપણ કામ મફત ના થાય. એ માટેની કિંમત ચૂકવી જ પડે. એક યા બીજી રીતે. જો તમે દસ લાખ આપી શકો તેમ ના હોય તો પછી બીજી રીતે...."

અભિષેક મેનેજરની ગોળ ગોળ વાત સમજી ના શકયો એટલે પૂછ્યું કે, "બીજી રીતે એટલે સર..."

મેનેજરની સામે 'શું કહેવા માંગે છે' એની આતુરતાપૂર્વક એ જવાબની રાહ જોઈ રહ્યો.

મેનેજરે તેની સામે ખંધુ હસીને કહ્યું કે, "જુઓ અભિષેક તમે દસ લાખ ના આપી શકો તેમ ના હોય તો તમારી પત્ની ખૂબજ સુંદર છે અને તમે...? મારો ઈશારો સમજી શકો છો?"

"પણ સર આ કેવી વાત કરો છો? તમારા પદનો વિચાર તો કરો." અભિષેક ડઘાઈને બોલ્યો.

"જો તમે બે રાખી શકો તો આ એક રાતની...! તમને રિયા ગમે છે, જયારે લાવણી ખાલી નામની છે. તો તને કોઈ ફર્ક પણ ના પડવો જોઈએ. અભિષેક તારે વિચારવાનું છે કે તારે પ્રમોશન જોઈતું હોય તો એક તો ડિમાન્ડ પૂરી કરવી જ પડશે. ચોઈસ ઈઝ યૉરસ... જે જવાબ હોય તે કાલે આપજો. નહીં તો પ્રમોશન ગયું સમજયા. ગુડ નાઈટ અભિષેક, એન્ડ ગેટ આઉટ ઓફ માય ઓફિસ નાઉ. નો મોર ડિસ્કસ."

અભિષેક ઘરે આવ્યો. નાથાભાઈ અને શારદાબેન બંને શારદાબેનના પિયર ગયા હતા. એટલે લાવણી ઘરમાં એકલી હતી.

અભિષેકે તેને એક સુંદર સાડી પ્રેઝન્ટ કરી અને કહ્યું કે, "લાવણી, પ્લીઝ આ સાડી પહેરીને આવ. મને આ સાડીમાં દેખવી છે કે તું કેવી લાગે છે એમાં?"

લાવણી તેની સામે ડઘાઈને જોવા લાગી તો તે બોલ્યો કે, "મને ખબર છે કે તને મારા આવા વર્તનની નવાઈ લાગે છે પણ મને મારી ભૂલ સમજાય છે. એ માટે હું તારી માફી માંગું છું અને તે મેળવવા જ આ પ્રયત્ન કરું છું, રિયા એક સારી વ્યક્તિ નથી તે તો મને આગળ વધવા માટેની એક સીડી સમજતી હતી. પ્લીઝ ફરગીવ મી એન્ડ લવ યુ ડાર્લિંગ. જો તું આ સાડી પહેરીશ, તો હું સમજીશ કે તે મને માફ કરી દીધો."

લાવણીના આંખમાં આસું સાંભળીને જ આવી ગયા. તે નવી સાડી પહેરીને આવી ગઈ.

અભિષેકે આખા ઘરની લાઈટ ઓફ કરીને બધેજ કેન્ડલ સળગાવી, છૂપાવીને રાખેલા ફૂલો પાથરીને ડાઈનિંગ ટેબલ સજાવ્યું અને સ્લો રોમેન્ટિક મ્યુઝિક ચાલુ કર્યુ.

લાવણીતો આ બધું જોઈને જ ખુશ થઈ ગઈ કે, "મમ્મીએ સાચું જ કહ્યું હતું કે ધીરજના ફળ મીઠાં હોય. ધીરજ ધર અભિષેકને કયારેક તો પોતાની ભૂલ સમજાશે. આજે એ પોતાને ખૂબજ ભાગ્યશાળી સમજવા લાગી કે 'તેનો સંસાર બચી ગયો.' ભગવાનનો આભાર માનતી લાવણી તેની જોડે વાતો કરવામાં અને તેની સરપ્રાઈઝ માણવામાં મશગુલ થઈ ગઈ.

બંને જણાએ પહેલાં ડાન્સ કર્યો પછી ડીનર કરવા બેઠા. ડીનર કરતાં પણ વધારે તો વાતો કરી રહી હતી લાવણી. એ પછી બંને એકબીજામાં ખોવાઈ ગયા.

લાવણી સવારે ઉઠી તો એક ઉત્સાહથી ભરેલી હતી કે તેના જીવનમાં બધું જ સુધરી રહ્યું છે. એક સુખરૂપ સંસાર હવે તે માણી શકશે. રસોડામાં તે ફટાફટ અભિષેકનો ભાવતો નાસ્તો બનાવી રહી હતી. તે દોડીદોડી અભિષેકના બધા કામ કરી તેને એકપણ ફરિયાદનો મોકો આપવા નહોતી માંગતી.

અભિષેકે જેવો ઉઠયો એવો જ લાવણીને પોતાની જોડે બોલાવી તેને હગ કર્યું અને કહ્યું કે, "લવ યુ, મારી સામે જ રહે. કામ તો પછી કરજે."

"તમારે ઓફિસ નથી જવાનું?" તે બોલી

અભિષેકે જવાબમાં કહ્યું કે, "જવાનું મન નથી, પણ જવું પડશે. મારું એક કામ તું કરીશ?"

"હા, કેમ નહીં. પતિ તો પરમેશ્વર કહેવાય, એટલે તમે બતાવેલું કામ હું કરી દઈશ." લાવણી જવાબ આપતાં બોલી.

અભિષેકે તેને કપાળ પર કીસ કરી અને આલિંગન આપ્યું અને કહ્યું કે, "મારું પ્રમોશન અટકેલું છે, એ તો તને ખબર છે ને?"

"હમમમ..." લાવણીએ કહ્યું.

"મારા પ્રમોશન માટે મેનેજર દસ લાખ માંગે છે, પણ તે આપી શકવાની તાકાત નથી અને તે તારા રૂપને જોઈ દીવાનો થઈ ગયો છે. અને તે..." તેણે વાતને અનુસંધીને બોલ્યો.

લાવણીએ આશંકાથી કહ્યું કે, "એટલે તે શું?"

"તે તારી જોડે એક રાત માટે ડેટ પર જવા માંગે છે." તે બોલ્યો.

લાવણીને ઝાટકો લાગ્યો તે એકદમ જ તેનાથી દૂર થઈ ગઈ અને બોલી કે, "હું તમારી પત્ની છું, તમે આવું કેવી રીતે કહી શકો?"

"મને તારા સિવાય કોઈ પ્રમોશન નહીં અપાવી શકે. પછી તો મારો પગાર વધી જશે અને આપણે કોઈ વસ્તુ માટે મન નહીં મારવું પડે. આપણે જુદાં રહેવા પણ જતાં રહીશું. પ્લીઝ મારા માટે આટલું કરી દે ને." લાવણીને સમજાવતાં બોલ્યો.

"તમે કેવી વાત કરો છો, એ માટે કંઈ પોતાની પત્નીનો સોદો કરશો?" લાવણીએ ડઘાઈને કહ્યું.

"જો તું કાં તો દસ લાખ લાવ કાં તો તું મેનેજર જોડે એક રાત ડેટ પર જા. શું કરવાનું તારે નક્કી કરવાનું છે?" અભિષેકે રૂક્ષ રીતે બોલ્યો.

અભિષેક તો ઓફિસ જતો રહ્યો અને લાવણી ઠગાયેલી તે ઊભી જ રહી.